Wednesday 30 November 2016

ડિયર જિંદગી - મારા દિમાગમાં ઉત્પન્ન થયેલું વિચારોનું વાવાઝોડું!

આ પોસ્ટમાં 'ફિલ્મ સ્પોઈલર્સ' છે, તો જેમણે ફિલ્મ નથી જોઈ એ લોકોને માટે હિતકારક નથી...!! નથી જોઈ ફિલ્મ એમને માટે બીજી પોસ્ટ છે અહીં... ડિયર જિંદગી (૨૦૧૬)





એક રીતે આ ફિલ્મ ભલે 'માસ્ટરપીસ' નથી તો પણ એક રીતે છે! ફિલ્મમાં ઘણી વાતો ડાયરેક્ટલી કે ઈનડાયરેક્ટલી કહી છે કે તમે જિંદગી આવી રીતે જીવી શકો છો... તો અહીં રજૂ છે ફિલ્મ જોયાં પછી મારા દિમાગમાં ઉત્પન્ન થયેલું વિચારોનું વાવાઝોડું! 




કાયરા (આલિયા ભટ્ટ) સિનેમટોગ્રાફર છે અને પહેલા જ સીનમાં કોઈ ફિલ્મનો સીન શૂટ થઈ રહ્યો છે. ફિલ્મની અંદર ફિલ્મ! પોતાની બેવફાઈથી નારાજ થયેલી ગર્લફ્રેન્ડને બોયફ્રેન્ડ મનાવવાનો પ્રયત્ન કરે છે અને મનાવી લઈને બંને ભેટે છે, કાયરા ડિરેક્ટરને રિટેક માટે કહે છે અને છેલ્લે સીનની અંદર ઉમેરાવે છે કે બંને ભેટે પછી છોકરી નજીકમાંથી પસાર થતાં બીજા છોકરાને 'ચેકઆઉટ' કરે! આ એક જ વસ્તુમાં ડિરેક્ટર ગૌરી શિંદે આપણને ઘણી વાતો કહી દેવા માંગે છે જે ફિલ્મમાં પછીથી આવશે, અને કાયરાની મનોસ્થિતિ પણ કે પ્રેમ એની પાસે હોવા છતાં કાયરા પ્રેમ શોધતી જ રહે છે, એને આખી ફિલ્મ શૂટ કરવી છે પણ એને થોડાક જ સીન્સ માટે લીધી છે (ઓરિજિનલ સિનેમટોગ્રાફર બીમાર હોવાથી.) એ કહે છે કે બીજા કોઈને ખબર પણ નહીં પડે કે આ સીન એણે શૂટ કરેલો, એ વાજબી નથી, એ કદાચ રૂપક છે એની જિંદગી સાથેનું; કે કોઈ ક્યારેય જાણશે નહીં કે એની અંદર પણ રાઝ છે એનાં પોતાનાં ભૂતકાળનો! 





કાયરા એકદમ ગુડ ગર્લ છે, એ બીજા લોકોની સંભાળ પણ રાખે છે, સારી રીતે વર્તે પણ છે પણ એ થોડી ચીઢિયાં સ્વભાવની પણ છે, મૂડી પણ છે. એની પ્લેનની ટિકિટ ઈકોનોમીમાંથી બિઝનેસ ક્લાસમાં અપગ્રેડ નથી થઈ તો એ પ્રોડ્યુસર રઘુવેન્દ્ર (કુણાલ કપૂર) સાથે ટિકિટ એક્સચેન્જ કરવા નથી માંગતી, કારણ કે એ બીજી વ્યક્તિનો સફર બગાડવા નથી માંગતી!



બોયફ્રેન્ડ સિડ (અંગદ બેદી) સાથે મુલાકાત ગોઠવે છે પેલાનાં ખુદનાં રેસ્ટોરન્ટમાં અને બીજા અમુક ટીનેજર્સ જેમને મેનેજર આવવા નથી દેતો કારણ એમનો ડ્રેસકોડ બરાબર નથી તો કાયરા સિડને રીક્વેસ્ટ કરે છે એમને આવવા દેવા માટે, બેઝિકલી એ સિડની સાથે બ્રેક અપ કરવાં માટે આવી છે અને ડિનર શરૂ થાય એ પહેલાં એ કહી દે છે એ વાત. સીધી જ કોઈ પણ આડી અવળી વાત કે વાતને ગોળ ગોળ ફેરવ્યા વગર. પણ જે છે એ છે! કારણ જે બગડવાનું જ છે એને સુધારી શકાશે નહીં તો ખોટું પહેલાં સારી રીતે ડિનરનો ડોળ કરવો! ત્યાંથી નીકળીને એ 'સ્ટ્રીટ ફૂડ' ખાવા માટે જાય છે અને એક ગરીબ છોકરો એની પાસે માંગે છે કે એ ભૂખ્યો છે તો એ એની ડિશ પેલાં છોકરાને આપી દે છે, એ પોતે ખુશ નથી તો પણ એ બીજાને ખુશ કરી શકવાની ક્ષમતા ધરાવે છે!

એની કેરટેકરને પણ લાંબા સમયે જોઈને ખુશ છે એ. પણ આટલી જીવંત છોકરી જાતે જ બધું મેસ કરી દે છે કારણ કે એ પોતાની જાતને વ્યક્ત કરતી નથી, કેરટેકર વ્યવસ્થિત રીતે કાયરાની વસ્તુઓ ગોઠવે છે અને એ ગોઠવેલી એની જ વસ્તુઓ પોતે ફેંદી નાખે છે અને કહે છે કે હવે બરાબર છે... એ સીન કદાચ કહે છે એણે પોતે જ કરી છે એની લાઈફ ગૂંચવણભરી. બિનજરૂરી વસ્તુઓ ઓનલાઈન ખરીદતી રહે છે, પણ એને જરૂરી ન લાગે એની સાથે વાત પણ કરતી નથી! પછી મકાનમાલિક હોય કે એની પોતાની મા! 




