Wednesday 4 January 2017

રહેના તુ

ફિલ્મ: દિલ્હી-૬ (૨૦૦૯)
ગીતકાર - પ્રસૂન જોશી
સંગીત - એ. આર. રહેમાન
ગાયક - રહેમાન, તન્વી અને બેની




આ ગીતના શબ્દો મને સમજાય છે, પણ ફિલ્મની અંદર જે સ્થિતિમાં ગીત આવે છે એ મને ખબર નથી પડતી. રોશન (અભિષેક બચ્ચન) એના પિતાના દોસ્ત અલી (રિશિ કપૂર) સાથે હૉસ્પિટલથી પાછો આવી રહ્યો છે. રોશનનાં દાદી અન્નપૂર્ણા (વહીદા રહેમાન) બીમાર છે, અને રોશનને એમ છે કે હવે દાદી મૃત્યુ પામશે. એટલે એ અલીને કહે છે, "દાદી ઈઝ ડાઈંગ અલી અંકલ." અલી એને જવાબ આપે છે, "કૌન જાયે ઝૌક પર દિલ્લી કી ગલિયાં છોડ કર." આ લાઈનમાં મને ક્યારેય ખબર નહોતી પડતી, એટલે પછી હમણાં મેં ગૂગલ કર્યુ ત્યારે જાણવા મળ્યું કે આ એક શેર છે 'મોહમ્મદ ઈબ્રાહિમ ઝૌક' નામનાં શાયરનો, જે દિલ્હીનાં હતાં. અને એમને ગાલિબના સમકાલીન માનવામાં આવે છે. (વિકિપીડિયા પેજ - Mohammad Ibrahim Zauq)

ઓરિજિનલ શેર કંઈક આ પ્રમાણે છે:

इन दिनो गरचे दक्खन में है बडी कद्र ऐय सुखन
कौन जाये झौक पर दिल्ली की गलियां छोड कर 

જેનો મતલબ કંઈક એ પ્રમાણે છે કે એમણે જે સમયે આ લખ્યું હશે ત્યારે હિંદુસ્તાનનો દખ્ખણનો જે ભાગ છે એ દિલ્હીથી વધારે સમૃધ્ધ અને સારો માનવામાં આવતો હશે, પણ ઝૌક કહે છે કે દિલ્હીની ગલીઓ છોડીને ત્યાં કોણ જાય?!! (મેં એક આર્ટિકલ પરથી આ શોધ્યું છે, ઓરિજિનલ લીંક અહીંયા - A Day Wandering The Streets Of Delhi)


આ આખો વતન પ્રેમ અને માણસ જ્યાં ઉછર્યુ છે અને જ્યાં રહે છે ત્યાંથી બીજો કોઈ પ્રદેશ કે જગ્યા ભલે અલગ હોય પણ ત્યાં ન જવા માટેની લાગણી છે. એને માટે કદાચ આ શેર છે! એટલે જ અલી ફિલ્મની અંદર ગીતનાં પિક્ચરાઈઝેશનમાં આ શેર કહે છે, કારણ કે અલીનું પાત્ર પણ ફિલ્મમાં એવું છે. એનો બેસ્ટ ફ્રેન્ડ (રોશનનાં પિતા) ભારત છોડીને અમેરિકા સેટલ થયો છે, પણ એ ત્યાં જ છે, 'દિલ્લી' અને એની ગલીઓ છોડીને જવાનું એનું મન નથી, અને રિશિ કપૂરનું ભજવેલું આ પાત્ર અલી બેગ મારુ પ્રિય છે, કારણ કે એના પાત્રની અંદર ઊંડાઈ છે.

