Monday 27 February 2017

કેરી ઓન કેસર (૨૦૧૭)




કેસર અને શ્યામજી પટેલ (સુપ્રિયા પાઠક કપૂર અને દર્શન જરીવાલા) ગુજરાતનાં જામ ખંભાળીયામાં રહે છે, સરસ હવેલી સમાન ઘર છે, મિલકત છે, નોકર છે, ફક્ત સંતાન નથી. એમની જિંદગીમાં એક એવી ઘટના ઘટી છે જેનાથી કેસરને ભગવાન પરથી ભરોસો ઉઠી ગયો છે. એની (અવનિ મોદી) નામની એક છોકરી પેરિસથી આવે છે જામ ખંભાળીયા કેસર પાસે. ડૉ. પ્રતીક જોશી (રિતેશ મોભ) અને એની બંને કેસર અને શ્યામજી પટેલને આઈ.વી.એફ. પધ્ધતિની માહિતી સમજાવી બાળક માટે પ્રયત્ન કરવા કહે છે. એમની લાગણીઓની આસપાસ ગૂંથાય છે આ સરસ મજાની ફિલ્મ. 

કેસરનાં પાત્ર તરીકે સુપ્રિયા પાઠકની ખૂબ જ ખૂબ જ સુંદર એક્ટિંગ!! અવનિ મોદીએ પણ એનીનાં પાત્રની સુંદરતાને એક્ટિંગ સાથે બેલેન્સ કરી છે. અહીં બધા જ કલાકારોએ પોતાનાં ભાગની કામગીરી સરસ નિભાવી છે. કેટલાક સીન્સમાં એક પણ શબ્દ બોલ્યા વિનાનો દર્શન જરીવાલાનો ચહેરો હોય કે વાછરડાની સાથે વાત કરતો સુપ્રિયા પાઠકનો સીન હોય કે મરચું ખાંડવાનો સીન, દરેકમાં જોરદાર અભિનય!!



દરેક પાત્ર પ્રેમ શોધે છે, કેસર અને શ્યામજી સંતાનનો પ્રેમ, એની અને પ્રતીક જીવનસાથી, એ ઉપરાંત એની કોઈનું વાત્સલ્ય પણ ઝંખે છે... પ્રતીક ડૉકટર તરીકેની કરિયર ચાલે એ માટે એની પાસેથી મદદ મેળવે છે, આશા અને સપનાઓની બદલામાં એને પ્રેમ પણ મળે છે. બંધ પડેલું કારખાનું અને ભગવાનને માટે બંધ કરેલા દરવાજા પણ ફરી ખૂલે છે અને અમુક સીન્સમાં આંખો ભીંજાઈ જાય છે. ફિલ્મનાં બધા ગીતો ખૂબ સુંદર છે. ફિલ્મનાં લોકેશન્સ, એડિટિંગ, સસ્પેન્સ, વાર્તા, ડાયલોગ્સ એક પણ વાતમાં ક્યાંય કોઈ કચાશ નથી, આવી ગુજરાતી ફિલ્મ બનવી જોઈએ, જેની પર ગુજરાતી તરીકે ગૌરવ લઈ શકાય. ડિરેક્ટર વિપુલ મહેતા અને એમની સમગ્ર ટીમને અભિનંદન... 

ફિલ્મની અંદર અરીસા સામે એક સીન છે, એ સીનની સિનેમટોગ્રાફી ખૂબ સુંદર છે. એ સીનમાં અંકિત ત્રિવેદી અને ભૂમિકા ત્રિવેદીનાં લખેલા ખૂબ સુંદર બે ડાયલોગ્સ છે જે તમારી સાથે રહેશે ઘણા સમય સુધી, મને આબેહૂબ એ ડાયલોગ્સ યાદ નથી, પણ જે યાદ છે એ કંઈક આ પ્રમાણે છે... 
"મનગમતા નામ લખવા માટે કોઈ ઉંમર હોતી નથી."
"મૌસમને જોઈને ફૂલ નથી ખીલતાં, ફૂલનાં ખીલવાથી મૌસમ બદલાય છે." 



No comments:

Post a Comment