કાયરા એની સાથે કામ કરતાં એના ફ્રેન્ડને પૂછે છે કે શું એ થેરપિસ્ટ પાસે એટલા માટે જાય છે કે એ બીજા લોકોને કહી શકે કે એ હોમોસેક્સ્યુઅલ છે, પણ એનો ફ્રેન્ડ એને કહે છે કે ના; પણ એટલા માટે કે એ પોતાની જાતને કહી શકે! પોતાની જાતને જ જણાવવાની હોય છે હકીકત કે મારે આવી નહીં પણ આવી જિંદગી જોઈએ છે, બાકી 'એ લોકો' જે 'વાતો' કરે છે એ તો 'વાતો' કરવાનાં જ! કાયરાનાં રિલેટવ અંકલ એને પૂછે છે કે ફિલ્મ બિઝનેસમાં તો ઘણા લોકો ગે હોય છે, અને તરત જ કાયરા નચિંતી અદામાં કહી શકે છે કે તમારી ઓફિસમાં પણ હશે; પણ એમને છૂપાઈને રાખવી પડતી હશે પોતાની ઓળખ. કંઈ પણ હોય ફિલ્મ બિઝનેસ સૌથી મોટો ટાર્ગેટ! એક બીજી આન્ટી પહેલાં સલમાન ખાનની ખૂબ તારીફ કરે છે; એનાં બોડીની અને લુક્સની, પણ થોડી જ વાર પછી એ આન્ટી એને કહે છે કે હરવા-ફરવાનું ઠીક, પણ લગ્ન થોડાં કરાય ફિલ્મી લોકો સાથે, જાણે એ લોકો માણસમાં જ નથી આવતાં! ફિલ્મો જોઈ શકાય પણ ફિલ્મોમાં કામ ન કરાય, ફિલ્મી કરિયર 'પ્રોપર જોબ' ન ગણાય, પોતાને જે ગમે છે એ કરી ન શકાય, ફિલ્મી લોકોની પાછળ ક્રેઝી થઈ શકાય, એમની સાથે સંબંધ ન રાખી શકાય, કેટલો સરસ દંભ બતાવ્યો છે આપણી આસપાસ રોજેરોજ જીવાતો! 

ગોવાના પોતાના ઘરે આવીને એ પોતાની બાળપણની ઢીંગલી શોધવાનું કહે છે એની મમ્મીને, એક રીતે એ પોતાનું બચપણ શોધે છે! અને એની ચીજ શોધતી વખતે એના ભાઈની વસ્તુ એને મળે છે, એના ભાઈની 'કોમિક બુક'; જે એના ભાઈની ફેવરિટ હતી, તો એ 'કોમિક બુક' એના ભાઈને આપતી વખતે પણ એ ખુશ છે કે એ બીજા કોઈને ખુશ કરી શકી!  





જહાંગીર થેરપિસ્ટ હોવાની સાથે સાથે તૂટેલી સાઈકલ્સ પણ રિપેર કરે છે, તૂટેલી વસ્તુઓ અને જિંદગીની સમસ્યાઓ પણ... એની પોતાની જિંદગી પરફેક્ટ નથી; કોઈની જિંદગી હોતી નથી પરફેક્ટ; તેમ છતાં એ પણ બીજાને ખુશ કરીને ખુશ છે! આઈ વિશ કે એનાં પાત્રની થોડી વધારે વસ્તુઓ હું સમજી શકુ; પણ એ માટે મારે બીજી વખત ફિલ્મ જોવી પડશે! કારણ કે આ વખતે મારુ બધું ધ્યાન કાયરા પર જ જતું હતું, જહાંગીરનાં રોલમાં શાહરુખ ખાન હોવા છતાં! 




કાયરાને એક રાત્રે સપનું આવે છે અને એ સપનામાં એ કોઈ નવું બાંધકામ થતું હોય એવી જગ્યાએ છે એ વખતે મારુ માનવું છે કે આસપાસ કામ કરતાં લોકો પણ એક રૂપક છે કે એ બધાં પોતાનું કામ કરે છે એમને શું કરવાનું છે એ ખબર છે. એકલી એ પોતે જ છે જેને ત્યાં કેમ છે એ ખબર નથી; કારણ કે એ બધાંથી અલગ છે. કેમ કે એણે શોધવાનું છે કે એને ક્યાં જવાનું છે; અને એના પછી એ પડી જાય છે કાદવમાં; અને આસપાસ કેટલીક પરણેલી સ્ત્રીઓ આવી જાય છે જાણે એની ઠેકડી ઉડાવતી. અને એને પોતાને લાગે છે કે એ ડર્ટી થઈ છે અને બીજા લોકો એના કેરેક્ટરને જજ કરે છે, કારણ કે એ ખુશ નથી લવ લાઈફમાં અને એના બોયફ્રેન્ડસ ઈસ્યૂઝ. પણ જહાંગીર સમજાવે છે કે પ્રેમ અને સારુ પાત્ર ખુરશી જેવું છે; દુકાનમાં ખુરશી લેવા જઈએ તો પહેલી ખુરશી જ પસંદ કરી લેતાં નથી, ખુરશી ખરીદવાની પ્રક્રિયાને જિંદગીમાં પાર્ટનર શોધવા સાથે કેટલું સરસ સરખાવ્યું છે! 




આખી ફિલ્મમાં કાયરાની હેર સ્ટાઈલ મારે માટે એક બહું મોટી વસ્તુ છે! એક તો એના પાત્રનાં વાળ અને કપડા ડિરેક્ટર ગૌરી શિંદે જેવા છે થોડા! એ જ્યારે આઝાદ ફીલ કરતી હોય છે પોતાની જાતને, ત્યારે વાળ ખુલ્લા હોય છે મોટે ભાગે. જ્યારે કંઈક મૂંઝવણમાં છે, ગૂંચાયેલી છે ત્યારે વાળ બાંધેલાં છે. (એવું મારું માનવું છે!) રઘુવેન્દ્ર એને ખુલ્લા વાળ બાંધવાનું કહે છે; કદાચ એ કાયરાને પોતાના કાબુમાં રાખવા માંગે છે! સિડ સાથે આઝાદ છે એટલે જ એનાં ખુલ્લા વાળ છે રેસ્ટોટોરન્ટનાં સીનમાં. પેરેન્ટસની સામે ઈમોશનલ સામનો કરવાનો છે; દિલની કોઈ વાત કહેવાની આવે છે ત્યારે વાળ બાંધેલા જ છે! ડૉ. જહાંગીર ખાન સાથે જ્યાં સુધી એ બરાબર રીતે વસ્તુઓ શેર નથી કરી શકતી; ત્યાં સુધી વાળ બાંધેલા છે, જ્યારે એની પર વિશ્વાસ કરવા લાગે છે, દિલની વાત કહે છે, સિક્રેટ કહે છે દિલનું ત્યારે ફરી ખુલ્લા છે વાળ!



