Wednesday 28 June 2017

હું અને બ્લૉગ

ક્યારેક મને લાગે છે કે હું પણ બોલીવુડનો એક ભાગ છું! હિન્દી ફિલ્મો મારી પ્રથમ પસંદ રહી છે. બીજી ભાષાની ફિલ્મો પણ મને પસંદ છે, પણ હિન્દી ફિલ્મો સાથે મોટાભાગનાં લોકો તરત જ જોડાઈ શકે છે. તેમ છતાં ઘણી બધી વખત મોટાભાગનાં લોકોને ગમતી હોય તે ફિલ્મ મેં જોઈ હોતી નથી. ક્યારેક કેટલાક લોકોને કહું કે આ ફિલ્મ મેં જોઈ નથી કે આ ગીત મેં સાંભળ્યું નથી તો અમુક લોકોને નવાઈ લાગે છે, લોકો મને એટલી હદનો દીવાનો સમજે છે! પણ ઘણી બધી ફિલ્મોની વાર્તા મને ન ગમે તો હું જોતો નથી. ક્યારેક લોકોની કોઈ ફરમાઈશ હોય કે આ વિષય પર લખું તો એની પર પણ પ્રયત્ન કરું છું. ઘણા સમયથી કેટલીક ફરિયાદો છે કે સંબંધો અને જિંદગી વિશે છેલ્લા કેટલાક સમયથી મેં ઓછી પોસ્ટ્સ લખી છે અને હું ફક્ત ફિલ્મો વિશે જ લખું છું. પણ સંબંધો અને જિંદગી વિશે કોઈ નવા વિષયો મળશે તો ચોક્કસ જ લખીશ, ત્યાં સુધી ફિલ્મો વિશે લખું છું એમાં પણ મોટાભાગે જિંદગીની વાતો સાંકળી લેવાનો પ્રયત્ન કરુ જ છું. કેટલાક ગીતો વિશે પણ ઘણા લાંબા સમયથી પોસ્ટ્સ લખી રહ્યો છું, હજું ઘણુ બધુ લખવું છે, બીજી પણ કેટલીક પોસ્ટ્સ લખી રહ્યો છું, સમય આવ્યે જરૂર પૂરી કરીને મૂકીશ, પણ થોડોક સમય લાગશે. કદાચ થોડા દિવસો હું આ જ ઝડપે પોસ્ટ્સ નહીં પણ મૂકું. કારણ કે અત્યારે લખી રહ્યો છું તે બધી પોસ્ટ્સ ખૂબ લાંબી છે અને થોડોક સમય માંગી લેશે. થોડોક વખત આરામ પણ કરવો છે, બ્લૉગ સિવાય પણ કંઈક લખવું છે, કેટલાક પુસ્તકો પણ વાંચવા છે, કેટલીક ન જોયેલી ફિલ્મો પણ જોવી છે, તો કદાચ થોડા દિવસો માટે નવી પોસ્ટ્સ ન પણ આવે, પણ હું લખીશ જરૂર. કારણ કે આ બ્લૉગ દ્વારા મને ખૂબ જ ખુશી મળે છે, આ બ્લૉગ દ્વારા હું કેટલાક લોકો સાથે પણ ફરીથી સંપર્કમાં આવ્યો છું, તો જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી લખતો રહીશ. થોડા સમય પછી ફરી મળીએ ત્યાં સુધી વાંચતા રહો, ખુશ રહો, ભરપૂર જીવો...!

પોતાની જાતને ગમાડવાની પ્રક્રિયા



અશ્વિની ઐયર તિવારીની ફિલ્મ 'નીલ બટ્ટે સન્નાટા' શરૂ થાય છે ત્યારે ગીત આવે છે, 'મુરબ્બા'. નિતેશ તિવારીએ લખેલ આ ગીતનાં અમુક શબ્દો છે, 'મુઝકો મૈં અચ્છી લગતી હૂં, તુઝકો તુ કૈસી લગતી હૈ, એ જિંદગી'... એક સામાન્ય સ્ત્રી ચંદા (સ્વરા ભાસ્કર), જે લોકોના ઘેર કામ કરીને તેમજ વિવિધ જગ્યાઓએ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, તે સ્ત્રી સવારે ઉઠીને પોતાના ઘરની બહાર આવીને ઊભી રહે છે, ચંદા વિશે ગીતનાં શબ્દો દ્વારા કહેવાયું છે કે એ પોતાની જાતને પસંદ કરે છે, અને એ જિંદગીને સવાલ પૂછે છે કે જિંદગી પોતાની જાતને પસંદ કરે છે કે નહીં! ચંદા દરરોજ મજૂરી કરે છે કારણ કે તે ઇચ્છે છે કે તેની દીકરી જીવનમાં કંઈક આગળ વધે. આ સ્ત્રી પોતાનું જ નસીબ ખરાબ છે એમ કહેતી નથી, પરંતુ મહેનતને જ આગળ વધવાનો માર્ગ ગણાવે છે અને દરેક પરિસ્થિતિમાં પણ આગળ વધે જ રાખે છે, પોતાની જાતને જેવી છે તેવી સ્વીકારીને. 


નીલ બટ્ટે સન્નાટા



ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'જબ વી મેટ' અને ફિલ્મનું મુખ્ય સ્ત્રી પાત્ર ગીત (કરીના કપૂર) ઘણી વખત મને જિંદગીનાં બોધપાઠ શીખવે છે. આદિત્ય (શાહિદ કપૂર) એક દ્રશ્યમાં ગીતને પૂછે છે કે એ પોતાની જાતને ખૂબ પસંદ કરે છે ને? ગીત જવાબ આપે છે કે હા, ખૂબ જ, એ પોતાની મનપસંદ છે! હમેંશા જીવંત રહેતી ગીતની મનપસંદ વ્યક્તિ જ એ પોતે છે. આ જ દ્રશ્યમાં આદિત્ય ઇચ્છે છે કે કાશ, એ પણ ગીત જેવો હોત, કારણ કે એ સરળ વાત નથી. પોતે જેવા છીએ તેવા જ પોતાની જાતને પસંદ કરીએ અને જાતને સ્વીકારીએ એ ખૂબ મોટી વસ્તુ છે. બીજા એક દ્રશ્યમાં ગીત કહે છે કે એ પોતાની રીતે નિર્ણયો લેવા માંગે છે, તો એની જિંદગીમાં જે પણ થશે એ માટે પોતે જ કારણભૂત રહેશે અને એ ખુશ રહી શકશે. 


