Sunday 21 May 2017

વરસાદ અને યાદો

મૌસમનો પહેલો વરસાદ કહી શકાય આને? ગ્લોબલ વોર્મિંગની અસર કહો કે જે પણ! પરંતુ ગાંધીનગરમાં આજે અડધા કલાક જેટલો વરસાદ પડ્યો અને એ પણ સારી માત્રામાં. સવારે જ તો હું કેરી યાદ કરતો હતો, નવી લાવેલી કેસર કેરીની પેટી સામે જોઈ રહેલો,... સાંજે ધાબે ગીતો સાંભળી રહ્યો હતો ત્યાં તો આંધી જેવા પવન સાથે એક બુંદ પડી ચહેરા પર... એ પછી વધારે માત્રામાં વરસ્યો એ અને ધાબેે મેં નાહી પણ લીધું. કમોસમી વરસાદ, પાક બગાડશે, એ બધી વસ્તુઓ હું જાણું છું, મૌસમનો આ પહેલો જ વરસાદ ગણીએ કે ન ગણીએ, પરંતુ એક જ પળની અંદર એ કેટલી યાદો મૂકી ગયો મારી અંદર. ભીની માટીની સુગંધ, શેરીની બત્તીઓનો રસ્તા પર રહેલ ખાબોચિયામાં પડતો પ્રકાશ, ઠંડો પવન, વીજળી, વરસાદ પછીનું સ્વચ્છ આકાશ, બચપણ, સ્કૂલ, પહેલો પ્રેમ, કૉલેજ,... કંઈક લખવું છે મારે યાદ આવેલ ગીતો વિશે, ધીમે ધીમે સમય કાઢીને લખતો રહીશ... એ ગીતો વિશે લખી રહીશ એટલે અહીં શેર કરીશ, ત્યાં સુધી, હમણા જ સૂઝી આવેલા કેટલાક શબ્દો સાથે એક જૂની તસવીર મૂકી રહ્યો છું...

કોઈ કહો ને, આ વરસાદને, 
બચપણ પાછુ લાવી આપે, 
ખોવાયેલ મિત્રો લાવી આપે, 
ખોવાયેલો સમય લાવી આપે, 
ભીની માટી જેવી ક્ષણો પાછી આપે, 
કોઈ કહો ને, આ વરસાદને, 
ખરાબ યાદો ધોઈ આપે, 
કોઈ કહો ને, આ વરસાદને, 
ફરી એ જ નિર્દોષતા પાછી આપે...

5 comments: