Saturday 3 September 2016

નામ વિનાના માણસો?

રોજબરોજ એવા કેટલા માણસોના સંપર્કમાં આપણે આવીએ છીએ કે જેમના વિના આપણું કામ અટકી પડતું હોય છે પણ એ લોકોનું નામ આપણને ખબર હોતું નથી... આ કોઈ મોટી કે ખાસ વાત નથી; પણ એ વાત છે કે જે આપણી આસપાસ છે અને થોડીક જરૂરી તો છે જ...

ડેડીએ મને એકવાર કહેલું કે જેમનું કામ હોય એમને એમનાં પહેલા નામથી બોલાવીએ તો આત્મીયતા લાગે, પહેલું નામ જે ફક્ત એમનું છે, અટક પણ નહીં, પણ આપણે; તમે ને હું બધા ઘણાને નામથી બોલાવતા નથી, કોઈનું નામ 'લાલ પર્સ લઈને આવતા બેન' કે 'લાંબા ચોટલાવાળા બેન' કે 'પેલા બહુ કડક અને ખરાબ સ્વભાવ વાળા સાહેબ' પડી જાય છે અને એમનું સાચુ નામ શું છે તે જાણવાની કોઈ તકલીફ કરતું નથી...




રોજ ઓફિસમાં સફાઈ કરતો ભાઈ કે ફેવરિટ હોટેલમાં ઘણી વાર જમવા જતા હોઈએ તેમ છતા એ વેઈટરનું નામ આપણે જાણતા નથી, અમુક લોકો તો એનાથી પણ ખરાબ કોઈ વેઈટરને કોઈ વિશિષ્ટ જાતનો અવાજ કે સીટી વગાડીને બોલાવે છે જે કેટલું ખરાબ છે એનો અનુભવ એ રીતે બોલાવનાર માણસને જરૂર થવો જોઈએ... કોઈ રોડસાઈડ ઢાબા પરનો બાળમજૂરી કરતો છોકરો હમેંશા 'છોટુ' જ રહે છે; ભલે પછી એ ૧૨ વર્ષનો હોય; ૧૭ કે ૨૦. રોજ છાપું નાખવા આવતા ભાઈ 'છાપાવાળા ભાઈ' બની જાય છે, કે અમુક અંકલનું નામ 'પપ્પાના પેલા મોટી મૂછો વાળા ફ્રેન્ડ' થઈ જાય છે જે ક્યારેય બદલાતું નથી...




આ પ્રકારના કેટલાય માણસો જે પોતાની બેઝિક ઓળખનાં બદલે કોઈ બીજી જ રીતે ઓળખાય છે એવા લોકોને નામ આ આર્ટિકલ...



Friday 2 September 2016

અધૂરા સંબંધો


જૂનો કોલેજનો મિત્ર હોય, એ સમયે ખાસ દોસ્તી હોય. ને હવે? હવે સમય નથી ને? એટલે એ તમારો ફોન ન ઉપાડે કે વોટ્સએપ પર તમે જોઈ શકતા હો કે એણે વાંચ્યો છે મેસેજ; તો પણ જવાબ મળે ન મળે, ક્યારેક બે-ત્રણ દિવસ પછી જવાબ મળે, અને એમાં પણ લાગે કે જાણે એહસાન કર્યો એણે જવાબ આપીને. એ જ મિત્ર જે કોલેજમાં તરત જ રિપ્લાય કરતો હોય કે અડધી મિનિટમાં જ ફોન ઉપાડતો હોય એની સાથે આમ થાય એટલે ખરાબ લાગે, અને સારી યાદો પણ યાદ આવે, કલાકો સુધી કરેલી વાતો, શેર કરેલા ટિફિન, સાથે બોલેલી ગાળો, પ્રોફેસર્સની કરેલી મજાકો, એકબીજાના પ્રોબ્લેમ્સમાં સાથે ઊભા રહેલા એ સમય, પણ એ સમય જે વીતી ચૂક્યો છે; અને હાલ નથી એ બધુ, હાલ છે બસ આ અધૂરી વોટ્સએપ ચેટ કે ક્યારેક ૩-૪ મહિને થતી ટેલિફોનેક વાતો, અને ધીમે ધીમે એ પણ ઓછી થતી જાય છે, અને ખબર પણ પડતી નથી કે એ સંબંધને સંબંધ કહી શકાય કે નહી... યાદ આવે છે એ બધી જ પળો જેમાં કોલેજમાંથી બંક મારીને મૂવિસ જોયેલી કે ઘરે ખોટુ બોલીને ક્યાંક ફરવા નીકળી ગયેલાં, કોલેજનાં ઘાસમાં બેસીને સૂર્યાસ્ત જોયેલો; વરસાદમાં ભીંજાયેલા અને એ બધુ યાદ કરતી વખતે હવે આંખો ભીંજાઈ જાય છે...







ઓફિસની બહુ જ સરસ દોસ્તી હોય અને રોજ સાથે વાહન શેર કરીને ઓફિસ જવાતું હોય અને કેન્ટીનમાં ચા પણ સાથે પીવાતી હોય અને બે મિત્રમાંથી એક કોઈ દિવસ સખત બીમાર પડે અને યાદ પણ ન રહે કે સાથે આવેલા અને બીજાને લીધા વિના વહેલા ઘેર જતો રહે અને બીજા દિવસે પેલો મિત્ર જો આરોપ લગાવે કે પહેલો મિત્ર જાણી જોઈને એને ભૂલીને ઘરે ગયો તો વાતો જ ધીમે ધીમે ઓછી થતી જાય, અને અંતર બની જાય મોટી ખાઈ, જે પૂરવી કેટલી અઘરી એ તો એમને જ ખબર, સામે ઓફિસમાં મળે તો આંખો નીચી થઈ જાય, અને સમય વીતતો જાય, અને કોઈ એક નિવૃત્ત થવાનું હોય તો પણ બીજો મળે નહીં પણ યાદ બધું જ હોય અને દિલથી દુઆઓ અપાઈ જાય પણ એ સંબંધ જે પહેલા જેવો હતો એવો થઈ ના શકે... અને દિલ ડંખે.