જબ વી મેટ


શકુન બત્રાની 'એક મૈં ઔર એક તુ' ફિલ્મમાં પણ સ્ત્રી પાત્ર રિઆના (કરીના કપૂર) આ જ રીતે ખુશ રહે છે. હમેંશા જિંદગી વિશે ચિંતા કરતો રાહુલ (ઈમરાન ખાન) ખુશ રહી શકતો નથી, એ પોતાની જાતને પસંદ કરતો નથી. એક દ્રશ્યમાં રાહુલ રિઆના સાથે વાત કરે છે કે એ કેટલી ખુશ રહી શકે છે, કાશ એ એની જગ્યાએ હોત. રિઆના એના પોતાનાં અધૂરા રહી ગયેલા સપનાઓ વિશે વાત કરે છે કે એ ક્યારેય બેલે ડાન્સર નહીં બની શકે, કારણ કે એનાં પગની ઘૂંટીમાં ફ્રેક્ચર છે. રાહુલને અહેસાસ થાય છે કે જે બહારથી લાગે છે કે એના કરતા રિઆનાની જિંદગી પણ ખાસ્સી અલગ છે. રિઆના બીજા એક દ્રશ્યમાં રાહુલને કહે છે કે એ 'પરફેક્ટલી એવરેજ' છે, એનામાં બધુ જ સરખી માત્રામાં છે, એ જેવો છે તેવો જ બરાબર છે. રિઆના દ્વારા રાહુલ પોતાની જાતને પસંદ કરતાં શીખે છે. 

એક મૈં ઔર એક તુ



ગૌરી શિંદેની 'ઈંગ્લિશ વિંગ્લિશ'માં એક ગૃહિણી શશિ (શ્રીદેવી) બધી જ વાતોમાં કુશળ છે, માત્ર તેને અંગ્રેજી સરખું ન આવડવાના કારણે ટોણા સાંભળવા પડે છે, ક્યારેક શશિ મનમાં જ વિચારે છે કે અંગ્રેજી સરખું આવડતું હોત તો એની જિંદગી વધારે સારી હોત. પોતાની ભાણીનાં લગ્ન માટે જ્યારે શશિ ન્યૂ યોર્ક જાય છે ત્યારે કોચિંગ ક્લાસમાં અંગ્રેજી શીખે છે. ત્યાં અંગ્રેજી શીખવા આવતા બીજા લોકો એની સુંદરતાનાં, એની કપડા પહેરવાની ઢબ, એની સારાઈનાં વખાણ કરે છે. શશિનાં હાથના બનાવેલા લાડુ પણ એ લોકોને ભાવે છે, જે લાડુ બનાવવા માટે એનો પતિ હમેંશા શશિની મજાક કરતો રહેતો હોય છે એ જ લાડુ શશિને નવી મિત્રતા બાંધવામાં મદદ કરે છે. શશિનું લગ્નજીવન પણ નીરસ પ્રકારનું જ થઈ ગયું હોય છે. કોચિંગમાં આવતો ફ્રેન્ચ પુરુષ લૉરેન્ટ શશિની આંખોની સુંદરતા વિશે વાત કરે છે, શશિ એની પાસેથી પ્રેમ ઇચ્છતી નથી, પરંતુ તેને ગમે છે કે તે પુરુષ તેને સન્માન આપે છે, જે શશિને પોતાની જાત સાથે સંવાદ સાધી પોતાની જાતને ગમાડવામાં મદદરૂપ થાય છે. ફિલ્મનાં અંતે શશિ અંગ્રેજીમાં લગ્ન વિશે સુંદર વાતો કહે છે અને એ પછી લૉરેન્ટનો આભાર માને છે અને કહે છે કે જ્યારે જિંદગીમાં પોતાની જાતને પસંદ કરતાં નથી ત્યારે નવી વસ્તુઓ આકર્ષિત કરે છે, જ્યારે પોતાની જાતને પસંદ કરવા માંડીએ છીએ, ત્યારે એ જ જૂની જિંદગી નવી લાગવા માંડે છે.

ઈંગ્લિશ વિંગ્લિશ


અયાન મુખર્જીની 'યે જવાની હૈ દીવાની'માં નૈના (દીપિકા પાદુકોણ) બની (રણબીર કપૂર) સાથે એક દ્રશ્યમાં વાત કરે છે ત્યારે કહે છે બની બધા લોકો સાથે સરળતાથી હળી મળી શકે છે, કારણ કે એ પહેલેથી જ એવો છે, શાળામાં શિક્ષકોની મજાક ઉડાવવી, મિત્રો સાથે ફરવા જવું, એ બધુ જ બની પહેલેથી કરતો આવ્યો છે એમ નૈના કહે છે. નૈના આગળ કહે છે કે શાળામાં એને કોઈ મિત્રો નહોતાં, એ ફક્ત ચૂપચાપ ભણી જ છે, નૈનાને લાગે છે કે લોકો એની સાથે મિત્રતા કરવા ઇચ્છતાં નથી, કારણ કે એનો સ્વભાવ કંટાળાજનક છે. બની નૈનાને કહે છે કે એ બિલકુલ જ બરાબર છે, કારણ કે એ પણ જીવન કેવી રીતે જીવવું એ જાણે છે. બની નૈનાને કહે છે કે નૈના ગુંડાઓ સાથે લડી શકે છે, પહાડો ચડવાની રેસમાં એનાથી આગળ જઈ શકે છે, બચ્ચનનાં ગીતો ગાઈ શકે છે, એ ઉપરાંત બની કહે છે નૈનાનું સ્મિત પણ કેટલું સરસ છે! બની નૈનાને કહે છે કે એ પોતાની જાત પર દયા કરવાનું બંધ કરે અને પોતાની જાતને પ્રેમ કરતાં શીખે, કારણ કે એ જેવી છે તેવી એકદમ જ બરાબર છે, એ અહેસાસ નૈનાની આખી જિંદગી બદલી નાખે છે, નૈના જિંદગીની નાની ખુશીઓ શોધતા શીખે છે, મિત્રો બનાવે છે અને ખુશ રહેતાં શીખી જાય છે... 

