Saturday 29 October 2016

એ દિલ હૈ મુશ્કિલ (૨૦૧૬)








દિલની વાતો પર કંટ્રોલ હોતો નથી, કોઈ વ્યક્તિ ગમવા લાગે છે, કેમ ગમે છે, કેમ એ જ વ્યક્તિ ગમે છે એ બધું આપણાં કંટ્રોલમાં હોતું નથી, એટલું ગમવા લાગે છે કે એના વિના ગમતું નથી, બસ એનો પ્રેમ મેળવવા માટે પ્રયત્નો કરતું થઈ જાય છે દિલ, અને દિમાગ પર પણ હાવી થઈ જાય છે દિલ, અને પછી જન્મે છે દર્દ. જો પ્રેમ મળે તો ખુશી થાય છે, પણ એના પછી પણ કેટલાંય કોમ્પ્લિકેશન્સ હોય છે, અને જો પ્રેમ મળતો નથી તો જિંદગી વિશે શીખવા જરૂર મળે છે...


અયાન અને અલીઝેહ લંડનમાં મળે છે, સાથે ફરે છે, મસ્તી કરે છે, દોસ્ત બને છે, એકબીજાને જાણે છે, અને દોસ્તીની વચ્ચે આવી જાય છે પ્રેમ. જેની આસપાસ વાર્તા ફરે છે, એક વાત ખૂબ જ સુંદર રીતે વણાયેલી છે ફિલ્મમાં કે પ્રેમ તો હોય જ છે દરેક સંબંધમાં, પણ એનો પ્રકાર અલગ છે ફક્ત, પણ ત્યાં હાજર તો છે જ પ્રેમ, પણ દિલ એટલાં પ્રેમથી સંતોષ માનતું નથી, એને વધારે જોઈએ છે, કશું પણ કાયમી ક્યાં છે, શું ખાતરી છે કે જેને પ્રેમ કરો છો એની સાથે જ ખુશીથી રહી શકશો, એવી કોઈ ગેરંટી આપતું નથી. એવી ઘણી બધી વાતો ફિલ્મની અંદર ફિલોસોફીની જેમ છુપાયેલી છે... કોઈને પ્રેમ કરો છો તો હાલ જે પળ છે એને માણી લો, જીવી લો ભરપૂર એની સાથે. આ બધી વસ્તુઓ ડાયરેક્ટલી કહેવામાં આવી નથી, પણ સ્ક્રીન પર અહેસાસ જરૂર થાય છે...





નિરંજન અયંગર અને કરણ જોહર દ્વારા લખાયેલાં ફિલ્મનાં ડાયલોગ્સ વિશે મારે સ્પેશ્યલી વાત કરવી છે. આ બધાં ડાયલોગ્સ ટ્રેઈલરમાં સાંભળી ચૂક્યા છીએ, અને એ જ બધાં કી પોઈન્ટસ છે, સબાના પાત્રનો એક ડાયલોગ છે: "મહોબ્બત કરના હમારે બસ મેં નહીં હૈ, ઉસ મહોબ્બત સે દૂર ચલે જાના વો હમારે બસ મેં હૈ"; અયાનને અહેસાસ થાય છે કે હવે એણે એ પ્રેમને જવા દેવો પડશે, જે પ્રેમ એનો નથી થઈ શકતો, એ સીન ખૂબ જ સુંદર છે, બીજો ડાયલોગ છે: "એકતરફા પ્યાર કી તાકાત હી કુછ ઔર હૈ, ઔરો કે રિશ્તે કી તરહ વો દો લોગોમેં નહીં બટતી, સિર્ફ મેરા હક હૈ ઈસપે",  કેટલું સુંદર લખ્યું છે કે એકતરફી પ્રેમ કરવા માટે સામેવાળા માણસની ક્યાં જરૂરત છે જ સંબંધમાં, બીજું માણસ સંબંધમાં નથી હોતું એમ છતાં પહેલું માણસ પ્રેમ તો કરે જ છે. ત્રીજો અને મારા સૌથી ફેવરિટ સીનમાં આવતો ડાયલોગ છે: "અજીબ કહાની હૈ પ્યાર ઔર દોસ્તી કે રિશ્તે કી, પ્યાર હમારા હીરો ઔર દોસ્તી હમારી હિરોઈન", એ સીનમાં અનુભવાય છે કે પ્રેમ પ્રેમ પ્રેમ કર્યુ આટલું બધું, પણ એ તો ત્યાં હાજર હતો જ, જે વ્યક્તિમાં શોધ્યો પ્રેમને એનામાં પ્રેમ હતો જ પણ થોડો અલગ, એને બસ ઓળખવાની જરૂર હતી... 




