Thursday 23 March 2017

શહીદ દિવસ અને ભગત સિંઘ




ડિસેમ્બર ૧૯૨૮માં ભગત સિંઘ અને શિવરામ રાજગુરુ બંનેએ મળીને જોન સોન્ડર્સ નામનાં અંગ્રેજ પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા કરેલી. હકીકતમાં તેઓ મારવા માંગતા હતાં જેમ્સ સ્કોટ નામનાં સુપ્રિટેન્ડન્ટને, કારણ કે તેણે કરેલ લાઠી ચાર્જને કારણે લાલા લજપત રાય ગંભીર રીતે ઘાયલ થયેલાં અને પછીથી એમનું મૃત્યુ થયેલું. એ આરોપમાં એમની સાથે સુખદેવ થાપરનું પણ નામ હતું. એ આરોપસર તેમને ૨૪મી માર્ચ ૧૯૩૧નાં દિવસે ફાંસી આપવાની જાહેરાત કરવામાં આવેલી. પરંતુ વ્યાપક વિરોધને કારણે એક દિવસ પહેલાં ૨૩મી માર્ચની સાંજે ફાંસી આપીને સતલજ નદીને કિનારે અંતિમસંસ્કાર કરી દીધેલા. ભગત અને સુખદેવની ઉંમર હતી ૨૩ અને રાજગુરુની ઉંમર ૨૨. શિવરામ રાજગુરુનું જન્મસ્થળ પુણે જિલ્લાનું ખેદ હતું, જેને  એમનાં માનમાં રાજગુરુનગર નામ આપવામાં આવ્યું છે. તેઓ ત્રણેય હિન્દુસ્તાન સોશિઅલિસ્ટ રિપબ્લિક અસોસિએશનનાં સભ્ય હતાં. આઝાદી માટે તેમણે આપેલ બલિદાન હમેંશા યાદ રાખવામાં આવશે. 

આ ત્રણ સ્વતંત્રતા સેનાનીઓમાંથી આપણને સુખદેવ અને રાજગુરુ વિશે ખાસ માહિતી નથી. સૌથી વધારે માહિતી આપણને ભગત સિંઘ વિશે જ છે. જેમની પર ફિલ્મો પણ બની છે. પરંતુ આપણે ક્યારેય વિચારતાં નથી કે આ બધુ આપણે કેમ ઉજવીએ છીએ. આપણે અન્યાય સામે લડત કે અવાજ ઉઠાવી શકવા જાણે હવે સમર્થ જ ન હોઈએ એમ બેસી રહીએ છીએ અને બધુ સહન કરીએ છીએ. જો આ લોકો દેશમાંથી ગુલામી દૂર કરવા માટે મૃત્યુને વરી શકતાં હોય તો આપણે સામાન્ય નાની વાત માટે તો પડકાર ફેંકી શકીએ, જે વસ્તુથી આપણને વાંધો હોય એ વસ્તુ સામે તો આપણે પડકાર ફેંકી જ શકીએ. ભગત સિંઘ દ્વારા ૧૯૨૯માં સંસદ પર બોંબ ફેંકવામાં આવેલો, એ વખતે એમણે 'ઇંકિલાબ ઝિન્દાબાદ'નો નારો આપેલો, જેનો અર્થ થાય છે કે ક્રાંતિ સદા રહે અથવા બીજી રીતે કહીએ તો ક્રાંતિની જ્વાળા સદા ભડકતી રહે. એ ક્રાંતિ છે ખરાબ સામે અવાજ ઉઠાવવો. પોતે કેમ નાસ્તિક હતાં એ વિશે એમણે લખેલ નિબંધમાં પણ એમણે કહેલું કે જૂની માન્યતાઓને તમે તોડવા માંગો છો કે પડકાર ફેંકો છો ત્યારે તમે બીજાથી અલગ તરી આવો છો, કારણ કે અત્યાર સુધી એ કોઈએ કર્યુ નથી, પરંતુ એ જરૂરી છે કે તમે જૂની માન્યતાઓનો ત્યાગ કરો. એ કેટલી સરસ અને સાચી વાત છે જે ચાલ્યુ આવતું હોય એ ખરાબ હોય, એનાથી નુકશાન થતું હોય, તો પણ એ સામે કોઈને અવાજ ઉઠાવવો નથી, ઘેટાંશાહી અને ટોળાંશાહી ચલાવ્યે જ રાખવામાં આવે છે. એમણે એ પણ કહેલું કે અંગ્રેજો ભારતમાં એટલા માટે નથી કારણ કે આપણાં નસીબમાં લખ્યું હશે કે આ પ્રકારે થવાનું હશે, પરંતુ એટલા માટે છે કારણ કે શરૂઆતમાં કોઈએ વિરોધ કર્યો નથી. તમારી આસપાસમાં કે તમને જે વસ્તુ સામે વાંધો છે એની સામે અવાજ ઉઠાવો. રાકેશ ઓમપ્રકાશ મહેરાની ભગત સિંઘ સમયનાં સ્વતંત્રતા સેનાનીઓ અને મોડર્ન યુથ પરની વિચારધારાને રજૂ કરતી ફિલ્મ 'રંગ દે બસંતી'માં પણ કંઈક એ જ પ્રકારે કહ્યુ છે કે જે થઈ રહ્યુ છે એની સામે વાંધો હોય તો કાં તો ચૂપચાપ સહન કરો અથવા અવાજ ઉઠાવો. અંતમાં ભગત સિંઘ કેમ નાસ્તિક હતાં તે વિશે નાનો વિડિયો અને 'રંગ દે બસંતી' ફિલ્મનું ગીત 'ખૂન ચલા'...





No comments:

Post a Comment