યે જવાની હૈ દીવાની


અક્ષય રોયની ફિલ્મ 'મેરી પ્યારી બિંદુ'નાં ટ્રેલરમાં અભિમન્યુ (આયુષ્માન ખુરાના) બિંદુ (પરીણિતિ ચોપરા) વિશે વાત કરે છે. તેમાં બિંદુનાં સ્વભાવ વિશે વાત કરતાં અભિમન્યુ કહે છે કે બિંદુ જિંદગીને ખૂબ જ પ્રેમ કરતી હતી, પરંતુ એથી પણ વધારે પોતાની જાતને. હમેંશા ખુશ રહેતી બિંદુ પાસેથી અભિમન્યુ પણ ખુશ રહેતા શીખે છે અને તેને પોતાની જિંદગી અને સપનાઓ વિશે નિર્ણય લેવામાં બિંદુ આડકતરી રીતે મદદ કરે છે, જે રીતે ઉપર વર્ણવેલી દરેક ફિલ્મમાં એક પાત્ર બીજા પાત્રને પોતાની જાત વિશે સારુ મહેસૂસ કરાવતાં શીખવે છે તે જ પ્રકારે. 

મેરી પ્યારી બિંદુ

આપણી જિંદગીમાં પણ આ જ પ્રકારે થાય છે. ઘણી બધી વખત આપણને પોતાનામાં કોઈક ખામી દેખાય છે, ક્યારેક લાગે છે કે લોકો આપણી સાથે સરખી રીતે વર્તતા નથી તો આપણામાં કોઈક ખામી હશે કે પછી ક્યારેક લોકો આપણી મજાક કરે છે અથવા એ લોકો આપણને ખરાબ કે નીચા દેખાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે આપણે હચમચી જઈએ છીએ. ઘણી વખતે આવી સ્થિતિમાં વ્યક્તિ પોતાની જાતને ધિક્કારવા લાગે છે, એ પોતાની જાતને દોષી માનવા લાગે છે, પરંતુ આપણે જેવા છીએ, એવા જ છીએ, આપણે એ રીતે જ છીએ. ક્યારેક આપણી સાથે થતી ઘણી વસ્તુઓની મન પર ખૂબ જ ઊંડી અસર પડે છે, પણ એમાંથી ઘણી વસ્તુઓમાં આપણો કોઈ જ વાંક હોતો નથી. આપણે પોતાની જાતને સ્વીકારતાં શીખી જ લેવું પડે છે. કારણ કે મોટાભાગનાં લોકો તમારી સારાઈ નહીં પણ બુરાઈ જ શોધતાં ફરે છે, તો લોકોનું વિચારીને આપણે દુ:ખી ન થઈ શકીએ, લોકો તો આમ પણ વાતો કરશે જ, આમ નહીં તો આમ પ્રકારની વાતો કર્યા વિના એ લોકોને ચેન નહીં પડે, પણ એ જ લોકો આપણી જિંદગી તો જીવવા આવતાં નથી. આપણી જિંદગી આપણે જ જીવવાની છે, બધી જ પરિસ્થિતિઓ સ્વીકારીને. જિંદગીને થોડીક વધારે સારી દિશા તરફ લઈ જવા માટે પોતાની જાતને સ્વીકારી લેવી અને પોતાની જાતને ગમાડવી, એ ખૂબ જ અગત્યની બાબત છે. મને હમેંશા મારી જાત વિશે સારુ મહેસૂસ કરાવનાર દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આભાર મૃગેશ, ઋતુરાજ, ભૂમિ, હેની, શ્રુતિ, મયંક, દર્શન, અખિલ, ધવલ અને પંકજ.

બીજી કેટલીક પોસ્ટ્સ -



એક મૈં ઔર એક તુ (૨૦૧૨) - જિંદગી પરફેક્ટ નથી, પણ હું ખુશ છું!!

યે જવાની હૈ દીવાની - વક્ત કો ગુઝરતે...

'મેરી પ્યારી બિંદુ' ફિલ્મનાં ટીઝર્સ અને નવું ગીત

મેરી પ્યારી બિંદુ (ટીઝર) - યાદોની ટેપ


રોમિલ એન્ડ જુગલ



વેબ સીરિઝ અને તેનાં જુદા જુદા વિષયો મને આકર્ષે છે. પણ એ વિષયો ઘટિયા સીરિયલ્સથી સારા જરૂર હોવા જોઈએ. ભારત જેવા દેશમાં હોમોસેક્સ્યુઆલિટી એક મશ્કરી તરીકે જ જોવાય છે, ત્યારે આ પ્રકારની કળા એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે. પ્રેમ એટલે પ્રેમ. પ્રેમને ધર્મ, જાતિ કે કોઈપણ પ્રકારના બંધનો નડવા જ ન જોઈએ. પ્રેમ નિયમોથી આઝાદ હોવો જોઈએ. પ્રેમની જ્યારે શરૂઆત થાય છે ત્યારે એ વ્યક્તિની આંખોમાં જોઈ રહેવાથી લાગે છે જાણે દુનિયાની બધી જ ખુશી મળી ગઈ. એક ક્ષણ આવે છે અને લાગે છે કે આ જ એ વ્યક્તિ છે! અમુક લોકો કહે છે કે પ્રેમ થયો, અમુક લોકો કહે છે કે પ્રેમમાં પડ્યો! પ્રેમમાં પડવું એક રૂપક છે. જ્યારે પડીએ છીએ ત્યારે વાગે છે કે છોલાય છે અને દર્દ થાય છે, પ્રેમમાં પડીએ છીએ ત્યારે પ્રેમની સાથે પણ દર્દ હોય જ છે! પણ એ દર્દમાં જો કોઈ રાહત આપે, જ્યાં પડેલા છીએ ત્યાંથી કોઈ ઊભા કરે, તો એ વ્યક્તિનો હાથ પકડવો જ રહ્યો.