મિત્રો હમેંશા મિત્રો છે, એક રાતે ઝઘડીને બીજી સવારે મનાવી પણ લેવાય છે, કે અમુક વાર વર્ષો પણ લાગી જાય, પણ દોસ્તી ખતમ થતી નથી! (કાયરા અને જેકી)

યાદો અને વસ્તુઓ હમેંશા સંઘરી શકાય છે અને ગર્વ પણ લઈ શકાય છે કે આ વસ્તુને આટલો સમય થયો, આ યાદ આટલી જૂની છે! 





જેમનું બાળપણ સારી રીતે પસાર નથી થતું એમની માટે મને બહું ખરાબ લાગે છે કે કારણ કે મોટે ભાગે જિંદગી પર એની અસર પડે છે, એવા લોકો સમજી પણ શકતાં નથી કે એમની જિંદગીમાં શું ખોટુ થઈ રહ્યુ છે પણ એમાંથી બહાર નીકળવાનું છે... ભૂતકાળ વર્તમાનને બ્લેકમેઈલ કરી સુંદર ભવિષ્યને ન બગાડે એ આપણે બધાંએ જોવાનું છે!





ફિલ્મ વિશે બીજી પોસ્ટ:

ડિયર જિંદગી (૨૦૧૬)

જસ્ટ ગો ટુ હેલ દિલ

Monday 28 November 2016

ડિયર જિંદગી (૨૦૧૬)




લાઈફ, જીવન, જિંદગી, આયખું અને બીજા ઘણાં શબ્દો. પણ મતલબ ફક્ત એક જ; જન્મથી મૃત્યુ સુધીનો આખો સમયગાળો. ફક્ત હૈયુ ધબકતું હોય એ પૂરતું નથી. દરરોજ શ્વાસ લેવાથી જ જિંદગી જીવાતી નથી, અનુભવવી પડે છે એને, સમજવી પડે છે. હસવું પડે છે અને રડવું પણ. શીખવું પડે છે નવું નવું, ક્યારેક નિરાશ થવાય છે, ક્યારેક સફળ થવા મળે છે. પણ જીવવું તો પડે જ છે અને એ પણ દરેકને પોતાનું જ જીવન, બીજાની જિંદગી જીવી શકાતી નથી. (સિવાય કે ક્યારેક ફિલ્મ અને નવલકથાનાં પાત્રોની કલ્પનાઓ કરવાથી કે ગમતી વ્યક્તિ વિશેની ઝંખનાની ભ્રમણામાં!)






જ્યાં સુધી જિંદગીમાં ગમતું હોય એ બધું થાય ત્યાં સુધી વાંધો આવતો નથી. પણ ન ગમતું થાય ત્યારે હતાશા, ઉદાસી, ચિંતા, નિરાશા અને બીજી ઘણી ખરાબ લાગણીઓ આપણી આસપાસ દીવાલ બનાવી લે છે... આપણે અસહાય થઈ જઈએ છીએ, અમુક સ્થિતિમાં નજીકની વ્યક્તિઓ, મિત્રો, માતા-પિતા એ બધાં હોય છે આપણી સાથે, ક્યારેક ન પણ હોય. ક્યારેક બની શકે કે એકદમ લાચાર હોઈએ આપણે; એકલા અટૂલા. પણ, એ દીવાલને ભેદીને એની પેલે પાર આપણે જવું તો પડે જ છે જ્યાં નવી દિશા છે જિંદગી માટે. ત્યાં જઈને ખુશીઓ શોધવાની છે, ખરાબ લાગણીઓમાંથી બહાર આવીને બાકીનું જીવન માણવાનું છે... અને જિંદગી ચાલતી રહે છે.






જો આટલું વાંચીને કંટાળો નહીં આવ્યો હોય તો જ ‘ડિયર જિંદગી’ ગમશે. કારણ કે આનાથી પણ બીજી ઘણી વધારે ફિલૉસફી છે ફિલ્મમાં. કાયરા એક ઉભરતી સિનેમટોગ્રાફર છે, એના કામમાં એને ખુશી મળે છે અને ઘણી સારી છે એનાં કામમાં. પણ પર્સનલ લાઈફ ગૂંચવણભરી થઈ ગઈ છે અને એમાંથી બહાર નીકળવાની આખી પ્રક્રિયા એટલે આ ફિલ્મ.




નાની નાની વાતો ખુશી આપે છે એને; એ જ રીતે એટલી જ ત્વરાથી નાની નાની વાતમાં ઉદાસ થઈને ઉતાવળા નિર્ણયો લે છે એ. ઘણી વાર બને છે એવું કે ધાર્યુ હોય એ ન થાય એટલે આપણે બધાં ગુસ્સે થઈ જઈએ છીએ, શું કરવું છે એ સૂઝતું નથી, પણ સમય લેવો પડે છે વિચારવા માટે કે આગળ કઈ દિશામાં અને કેટલેક પહોંચવાનું છે; ભૂતકાળને પાછળ છોડીને...



થેરપીસ્ટ પાસે જવા માટે કે એને તમારી વાત કહેવા માટે કે મને થોડી સલાહ જોઈએ છે; પાગલ હોવું જરૂરી નથી. પણ એ વાત ગળે ઊતરવી ઘણી અઘરી બાબત છે મોટાભાગનાં લોકો માટે. ડૉ. જહાંગીર ખાન એને ‘લાઈફ લેશન્સ’ શીખવે છે અને એ વાતો સમજવી પડે છે આપણે.






એક સરસ મનગમતી કરિયર, હમેંશા ખુશ રાખવા મથતાં ફ્રેન્ડ્સ અને કાળજી લેતી કેરટેકર હોવાં છતાં કાયરા પ્રેમ શોધતી જ રહે છે, એ આસપાસ જોતી નથી કે આટલી બધી વ્યક્તિઓમાં છે જ પ્રેમ. ફિલ્મમાં એક સરસ વાત છે જે આરજે ધ્વનિતે પણ એમનાં રીવ્યૂમાં કહી... પણ મને બહું ગમી તો હું લખીશ, એમાં જહાંગીર કાયરાને કહેવા માંગે છે કે આપણી પાસે કેટલાય સંબંધો હોય છે, કોઈ ફ્રેન્ડ સાથે ફક્ત સંગીત વિશે ચર્ચા થઈ શકે છે, કોઈ ‘કોફી ફ્રેન્ડ’ હોઈ શકે, કોઈની સાથે બુધ્ધિજીવી વાતો થાય છે. પણ જ્યારે પ્રેમ, મહોબ્બતની વાત હોય છે ત્યારે એ વ્યક્તિ પાસેથી આપણે બધી આશાઓ રાખીએ છીએ, એ કઈ રીતે શક્ય છે?