ડિરેક્ટર કરણ જોહર વિશે ઘણાં લોકોને ફરિયાદ હોય છે કે એની ફિલ્મમાં હમેંશા પૈસાદાર લોકોની જિંદગીની વાતો હોય છે, પણ એ એની સિનેમા સ્ટાઈલ છે, એ વાત આપણે સ્વીકારવી જ રહી. ઈમોશન્સ તો બધાના સરખાં હોય છે, કોઈ રડે ત્યારે આંસુ જ બહાર નીકળે છે, જેને ગરીબ કે પૈસાદાર હોવા સાથે સંબંધ જ નથી. કરણે એની સ્ટાઈલમાં ઘણી બધી વસ્તુઓ નાખી છે, તેમ છતાં એના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને એણે ઘણું કર્યુ છે આ ફિલ્મમાં, ઈમોશન્સના મામલે એની બીજી ફિલ્મોમાં થોડોક વધારે મેલોડ્રામા થઈ જાય છે, પણ અહીં એવું લાગતું નથી, રિયલ લાગે છે, ફીલ થાય છે કે હા આવી ખુશી મહેસૂસ થયેલી છે, હા દિલ તૂટે ત્યારે આ જ ફીલિંગ આવે છે એવું સ્ક્રીન પર જ્યારે આવે ત્યારે લાગે છે જ. 





કરણને ગમતાં બોલીવુડ સોંગ્સ, ડાન્સ સીક્વન્સ, અયાને પહેરેલાં ચશ્માં, એવું લાગે છે જાણે કરણનાં પોતાનાં એલિમેન્ટ્સ અંદર ઉમેરવામાં જરૂર આવ્યાં છે, ફિલ્મનાં ડાયલોગ્સ ખૂબ સરસ છે, કેટલાક ઉર્દૂ ડાયલોગ્સ સમજવાં પડે એવાં છે જે સબાના પાત્રને ભાગે આવ્યાં છે, બાકી અયાન અને અલીઝેહ જે રીતે વાત કરે છે એ બધું પોતાનું લાગે છે, પ્રેમ; દોસ્તી; હર્ટબ્રેક; ફિઝિકલ એટ્રેક્શન; પ્લેટોનિક લવ. એવી ઘણી બધી વસ્તુઓ વચ્ચેનો સૂક્ષ્મ ભેદ તો પારખી જ શકાય છે આ ફિલ્મ જોયા પછી... લંડન, પેરિસ અને વિયેનાના ખૂબ જ સુંદર લોકેશન્સને સિનેમોટોગ્રાફર અનિલ મહેતા દ્વારા ખૂબ સારી રીતે પિક્ચરાઈઝ્ડ કરવામાં આવ્યાં છે. આની પહેલાં મારું માનવું હતુ કે 'કભી અલવિદા ના કહેના' કરણ જોહરનું અત્યાર સુધીનું સૌથી સારું કામ છે, પણ હવે એ સૌથી સારું કામ છે 'એ દિલ હૈ મુશ્કિલ'. રણબીર કપૂર અને અનુશ્કા શર્મા ; બંનેની કેમિસ્ટ્રી ખૂબ સરસ લાગે છે સ્ક્રીન પર, અને બંનેએ જબરદસ્ત એક્ટિંગ કરી છે, અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખાયેલાં અને પ્રીતમ દ્વારા કમ્પોઝ થયેલાં ગીતો ફિલ્મની રિલિઝ પહેલાં જ હીટ છે, અને બધાં ગીતો સાંભળવા ગમે એવાં છે, મારું માનવું છે કે બેસ્ટ રોમેન્ટિક ફિલ્મ્સનું નવું હવે પછી જે લિસ્ટ હશે એમાં આ ફિલ્મ જરૂર જ હશે.