ક્યારેક જિંદગીમાં એટલી બધી સુખદ ક્ષણો આવી જતી હોય છે કે એમ લાગે છે જાણે એ પળ વાસ્તવિકતા છે જ નહીં, પણ એક સપનું છે! એક પળ આવે છે જ્યારે તમારી જિંદગી સદંતર બદલાઈ જાય છે અને તમને લાગે છે કે આ જ તો જિંદગી વિચારી હતી, આવી જ જિંદગી તો જીવવી હતી. કારણ કે એક હદ પછી જેવી જિંદગી જીવવાની ઇચ્છા જ નથી, એવી ખોટી જિંદગી જીવી શકાતી નથી. આપણને જેમ ઇચ્છા હોય તે મુજબ જીવીએ ત્યારે જ જીવનની સાર્થકતા સમજાય છે. ક્યારેક માતા-પિતાએ પણ સમજવું જોઈએ કે સંતાન તેઓની મિલકત નથી, સંતાનનાં પોતાનાં નિર્ણયો, તેની પોતાની ઓળખ અને તેના પોતાનાં અલગ સપનાઓ હોઈ શકે છે અને એમાં કંઈ જ ખોટું નથી. 


નુપૂર અસ્થાનાની આ વેબ સીરિઝ પર પહેલા એક ફિલ્મ બનાવવાનો વિચાર હતો. નુપૂરે આ પહેલા બે ફિલ્મો બનાવી છે - 'મુઝસે ફ્રેન્ડશિપ કરોગે' અને 'બેવકૂફિયાં'. આ વેબ સીરિઝની વાર્તા લખવામાં આવી છે બીજા એક સ્ત્રી દિગ્દર્શક અનુ મેનન દ્વારા, જેમણે 'વેઈટિંગ'  અને 'લંડન પેરિસ ન્યૂ યોર્ક' બનાવી છે. આ વેબ સીરિઝ એકદમ પ્રમાણભૂત લાગે છે, કારણ કે દક્ષિણ ભારતીય અને પંજાબી પાત્રો અસલીમાં તે જ રાજ્યોનાં હોય તેવા લાગે છે. દરેકનો અભિનય પણ અફલાતૂન છે. હોમોસેક્સ્યુઆલિટીને ઉપહાસ કે ઠઠ્ઠા મશ્કરી કે વિકૃતિ માટે કે વ્યંગ માટે વાપરવામાં આવી નથી, ગે લોકો પણ માણસો જ છે, તે લોકો પણ સમાજનો જ એક ભાગ છે, તેવી સાદી અને સરળ વાત એકદમ સીધી રીતે જ કહેવામાં આવી છે. વરસાદ કેટલી ખુશીઓ લાવે છે, પહાડો પણ જિંદગીનો જ એક ભાગ છે, જેવી નાની વાતોને પણ સુંદર રીતે રજૂ કરી છે. કેટલીક ફિલ્મોનાં પ્રખ્યાત દ્રશ્યોને પણ એ જ રીતે રાખીને પ્રશંસા કરી છે. બંને મુખ્ય પાત્રોની આર્થિક સ્થિતિ દર્શાવતાં વાહનો સાઇકલ અને બાઇક પણ ઘણી વાતો કહે છે. હોમોસેક્સ્યુઆલિટી વિશેનાં સંકુચિત ખ્યાલો ધરાવતા લોકોએ આ વેબ સીરિઝ જોવી જોઈએ. 