સાઈકલિંગ કરતી વખતે થતી વાતો, દરિયાકિનારે સમજાવી શકાતી નાની નાની વાતો એ બધી પોતાની જિંદગી ડર્યા વિના એકદમ ખુલીને જીવવાની શિખામણો આપતી જાય છે. તૂટેલી વસ્તુઓ રિપેર થઈ શકે છે, માણસો રિપેર થઈ શકે? વરસાદ આવે ત્યારે કાગળની હોડી બનાવીને બચપણમાં તરાવતા એ હજી ક્યારેક કરવાનું મન થાય છે? ગુસ્સે હો તો કોઈના ફોન ઉપાડવામાં કે મેસેજનાં જવાબ આપવામાં વધારે ગુસ્સો આવે છે? પેરેન્ટ્સની લગ્ન અને કરિયર વિશેની શિખામણોમાં કંટાળો આવે છે? આ બધું જ છે ફિલ્મમાં...



જ્યારથી ફિલ્મ રીલિઝ થઈ છે ત્યારથી મોટાભાગનાં ફિલ્મ ક્રિટિક્સ ડિરેક્ટર ગૌરી શિંદેની એની જ પહેલી ફિલ્મ ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ સાથે સરખામણી કરીને કહેવા લાગ્યા છે કે આ ફિલ્મ એ ફિલ્મ જેટલી સારી નથી. એ સરખામણી જ શક્ય નથી. બંને ટોપિક આખા અલગ છે, અફકોર્સ ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ સુપર્બ મૂવિ હતી, અને શ્રીદેવીની ઉત્તમ એક્ટિંગ અને ગૌરીનાં અફલાતૂન ડિરેક્શનનાં કારણે લોકોને એ મૂવિ ખાસ્સી ગમેલી, પણ આ એક ‘અલગ’ ફિલ્મ છે.




આલિયા ભટ્ટની શાઈનિંગ શાઈનિંગ એક્ટિંગ છે, એની ક્યૂટનેસ, એની હોટનેસ, પાત્રની મૂંઝવણ બધું એના ચહેરાનાં હાવભાવ પર ઝળકે છે. અને શાહરુખ ખાને એવી જ એક્ટિંગમાં પૂરતો સાથ આપ્યો છે. કાશ ઈરા દુબે (કાયરાની બેસ્ટ ફ્રેન્ડ ફાતિમા), કુણાલ કપૂર, અંગદ બેદી, યશસ્વિની (કાયરાની બીજી એક ફ્રેન્ડ જેકી), અલી ઝફર, રોહિત શરાફ (કાયરાનાં ભાઈના રોલમાં) વગેરે લોકોને થોડો લાંબો રોલ મળ્યો હોત, કારણ કે બધાં પાત્રો ખૂબ જ સરસ ડેવલપ થયેલાં છે, પણ આ લોકોને ભાગે સ્ક્રીન પ્રેઝન્સ ઝાઝી નથી આવી. જો જિંદગી વિશે કંઈક નવું શીખવું હોય, જાણવું હોય તો ફિલ્મ ઉત્તમ છે! 



જો ફિલ્મ જોઈ લીધી હોય તો અહીં ક્લિક કરો: 

ડિયર જિંદગી - મારા દિમાગમાં ઉત્પન્ન થયેલું વિચારોનું વાવાઝોડું!

સરદાર સરોવર અને ઝરવાણી (૨૦૧૩)

દીવ અને સાસણગીર વાળી ટ્રીપ માટે લખેલી પોસ્ટ ગમી ઘણાંને; પણ સૌથી પહેલો ફીડબેક આપ્યો જયદીપે અને એણે કહ્યુ કે સરદાર સરોવર અને ઝરવાણી માટે પણ લખું. તો સ્પેશ્યલી ફોર હીમ! અમારું ફાઈનલ યર ચાલતું હતું અને જયદીપનો આ જગ્યાએ ફરવા જવાનો આઈડિયા ક્યારનોય હતો, કદાચ એ ગયેલો હતો પહેલાં કે એ યાદ નથી, પણ રસ્તો, ખર્ચ અને જગ્યા બધી માહિતી એકઠી એણે પહેલેથી જ કરી લીધેલી; એક દિવસ માટે જવાનું છે; એક સ્પેશ્યલ વાહન કરી લઈએ તો સારું રહેશે; તો બીજા થોડા લોકોને પણ પૂછી શકાય કે કોણ કોણ પ્રવાસમાં જોડાવા ઈચ્છે છે... અતથી ઈતિ, સર્વત્ર જયદીપનો જ વિચાર, ખાલી છેલ્લે અમે એ માટે નવા સચિવાલયમાંથી નર્મદા વિભાગની મંજૂરી પહેલેથી લઈ લીધેલી જેના માટે દર્શન(DD)નાં ખૂબ આભારી રહી શક્યાં... પૂછ્યુ ઘણાંને પણ છેલ્લે નક્કી થયાં ૧૩ મિત્રો... જયદીપ પટેલ, ઋતુરાજ ઝાલા, કુંતલ ટેલર, ધવલ થોરિયા, દર્શન ડોરિયા, અખિલ ગોસ્વામી, કેયુર મોદી, સંદીપ કાલરીયા, અંકિત માકડિયા, ધર્મેશ નાડોલા, યોગેશ પટેલ, મૌલિક દુદાણી અને હું સંજય દેસાઇ. તારીખ હતી ૩૧-૦૭-૨૦૧૩.

શાહરુખ ખાન છીએ અમે બધાં!



‘તૂફાન’ જીપ નક્કી થયેલી, જે સવારે વહેલા અમદાવાદથી નીકળવાની હતી. અને મારે જવાનું હતું ઋતુરાજને ત્યાં એક રાત પહેલાં પણ એને ત્યાં મહેમાન હતાં. એટલે રાત રોકાવાનું નક્કી થયું દર્શનને ઘેર. વેલ, દર્શન માટે ઘણાંને લાગે છે કે એ બસ મજાક-મસ્તી જ કરતો રહેતો હોય છે, સીરિયસ નથી અને આમ ને તેમ, પણ જ્યારે એને ત્યાં રોકાવાનું થયું ત્યારે એની વિશે વધારે જાણી શકાયું, એના ઘરનો ઉપરનો માળ આખો ‘અભિલાષા’ નામની એનજીઓને સમર્પિત છે, જે અમદાવાદમાં ગીતામંદિર આસપાસ કેટલાય સામાજિક કાર્યો કરે છે, બાબા આંબેડકરની પ્રેરણાથી. આ ઉપરનાં માળમાં આસપાસનાં ગરીબ છોકરા-છોકરીઓને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે અને એ સમયે દર્શન પણ એમને ભણાવતો. હેટ્સ ઓફ!