એટલે કદાચ આ ગીત 'દિલ્લી' માટે અને જૂની ગલીઓ માટે રાખ્યું છે ફિલ્મમાં. કારણ કે રોશન અને અલીની એ વાત પછી એ લોકોની ગાડી એ જૂની ગલીઓમાંથી ગુજરે છે. રોશન સામાન્ય રીતે 'ડેલ્હી' કે 'દિલ્હી' ઉચ્ચાર કરે છે, કારણ કે એ એન.આર.આઈ. છે. પણ અલી એને સાચો ઉચ્ચાર કહે છે 'દિલ્લી', કારણ કે એ 'દિલ' પરથી છે! હું પણ ઘણી વખત વિચારું છું કે 'દિલ્લી' ઈઝ બેટર ધેન 'દિલ્હી'! એટલે કદાચ 'રહેના તુ હૈ જૈસા તુ' શબ્દો 'દિલ્લી' માટે પણ હોઈ શકે. કારણ કે અમેરિકાથી આવેલ રોશન દિલ્હી એકદમ અલગ હોવા છતાં સેટ થવા લાગે છે, ધીરે ધીરે, એમાં પણ ફિલ્મની અંદર 'પુરાની દિલ્લી' છે. ત્યાંના લોકો એકદમ અલગ છે, એમનો સ્વભાવ અને રોજિંદી જિંદગી રોશનની 'અમેરિકન લાઈફ'થી એકદમ અલગ છે, પણ એ લોકોની જિંદગીને જોઈને એને ઘણી વાતો એમાં ન સમજાતી હોવા છતાં એમની વસ્તુઓમાંથી રોમાંચ અનુભવે છે. એક ઉદાહરણ અલીના ઘરે જ છે. ત્યાં વાતાવરણ જૂનું છે એકદમ, 'રજવાડી પાન' રાખવા માટેનો ડબ્બો, ઘરની ખડકી, બિલિયર્ડ્સ રમવા માટે ઘરની અંદર ટેબલ, શેક્સપિયર અને જિબ્રાનના પુસ્તકોની વચ્ચે અલી અને રોશનના પિતાનો જૂનો ફોટો! આ બધું નવી દુનિયા સાથે મેચ નથી થતું, પણ એને એમ જ રાખ્યું છે, કારણ કે અલીને કદાચ એ રીતે ગમે છે, જેવું છે એવું જ!! અને હવે સમજાયું મને કે ફિલ્મમાં કદાચ એ ગીત ત્યાં એટલા માટે છે. કારણ કે એ તકલીફોની વચ્ચે પણ સુકૂન છે!

વિલિયમ શેક્સપિયર અને ખલિલ જિબ્રાનનાં પુસ્તકોની વચ્ચે
એક જૂનો સેપિયા રંગનો ફોટો


કોઈ ગમતા માણસના સંદર્ભમાં જોઈએ તો ગીત કદાચ વધારે અર્થપૂર્ણ બને છે. ગીતની ધૂન પણ મને ખૂબ ગમે છે, એના શબ્દો વિસ્તારથી સમજી શકીએ એવાં છે... અને એ શબ્દો મને જે લોકો જેવાં છે એવા જ ગમે છે, એમને હું ઘણીવાર મેસેજમાં મોકલું છું!!

રહેના તુ, હૈ જૈસા તુ
થોડા સા દર્દ તુ, થોડા સુકૂન

ઘણી ઓછી વ્યક્તિઓ એવી હોય છે કે આપણને જેવી છે એવી જ વ્યક્તિ ગમે છે, એમને ઘણીવાર સલાહ અપાતી હોય છે કે આવો જ રહેજે/આવી જ રહેજે, જમાનાની હવા ન લાગી જાય એ જોજે! આ એના માટે શબ્દો છે, જે વ્યક્તિ જેવી છે એવી જ ગમે તો એનું આપેલું દર્દ પણ ગમે છે અને સુકૂન પણ! આ ફિલ્મની અંદર 'દિલ્લી' માટે પણ કદાચ આ શબ્દો છે ઉપર સમજાવ્યું એ રીતે. દિલ્લી અને એની જૂની ગલીઓ જેવી છે, એવી જ બરાબર છે, એ ગલીઓની અંદર અનુકૂલન સાધવામાં પણ સુકૂન છે!

રહેના તુ, હૈ જૈસા તુ
ધીમા ધીમા ઝોંકા યા ફિર ઝુનૂન
થોડા સા રેશમ તુ હમદમ, થોડા સા ખુરદુરા
કભી તુ અડ જાયે યા લડ જાયે
યા ખુશ્બુ સે ભરા

એ વ્યક્તિ જે ગમે છે, ક્યારેક એની શાંતિ ગમે છે, ઠંડા પવનની લહેરખી જેવી શાંતિ અને એ વ્યક્તિની અંદરનું ઝુનૂન પણ. દરેક વ્યક્તિ થોડી રેશમ જેવી સુવાળી અને થોડીક ખરબચડી છે. ક્યારેક વ્યક્તિ જીદ પર અડગ રહે છે, ક્યારેક ઝઘડો કરે છે, ક્યારેક એની ખુશ્બુથી દિલ ભરાઈ જાય છે... 


