Monday 20 March 2017

સર્ટિફાઇડ કોપી (૨૦૧૦)



દરેક વ્યક્તિની કોઈપણ વસ્તુ કે બીજી વ્યક્તિને નિહાળવાની શક્તિ અને ક્ષમતા અલગ અલગ હોય છે. એક જ પ્યાલો કોઈને અડધો ભરેલો લાગે, કોઈને અડધો ખાલી લાગી શકે. કળા અને એમાં પણ ખાસ કરીને ચિત્રો કે મૂર્તિમાં ખાસ એ રીતે મતભેદ થતાં હોય છે. ઘણી વખત કલાકાર જે કહેવા માંગે એ વાત એકદમ જ સરળ હોય એવું પણ બને, અને ક્યારેક ખ્યાલ જ ન આવે. એક જ ચિત્ર કે પ્રતિમાને કોઈ એક વ્યક્તિ અલગ રીતે જુએ, કોઈ બીજી વ્યક્તિ એથી પણ અલગ રીતે જુએ એ પણ બની શકે. ઘણી વખત કળાની અંદર એવું થતું હોય છે કે આ વસ્તુ અસલી કે મૂળ કૃતિ છે અને બીજી વસ્તુઓ એની નકલ છે. પણ, એ પણ બની શકે કે જેને મૂળ કૃતિ માનવામાં આવતી હોય એ પણ નકલ હોઈ શકે! કળાનું યથાર્થ અર્થઘટન કરવું ક્યારેક ખૂબ મુશ્કેલ બની જાય છે. આ પ્રકારની સમજશક્તિમાં થોડો પણ રસ ધરાવતા લોકો આ ફિલ્મ નિહાળી અથવા માણી શકશે! 

અંગ્રેજ લેખક જેમ્સ (વિલિયમ શિમેલ) પોતાની લખેલી પુસ્તકનાં ઇટાલિયન અનુવાદનાં વિમોચન વખતે ઇટાલી આવે છે ત્યારે મુલાકાત થાય છે એક સ્ત્રી (જુલિયેટ બિનોચે) સાથે, જેના પાત્રનું ફિલ્મનાં કોઈ જ ડાયલોગ્સમાં નામ જ નથી! બંને નજીકમાં ફરે છે, વાતો કરે છે, મ્યુઝિયમની મુલાકાત લે છે. કળા વિશે અલગ અલગ મત ધરાવે છે, અને એક આખો દિવસ બંને એકબીજાની સાથે પસાર કરે છે એ વિષય પર છે આ ફિલ્મ, એ સિવાયનું કહેવું 'ફિલ્મ સ્પોઈલર્સ' ગણાશે, તો રસ હોય તો ફિલ્મ જોવી.  

ઇરાનિયન ડિરેક્ટર અબ્બાસ કિયારોસ્તામીની આ ફિલ્મનું મૂળ ટાઇટલ 'કોપીએ કન્ફોર્મે' છે. ફિલ્મનાં ડાયલોગ્સ ક્યારેક ફ્રેન્ચ, ક્યારેક ઇટાલિયન અને ક્યારેક અંગ્રેજીમાં છે. ૨૦૧૦માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જુલિયેટ બિનોચેને આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળેલો. એનું પાત્ર એણે ખૂબ ઝીણવટપૂર્વક ભજવ્યું છે, નાનામાં નાની વસ્તુનું ખાસ ધ્યાન રાખીને. બીજી ખાસ વસ્તુ એ છે કે વિલિયમ શિમેલ પણ એક્ટર નથી, એ ઓપેરા સિંગર છે. ડિરેક્ટર દ્વારા એ બધી વસ્તુઓ ખાસ રીતે કાળજી રાખીને આ સુંદર અને ઉત્તમ ફિલ્મ બનાવી છે. ફિલ્મની અંદર અમુક વસ્તુઓ ખ્યાલ નહીં આવે, જે રીતે આગળ કહ્યુ એ રીતે જ. દરેક માણસનો મત અલગ રહેશે કે આમ નહીં ને આમ છે, કારણ કે આ એ પ્રકારની ફિલ્મ છે, જેની અંદર ખૂબ સમજવું પડશે. ફક્ત વર્લ્ડ સિનેમાની અંદર રસ ધરાવતા લોકોને જ ફિલ્મ જોવા માટે ભલામણ... 


Wikipedia Page - 

No comments:

Post a Comment