દર્શન, જયદીપ, ઋતુરાજ, કુંતલ, ધવલ, અખિલ, કેયુર અને છેલ્લે હું


સવારે વહેલા લગભગ છ વાગ્યા આસપાસ જ ‘તૂફાન’ આવીને ઊભી રહી ગયેલી. સંદીપ, ધર્મેશ, અંકિત, યોગેશ અને મૌલિક લગભગ એમના દોસ્તની હોસ્ટેલમાં રોકાયેલા રાતે. અને ધવલ અને કેયુર બંને જીપ સ્ટેન્ડથી આવેલા ડ્રાઈવર સાથે. મને ચોક્કસ યાદ નથી. જયદીપ, કુંતલ, ઋતુરાજ સવારે આવી ગયેલા દર્શનને ત્યાં. તો અમે લોકો પણ ચડ્યા, એ પછી ખાલી નેક્સ્ટ સ્ટેન્ડથી અખિલને લઈને અમારી સફર શરૂ થઈ... વહેલી સવારનાં પહોરમાં થોડી વાર તો પહેલાં લોકો શાંત રહ્યા. રેડિયો સાંભળ્યો, છાપું વાંચ્યુ અમુકે. (અથવા ખાલી નજર ફેરવી છાપામાં!) પણ થોડા સમય પછી ટપલી-દાવ અને બીજી મસ્તી શરૂ થઈ જ ગઈ! ‘ડમ સરાઝ’ પણ રમવાની મજા આવેલી. હાઈવે પર થોડો સમય જીપ રોકાયેલી ત્યારે પણ બધાંને ફોટોઝ પડાઈ જ લેવા’તાં! નર્મદા આવતાં જ વરસાદથી ધોવાયેલાં રોડની બંને બાજુએ વેરાયેલાં પીળા ફૂલો ખૂબસુરત લાગતાં હતાં!


યોગેશ, સંદીપ, અંકિત, મૌલિક અને ધર્મેશ

કુદરતને ખોળે


લગભગ સવારે ૧૦-૩૦ જેવાં ત્યાં પહોંચેલાં સરદાર સરોવર ડેમ, ત્યાં પહેલા એક સ્ટોપ હતું જ્યાંથી આગળ જવાનું હતું પણ નામ યાદ નથી રહ્યુ. બધા થોડી વાર આસપાસ પોતપોતાની રીતે ફરતા રહ્યા. પછી શરૂ થયું ફોટોગ્રાફી સેશન ત્યાં નીચે જ; ડેમ હજું ઉપર હતો. ઉપર થોડે ગયાં પછી છેક ઉપર જવા માટે એક મીની બસ હતી. અને પહોંચ્યા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાનાં ડેમ સરદાર સરોવરની છેક નજીક. શું નજારો હતો! ધુમ્મસ, લીલોતરી અને પાણી... મશીનોની મિકેનિકલ વસ્તુઓ અને ડેમની ટેક્નિકલ અને બાંધકામ રિલિટેડ વસ્તુઓ મને યાદ પણ નથી અને મારે લખવી પણ નથી! દોઢ કલાક જેવું લગભગ ત્યાં રોકાયેલાં અને નાસ્તો કરીને બસ કુદરતને મન ભરીને માણેલી, ત્યાંથી જવાનું હતું ઝરવાણી, પણ નજીકમાં એક જગ્યાએ પાણીનો ફ્લો હતો ત્યાં પણ જીપ રોકી, શું ધસમસતા પ્રવાહે વહેતું હતું પાણી! મકાઈ ખાધી બધાંએ ધરાઈને અને ત્યાં પણ થોડો સમય પસાર કર્યો.

મકાઈ અને પાણીનો ધસમસતો પ્રવાહ


હવે આખી ટ્રીપની સૌથી મજેદાર જગ્યા માટે નીકળ્યા, એક ધોધ છે, જગ્યાનું નામ ઝરવાણી. રસ્તો ખરાબ હતો. માંડ જીપ ચાલતી હતી, અને એક જગ્યાએ પહોંચ્યા પછી તો હવે પાણી હતું આગળ, સ્થાનિક ત્યાં ફરતાં અમુક લોકોએ કહ્યુ કે જીપ આગળ જઈ શકશે નહીં. જગ્યા થોડે પાસે જ છે. અને નક્કી થયું કે આગળ ચાલતાં જવાનું છે. લોકો કપડાં ચેન્જ કરવા લાગ્યા નહાવા માટે, આઈ વોઝ લાઈક હું તો અન્ડરવેરમાં જ જઈશ આગળ, શોર્ટ પણ નહીં! અને ધવલે પણ સાથ આપ્યો એ વાતમાં, ચાલવાનું ઘણું હતું એ પછીથી ખબર પડેલી, અને સામાન બધો જીપમાં મૂકીને કેમેરા સાથે નીકળ્યા બધાં, મોટાભાગનાં ચપ્પલ, સેન્ડલ કે જૂતા વગર, લગભગ ચારેક જણે પહેરેલાં. (એમને ફાયદો થયેલો!) રસ્તામાં રેતી, કાંકરા, ઘાસ, નાના નાના ગોળાકાર પથ્થર કેટલુંય એવું હતું જેને ફક્ત જોવાથી જ દિલ ખુશ થઈ જતું હતું! પગમાં એ કાંકરા વાગતાં હતાં અને અમુક લપસણી જગ્યાઓએ પડવાનો ડર પણ હતો, પણ બધાં એકબીજાને સહારે ચાલતાં હતાં... અને ફાઈનલી થોડીક જહેમતો બાદ સામે હતો ધોધ! કેયુરનું વાક્ય મને યાદ છે કે એના સેન્ડલનાં પૈસા એ દિવસે વસૂલ થયાં!

