Thursday 30 March 2017

કાગળની હોડી - કુન્દનિકા કાપડીઆ




દરેક માણસને પોતાને ભાગે આવેલ જીવન જીવવું પડે છે, મોટાભાગનાં લોકો પોતાને શું જોઈએ છે, તે માટે કેવો રસ્તો પસંદ કરવો એ જાણતા જ હોય છે. પણ, જ્યારે સાચો રસ્તો પસંદ કરવાનો સમય આવે છે ત્યારે ખોટો રસ્તો પસંદ કરી ચૂક્યા હોય છે અને એ ખોટા રસ્તામાંથી સાચા રસ્તા તરફ દુનિયાનાં નિયમો અને બંધનો છોડીને ખૂબ ઓછા લોકો જઈ શકે છે. દરેક વ્યક્તિની સુખ વિશેની વ્યાખ્યા અલગ અલગ હોય છે. મારી પોતાની ધારણા એવી છે કે સુખી હોવું અને ખુશ હોવું એ બંને અલગ વસ્તુ છે, કેટલાક લોકો પાસે અપાર સંપત્તિ હોય છે, એ લોકો પોતાની જાતને સુખી ગણી શકે છે, પણ એમાંથી ઘણા લોકો ખુશ હોતાં નથી. કોઈની ઈર્ષ્યામાં બોલેલું જૂઠ અંતે દિલને ઠેસ પહોંચાડે જ છે, જે જોઈતું જ નથી, જે ગમતું જ નથી, એ બીજાને ખરાબ લગાડવા કે એ બીજી વ્યક્તિને ઈર્ષ્યાથી બાળવા માટે સ્વીકારી શકાય નહીં. લગ્નજીવનમાં જ્યારે કપરા ચઢાણ આવે છે ત્યારે એકબીજાનો હાથ પકડીને સફરને આગળ ધપાવવાનો હોય છે. ક્યારેક કોઈ એક વ્યક્તિ આપણા જેવી જ સ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યું છે, એ જાણીને દિલમાં કંઈક રાહતની લાગણી થાય છે, કારણ કે આપણે જે કહેવા માંગતા હોઈએ એ વાત એ વ્યક્તિ સમજે છે. કલ્પના મોટેભાગે વાસ્તવિકતાથી વધુ સુંદર હોય છે અને ક્યારેક આંખો ખોલવાની ઇચ્છા જ નથી થતી, બસ એમ થાય છે કે એમ જ રહે, પણ, સપનુ તો આખરે સપનુ હોય છે! એક સાંજ, એક યાદ ક્યારેક કોઈ ખૂણે રહી જાય છે, બસ એમ જ સચવાઈને પડી રહે છે એ સાંજ, એ યાદ, અને ક્યારેક અચાનક વર્ષો પછી યાદ આવી જાય છે. ક્યારેક માનવી કશુંક એવું શોધ્યા કરે છે, જે ક્યારેય મળવાનું જ નથી. જ્યારે એની આશા જ છોડી દીધી હોય ત્યારે એ પ્રાપ્ત થાય છે અને વિશ્વાસ જ આવતો નથી. ક્યારેક એમ થાય છે કે બંધન અને નિયમો તોડીને એવી કોઈક દુનિયા બનાવીએ અને એની અંદર કાયમ માટે રહીએ. બીજાનું રૂપ અને પૈસા જોઈને ઈર્ષ્યા કરીને દુ:ખી થનારી વ્યક્તિઓની આ દુનિયામાં કોઈ જ અછત નથી. એ પ્રકારનું ત્રાજવું લઈને સુખ અને દુ:ખ તોળનારાઓ ગુલામથી કમ નથી. કાગળની હોડી એટલે શું? એ થોડો સમય પાણીમાં તરે અને પછી ક્યારે ડૂબી જાય એ નક્કી નથી. આપણી જિંદગી પણ તો એવી જ છે!

કુન્દનિકા કાપડીઆનો આ વાર્તાસંગ્રહ મને એટલો ગમ્યો કે એની કોઈ હદ નથી. ઉપર લખેલાં વાક્યો આ વાર્તાસંગ્રહમાંથી મેં કાઢેલો નિષ્કર્ષ છે અથવા આ વાર્તાઓ કયા વિષયો પર છે એ જાણવા માટે પણ આ વાક્યો રાખી શકાય. હજુ ઘણી વાર્તાઓ વિશે ઉપર લખ્યું નથી. કારણ કે એમાં બરાબર રીતે સમજણ જ ન પડી! ટૂંકી વાર્તાઓ મને હમેંશાથી ગમી છે. આ વાર્તાસંગ્રહ મેં પુસ્તકાલયમાંથી વાંચ્યો, પણ મને ખૂબ જ ગમ્યો એટલે ખરીદવા માટે પ્રયત્ન કર્યો, જે દુકાનમાંથી હું ખરીદુ છું ત્યાં મને ન મળ્યું આ પુસ્તક, પણ, હું એમને કહીને આવ્યો છું કે એ જ્યારે નવો સ્ટોક લેવા જાય ત્યારે લઈ આવે, નહીં તો પછી મારે ઓનલાઈન ખરીદવી તો પડશે જ! 


કુન્દનિકા કાપડીઆ

2 comments: