Tuesday 21 February 2017

વિશ્વ માતૃભાષા દિવસ - ગુજરાતી ભાષા માટે તમે શું કર્યુ?



દર વર્ષે સમગ્ર વિશ્વમાં ૨૧મી ફેબ્રુઆરીનાં રોજ કરોડો લોકો આ દિવસની ઉજવણી કરે છે અને પોતાની ભાષા પ્રત્યે ગૌરવ અનુભવે છે. પણ સત્ય એ પણ છે કે આપણી માતૃભાષા ગુજરાતી માટે આપણે શું કર્યુ એમ કોઈ પૂછે તો જવાબ આપણી પાસે નહીં હોય. વાત એ પણ નથી કે ગુજરાતી લુપ્ત થઈ જશે એટલે આપણે એને બચાવવી જોઈએ અને એ બધી ચર્ચા પણ હું અહીં કરવાનો નથી. કોઈ ભાષા એમ અચાનક રાતોરાત લુપ્ત પણ થઈ જતી નથી. પરંતુ, દરેક પેઢી પાસે આવનારી પેઢીને આપવા માટે કંઈક હોવું જોઈએ, એમ વારંવાર આપણે સાંભળીએ છીએ, તો હવે પછીની પેઢીને શું આપવાનું છે? અત્યારનાં સમયમાં મોટાભાગનાં માતા-પિતા બાળકોને 'અંગ્રેજી માધ્યમ'માં ભણવા મૂકે છે. કેમ? ગુજરાતી ભાષામાં ભણેલા લોકો પ્રગતિ કરી શકતા નથી? હું એમ નથી કહેતો કે અંગ્રેજી માધ્યમમાં બાળકોને ન ભણાવશો. પણ, પછી જો એ બાળકોની શાળામાં ગુજરાતી વિષય નહીં હોય તો શું એ જ માતા-પિતા એમનાં બાળકોને ગુજરાતી શીખવાડશે ખરા? એમણે શીખવાડવું જોઈએ એવું મને તો લાગે છે. 

કેમ નાના બાળકને જેને પૂરી સમજ પણ નથી એને એમ કહેવામાં આવે છે કે આ 'કાઉ' છે અને 'ટ્રી' છે? ના, એ 'ગાય' છે અને 'ઝાડ' છે. કેટલા લોકોને સ્કૂલ પૂરી થયા પછી આખો કક્કો આવડે છે? કેટલા લોકો સાચી જોડણી લખે છે? કેટલા લોકો સાચી જોડણી શીખવાનો પ્રયત્ન કરે છે? તમે છેલ્લે ગુજરાતી પુસ્તક કયારે વાંચેલું? કેમ લોકો પોતાની જ ભાષાની નવલકથાઓ ન વાંચી શકે? ગુજરાતી સાહિત્ય સમૃધ્ધ જ છે. શું ગુજરાતી સાહિત્ય વિશે ફરિયાદ કરનારા લોકોએ કનૈયાલાલ મુનશી કે ધૂમકેતુ કે બીજા ગુજરાતી લેખકોને વાંચ્યા છે? હું એમ પણ નથી કહેતો કે બધા જ પુસ્તકો વાંચી જ લો. પણ શું કોઈ તમને ગુજરાતીમાં તમે વાંચેલી નવલકથાઓ કે વાર્તાઓ વિશે પૂછશે તો તમારી પાસે શાળાનાં અભ્યાસક્રમ પછી વાંચેલી પુસ્તકો વિશે જવાબ છે?