હવનકુંડ મસ્તો કા ઝુંડ

ઝરવાણી તરફ ચાલતાં જતી વખતની મસ્તી



સામે હતો ઝરવાણીનો ધોધ અને જ્યાં બધાં મુક્ત હતાં કુદરતનાં ખોળે, સુખનાં સરનામે અને એ બધું! પબ્લિક શું નહાવા પડેલી! અમને બધાંને એમ કે જગ્યા બહું ફેમસ નથી અને ઓછા જ લોકો હશે પણ ધારણા ખોટી પડેલી. અને બસ પછી શું હતું પાણીની છોળો, મસ્તી, ફોટોઝ, એ પળો જીવી લેવાની મુક્ત રીતે અને એ યાદો સંઘરી લેવાની હતી. ઠંડક, વરસાદ, કેટલીય બૂમો પાડતાં અમે, વાદળ, અને એ બપોર! જ્યાં એવું લાગતું હતું કે દુનિયામાં બપોરે તડકો હોતો નથી; દુનિયામાં ૧૧-૬ની જોબ નથી, આ દુનિયામાં કંટાળો નામની વસ્તુ છે જ નહીં જાણે, એ જ છે જે બસ આપણને જોઈએ છે, જે સામે છે, હેપીનેસ! અમે ગીતો ગાતાં હતાં, બોલ વડે કેચિંગ રમતાં હતાં પાણીમાં, ફિલ્મી ગીતો ગાઈ ગાઈને ગળામાં બળતરા થતી હતી મને, ‘ભાગ મિલ્ખા ભાગ’નાં ‘હવનકુંડ મસ્તો કા ઝુંડ’ ગીત પર ફરજીયાત બધાંએ ડાન્સ કરવાનો હતો! બીજા ત્યાં આવેલાં લોકો સાથે વાતો થઈ શકતી હતી કે ‘અલ્યા! તમે પણ અમદાવાદનાં? અમે પણ અમદાવાદનાં!’ બધાનાં મોબાઈલ ટાવર બંધ હતાં એમ છતાં થોડે દૂર ફેમિલીમાં એક છોકરી એની છત્રીની નીચે એનાં મોબાઈલમાં મશગૂલ હતી, એનું આખું કુટુંબ નહાતું હતું એના સિવાય, અને અમે એ અજાણી છોકરીની દયા પણ ખાઈ શકતાં હતાં અને એની મજાક પણ ઉડાવી શકતાં હતાં! બધાં ખુશ હતા, હું ખુશ હતો. 

ઝરવાણી


પણ, થોડી વાર એમ જ બેઠેલો પાણી પાસે અને એક વિચાર દિમાગમાંથી ખસતો નહોતો કે આટલી બધી ખુશી, આટલાં બધાં હસતાં ચહેરાં ખબર નહીં હવે ક્યારે જોવા મળશે! આ બધાં કોલેજ પૂરી થયાં પછી પોતપોતાની દુનિયામાં ખોવાઈ જશે, કોઈ વાર વાત થશે, કોઈ વાર યાદ આવશે. પણ બસ એ ક્ષણ ત્યાં જાણે થીજી ગયેલી, થોડીક લગભગ ૧૦% ઉદાસી આવી ગયેલી મને, હું હટાવવાં માંગતો હતો એ વિચારને પણ નહોતો જતો એ વિચાર અને એ સ્થિતિમાં એક ફોટો પણ કોઈએ પાડી લીધેલો મારો, કોઈને ખબર નહોતી, કોઈને આજ સુધી એ કહ્યુ નથી. પણ એ કેમ થયું એની સાઈકોલોજી પણ સાતેક મહિના પછી ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘હાઈવે’ જોઈને સમજાઈ ગયેલી, મારી સ્થિતિ એ વખતે એવી થઈ ગયેલી જે ફિલ્મની અંત તરફ જતી વખતે આલિયાનું પાત્ર વીરા અનુભવે છે, પાણીનાં ઘણાં પ્રવાહની વચ્ચે એ બસ બેઠી છે એક પથ્થર પર, ખુશ છે, હસે છે અને એક આંખમાં આંસુ આવી જાય છે. એક પણ ડાયલોગ વગરનો એ અદ્વિતીય સીન જોયેલો ત્યારે મને આ દિવસની મારી લાગણી સમજાઈ ગયેલી! સાચે જ ઈમ્તિયાઝ અલીની ફિલ્મોએ મને જિંદગી વિશે ઘણું શીખવાડ્યું છે...

મારી ૧૦% ઉદાસી
'હાઈવે'માં વીરાની ઝરણા પાસેની લાગણીઓ




અમે હતાં એ પળમાં જિંદગીનો આનંદ લેતાં બધાં મસ્તીમાં ડૂબેલાં કોઈ જાતની ચિંતા વિનાનાં, અને એ જગ્યાએ જ રહેવું હતું મને તો, બીજાની ખબર નથી! પાછા જીપ પાસે આવતી વખતે હું વળી વળીને પાછળ જોતો હતો, વહી જતાં સમયને કેદ કરવો શક્ય નહોતો તો પણ! જીપ પાસે આવીને ચેન્જ કર્યુ બધાએ. અને હવે પ્લાન હતો પાછા ફરતી વખતે વડોદરા ‘કમાટી બાગ ઝૂ’ થઈને જવાનો! અને જીપમાં બધાં ફરી ‘ડમ સરાઝ’ રમતાં હતાં, મારો વિચાર હતો વધેલા મમરા, સેવ અને ડુંગળી, ટામેટા વડે ભેળ બનાવવાનો અને અંકિત અને કેયુરે સમારવામાં ખાસ્સી મદદ કરેલી. ધરાઈને ખાધી ભેળ, પણ વડોદરા આવ્યું ત્યારે ‘કમાટી બાગ ઝૂ’ બંધ હતું, બુધવારને કારણે કે એ દિવસે બંધ હતું એ ખ્યાલ નથી, અને હવે અમદાવાદ બોલાવતું હતું, પાછા ફરીને સંદીપ, અંકિત, યોગેશ, ધર્મેશ, મૌલિક છૂટા પડતાં હતાં કાંકરિયાની નજીક. એટલે અમે બાકીનાં લોકોએ ત્યાં ડીનર લેવાનું નક્કી કરેલું અને બધા પાછા આવ્યા પોતપોતાની જિંદગીમાં...

કાંકરિયા ખાતે ડીનર


P.S. : જ્યારે આ પોસ્ટ લખવાની શરૂ કરી ત્યારે હતું કે મજા આવશે. પણ, બહું ખરાબ લખાઈ છે આ પોસ્ટ, તો એ માટે માફી! જ્યારે ડાયરીમાં આ દિવસ વિશે લખેલું એ અડધું જ પેજ લખેલું. ઉપરાંત ૧૩ મિત્રો હોવાથી બધાંના નાના નાના અલગ ગ્રુપ વહેંચાઈ ગયેલાં, તો મને ખાસ યાદો પણ યાદ નથી, તો પણ એ દિવસને સેલ્યૂટ! 

Sunday 27 November 2016

તમાશા (૨૦૧૫)

***આ પોસ્ટમાં ફિલ્મ સ્પોઈલર્સ હોઈ શકે છે.***



વેલ, આ પોસ્ટમાં હું ફિલ્મ વિશે બધું જ લખવા માંગીશ, કારણ કે મારા દિલની નજીક છે આ ફિલ્મ, અને સ્ટોરી અને સ્પોઈલર્સ લખ્યા વિના આ પોસ્ટ મારાથી લખી શકાશે નહીં, ઘણાને આ ફિલ્મ વિશે ફરિયાદો હતી, એ બધા વિશે હું ચોક્કસ છું કે એમને ફિલ્મ એટલે ન ગમી કારણ એમને સમજમાં ના આવી, આઈ કેન રિલેટ બીકોઝ થિયેટરમાં પહેલી વાર જોઈ ત્યારે મને નહોતી સમજાઈ, એના થોડા મહિનાઓ પછી જોઈ ત્યારે સમજાઈ. અને હમણાં ત્રીજી-ચોથી વાર જોઈ ત્યારે પૂરેપૂરી સમજાઈ! 

યશ સહેગલ (વેદના બાળપણનાં પાત્રમાં)

વેદ શિમલામાં નાનપણમાં વાર્તાઓ સાંભળીને મોટો થયો છે અને એ જ વાર્તાઓનાં પાત્રોની અંદર ખોવાયેલો રહે છે, પણ સ્ટોરીટેલર એને વાર્તા કહેતી વખતે પાત્રો મિક્સ કરી દે છે, એ પૂછે છે અને જવાબ મળે છે, "કહાની કહાની હોતી હૈ, ઔર વોહી કહાની હર જગહ ચલતી હૈ..." અને બસ વાર્તાનો આનંદ લેવાનું કહે છે, ઘણાં સિમલા લખે છે, ઘણાં શિમલા લખે છે, બસ એ જ રીતે! અરીસા સામે 'મેં તો ચલા ઉસ હિરણ કે શિકાર પે' જેવા ડાયલોગ્સ બોલતી વખતે યશ સહેગલ, રણબીર કપૂરનાં બાળપણનાં પાત્રમાં એકદમ કન્વીન્સીંગ અને ક્યૂટ લાગે છે... 



પછી ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી આપણને લઈ જાય છે વેકેશન પર; ફ્રાંસનાં ખૂબસુરત ટાપુ કોર્સિકા પર. છોકરો ત્યાં મળે છે એક છોકરીને, પણ ઓળખાણ થાય એ પહેલાં એ કહે છે સ્ટોપ! પોઝ! અને કારણ આપે છે મારે એ નથી બનવું જે હું દરરોજ જીવું છું, અને એના વિચારથી બંને પોતાની સાચી ઓળખાણ આપતા નથી, અને એને બદલે બીજા અલગ અલગ પાત્રો ડોન; મોના ડાર્લિંગ; બિગ ઈન્ડિયન મૂવિ ડિરેક્ટર, ફિલ્મ સ્ટાર, ઈન્ટરપોલ ઓફિસર તરીકે વેકેશનને માણે છે, રણબીર કપૂરનાં દેવાનંદ સાહેબની એક્ટિંગનાં એક્સ્પ્રેસન્સ ગજબ છે! બંને ફરે છે એકબીજાને વધારે જાણ્યા વગર, પણ છોકરીને આ એકદમ મુક્ત રીતે જીવતો છોકરો ગમી જાય છે પણ વેકેશન પૂરું તો થશે જ. 



છોકરીને અઘરું પડે છે એ વખતે ફરી પોતાની જિંદગીમાં પાછા જવું, હોટેલથી એરપોર્ટ જતી વખતનાં સીનમાં દીપિકા પાદુકોણનાં એક્સ્પ્રેસન્સ તમારી સાથે રહે છે, કંઈ પણ બોલ્યા વિના એની આંખોમાં દેખાઈ જતી વાત; કે કાશ! એની સાથે થોડું વધારે વખત રહેવા મળ્યું હોત... અને પછી આપણે એ જ છોકરીને જોઈએ છીએ પોતાની લાઈફમાં સેટ થવા મથતી, પણ એ છોકરાને ભૂલી ન શકતી અને એની ઉદાસ લાગણીઓ...  




એ વર્ષો પછી મળે છે એ છોકરાને ફરીથી, બંને પોતાની સાચી ઓળખ આપે છે તારા મહેશ્વરી અને વેદ વર્ધન સહાની તરીકેની. તારા મળે છે વેદને પણ એને લાગે છે આ એ છોકરો બિલકુલ જ નથી જેને એ કોર્સિકામાં મળેલી, આ છોકરો રોજ સવારે ઘડિયાળ જોઈને ઉઠે છે, બ્રશ કરે છે, ટ્રાફિકમાં ફસાઈને ઓફિસ જાય છે અને બોરિંગ પ્રેઝન્ટેશન્સ આપે છે, તારા એને એ કહે છે કે તું આ નથી, તું તો નદીમાં મોઢું નાખીને પાણી પીવે છે, પહાડો સાથે વાતો કરે છે, એ છે તું! એના બદલે હું તો મળી છું એક પ્રોડક્ટ મેનેજરને, જે એક શહેરમાં રહીને એક પ્રોગ્રામ્ડ રોબો જેવી જિંદગી જીવે છે, વેદ માનવા તૈયાર થતો નથી, એ સ્વીકારી શકતો નથી, પણ તારા ઓળખે છે એને બરાબર. અને કહે છે આ બધું તો એની પાસે પણ છે, આ નથી જોઈતું એને! અને મેસ થઈ જાય છે બંનેની લાઈફ...




વેદ હલી જાય છે અંદરથી, કારણ કે એને ખબર છે એને શું કરવું છે લાઈફમાં પણ દુનિયાના ડરથી એ વાત સ્વીકારી શકતો નથી. તારાનાં કહ્યા પછી એનો એ અહેસાસ વધારે મજબૂત બને છે. પણ એ અહેસાસને સ્વીકારવાની એની એ પ્રોસેસમાં આસપાસનાં લોકોને લાગે છે કે એને કંઈક થઈ ગયું છે, કોઈ કોમ્પ્લેક્સ! દરરોજ ટાઈ પહેરીને ઓફિસ આવતો એને ટાઈ ગમતી નથી... એનો બોસ એને ચેતવે છે પણ એને જાણ જ નથી કે એની સાથે થાય છે શું! 