Sunday 25 June 2017

હેપી બર્થડે મિહિર

સાયન્સનાં ટ્યુશનમાં એમ જ થયેલી ઓળખાણ કોઈક દિવસ અહીં સુધી પહોંચશે એ મેં ક્યારેય વિચાર પણ નહોતો કર્યો. ફરીથી વીસ દિવસથી જ તારી સાથે ઓળખાણ વધી છે અને લાગે છે કે આવા મિત્રોની મારે ખૂબ જ જરૂર છે. હું આ પોસ્ટ 'અંગત લોકો માટે લખેલી બર્થડે પોસ્ટ્સ' લેબલ નીચે જ લખી રહ્યો છું. સામાન્ય રીતે હું ખૂબ ઓછા લોકો માટે આ રીતે બ્લૉગ પર શુભેચ્છા લખું છું, પણ તુ હકદાર છે આ પોસ્ટ માટે. હું ખૂબ જ આભારી છું કે દેવ આનંદ સાહેબની 'પ્રેમ પૂજારી' ફિલ્મનું 'ફૂલો કે રંગ સે' ગીત તારા અવાજમાં તે મૂકેલ અને આપણી ફરીથી વાત થઈ... મારા આ બ્લૉગ દ્રારા ફરીથી હું અમુક લોકોનાં સંપર્કમાં આવ્યો છું અને હું ખૂબ જ ખુશ છું કે તુ એ વ્યક્તિઓમાં આગળના ક્રમે છે. મને ખુશી છે કે તુ મને કહી શકે છે કે 'રોકસ્ટાર' તારી માટે કેટલું ખાસ છે. ઈમ્તિયાઝ અલીની ફિલ્મો તારી માટે ખાસ છે. તે તારી લખેલી કેટલીક વસ્તુઓ મને મોકલી છે, જે તે ક્યાંય સોશિયલ મીડિયા પર મૂકી નથી, છતાં તે મને મોકલી છે, મને એ લખાણમાં તારા વિચારો ખૂબ જ ખૂબ જ ગમ્યાં છે. હું એ સેવ રાખીશ. મને ખુશી છે કે હું તારી સાથે કેટલાક ફિલ્મી પાત્રો વિશે, નાજુકાઈ વિશે વાતો કરી શકું છું. મને ખુશી છે કે હું તારી સાથે મારા સપનાઓ વિશે વાત કરી શક્યો છું, કારણ કે આ દુનિયામાં ખૂબ જ ઓછા લોકો એવા હોય છે જે તમારા સપનાઓને મજાક નથી બનાવતા અને તમને સાથ કે હિંમત આપે છે, ખૂબ ઓછા લોકો એવા હોય છે કે જેઓ તમારા વિશે નિર્ણય બાંધી લેતાં નથી, અને હું સાચે જ ખૂબ જ ખુશ છું કે તારો સમાવેશ એવા લોકોમાં થાય છે. એ દર્શાવે છે કે તુ એક વ્યક્તિ તરીકે કેટલો સારો છે. લખવાનું શરૂ કર્યુ ત્યારે હતું કે ખૂબ લખી શકાશે, કેટલુંક લખાયું પછી થયું કે કશુંક ઉમેરી શકાશે એમ માનીને છેક બપોર સુધી આ પોસ્ટ ટાળી છે. ટૂંકમાં એટલું જ કહીશ કે તુ ખાસ છે, મને હાલ પણ ખ્યાલ નથી કે આ દોસ્તી ક્યાં સુધી પહોઁચશે, પણ હું એક વાત જરૂર કહીશ કે તે મને છેલ્લા કેટલાક દિવસોમાં સન્માનની લાગણી મહેસૂસ કરાવી છે અને એ માટે હું તારો ખૂબ ખૂબ આભારી છું. હું આશા રાખીશ કે તારા નામનાં અર્થ પ્રમાણે સૂર્યની જેમ હમેંશા તુ ચમકતો રહે. હું ઇચ્છા રાખીશ કે આપણી બુદ્ધિજીવી વાતો ચાલતી રહે. જન્મદિન ખૂબ ખૂબ મુબારક, તારા ચહેરા પર હાસ્ય રહે, તુ જે ઇચ્છે એ તને મળે. દોસ્તી, સપનાઓ અને જીવનને નામ ત્રણ જામ! (અને વિશ્વાસ રાખજે 'સોલો ટ્રિપ' પણ એક દિવસ જરૂર જઈ શકાશે.)

Friday 23 June 2017

ઈમ્તિયાઝની ફિલ્મોમાં પ્રેમની વ્યાખ્યા



પ્રેમ. બ્રહ્માંડનો સૌથી અલૌકિક તેમ છતાં સૌથી ગૂંચવણભર્યો એક શબ્દ. આમ તો પ્રેમની કોઈ વ્યાખ્યા હોઈ જ ન શકે. પ્રેમ એટલે પ્રેમ. પરંતુ પ્રેમ પણ અલગ અલગ પ્રકારમાં હોય છે. મોટાભાગનાં લોકો માને છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો જે પ્રેમ હોય એને જ પ્રેમ કહી શકાય. પરંતુ એ સત્ય નથી જ નથી. પ્રેમનો તો કોઈ ધર્મ, જાતિ કંઈ જ નથી, ત્યાં સુધી કે પ્રેમ બંધન પણ નથી. તે છતાં પ્રેમ એટલે આમ જ હોઈ શકે, આમ ન હોય, એવી સચોટ વ્યાખ્યા ઘણા લોકોએ મગજમાં બંધ કરી દીધી છે, એ પ્રકારનાં વિચારો ધરાવતા લોકોએ ક્યારેક પોતાના વિચારો પર ફરી વિચાર કરવો જોઈએ! 


ઈમ્તિયાઝ અલીને ઘણા લોકો સમકાલીન હિન્દી સિનેમાનાં 'લવ ગુરુ' કહે છે. તેમની ફિલ્મોમાં પાત્રો વચ્ચે પ્રેમ તો હમેંશા હોય જ છે. પણ એ સાથે જ કેટલીય વસ્તુઓ જોડાયેલી હોય છે. તે છતાં આજે ફક્ત તેમની ફિલ્મોની વાર્તાને પ્રેમ સાથે સાંકળીને કંઈક લખી રહ્યો છું.


