Tuesday 23 May 2017

ફિર સે ઉડ ચલા




રોજબરોજની આપણી જિંદગીમાં કેટલી મુશ્કેલીઓ, સમસ્યાઓ, ઝખ્મો, લાગણીઓ, યાદો સાથે આપણે જીવ્યા જ કરીએ છીએ. ક્યારેક નાની સરખી વાતની મન પર ભારે અસર પડી જાય છે, ક્યારેક ગમે તેટલી મોટી વાતની અસર પણ અમુક દિવસો પછી ધીમે ધીમે ઓછી થતી જાય છે. એ જ સપાટી પરની રોજ એકધારી ખુશ લાગતી જિંદગી અને અંદરથી કોઈ યાદો, ઝખ્મો અને મુશ્કેલીઓ અનુભવીને ક્યારેક દુ:ખી થઈને પણ આપણે સુખી થઈ જઈએ છીએ!


આ પોસ્ટ ઋતુરાજને સમર્પિત...



ગીત - ફિર સે ઉડ ચલા

સંગીત - એ. આર. રહેમાન
ગાયક - મોહિત ચૌહાણ
ગીતકાર - ઈર્શાદ કામિલ
ફિલ્મ - રોકસ્ટાર (૨૦૧૧)

ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'રોકસ્ટાર' અનેક રીતે મારી પેઢી માટે એક જિંદગી સમાન છે, એમની પોતાની જિંદગી જેવી, જે એમણે ક્યારેય જીવી નથી, છતાં લાગે છે કે બધી જ વાતો પોતીકી જ છે, લાગે છે કે આ બધુ જ મહેસૂસ થાય છે. ફિલ્મ રજૂ થયેલી એ વખતે અમુક લોકોને ખૂબ જ સમસ્યાઓ હતી, એમાંથી સૌથી મોટી સમસ્યા હતી અરૈખિક પટકથા. (નૉન લિનીઅર સ્ક્રીનપ્લે) મોટાભાગના લોકોની એ જ ફરિયાદ હતી કે કઈ વસ્તુ કોણે કીધી અને કયા સમયે સ્ક્રીન પર શું ચાલી રહ્યું છે, કારણ કે બધી વસ્તુઓ એક સીધી રેખામાં નહોતી. પ્રથમ આ, પછી આ, એ ક્યારેય ઈમ્તિયાઝ અલીની ફિલ્મમાં હોતું નથી, નૉન લિનીઅર સ્ક્રીનપ્લે હમેંશાથી ઈમ્તિયાઝ અલીની મનપસંદ રીત છે. બીજી એક વસ્તુ એ પણ છે કે એમની વાર્તાઓ તેઓ પોતે જ કહે છે, એક ડિરેક્ટરના માધ્યમથી જ, કોઈ પાત્ર વાર્તા કહેતું નથી મોટેભાગે, એટલે થોડીક વખત આ વસ્તુ, એક પાત્ર વિશે, એ પછી અલગ પાત્ર, અલગ સમય, મને એ ખૂબ ગમે છે. (તમાશા ફિલ્મમાં 'હીર તો બડી સેડ હૈ' ગીત વખતે આપણે ફક્ત તારાની જિંદગીના વર્ષો વિશે જાણીએ છીએ, એ વખતે વેદ શું કરે છે એ આપણને ખ્યાલ નથી.) (લવ આજ કલ ફિલ્મમાં સેન ફ્રાન્સિસ્કો વખતે જઈની જિંદગી વિશે જાણીએ છીએ, એ વખતે મીરા વિશે ખ્યાલ નથી.) (એ જ રીતે આ ગીત એક રીતે જોર્ડનની આખી જિંદગી પોતાની અંદર સમાવી લે છે, પણ એક સીધી રેખામાં નહીં, પરંતુ બધા ટુકડા ભેગા થઈને એક ચિત્ર બને એ રીતે.)