તુઝે બદલના ના ચાહૂ, રત્તિ ભર ભી સનમ
બિના સજાવટ, મિલાવટ,
ના જ્યાદા, ના હી કમ,
તુઝે ચાહૂ, જૈસા હૈ તુ
મુઝે તેરી બારિશ મેં ભીગના હૈ, ઘુલ જાના હૈ
તુઝે ચાહૂ, જૈસા હૈ તુ
મુઝે તેરી લપટ મેં જલના રાખ હો જાના હૈ

એ વ્યક્તિને બદલવાનું જરા પણ મન થતું નથી, એને એ જ રીતે કોઈ પણ સજાવટ, મિલાવટ વગર સ્વીકારી લેવાનું મન થાય છે, એ વ્યક્તિની અંદર થોડો વધારો કે ઘટાડો કરવાનું મન નથી થતું. એના પ્રેમરૂપી વરસાદમાં ભીંજાઈ જવાનું અને એમાં એકરૂપ થવાનું મન થાય છે. એની અંદરની આગમાં બળીને રાખ થવાનું, એની અંદર એકાકાર થવાનું મન થાય છે. 

તુ ઝખ્મ દે અગર
મરહમ ભી આકર તુ લગાયે
ઝખ્મ પે ભી મુઝકો પ્યાર આયે
દરિયા ઓ દરિયા
ડૂબને દે મુઝે દરિયા

ઘણી વાર પ્રિય વ્યક્તિ દુ:ખ અથવા ઘા આપે છે, એ ઘા સમય જતાં એ જ વ્યક્તિ ભરી આપે છે, અને પછી એ ઘા પણ ગમવા લાગે છે, અને એ સમયે એ વ્યક્તિના પ્રેમરૂપી દરિયામાં ડૂબી જવાનું મન થાય છે. કારણ કે એવી વ્યક્તિઓ ખૂબ ઓછી મળતી હોય છે જેમનો ઘા પણ આપણને ગમતો હોય.


હાથ થામ ચલના હો,
તો દોનો કે દાયે હાથ સંગ કૈસે
એક દાયા હોગા, એક બાયા હોગા
થામ લે, હાથ યે થામ લે
ચલના હૈ સંગ થામ લે

જો હાથ પકડીને સાથે ચાલવું હોય તો બંને વ્યક્તિઓનો જમણો હાથ હોય તો શક્ય બનતું નથી. એક વ્યક્તિનો જમણો હાથ, અને બીજી વ્યક્તિનો ડાબો હાથ હોય એ જ રીતે સાથે ચાલી શકાય છે, સાથે ચાલવું હોય તો એ જ રીતે હાથ પકડવા પડે છે. કોઈ પૂરુ નથી કે કોઈ સંપૂર્ણ નથી, દરેક અલગ છે, પણ દરેકની પોતાની ઓળખાણ છે, જે વ્યક્તિ જેવું છે એવું ઠીક છે, એની સાથે ચાલવા માટે (સાથ નિભાવવા માટે) થોડુ એડજ્સ્ટ બંને વ્યક્તિઓએ કરવું પડશે, સામેની વ્યક્તિ જેવી છે એવી એને સ્વીકારીને, એને અપનાવીને એની સાથે ચાલી શકાશે!

ગીતના આ છેલ્લા શબ્દો પૂરા થાય છે પછી જે સંગીત છે એ ગીત પૂરુ થાય ત્યાં સુધી વાગે છે, એ હું આંખો બંધ કરીને સાંભળું તો મને એવી લાગણી થાય છે જાણે રાત પૂરી થઈ રહી છે અને ધીમે ધીમે સૂર્યોદય થાય છે! આ રીતે પ્રયત્ન કરી શકાય, જો એ ફીલિંગ આવે તો મને કહેજો!





No comments:

Post a Comment