પ્રેમ એક ગૂંચવાડો છે. કોઈ એક વ્યક્તિ ગમતી હોય તે જ સમયે કોઈ બીજી વ્યક્તિ એનાથી વધારે ગમવા લાગે એ વાત તેમની પ્રથમ જ ફિલ્મ 'સોચા ન થા' દ્વારા ઈમ્તિયાઝ અલીએ આપણી સામે મૂકી હતી. તે જ વાત ફરીથી 'જબ વી મેટ' ફિલ્મમાં હતી, ગીત (કરીના કપૂર) છેલ્લે અનુભવ કરે છે કે એને અંશુમન સાથે નહીં પણ આદિત્ય (શાહિદ કપૂર) સાથે પ્રેમ છે. ખોટી વ્યક્તિનાં પ્રેમમાંથી મુક્ત થઈને સાચી વ્યક્તિ તરફ જવું એ પણ ઈમ્તિયાઝ અલીની ફિલ્મોની એક ખાસિયત છે. ફિલ્મ 'સોચા ન થા'માં વિરેન (અભય દેઓલ) અને અદિતિ (આયેશા ટકિયા) જ્યારે પ્રથમ વખત મળે છે ત્યારે વિરેનની એક ગર્લફ્રેન્ડ છે. એ લોકો સાથે ગોવા જાય છે ત્યારે વિરેનને અદિતિ માટે કૂણી લાગણીઓ થવા લાગે છે. ઘણી બધી માથાકૂટને અંતે છેલ્લે વિરેન અને અદિતિ મળે છે. 'જબ વી મેટ' ફિલ્મમાં પણ આગળ કહ્યું તેમ ગીત છેક છેલ્લે આદિત્યનો પ્રેમ સમજે છે. 'લવ આજ કલ' ફિલ્મમાં પણ વીર (રિશિ કપૂર/યુવાન પાત્રમાં સૈફ અલી ખાન) મનોમન પ્રેમ કરે છે એ હરલીન (ગિઝેલી મોન્ટેરિયો) કદાચ સૌથી પહેલા એ વાત સમજતી નથી. હરલીનની પરિવારનાં લોકો દ્વારા બીજે સગાઈ કરી દેવામાં આવે છે. ફિલ્મને અંતે હરલીન વીર સાથે જાય છે. આ જ ફિલ્મમાં મીરા (દીપિકા પાદુકોણ) અને જઇ (સૈફ અલી ખાન) સંબંધમાંથી છૂટા પડી જાય છે. બંને બીજા લોકો સાથે જોડાય છે. મીરા વિક્રમ (રાહુલ ખન્ના) સાથે લગ્ન કરે છે, એ પછી જાણે છે કે હજુ પણ એ તો જઇને જ પ્રેમ કરે છે, એ વખતે થોડુંક મોડુ થઈ જાય છે તેમ છતાં મીરા એ લગ્ન ફોક કરે છે. મીરા વિક્રમને કહે છે કે એક દિવસ જઇ એને શોધતો આવશે, મીરા ઇચ્છે છે કે જઇને ખુદ પ્રેમનો અહેસાસ થાય. જઇ પોતાની નોકરીમાં ખુશ નથી ત્યારે એક રાત્રે તેને અમુક લોકો લૂંટી લે છે, પોતાના પર્સમાં રહેલો મીરાનો ફોટો આપવાની જઇ ના પાડે છે. ઘાયલ થયા પછી એને ભાન થાય છે કે હજુ એ તો મીરાને જ પ્રેમ કરે છે. એ પછી જઇ ભારત પરત આવે છે અને મીરા અને જઇ મળે છે. 'રોકસ્ટાર' ફિલ્મમાં પણ હીર (નરગિસ ફખરી) લગ્ન કરી રહી છે ત્યારે આડકતરી રીતે જોર્ડન (રણબીર કપૂર) પાસેથી પ્રાગ આવવાનું વચન માંગી લે છે. પ્રાગમાં લગ્નજીવનમાંથી થોડોક સમય છટકીને હીર જોર્ડનને મળતી રહે છે. હીરની બીમારી જાણ્યા પછી જોર્ડન એની પાસે આવે છે. એ વખતે પણ હીર પોતાનાં લગ્નમાંથી છૂટીને સાચા પ્રેમી જોર્ડન સાથે સમય ગાળે છે. 'તમાશા' ફિલ્મમાં પણ 'હીર તો બડી સેડ હૈ' ગાયનમાં તારા (દીપિકા પાદુકોણ) કલકત્તા એરપોર્ટ પર પરત ફરે છે ત્યારે એની સાથે જે યુવક છે એ એનો બોયફ્રેન્ડ છે. (હું વિચારતો હતો અને મને ફિલ્મની સ્ક્રિપ્ટમાંથી જવાબ મળ્યો છે.) તારા જ્યારે દિલ્હીમાં વેદને મળે છે ત્યારે એ કોર્સિકામાં હતો તેવો નચિંતો અને મુક્ત છોકરો ઇચ્છે છે. વેદને એક સામાન્ય નોકરીમાં ફસાયેલો જોઈને તારા વેદની સાથે રહેવાની ના પાડી દે છે. તારા વેદની સાચી ઓળખ (જેવો એ કોર્સિકામાં હતો) સાથે પ્રેમ કરે છે, નહીં કે દુનિયાની સામે જેવો એ છે. 'અગર તુમ સાથ હો' ગીતની પહેલા વેદ કહે પણ છે કે તારાને પ્રેમ થઈ ગયો છે પણ બીજી વ્યક્તિ સાથે. પોતાની જાતને જ્યારે વેદ સ્વીકારી લે છે, ત્યારે જાપાનમાં તારાને મળે છે અને તારા પણ વેદને સ્વીકારે છે. 'હાઈવે' ફિલ્મમાં વીરા (આલિયા ભટ્ટ) પણ વિનય સાથે સગાઈથી જોડાયેલી હોય છે અને લગ્ન પહેલા એનું અપહરણ થાય છે, ત્યારે મહાવીર (રણદીપ હુડા) સાથે મુલાકાત થાય છે. 'જબ હેરી મેટ સેજલ' ફિલ્મમાં પણ એ લોકો સેજલની વીંટી શોધે છે તો સેજલ પણ કદાચ સગાઈમાં હોઈ શકે, આમ બધી જ ફિલ્મોમાં પાત્રો ખોટા પ્રેમથી સાચા પ્રેમ તરફ જાય છે.   