ફિર સે ઉડ ચલા
ઉડ કે છોડા હૈ જહાન
નીચે મૈં તુમ્હારે
અબ હૂ હવાલે 

દૂર દૂર લોગ બાગ
મિલો દૂર, યે વાદિયાં

ફિર ધુઆં ધુઆં તન
હર બદલી ચલી આતી હૈ છૂને
પર કોઈ બદલી કભી
કહી કર દે તન ગિલા
યે ભી ના હો

હીર (નરગિસ ફખરી) લગ્ન કરી રહી છે, જોર્ડન (રણબીર કપૂર) સાથેની વાતચીતમાં હીર એની પાસેથી આડકતરી રીતે પ્રાગ આવવાનું વચન માંગી લે છે. બંને પાત્રોને ખ્યાલ નથી કે એમની અંદર ક્યાંક કોઈક ખૂણે પ્રેમની શરૂઆત થઈ ચૂકી છે, ભીની લાગણીઓ સમાન લાગતી પ્રેમની શરૂઆત, જે આગળ જઈને જલન અને આગ સુધી પહોંચશે, એ વાતનો એ લોકોને સપનામાં પણ ખ્યાલ ન હોઈ શકે. આ ગીતની પ્રથમ પંક્તિમાં આવતા શબ્દો જોર્ડનની થોડા સમય પછીની સ્થિતિ કહે છે, જ્યારે એને કુટુંબમાંથી પણ કાઢી મૂકવામાં આવે છે, પરિચિત બધી જ વસ્તુઓ, જૂના લોકોને ત્યજીને, હીરની સાથે શરૂ થયેલ પ્રેમની લાગણીઓને, કૌટુંબિક સભ્યોને, ઓળખીતા બધા જ લોકોને એ પાછળ છોડી ચૂક્યો છે અને બસ આગળ વધે જ રાખે છે, પોતાની જ ઉડાન ભરે છે એ પોતાનાં જ નશામાં. એટલે જ જ્યારે રિપોર્ટર શીના (અદિતિ રાવ હૈદરી) જોર્ડન વિશે માહિતી ભેગી કરવા બધાનો સંપર્ક કરે છે, ત્યારે કૌટુંબિક લોકો તો ના પાડે જ છે, પણ, મિત્રોને પણ ખબર નથી કે કૉલેજ પૂરી થઈ એ પછી જોર્ડન ક્યાં ખોવાઈ ગયો! ક્યારેક અમુક વસ્તુઓ, વ્યક્તિઓ બધુ જ છોડીને આગળ વધી જવુ પડે છે, કારણ કે એ સ્થળે, એ જ વ્યક્તિઓ સાથે કાયમ જ રહીને ખુશ થઈ શકાતું નથી, આપણે પોતાની ખુશી શોધી લેવી પડે છે. જૂની યાદો, જૂના લોકો, લાગણીઓ એ બધી વસ્તુઓને વાદળ સાથે સરખાવી છે, જે વાદળ ક્યારેક સ્પર્શે તો એમાંથી પડતાં વરસાદનાં ફોરાં ભીંજવી પણ નાખે, ક્યારેક આપણે કોરાધાકોર પણ રહી જઈએ! એ વસ્તુઓ ધુમાડાની સાથે પણ સરસ રૂપક તરીકે વપરાઈ છે. ધુમાડા જેવા લાગતા વાદળો અડકીને જાય એ પછી પણ શરીર અને મન થોડોક સમય માટે પણ જો ઠંડક ન અનુભવે તો ચોક્કસ જ જિંદગીમાં કોઈક કમી છે!





કિસી મંઝર પર મૈં રુકા નહી
કભી ખુદ સે ભી મૈં મિલા નહી
યે ગિલા તો હૈ, મૈં ખફા નહી

શહેર એક સે, ગાંવ એક સે
લોગ એક સે, નામ એક

......