Friday 28 October 2016

ખામખા (૨૦૧૬)






હીરોની કાર બગડી છે અને કાર ડ્રાઈવરને સોંપી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં ચડે છે, તેને પહોંચવું છે કોઈ જગ્યાએ, અને બસમાં મળે છે હિરોઈનને, જે હીરોની બાજુમાં બેઠેલા કાકા સાથે મરાઠીમાં વાત કરે છે, અને હિન્દીનું પુસ્તક વાંચે છે. પૈસાદાર અને સ્ટાઈલિશ હીરોને નવાઈ લાગે છે, અને તરત જ તે મનમાં પૂર્વધારણા બાંધી લે છે,... અને હિરોઈન પણ સામે તરત જ હાજર જવાબ આપે છે, અને તેને ખ્યાલ આવે છે કે બધું આપણને દેખાય છે, તેવું છે નહીં, ...


કોઈ માણસ આ રીતે બીહેવ કરે છે, આ રીતનાં કપડાં પહેર્યા છે, એટલે આ જ ટાઈપનું હશે, કે પેલી ટાઈપનું જ હશે, એવું આપણે બધા પહેલી મુલાકાતમાં માની લઈએ છીએ. આરતી બાગ્દીની હિન્દી દિવસ પર ગયા મહિને રિલિઝ થયેલી આ શોર્ટ ફિલ્મ એની પર જ ફોકસ કરે છે, સ્ટોરી વધારે હું કહીશ તો મજા બગડી જશે, બેટર છે કે આ ફિલ્મ જાતે જુઓ અને નક્કી કરો કે શું અનુભવી શકાય છે! બંને પાત્રો ખૂબ સુંદર લખાયા છે, ડિસ્કસ કરે છે, સાથે ચા પીવે છે, થોડુક ફિલ્મી પણ લાગે કદાચ, પણ ગમશે જરૂર આ 'મીટ ક્યૂટ' વાર્તા. ફિલ્મની અંતે આવતું એક ગીત વાર્તામાં ચાર ચાંદ ઉમેરે છે, આ રહી ફિલ્મની લિંક...




Wednesday 26 October 2016

હેપી બર્થડે રજનીકાંત



કેટલું ભારેખમ નામ છે તારુ! એટલે જ તને રજની કે આરકે કહેવુ વધારે ઈઝી છે... તું એવા દોસ્તોમાંથી એક છે જેની સાથે અડધી રાતે પણ કોઈ પ્રોબ્લેમ શેર કરી શકાય અને ક્યારેય પણ કોઈ કામ હોય જે તારાથી ના પણ થઈ શકે એમ હોય તો પણ તે ક્યારેય ના પાડી નથી... મને યાદ નથી કે પહેલી વાર આપણી ઓળખાણ ક્યારે થયેલી, કદાચ કૃણાલનાં લીધે, પણ મને સાચે જ યાદ નથી, સોરી! એક્ચ્યુલી મને યાદ છે દર વીકેન્ડમાં પાલનપુર ભાગી જતો અને ઓલ્વેઝ મેસેજીસથી ટચમાં રહેતો તુ, ...

પાંચ વર્ષ પહેલાનો ફોટો છે ઉપર જે છે એ, અને હાલ વિચારુ છું કે કેટલા બદલાયા છીએ આપણે, થોડુક વજન તો જરૂર વધ્યુ જ છે! એક વાત કહુ તો કદાચ માનવામાં નહી આવે, તે જે દિવસે મને પ્રોવીઝનલ ડિગ્રી સર્ટીફીકેટ આપ્યુ એ પછી ગાંધીનગરમાં હોવા છતાં હું કોલેજ ગયો જ નથી, કારણ કે ત્યાં જઈને જે બધી યાદો છે બધા ફ્રેંડસની એ સહન કદાચ થાય ન થાય, આઈ ડોન્ટ નો હું ગયો જ નથી! 

યાદ છે એકવાર ટ્રેક્ટરમાં લિફ્ટ લીધેલી કોલેજથી જી.ઈ.બી. સુધી? જેના ફોટોસ હજુ પણ તારી ફેસબુક ટાઈમલાઈન પર છે, એવી બધી જે પળ છે, ઇફ્કોની વિઝિટ હોય કે અડાલજની વાવ, કે કોલેજનાં પહેલા 4 સેમેસ્ટરમાં કાનમાં ઈયરફોન ખોસીને કોઈનામાંથી એસાઈમેન્ટ કોપી કરતો તું અને તારામાંથી કોપી કરતો હું! એકસાથે કેટલા ટાસ્ક કરી શકતા એ વખતે આપણે, કદાચ વર્ડ મલ્ટિટાસ્કિંગ તારા માટે ચોક્કસ જ વાપરી શકાય. હજુ પણ એ સાંજ મને યાદ છે જ્યારે થર્ડ સેમની એક્ઝામ પછી સીટી બસમાં જતા હતા પથિકા... એ સાંજ કદાચ આપણે સાથે વીતાવેલી સૌથી સારી યાદોમાંની એક છે મારી માટે!

હા, સમય જરૂર બદલાય છે, બધાં પ્રોમિસ કરતાં હતાં કે કોલેજ પછી ટચમાં રહીશું ને મળીશું ને થોડેક જ દૂર હોવા છતાં મળી શકાતું નથી, વાંક મારો પણ છે કે હું ક્યારેય ટાઈમ કાઢીને સ્પેશ્યલી તને નથી મળ્યો જે રીતે બીજા બધાંને મળતો હોઉં છું, એ માટે માફી પણ માંગુ છું... વર્ષો વીતતા જાય છે અને બસ યાદો સિવાય તપાસે રહેતું નથી, સમય હાથની મુઠ્ઠીની રેતીની જેમ સરકે છે જેને મુઠ્ઠી દબાવી કે જકડી રાખવાનો પ્રયત્ન કરીએ એમ વધારે સરકે બસ એ રીતે જ! પણ હું ઈચ્છીશ કે પહેલાંની જેમ જરૂર મળી શકીએ, જેમ કોલેજમાં હતું, જિંદગી વિશેની ઝાઝી માથાકૂટ વગરનાં આપણે... આઈ વિશ કે તને દરેક ખુશી મળે, દરેક દિવસને ભરપૂર જીવે, અ વેરી હેપી બર્થડે!

હેપી બર્થડે ઋતુરાજ



મને બરાબર યાદ છે છ વર્ષ પહેલાં તને પહેલી વાર મેં જોયો હતો, અને એના પછી મુલાકાત થયેલી બે-અઢી મહિના પછી, વર્કશોપમાં, એ દિવસે મારી એ ફીટિંગની જોબ બિલકુલ જ પૂરી ન થઈ હોત જો તે અને કુંતલે મદદ ન કરી હોત. અને પછી વાતો થઈ, મુલાકાતો થઈ, અને દોસ્તી થઈ. સેકન્ડ સેમમાં સિવિલનાં સબમિશન વખતે એકબીજાને કેટલી મદદ કરેલી અને ઈ.જી.ની એક્ઝામ વખતનો તારો ચહેરો મને બરાબર યાદ છે, એ વખતનું તારા ચહેરા પરનું ટેન્શન મને હજુ યાદ છે! 

આપણી કોલેજ વખતની દોસ્તીમાં મોટા ભાગે એવું બન્યું છે કે તારો ને મારો ઓપિનિયન ઓપોઝિટ જ રહ્યો છે, અને મોસ્ટલી આર્ગ્યુમેંટસ થતી, જે મને બિલકુલ જ ગમતું નહોતું! પણ આજે સમજી શક્યો છું કે બંને પોતાની રીતે સાચા હતાં, પોતાની જગ્યાએ સાચા હતાં. એનરીક ઈગ્લેસિયસનાં સોંગ્સથી માંડીને સ્પિરિચ્યુઆલિટી સુધીની એવી કોઈ વાત નથી જેની પર આપણે ડિસ્કશન ન કર્યુ હોય! ડગલે ને પગલે તે સાથ આપ્યો છે મને, આત્મવિશ્વાસ પૂર્યો છે મારામાં તે, ઘણી બધી વાતોમાં તે મને સમજાવ્યું છે કે દુનિયા સીધી સાદી છે જ નહીં, જે તારા સિવાય મને કોઈ સમજાવી ન જ શક્યું હોત, અને એ બધા માટે હું તારો ખૂબ જ આભારી છું; ખૂબ જ!




જ્યારે પેપર ખરાબ જાય ત્યારે તારો જવાબ તૈયાર જ હોય કે, ગયું ને હવે એ? મારે પણ એવું જ ગયું છે! અને એકબીજાનાં સથવારે આખા એન્જીનીયરિંગની કેટલીય રેમેડિયલ પરીક્ષાઓ સોલ્વ કરી છે આપણે! તું હતો મારી સાથે જેના લીધે મેં અનુભવ્યું છે કે ખાલી એક્ઝામમાં ફેઈલ થવાને કારણે હું જિંદગી નથી હાર્યો, હું લૂઝર નથી, અને એ અહેસાસ મને તારા થકી જ મળ્યો છે. 