સાચા પ્રેમનો અહેસાસ


કેટલાક દ્રશ્યોમાં પાત્રોએ પહેરેલા સફેદ રંગનાં સમાન કપડાં પણ પ્રેમની શુધ્ધતા અને પારદર્શકતા દર્શાવે છે. 'સોચા ન થા' ફિલ્મનું પોસ્ટર સફેદ કપડામાં છે. 'જબ વી મેટ' ફિલ્મમાં ગીત અને આદિત્ય જ્યારે મળે છે ત્યારે પણ બંને સફેદ કપડામાં હોય છે. ફિલ્મને અંતે ગીતને આદિત્યનાં પ્રેમનો અહેસાસ થાય છે ત્યારે પણ ફરી સફેદ કપડાં! 'તમાશા' ફિલ્મમાં કોર્સિકાનાં દ્રશ્યમાં સફેદ કપડાં છે. 'રોકસ્ટાર' ફિલ્મમાં હોટેલ રૂમમાં હીર પોતાની અને જોર્ડનની ઉપર સફેદ ચાદર પાથરીને કહે છે કે આ એ લોકોની દુનિયા છે, જ્યાં કોઈ જ નિયમો નથી. સફેદ રંગ નિર્દોષતા પણ દર્શાવે છે. પાત્રો જ્યારે પણ સફેદ કપડામાં છે ત્યારે નિર્દોષ બનીને એકબીજાની સાથે વાતો વહેંચી શકે છે. કોર્સિકામાં એકદમ શુધ્ધ સ્ફટિક જેવા ઝરણાનાં પાણીમાં વેદ અને તારા મોં નાખીને પાણી પી શકે છે. સફેદ રંગ પ્રેમની શુધ્ધતા અને સ્ફટિક જેવી નિર્મળતા દર્શાવે છે. 'હાઈવે' ફિલ્મમાં વીરા અને મહાવીરનો પ્રેમ બધી જ વ્યાખ્યાઓમાંથી કોઈનું પાલન કરતો નથી. એક પળમાં એ લોકો એકબીજાને પસંદ પણ કરે છે. (જે આખી ફિલ્મમાં સીધી રીતે સૂચિત કર્યુ જ નથી, ફક્ત સમજવું જ રહ્યું.) વીરા જ્યારે બચપણમાં એની સાથે થયેલી ઘટનાની વાત કરે છે ત્યારે મહાવીર વીરાને એક બાળકની જેમ સાંત્વન આપે છે, તે જ રીતે મહાવીર જ્યારે પોતાની માતાને યાદ કરીને રડે છે ત્યારે વીરા એને એક બાળકની જેમ શાંત રાખવા પ્રયત્ન કરે છે. 'રોકસ્ટાર' ફિલ્મમાં 'નાદાન પરિંદે' ગીતમાં રહેલો સળગતો ગિટાર જોર્ડનની અંદર રહેલી પ્રેમની આગ દર્શાવે છે. 'હાઈવે' અને 'રોકસ્ટાર' ફિલ્મો પરની મારી પોસ્ટ્સ હું ઘણા સમયથી લખી રહ્યો છું, પૂરી થશે ત્યારે ચોક્કસ જ બ્લૉગ પર મૂકીશ. દરેક ફિલ્મમાં મુખ્ય પાત્રો પ્રેમ દર્શાવવા આલિંગન આપે છે તે પ્રકારનાં પણ દ્રશ્યો છે જ, એ વિશે મેં અલગથી પોસ્ટ લખી જ છે. (લીંક) આ બધી નાની નાની સુંદર વાતો ઈમ્તિયાઝ અલીની ફિલ્મોને વધારે સુંદર બનાવે છે.

દિગ્દર્શકની ફિલ્મો વિશેની મારી બીજી પોસ્ટ્સ ધરાવતું પેજ - ઈમ્તિયાઝ અલી 

સફેદ રંગની સૂચકતા

સળગતો ગિટાર અને પ્રેમની આગ


આલિંગન


Thursday 22 June 2017

ઈમ્તિયાઝ અલીની ફિલ્મોમાં આઝાદી અને પહાડો



'જબ હેરી મેટ સેજલ' ફિલ્મનું પ્રથમ ગીત 'રાધા' રજૂ થયું, જે પળમાં એ જોયું એ જ સાથે ઈમ્તિયાઝ અલીની આગળની બધી જ ફિલ્મોની કેટલીક વાતો યાદ આવી ગઈ. 'જબ હેરી મેટ સેજલ' ફિલ્મની વાર્તામાં પણ હમેંશાની જેમ મુસાફરી અગત્યનો ભાગ ભજવશે જ. બંને પાત્રો યુરોપમાં કોઈ સ્થળે મળે છે. 'રાધા' ગીતમાં પ્રાગ શહેર દર્શાવવામાં આવ્યું છે, જેણે તરત જ ઈમ્તિયાઝ અલીની 'રોકસ્ટાર' ફિલ્મની યાદ અપાવી દીધી. બીજી કેટલીક વસ્તુઓને સાંકળીને આ પોસ્ટ લખી રહ્યો છું.