ફિર સે ઉડ ચલા


જોર્ડન કોઈ જગ્યાએ રોકાયેલો નથી, એ સતત આગળ વધે છે, એ સતત ઉડી રહ્યો છે, એ માટે ત્રીજી પંક્તિમાં ખૂબ જ સુંદર શબ્દો છે. એણે પોતાની જાત સાથે મુલાકાત કરી નથી, એ પ્રમાણે પણ અમુક શબ્દો છે. પોતાની જાતની શોધ કરવી, એ સદીઓથી ચાલી આવતી પરંપરા છે. હું કોણ છું, મારે શું જોઈએ છે, શું ઇચ્છુ છું હું આ જિંદગી પાસેથી, બુધ્ધિજીવીઓ અને કલાકારોને હમેંશા એ પ્રશ્નો સતાવતા જ રહે છે. કોઈ પણ વ્યક્તિ જે પોતાની જાતને શોધે છે, એ કાબિલ-એ-તારીફ છે, કારણ કે આ જિંદગી આપણને કેમ મળી છે અને આપણને શું જોઈએ છે, કેવી રીતે જીવન વ્યતિત કરીએ તો આપણને ગમે, એ પ્રશ્નો જો તમને થશે જ નહીં, તો પછી એમ જ જિંદગી જીવવાનો કોઈ જ અર્થ નથી. મોટેભાગે એવી એક માન્યતા રહી છે કે જેમ જેમ કલાકારો પોતાની કૃતિ, સંગીત કે બીજી કોઈ પણ કળામાં ડૂબતા જાય છે, તે જ સાથે તેઓ પોતાની જાતની અંદર ડૂબતા જાય છે. પોતાની છુપાયેલી લાગણીઓ, ઝખ્મો, યાદો અને બીજી વસ્તુઓ એમને યાદ આવ્યા વગર રહેતી જ નથી. 'સ્વ' એટલે કે પોતાની જાત. 'સ્વ.' એટલે સ્વર્ગસ્થ, જે મૃત્યુ પામેલ છે તે. 'સ્વ'ને શોધવાની પ્રક્રિયા અંતે 'સ્વ.'માં પરિણમે એ પહેલા આ જીવનની અમુક પળો માણી લેવી એ જ આપણો ઉદ્દેશ હોઈ શકે. જોર્ડન સંગીત સાથે જોડાઈને આટલા ગામ, શહેરો ફરી વળ્યો છે, એને એ વસ્તુઓ, વ્યક્તિઓ એકસરખી જ લાગે છે, એ વાત પણ કહી છે કે વ્યક્તિઓનાં નામ પણ એક હદ પછી સમાન જ હોય છે, એક જ નામની બીજી વ્યક્તિઓને તમે ફરી મળો છો, એક જ જેવી લાગતી જગ્યાએથી તમે વારંવાર પસાર થઈ રહ્યા હોય એ પ્રકારની લાગણી થાય છે, મોટેભાગે તમે એકધારી સતત એક જ જિંદગી જીવી રહ્યા છો! દરેક જગ્યાએથી પસાર થઈને આગળ ને આગળ વધીને ઉડાન ભરવાની પ્રક્રિયામાં પણ એકધારી નીરસ જિંદગી આપણો પીછો છોડતી નથી, પણ આપણે સતત આગળ ને આગળ ઉડાન તો ભરવી જ પડે છે. 




મિટ્ટી જૈસે સપને યે

કિત્તા ભી પલકો સે ઝાડો
ફિર આ જાતે હૈ

કિત્તે સારે સપને, ક્યા કહૂં
કિસ તરહ સે મૈને
તોડે હૈ, છોડે હૈ, ક્યૂં
ફિર સાથ ચલે
મુઝે લેકે ઉડે યે ક્યૂં