હાંફતા હાંફતા તારી સાથે ચડેલો ગિરનાર હોય કે કોલેજનાં શાંત ટેરેસ પર શેર કરેલી વાતો કે દીવનાં દરિયાકિનારાની મસ્તી, બધી જ પળો જાણે હમણાં જ બની હોય એટલી તાજી છે, અને હું ખુશ છું કે પહેલા જેવી જ દોસ્તી આપણે જાળવી શક્યા છીએ બહું જ ઓછી ગેરસમજો સાથે, ઘણું લખવું છે પણ હાલ યાદ આવતું નથી! હું ઈચ્છા રાખું કે તુ લાઈફમાં ખૂબ પ્રોગ્રેસ કરે અને ખુશ રહે... જન્મદિન ખૂબ ખૂબ મુબારક!

Tuesday 25 October 2016

પહેલી છાપ




કોલેજનાં પહેલા સેમેસ્ટરની મિડ સેમ એક્ઝામનું પહેલું પેપર હતું, મેથ્સ-1, હું બેઠો હતો જે બેંચ પર મારો નંબર હતો ત્યાં અને ફોર્મ્યુલાસ યાદ રાખવાનો ટ્રાય કરતો હતો, આસપાસમાં એટલો અવાજ હતો કે મને ગુસ્સો આવતો હતો. અને મારી આગળની એક બેંચ છોડીને જે બેંચ હતી ત્યાં એક છોકરો ખૂબ જ જોર જોરથી હસતો હતો, એનું લાફ એટલું ઈરિટેટિંગ હતુ કે ના પૂછો વાત! પીંક કલરનો શર્ટ પહેરેલો એણે મને બરાબર યાદ છે, આછી આછી દાઢી અને માથે તિલક, મેં ક્યારેય એ પહેલા એને જોયો નહોતો, એટલે મને હતું કે મારી બ્રાન્ચમાં એ નહીં હોય, પણ એક્ઝામ ચાલુ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે મારી જ બ્રાન્ચમાં હતો એ, કારણ કે એનો નંબર હતો 85 અને મારો 87. જ્યારે કોઈને પણ પહેલી વાર જોઈએ છીએ કે મળીએ છીએ, ત્યારે એના વિશે પૂર્વધારણા જરૂર બાંધી લઈએ છીએ, મેં પણ એ જ કરેલું, મને લાગેલું કે એ બિલકુલ ડલ હશે, કારણ મેં કોઈ પણ લેક્ચરમાં એને જોયેલો નહીં, કે ના ક્યારેય કોઈ લેબમાં. એની બાજુમાં બેઠી હતી પહેલી જ નજરે કોઈ ટોમબોય ટાઈપની લાગતી છોકરી અને એના વિશે પણ ધારી જ લીધેલું કે બહું જ એરોગન્ટ હશે ને આમ હશે ને તેમ. એ છોકરો બીજા દિવસે એના એક બીજા ફ્રેન્ડને દૂરથી બૂમો પાડતો હતો, ખૂબ વધેલી દાઢી વાળો એ છોકરો, જેના વિશેની ધારણા પણ, ધારણાઓ બધી મોટે ભાગે ખોટી પડે છે એમ જ ખોટી સાબિત થયેલી, કારણ કે એ લોકો મારી કોલેજ લાઈફનાં સૌથી સારા મિત્રો સાબિત થયેલાં. 

છ વર્ષ થયા છે આજે ઉપરની આ ઘટનાને, એમ થાય છે કે એ સમયમાં પાછો જાઉં અને બધું ફરીથી અનુભવ કરું. એ બધા જ અનુભવો જે મને આ લોકોએ આપ્યા છે, એમની સાથે માણ્યા છે મેં, લેક્ચર બંક કરવાથી માંડીને પર્સનલ પ્રોબ્લેમ્સ શેર કરવા સુધીના, પણ એક વાર ગયેલો સમય ફક્ત યાદો સિવાય કંઈ આપતો નથી, અને હા, પહેલી વાર કોઈના માટે ધારેલી વાત મોટે ભાગે મારી સાથેના કિસ્સાઓમાં ખોટી જ પડી છે!!