Thursday 3 November 2016

તીતલી (૨૦૦૨)




૧૭ વર્ષની તીતલી અને તેની મા ઉર્મિલા ઘરેથી નીકળે છે- એરપોર્ટ જવા માટે અને રસ્તામાં મળે છે ફિલ્મસ્ટાર રોહિત રોય, જેની પર તીતલીને ટીનેજ ક્રશ છે. તીતલી સાતમાં આસમાનમાં ઉડવા લાગે છે એના મનપસંદ એક્ટરને મળીને, તેને બસ વાતો કરવી છે પુષ્કળ; એના સુપરસ્ટાર સાથે, પણ આ મુલાકાત તેને જિંદગી વિશે ઘણું શીખવાડતી જાય છે...

ડાયરેક્ટર રિતુપર્ણો ઘોષ - હમેંશા અસાધારણ ફિલ્મ બનાવવા માટે જાણીતા છે, મને એમ થાય છે કે તેમણે બનાવેલી બધી મૂવિઝ જોઉં, પણ જે ઈંગ્લિશ સબટાઈટલ્સ સાથે મળે છે એ જ જોઈ શકાય છે, બંગાળી આવડતું નથી એટલે! જો કે એમણે હિંદી અને અંગ્રેજીમાં પણ ત્રણ-ચાર મૂવિઝ બનાવી છે. પોણા બે કલાકની આ ફિલ્મમાં મધ્યમ વર્ગની મા-દીકરી બંનેની વાર્તા ખૂબ સુંદર રીતે પ્રોજેક્ટ થઈ છે, મધર-ડોટર રિલેશનશીપ પર તેમણે આ પહેલા પણ ઉનીશે એપ્રિલ બનાવી છે, પણ આ ફિલ્મમાં બીજી પણ ઘણી થીમ્સ છે. 

રિતુપર્ણો રોજિંદા જીવનની વસ્તુઓને વાર્તામાં એ રીતે વણી લે છે કે બધું રળિયામણું લાગવા માંડે છે એમની ફિલ્મમાં, વરસાદમાં આવતો ટપાલી કે ઘરનાં ફૂલો સજાવતી નોકરાણી કે ડાઈનિંગ ટેબલ પર વાતો કરતાં મા-દીકરી અને કોઈ જગ્યાએ જવા માટે ઘરેથી નીકળવાનું હોય ત્યારે થતી ઉતાવળ, આ બધું એવું લાગે છે જાણે નજર સામે બને છે... ફિલ્મની શરૂઆતમાં ગીત છે, જેમાં તીશ્તા નદીનો ઉલ્લેખ છે, ફિલ્મમાં આવતી કવિતાઓ, કાલિદાસ કે ટાગોર વિશેની વાતો, આ બધું રિતુપર્ણો ગ્રેટ આર્ટિસ્ટ છે તે સાબિત કરી આપે છે. ભૂતકાળ દર્શાવવા માટે બ્લેક એન્ડ વ્હાઈટ સિનેમટોગ્રાફી, દાર્જિલીંગમાં ચાની ખેતી થતી હોય તેવી લીલી લીલી પહાડીઓ, ધુમ્મસ, વરસાદી વાતાવરણ - આ બધી વસ્તુઓ ફિલ્મની વાર્તા સાથે સરસ રીતે સેટ થઈ જાય છે.




ફિલ્મના પહેલા જ સીનમાં તીતલી તેના ફેવરિટ સ્ટાર પાછળ કેટલી ઘેલી છે તે બતાવવા માટે તેને મેગેઝિનમાંથી સુપરસ્ટાર રોહિતનો ફોટો કાપતી બતાવાઈ છે; જે તેની દીવાલ પરની ખાલી રહેલી જગ્યામાં સમાવી શકાય. એરપોર્ટ જતી વખતે મા-દીકરી હિન્દી સિનેમા વિશે વાતો કરે છે, મા દીકરીની ઉંમરની હતી ત્યારે સિનેમા જોવી એ સારું નહોતું ગણાતું ઘણાખરા કુટુંબોમાં; એના વિશે વાતો થાય છે, દીકરી માને પૂછે છે એના ફેવરિટ એક્ટર વિશે અને જવાબ મળે છે- રાજેશ ખન્ના, દીકરી જીપમાં ''મેરે સપનો કી રાની'' ગીતની કેસેટ વગાડે છે અને મા ખુશ-ખુશ થઈ જાય છે.  





રસ્તામાં મળે છે- સુપરસ્ટાર રોહિત રોય; જેની માટે તીતલી ઘેલા કાઢતી હોય છે; કેટલીય વાર પત્રો લખી ચૂકી છે એ એના ફેવરિટ સ્ટારને, અને આજે સાક્ષાત તેની જ ગાડીમાં લિફ્ટ લેવા માટે ઊભો છે એ સ્ટાર એની સામે. તીતલીની મા ઉર્મિલા ભૂતકાળમાં ઓળખતી હોય છે રોહિતને; એક્ટર બન્યો નહોતો એ પહેલાં, પણ એ વાત એણે દીકરીને ક્યારેય કહી નથી. દીકરીની સામે એ રોહિત સાથે ખુલીને વાત કરી શકતી નથી, પણ થોડું એકાંત મળતાં રોહિત અને ઉર્મિલા યાદોની સફરમાં ખોવાઈ જાય છે, કે એ સમયે આમ થઈ શક્યું હોત, આમ થયું હોત તો આમ હોત, રોહિત પૂછે છે ઉર્મિલાને કે તેણી એની ફિલ્મો જુએ છે કે નહીં, અને ઉર્મિલા જવાબ આપે છે કે એના પતિ જુએ છે; દીકરી તીતલી જુએ છે; અને એ તીતલીના ચહેરા પરના હાવભાવ જુએ છે; ફિલ્મમાં રોહિત હિરોઈનને બાહોમાં લે છે ત્યારે તીતલીના ચહેરા પરની ઈર્ષ્યા જુએ છે. શું સીન પ્રોજેક્ટ થયો છે આ સ્ક્રીન ઉપર, ઉત્તમ! રોહિત ઉર્મિલાને માથામાં લગાડી આપવા માટે ફૂલ તોડવાનાં પ્રયત્નો કરે છે, પણ ઊંચી ડાળીએ પહોંચી શકતો નથી અને ઉર્મિલા હસી પડે છે અને કહે છે કે આ જ એ હીરો છે જે વિલનની સાથે મારપીટ કરે છે! અને નીચે પડેલું એક ફૂલ જાતે જ તે પોતાના માથામાં લગાવી દે છે... એ ફૂલ જે દીકરી તીતલીને ખૂંચે છે. રેસ્ટોરન્ટનો એક સીન પણ બહું જ સરસ છે, જેમાં ટેબલ પર બેઠેલું દરેક પાત્ર અલગ અલગ મનોદિશામાં છે, જે ડાયલોગ વગર ખાલી એક્સપ્રેશન્સ વડે જ વ્યક્ત થયું છે, ફિલ્મનો ક્લાઈમેક્સ સીન પણ આ જ રીતે છે, ડાયલોગ વગર મા-દીકરી સમજી જાય છે એકબીજાની વાતને. 





અપર્ણા સેન અને કોંકણા સેન શર્મા બંનેએ નેચરલ એક્ટિંગ કરી છે, કદાચ રિયલ લાઈફમાં મા-દીકરી હોવાનાં કારણે! મિથુન એમના પાત્રમાં જામે છે. અને રિતુપર્ણોની આ ફિલ્મ લાગણીઓ અને જિંદગી વિશેની બધી વાતોમાં ખરી ઉતરે છે...

No comments:

Post a Comment