મોબાઈલ કે ફેસબુક આવ્યા પહેલાની સ્કૂલની દોસ્તી હોય અને અચાનક કોઈની બદલી થાય અને એ મિત્ર પછી ક્યારેય મળે જ નહીં અને યાદો રહી જાય બસ, જે રસ્તા પર કોઈ અજાણ્યા ત્રણ-ચાર લોકોને હસી મજાક કરતા જોઈને આપણને રોવડાવી દે. એ યાદો જે સૂર્યાસ્તને જોઈને કે ફૂલોને જોઈને કે ક્યારેય પણ વક્ત-બેવક્ત બસ યાદ આવી જાય, કોઈનું ફેવરિટ ગીત સાંભળીને કે કોઈ મૂવિ જે એને ગમતી હતી એ ટી.વી. પર આવે છે અને એ માણસ પાસે નથી પણ બસ યાદો છે અને અધૂરા આવા કેટલાય સંબંધોમાં જિવાતી આપણી આ જિંદગી.

Thursday 1 September 2016

ઉડાન (૨૦૧૦)

સિમલાની બોર્ડિંગ સ્કૂલમાંથી કાઢી મૂકાયા બાદ ૧૭ વર્ષનો રોહન તેના સ્ટ્રીક્ટ ફાધર પાસે જમશેદપુર આવે છે, એ બાપ જેનો એણે કેટલાય વર્ષોથી ચહેરો પણ જોયો નથી અને ઘરે આવીને જાણે છે કે તેને એક સાવકો ભાઈ પણ છે, બાપ પરાણે તેને એન્જીનીયરિંગ કોલેજમાં એડમિશન અપાવે છે અને પોતાની ફેક્ટરીમાં કામ પણ કરાવે છે, એ જાણ હોવા છતાં કે રોહનને બનવું છે લેખક .....





એક રીતે આ સ્ટોરી સિમ્પલ છે, પણ ફિલ્મમાં જે ડેપ્થ છે, એ ખૂબ ઈફેક્ટિવ છે, મને યાદ છે જ્યારે ફિલ્મ રીલિઝ થયેલી ત્યારે સિલેક્ટેડ થિયેટર્સમાં જ આવેલી, અને મને નહોતી જોવા મળી. એ ફિલ્મ જે એક રીતે દરેક એ માણસની વાર્તા છે, જેને લાઈફમાં પ્રોબ્લેમ્સ છે પ્રેઝન્ટ સિચ્યુએશનથી, જે બનવું છે તે બની શકતો નથી, મુક્ત રીતે ફરી શકતો નથી, આઝાદી નથી... 







રોહન સિમલા છોડતી વખતે એના દોસ્તને એની કવિતા કહેતો હોય છે, દોસ્ત કવિતા સમજી શકતો નથી, પણ એને કવિતા ગમે છે, ખૂબ જ, બંને શાંત બેસે છે થોડી વાર અને બંનેની આંખોમાં જ ફક્ત ભાવ છે, એ ભાવ જે એક મિત્રથી દૂર જતી વખતે મહેસૂસ થાય છે, જ્યારે તમને ખબર હોય કે હવે ફરી ક્યારે મળી શકાશે એ નક્કી નથી, ફિલ્મનાં ઘણાં બધા સીન્સ આ જ રીતે છે, જેમાં ડાયલોગ્સ નથી, બસ સ્ક્રીન પર મેજીક છે, રેલવે સ્ટેશન પર બોર્ડિંગ સ્કૂલની પેટી ખસેડતો રોહન, એના ઘરનો સન્નાટો, ઘરથી ફેક્ટરી સુધીનો રસ્તો, રોજ સવારે બાપ જ્યારે મોર્નિંગ વોક પર લઈ જાય ત્યારે દેખાતું જમશેદપુર, ખુલ્લા ઘાસનાં મેદાનમાં કે નદી કિનારે બેસેલો રોહન... એના સાવકા નાના ભાઈ અર્જુનની આંખો, જે ચૂપ હોવા છતાં ઘણું કહેતી હોય છે. એના બાપનો ગુસ્સો, એનું ફ્રસ્ટ્રેશન, આ બધા જ સીન્સ મૂવિની ઉત્તમ સિનેમોટોગ્રાફી છે...















ફિલ્મનો દરેક સીન કંઈક સમજાવે છે, જેના માટે તમારે એને ફીલ કરવું પડે, એક એવી રાઈડની જેમ, જેમાં બેઠા વગર એનો આનંદ ન અનુભવી શકાય... એના કાકાનો રોહનને સપોર્ટ, ફોટો આલ્બમ જોતી વખતની પળો... એવું કેટલુંય છે જે ફક્ત ફિલ્મમાં જોઈ જ શકો, એને કહેવા માટે મારી પાસે શબ્દો નથી, આ બધામાં ભળે છે અમિત ત્રિવેદીનું સુપર્બ બેકગ્રાઉન્ડ મ્યુઝિક, જે ખાંડનું કામ કરે છે, જેના વગર આ આખી મિઠાઈ મોળી જ લાગે...