કેમ નવી ગુજરાતી સિનેમામાં તમે પોસ્ટર્સ અને ફિલ્મની ક્રેડિટ્સમાં ફિલ્મનું નામ અંગ્રેજી ફોન્ટ્સમાં રાખો છો? શા માટે? મને તો બંગાળી કે દક્ષિણ ભારતની ફિલ્મમાં નામ અંગ્રેજી ફોન્ટ્સમાં વાંચ્યાનું યાદ નથી. અને પછી લોકો ફરિયાદો કરે છે કે 'ગુજરાતી સિનેમા' આગળ નથી. સત્યજીત રે કે રિતુપર્ણો ઘોષ બંગાળીમાં મહાન ડિરેક્ટર્સ ગણાય છે, એમની સિનેમામાં ફિલ્મની આખી ક્રેડિટ્સ બંગાળી ભાષામાં હોય છે. કહેવાતી 'ગુજરાતી અર્બન ફિલ્મો' ફક્ત અંગ્રેજી ટાઈટલ રાખવાથી સિનેમાને આગળ નહીં લઈ જઈ શકે. અને મને તો એ ખ્યાલ નથી આવતો 'અર્બન ફિલ્મ' એટલે શું? મલ્ટિપ્લેક્સ દર્શકને આકર્ષવા? તો શું  'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' કે 'મોતીના ચોક રે સપનામાં દીઠા' એ પ્રકારની ફિલ્મો અર્બન નહોતી? એ ફિલ્મોનાં પાત્રો અને વિષયો આજની 'અર્બન ફિલ્મ' કરતાં તો ચડિયાતા જ હતા. હા, તમે નીચે 'ઈંગ્લિશ સબટાઈટલ્સ' રાખી જ શકશો, જો એ ફિલ્મને તમારે થોડા મોટા સ્તર સુધી પહોંચાડવી હોય. પણ, ઘણી ફિલ્મોનું તો સ્તર જ નીચું હોય છે, એમનાં હલકી કક્ષાના ડબલ અર્થવાળા ડાયલોગ્સ કે ફટાફટ પૈસા કમાઈ લેવા માટે બનાવેલી ફિલ્મોની ગુણવત્તા તરત ઉડીને આંખે વળગે છે! અને મારા મત મુજબ તો આવી નીચલી કક્ષાની ફિલ્મો 'અર્બન ફિલ્મો' તો ન જ ગણાય. શું આ છે ગુજરાતી સિનેમા? કેમ હવે કોઈ 'ભવની ભવાઈ' કે 'માનવીની ભવાઈ' કે 'કંકુ' નહીં બને?

જેમને સરખું હિન્દી કે અંગ્રેજી નથી આવડતું એ લોકો શું કામ 'બાવા હિન્દી' કે 'ફેક ઈંગ્લિશ' ભાષામાં વાત કરે છે? દક્ષિણ ભારતનાં લોકોને અને બંગાળીઓને પોતાની માતૃભાષા પ્રત્યે છે એવો પ્રેમ આપણે ગુજરાતી માટે પેદા કરવો જ રહ્યો. આપણને ગુજરાતી હોવા વિશે શરમ શું કામ આવે છે? ગુજરાતી એટલે માત્ર બિઝનેસમેન કે ગુજરાતી એટલે માત્ર આમ ને તેમ એવી લોકોની સ્ટીરિઓટાઇપ માન્યતાને બદલવી જ પડશે. તમારા કુટુંબમાં કે મિત્રોમાં કોઈ લખે છે કે સિનેમામાં રસ ધરાવે છે તો એને પ્રોત્સાહન આપો, એને એમ ન કહેશો કે લેખક ન બની શકાય કે ફિલ્મોની અંદર કરિયર ન બનાવી શકાય. કોઈપણ એ માણસ જે પોતાની ભાષા માટે કંઈક પણ વિચારે છે એને સહારો આપો. 'આ ફોટો આટલા લોકોને મોકલો નહીં તો તમારી સાથે ખરાબ થશે' એવા હીનકક્ષાના સંદેશાઓ સોશિયલ મીડિયામાં ફરતા કરવાને બદલે જે માણસ કંઈક વિચારે છે પોતાની ભાષા માટે, પોતાની ભાષાના વારસાને જાળવવાના એના વિચારો ફોરવર્ડ કરો, આટલું કરીશું તો ભવિષ્યમા 'ગુજરાતી ભાષા બચાવો' વિશે કાર્યક્રમો નહીં યોજવા પડે. 

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. ગુજરાતી જેવી મીઠી અને એક ઘા એ બે કટકા કરે એવી કોઈ ભાષા હોય તો ગુજરાતી...સરસ. સારા મુદ્દા રજૂ કર્યા

    ReplyDelete