ચોથી પંક્તિની અંદર જોર્ડનનાં સપનાઓ વિશે વાત કરવામાં આવી છે. દરેક માણસ મોટેભાગે સપનાઓ લઈને જીવે છે કે જિંદગી આમ જીવશે, આમ કરશે, આ રીતે આ વસ્તુ પરિપૂર્ણ કરશે. સપનાઓનો અર્થ ફક્ત એ જ નથી થતો કે ખૂબ સમૃધ્ધિ હોય, ગમતી કારકિર્દી હોય. સપનાઓનો અર્થ છે એ વસ્તુઓ જે તમને જીવંત રાખે છે કે હવે પછીની મારી જિંદગી આ રીતે જીવવાની મારી ઇચ્છા છે, જો મારી જિંદગીમાં આમ થાય તો મને ગમશે, એ સપનાઓ છે! એ સપનાઓ જેણે જોયા છે, જીવવાની કોશિશ કરી છે, એ વ્યક્તિને ખ્યાલ છે કે સપનાઓ ક્યારેય સંગાથ છોડશે નહીં! અહીં પણ સપનાઓને માટી સાથે સરખાવ્યા છે, જેને આંખની પલક પરથી ગમે તેટલો પ્રયત્ન કરીને હટાવીએ તો પણ થોડી ધૂળ તો રહી જ જાય છે. ક્યારેક બધી જ વસ્તુઓ પરિપૂર્ણ થઈ શકતી નથી, એ રીતે ઘણા બધા સપનાઓ પણ ક્યારેક છોડવા જ પડે છે, એ સાથે જ નવા સપનાઓ આવે છે અને પોતાની સાથે આપણને લઈને ઉડે છે, પણ સપનાઓ ક્યારેય આપણને છોડશે નહીં! (એટલે જ તો આપણે પણ સપનાઓને ન છોડવા જોઈએ! સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ સપનાઓ પૂરા કરવાની દિશામાં!) 






કભી ડાલ ડાલ,

કભી પાત પાત
મેરે સાથ સાથ,
ફિર દર દર યે
કભી સેહરા, કભી સાવન
બનુ રાવણ, જીયૂ મર મર કે
ક્યા સચ હૈ, ક્યા માયા
હૈ દાતા, હૈ દાતા


સપનાઓ દરેક ક્ષણે, દરેક ડાળીએ અને દરેક પાંદડે, દરેક રણ અને દરેક શ્રાવણમાં એની સાથે જ છે, એ રૂપક છે કે સપનાઓ ક્યારેય આપણો પીછો છોડતા નથી. એક પંક્તિમાં શબ્દો છે જેમાં સૂચવાયું છે કે રાવણની જેમ મરી મરીને એ ફરી જીવે છે. રાવણને દસ મસ્તક હતાં, એમ માનવામાં આવે છે, એક મસ્તક કપાઈ જાય તો પણ એ ફરી સજીવન થઈ ઉઠતો. જોર્ડન પણ પોતાની સાથે થયેલી બધી જ ઘટનાઓ અને યાતનાઓમાંથી પસાર થઈને વારંવાર ફરી સજીવન થાય છે અને ઉડ્યા જ કરે છે, એને પણ ખ્યાલ નથી કે શું સત્ય છે અને શું સત્ય નથી. માયાવી જીવની જેમ આકર્ષિત કરતી કેટલીક પળો આપણને એ પ્રકારનાં ભ્રમમાં નાખે છે કે આપણને ક્યારેક કોઈ ખ્યાલ જ આવતો નથી. ઈમ્તિયાઝ અલીની જ 'હાઈવે' ફિલ્મને અંતે વીરા (આલિયા ભટ્ટ) પોતાનાં કુટુંબની સામે દિલની અંદર વર્ષો સુધી દબાયેલી વાત રજૂ કરે છે એ પછી કહે છે કે આ દુનિયા જ્યાં શું સત્ય છે, શું જૂઠ, બધુ મિશ્રણ છે, બધો ગૂંચવાડો છે, ભેળસેળ છે. એ બધી વાતોમાંથી આપણે પોતાનું સત્ય શોધવાનું છે!





ઇધર ઉધર તીતર બીતર
ક્યા હૈ પતા, હવા લે હી જાયે
તેરી ઓર
ખીંચે તેરી યાદે
તેરી યાદે, તેરી ઓર

છઠ્ઠી પંક્તિમાં યાદો અને જૂનો સમય છૂટી શકતો નથી એ માટે શબ્દો સૂચવાયા છે. હવાનાં ખેંચાણમાં કોઈક અજીબ તત્વ છે જે જોર્ડનને હીરની અને પોતાના કુટુંબની યાદો તરફ લઈ જાય છે. એ બધી યાદો જ એને ખેંચી રહી છે એમની તરફ. પોતાની ગલી પાસે જઈને જોર્ડન એક રાતે ઊભો રહે છે, જ્યાંથી એને કાઢી મૂકવામાં આવ્યો છે, જોર્ડન એ જગ્યાએ જઈને ઊભો રહે છે જ્યાં એણે હીર સાથે દારૂ પીધેલો, એ બધી જ યાદોથી એ દૂર ભાગી શકતો નથી, કારણ કે એ યાદો એને પોતાની તરફ ખેંચી રહી છે. 