વેદ મળે છે તારાને અને વિચારે છે કે આ કેવી રીતે જાણી શકે છે મને આટલી નજદીકથી, જ્યારે હું પોતે મારા વિશે ચોક્કસ નથી... અને પછી બ્યૂટિફુલી પિક્ચરાઈઝ્ડ 'અગર તુમ સાથ હો'! વેદના મૂડ સ્વિંગ્સને લીધે જોબમાંથી એને કાઢી મૂકે છે, અને થાકેલો, હારેલો, પોતાની જાત સાથે સમાધાન કરતો રહેલો જ્યારે ઘરે શિમલા પાછો ફરે છે ત્યારે પેરેન્ટસ એ જ કહે છે જે બધાનાં પેરેન્ટસ કહેતા હોય છે, વેદની પોતાની જાત સાથેની બધી વાતો અરીસા સામે બતાવવામાં આવી છે, એવા જ એક સીનમાં એને યાદ આવે છે એ સ્ટોરીટેલર, જે બચપણમાં એને વાર્તાઓ કહેતા હતાં. 

વેદ જાય છે એમની પાસે, અને એને જાણવું છે કે એની પોતાની વાર્તામાં આગળ શું થશે. સ્ટોરીટેલર ફરી મિક્સ અપ કરી દે છે પાત્રો... અને જ્યારે વેદ કહે છે કે આ એની વાર્તા નથી ત્યારે સૌથી અસરકારક સીન છે, સ્ટોરીટેલર એને કહે છે કે એ પોતાની જ વાર્તા બીજાને એટલા માટે પૂછી રહ્યો છે કારણ કે એ ડરે છે,.. 'ડરતા કિસસે હૈ તું?' અને એને રિયલાઈઝ થાય છે કે એની જિંદગી એવી જ જીવી શકાશે, જેવી એ પોતે ઈચ્છશે. અને પછી પેરેન્ટસને એની વાર્તા કહેતો એ, અને અંતમાં એ બની જાય છે એને જે બનવું છે એ, સ્ટોરીટેલર. એનાં નાટકનાં 'તમાશાનાં' અંતમાં આપણે જોઈ શકીએ છીએ એને સફળ તારાના સાથ વડે, તારાની પાસે.



'તમાશા' ખૂબ જ સુંદર મેસેજ આપતી અસરકારક ફિલ્મ છે, મોટાભાગનાં લોકોની અંદર વેદ છૂપાયેલો છે, જેવું નથી જીવવું એવું જીવન જીવતા લોકો, તમે ને હું, મોટાભાગનાં એમાં આવી જઈએ. પણ, મેસેજ એ છે કે આપણે દિલ કહે એમ જીવીએ, જે ગમતી હોય એ કરિયર પસંદ કરીએ. આ જિંદગી એક વાર મળી છે એને પોતાની રીતે જીવવાની છે. 'દિલ' અને 'દુનિયા' વચ્ચે જે ફસાયેલાં છીએ એમાંથી બહાર નીકળવાનું છે આપણે અને જાણવાનું છે કે આપણે કેમ આવ્યા છીએ અહીંયા, અને શું કરવાનું છે આપણે. જ્યારે આપણે નથી ગમતું એ કરતાં હોઈએ છીએ, એમાં મોટેભાગે સફળ જતાં નથી, અને હેરાન થઈને વ્યગ્ર, વ્યાકુળ, નિરાશ, ગુસ્સે, હતાશ થઈને પોતાની જ જાતને કોસીએ છીએ. લાસ્ટ ટાઈમ ફિલ્મ જોતી વખતે ઘણાં બધા સીન્સમાં મારી આંખોમાં આંસુ આવ્યા છે, કારણ કે મને પણ ખબર છે કે મારે શું જોઈએ છે પણ એ મેળવતી વખતે જે અડચણો આવે છે એને મારે પાર કરવી જ રહીં, અને એ માટે ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીનો ખૂબ જ આભારી છું. 





વેદનાં પાત્રમાં રણબીર કપૂરે ઉત્તમ એક્ટ કર્યુ છે, એ જાણ્યો છે એના પાત્રને. કોર્સિકામાં એની નચિંતી અદાઓ, કોર્પોરેટ જોબમાં રોબો, ટીનેજમાં મૂંઝાયેલો એન્જીનીયરિંગ સ્ટુડન્ટ, બધું જ એણે નિભાવ્યું છે કેરેક્ટરની અંદર સુધી ઘૂસી જઈને... 



એ જ રીતે દીપિકા પાદુકોણે તારાને પૂરો ન્યાય કર્યો છે, એની ઉદાસી, લાગણીઓ, વેદને સ્પોર્ટ કરતી, એની કેર કરતી એક મેચ્યોર લેડી. 

યશ સહેગલ અને રણબીર કપૂર
સેટ પર ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીની સાથે
દીપિકા અને રણબીર

ઈર્શાદ કામિલનાં લખેલાં સુંદર ગીતોને રહેમાનનાં સંગીતથી જીવ મળ્યો છે, મીનિંગફુલ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે. એક સરસ ગીત આવે છે કોર્સિકામાં પહાડોની વચ્ચે જ્યારે બંને ગ્રીન કલરની કારમાં હોય છે,  'J'aime la vie' જેનો મતલબ થાય છે 'મને જિંદગી સાથે પ્રેમ છે.' આ ગીત ઓરિજિનલ સાઉન્ડટ્રેકમાં પણ રીલિઝ કરેલું નથી. 

ફિલ્મ વિશે કેટલુંય લખવું છે મારે પણ અમુક વસ્તુઓ એક્સ્પ્રેસ નથી થતી શબ્દોમાં. ઈમ્તિયાઝ અલીનો આ 'તમાશા' સાચે જ વાર્તાઓનો ખજાનો છે એમાંથી પોતાની વાર્તા આપણે જાતે પસંદ કરવાની છે! 

P.S. : ફિલ્મનાં એક સીનમાં વેદ અને તારા જ્યારે થિયેટરમાં મૂવિ જોવા જાય છે ત્યારે સ્ક્રીન પર ઘણાં બધાં નામાંકિત ડિરેક્ટર્સનાં ફોટોઝ અને પોસ્ટર્સ જોઈ શકાય છે, જે કદાચ ઈમ્તિયાઝ અલીની એ બધાં ડિરેક્ટર્સને ટ્રિબ્યૂટ હોઈ શકે!