Tuesday 15 November 2016

અરણ્યેર દિન રાત્રિ (૧૯૭૦)


કલકત્તાની ભૌતિક જિંદગીથી કંટાળેલા ચાર મિત્રો કોઈ પણ જાતની તૈયારી કે પ્લાનિંગ વગર પલમાઉ જંગલમાં થોડા દિવસ શહેરથી દૂર અનુભવ માટે આવે છે, અને તેમની મુસાફરીમાં દરેક માણસ કશુંક શીખે છે, જાણે છે, અનુભવે છે...



દરેક પાત્ર કશુંક ને કશુંક ઝંખે છે, તેઓ જે ઈચ્છે છે એ છે પ્રેમ; ખુશી; આત્મવિશ્વાસ અને રોજિંદા જીવનની નીરસતામાંથી છટકવું... નિયમોથી થાકેલા મિત્રો કોઈ પણ પ્લાનિંગ વિના ત્યાં જાય છે, અને આગોતરા લેટર વગર જ નિયમો તોડીને એમને રોકાવું છે ફોરેસ્ટ બંગલોમાં. એમને જાણવું છે ત્યાંની જિંદગી વિશે, અને રહેવું છે બસ પોતાની રીતે ત્યાં, અનુભવવી છે જિંદગી. ચાર મિત્રોમાંથી અસીમને વ્હાઈટ કોલર જોબ છે, સંજય શણની મિલમાં લેબર એક્ઝિક્યૂટિવ છે; પણ તેને રસ છે સાહિત્યમાં, હરિ સ્પોર્ટસમેન અને શેખર છે જોબલેસ. એ લોકો લોકલ વાઈન શોપમાં મળે છે ત્યાંની એક છોકરી દુલીને અને બીજે દિવસે એમ જ આસપાસ ફરતી વખતે એ લોકો મળે છે નજીકમાં વેકેશન માણવા આવેલ ત્રિપાઠી કુટુંબને; બાપ સદાશિવ ત્રિપાઠી; દીકરી અપર્ણા; વિધવા વહુ જયા અને તેનો દીકરો. અને પછી સર્જાય છે ઘટનાઓની શ્રેણી, જે દરેક માટે કશુંક અલગ અનુભવ છે.




જંગલમાં વૃક્ષોના પડછાયાની વચ્ચે આવતી ફિલ્મની ક્રેડિટ્સ; ફોરેસ્ટ બંગલાની પાસેના કૂવામાંથી પાણી નીકાળવા માટેની વ્યવસ્થા; શાંત સ્થિતિમાં પક્ષીઓના અવાજ; આસપાસનાં કલ્ચરલ રેફરન્સિસ, મેળો અને બીજી ઘણી નાનામાં નાની વસ્તુઓનું ડિરેક્ટર સત્યજીત રે દ્વારા એટલુ સરસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે ફિલ્મ એક આનંદ આપનારી પિકનિક બને છે... અમુક વાતો ફિલ્મમાં વણાઈ ગઈ છે, ગ્રામ્ય અને શહેરી જીવન, અમીરી-ગરીબી વચ્ચેનો ભેદ. જે તેમણે દુલી અને ચોકીદારના પાત્રોથી કહ્યુ છે.





અસીમ અને અપર્ણા વચ્ચેની કહ્યા વિનાની કેટલીય વાતો; અપર્ણાના કોટેજમાં પુસ્તકો અને કેસેટ્સ જોતો અસીમ; ત્યાંની ગેલેરીમાં થતી વાતો, મેળામાં ચકડોળમાં બેઠા પછીની ચહેરા પરની કુદરતી ખુશી; 'મેમરી ગેમ' રમતી વખતનો આખો સીન; દુલીનું ભોળપણ; હરિની ઉદાસી, શેખરનો મનમૌજી અને સંજયનો ગંભીર સ્વભાવ, જયાની કાળજી; ભૂતકાળને ભૂલવા મથતા અને ખૂબ જ ઓછુ બોલતા અપર્ણા અને હરિ; બધા દારૂ પીને હોશ ગુમાવી દે ત્યારે બધાને સંભાળતો શેખર; બધુ જ એટલી સરસ રીતે પ્રેઝન્ટ થયું છે કે લાગે છે જાણે પ્લેન બ્લેક એન્ડ વ્હાઈટ પેપર પર પાડેલી નાની નાની સુંદર ડિઝાઈન!





મેમરી ગેમમાં સ્થિતિ હાર-જીતની નજીક પહોંચે એ વખતનું સ્ક્રીન પરનું ટેન્શન ગજબ છે! બાથ સીન વખતની અસીમના ચહેરા પરની શરમિંદગી, રાતે દારૂ પીધા પછી સામે આવતી અજાણી કારની પાસે રસ્તા પર કરેલી મસ્તી એ એટલું બધુ નેચરલ છે કે સાક્ષાત સામે થતું હોય એમ ફીલ થાય છે. મેળામાંથી પાછા ફરતી વખતે અપર્ણા અને અસીમ વચ્ચે થતી વાતો આખી ફિલ્મની સૌથી સુંદર સ્થિતિ છે; બંને એકબીજા સાથે કમ્ફર્ટ ફીલ કરવા લાગે છે; દિલની વાતો કરી શકાય એટલી નજદીકી. એમને ખબર છે કે આ પળ છે એ છે પાસે; એ જીવી લેવાની છે, અંતે તો કલકત્તા ગયા પછી ફરી એ જ રોજાના જિંદગી. પણ એ થતા પહેલા દરેક જણ થોડેક અંશે બદલાય છે, કશુંક વધારે શીખે છે, જાણે છે જિંદગી વિશે અને માણે છે જિંદગીને...

No comments:

Post a Comment