રંગ બિરંગે, વહેમોં મેં

મૈં ઉડતા ફિરૂ... 

ક્યારેક આપણે રંગીન કલ્પનાઓમાં જ જીવ્યા કરીએ છીએ, રંગીન વહેમો થયા જ કરે છે અને સતત આપણે ઉડ્યા જ કરીએ છીએ, એ કલ્પનાઓની અંદર ક્યાંક આપણને નશો થઈ જાય છે, એ જ પ્રકારે જિંદગી જીવવાનો, જે સત્ય નથી એ પણ સત્ય જ લાગે છે, કારણ કે એ પળે ફક્ત એ જ સત્ય હોય છે, એ પળની અંદરની એ ખુશી જ એ સમયે સૌથી વધારે મહત્વ ધરાવે છે. એ યાદ, જે એક રીતે તો વાસ્તવિકતા છે જ નહીં, કારણ કે એ વર્ષો પહેલા જીવાઈ ચૂકેલી એક ક્ષણ માત્ર છે, આજે અત્યારે આ પળે તો એ એક રીતે સત્ય છે જ નહીં, એ આપણો વહેમ છે. પરંતુ જોર્ડન એ રંગીન વહેમોની અંદર પણ ઉડ્યા જ કરે છે, જોર્ડન ક્લબની લીલી, ગુલાબી અને બીજી જુદા જુદા રંગની લાઈટોનાં પ્રકાશની અંદર પણ સતત નશો ચડ્યો હોય એમ ઉડ્યા જ કરે છે, સફળતાનો, નવા લાગેલ ઝખ્મોનો નશો, પ્રેમની આગનો નશો... એટલે સુધી કે એણે એટલે આગળ વધ્યા જ કર્યુ છે કે પોતે સફળ થઈ ગયા પછી એને કોઈ જ સંતોષ નથી, એ કોઈ એક જગ્યાએ વધારે ટક્યો નથી, એટલે જ ફિલ્મને અંતે ગીત આવે છે એમાં શબ્દો છે, 'નાદાન પરિંદે ઘર આજા'... એનું પોતાનું ઘર છે એની જાત, જેની તરફ એણે પરત ફરવાનું છે, અને એ ગીતમાં પણ ઉડાન ભરીને પાછા આવવું એક રૂપક છે. આટલી બધી જગ્યાઓએ ફરેલો આદમી પોતે પોતાની જાત સાથે મુલાકાત કરી શક્યો નથી, સતત યાદોનો ભાર એ સાથે લઈને જ ફરે રાખે છે, દરેક નવી જગ્યાએથી પસાર થઈને એણે બસ ઉડતા જ રહેવાનું છે, એટલે સુધી કે હીરનું મૃત્યુ એ જીરવી શકશે નહીં, એ છતાં એણે જિંદગીમાં એ પળને છોડીને આગળ વધવું જ પડશે. હીર સાથે જોર્ડનની છેલ્લી મુલાકાત થાય છે એ સમયે હીર એક સફેદ સ્વચ્છ ચાદર પોતાની અને જોર્ડનની ઉપર ઓઢીને એની બાજુમાં સૂઈ જાય છે, હીર જોર્ડનને કહે છે કે આ એમની દુનિયા છે, જ્યાં એ લોકો બધુ જ છોડી શકશે, જ્યાં કોઈ જ નિયમો નથી, કોઈ બંધન નથી. જોર્ડન જવાબ આપે છે કે બહાર રહી નહીં શકાય એનાથી, ત્યારે હીર કહે છે કે ત્યાં જ રહેવાનું છે એણે, કદાચ એ સંકેત છે કે જોર્ડનને હીરનાં મૃત્યુ પછી પણ સતત આગળ ને આગળ વધતા તો રહેવાનું જ છે, તેમ છતાં એની જિંદગી એક જગ્યાએ અટકી જશે, હીરની એ યાદોની અંદર!

No comments:

Post a Comment