'રાધા' ગીતમાં અનુશ્કા શર્માનું પાત્ર કારનાં ખુલ્લા છાપરામાંથી પોતાનો હાથ બહાર કાઢી પવનનો અનુભવ કરે છે. વાળી કે ખસેડી શકાય એવા છાપરા ધરાવતી કન્વર્ટિબલ કાર પણ ઈમ્તિયાઝ અલીની ફિલ્મોમાં મહત્વનો ભાગ ભજવે છે. એમાં પણ મુખ્ય પાત્ર આ રીતે પોતાની જાતને કુદરત સાથે એ પળની અંદર મહેસૂસ કરે એ ઈમ્તિયાઝ અલીની ફિલ્મોનું એક પ્રધાનતત્વ છે. 'રાધા' ગીતમાં સેજલ (અનુશ્કા શર્મા) અને હેરી (શાહરુખ ખાન) જે કારમાં મુસાફરી કરે છે એ કાર કન્વર્ટિબલ જ છે. 'સોચા ન થા' મેં ખાસ્સા સમય પહેલા જોયેલ છે એટલે ખાસ યાદ નથી, પરંતુ તેમાં પણ અદિતિ (આયેશા ટકિયા) આ જ રીતે પોતાનાં હાથ ખોલીને આઝાદી મહેસૂસ કરે છે. 'જબ વી મેટ' ફિલ્મમાં પણ મનાલી જતી વખતે ગીત (કરીના કપૂર) અને આદિત્ય (શાહિદ કપૂર) જે જીપ્સીમાં જાય છે એને પણ છાપરું નથી, ગીત પણ એ જ રીતે પોતાની બાહો ફેલાવીને ઘરથી દૂર આઝાદી મહેસૂસ કરે છે. 'લવ આજ કલ' ફિલ્મમાં જઇ (સૈફ અલી ખાન) પાસે જે કાર છે તે પણ કન્વર્ટિબલ કાર છે. (દૂરિયાં અને ટ્વિસ્ટ બંને ગીતોમાં એ લાલ રંગની કાર દેખાય છે.) એટલે સુધી કે વીર પ્રતાપ સિંઘ (રિશિ કપૂર) પાસે પણ એ જ પ્રકારની કાર છે. જઇ અને વીર એરપોર્ટ પરથી મીરાને (દીપિકા પાદુકોણ) મૂકીને પરત ફરે છે તે દ્રશ્યમાં વીરની એ કાર દેખાય છે. દિલ્હીમાં જ્યારે જઇ અને મીરા લાંબા સમય પછી મળે છે ત્યારે બંને ટેક્સીની બારીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે, એ લોકોને ખુલ્લી હવા મહેસૂસ કરવી છે અને પછી એ લોકો એ ટેક્સીની ઉપર બેસે પણ છે. મીરા જ્યારે પોતાનાં લગ્ન પછી ખુશ નથી ત્યારે એ જઇને ફોન કરે છે અને વિચારે છે કે પોતાના દિલની વાત જઇને કહી દેશે. પણ એ વખતે જ જઇ મીરાને કહે છે કે વર્ષોથી એને જે નોકરીની ઇચ્છા હતી એ એને મળી છે અને મીરા એને કહી શકતી નથી, એ વખતે મીરા જે કારમાં છે તે બંધ છે, કદાચ સાબિતી છે કે એ ખોટા લગ્નમાં ફસાઈ ગઈ છે અને એ પછી મીરા એ લગ્ન ફોક કરે છે. ખુલ્લી કારમાં આ રીતે બે હાથ પ્રસરાવીને આઝાદી મહેસૂસ કરવી એ ચોક્કસ જ આ વસ્તુ દર્શાવી શકે. 'રોકસ્ટાર' ફિલ્મમાં પણ દુનિયાનાં નિયમોથી દૂર જોર્ડન (રણબીર કપૂર) અને હીર (નરગિસ ફખરી) મળે છે, ત્યારે હીર બીમાર છે તેમ છતાં એ આ જ રીતે હાથ ફેલાવીને આઝાદી મહેસૂસ કરે છે. (એ દ્રશ્યમાં જોર્ડનની કાર પણ કન્વર્ટિબલ છે!) 'હાઈવે' ફિલ્મમાં તો ટેગલાઇન જ એ હતી કે આલિયાનું પાત્ર બંધનની અંદર આઝાદી મેળવે. તેમાં કાર નથી, પણ ટ્રકમાં વીરા (આલિયા ભટ્ટ) બારીમાંથી બહાર ખુલ્લા પવનમાં તેમજ ટ્રકની ઉપરનાં છાપરે આઝાદી અનુભવે છે. હિમાચલ પ્રદેશનાં પરિવહનમાં એક દ્રશ્યમાં વીરા અને મહાવીર (રણદીપ હુડા) બસની ઉપર બેસે છે. 'તમાશા' ફિલ્મમાં પણ કોર્સિકામાં બંને પાત્રો લીલા રંગની કારમાં ફરે છે, જેને પણ છાપરું નથી! જ્યારે દિલ્હીમાંં વેદ (રણબીર કપૂર) ઑફિસ જતો દર્શાવવામાં આવે છે તે બધા જ દ્રશ્યોમાં તેની કાર કન્વર્ટિબલ નથી, એક બંધ સાદી કાર પોતાની નોકરીમાં ફસાઈ ગયેલા વેદની સ્થિતિ દર્શાવે છે! 

કન્વર્ટિબલ કાર અથવા ખુલ્લુ છાપરું અને આઝાદી


'જબ હેરી મેટ સેજલ' ફિલ્મનાં નવા રજૂ થયેલા 'રાધા' ગીતમાં પહાડો નથી. (ફિલ્મમાં હોય તો પણ નવાઈ નહીં!) પરંતુ મને પહાડો પણ યાદ આવ્યા, ખબર નહીં કેમ! પહાડો ઈમ્તિયાઝ અલીની ફિલ્મો માટે ખાસ રહ્યા છે. એ માટેનું શું કારણ છે એ મને ખ્યાલ નથી. 'લવ આજ કલ' સિવાય તેમની બધી જ ફિલ્મોમાં પહાડોનો ઉલ્લેખ છે જ. પ્રથમ ફિલ્મ 'સોચા ન થા' ગોવાની ટ્રીપ દર્શાવે છે. ગોવા સામાન્ય રીતે દરિયાકિનારા માટે પ્રખ્યાત છે. વિરેન (અભય દેઓલ) અને અદિતિ (આયેશા ટકિયા) દરિયાકિનારે તો ફરે જ છે. પરંતુ એક રાત્રે એ લોકો એક નાની ટેકરી પર બેસે છે, ત્યાં બેસીને એ લોકો એકબીજાની સાથે કેટલીક વાતો વહેંચે છે. 'જબ વી મેટ' ફિલ્મમાં ગીત (કરીના કપૂર) અને આદિત્ય (શાહિદ કપૂર) ટ્રેનમાં મળે છે અને ગીત પોતાનાં સ્વભાવ મુજબ વાતો શરૂ કરી દે છે. ગીત કહે છે કે એને પહાડ ખૂબ જ ગમે છે, એ સાથે ગીત સતત બોલ્યે જ રાખે છે. ગીત કહે છે કે એને એ ખ્યાલ નથી આવતો કે ટેકરી અને પહાડમાં શું તફાવત છે! ગીત આદિત્યને પોતાનાં વિશે વાત કરે છે કે એ ભાગીને અંશુમન સાથે લગ્ન કરવાની છે. પોતાની પાગલપનની હદ વટાવીને ગીત એમ પણ કહે છે કે એની કાકાની દીકરી રૂપ સાથે આદિત્યની જોડી ખૂબ જામશે! ગીત આદિત્યને કહે છે કે એ રૂપ સાથે લગ્ન કરી લે એટલે ચારેય (ગીત, અંશુમન, આદિત્ય અને રૂપ) ભેગા મળીને પહાડોમાં રહેશે! આદિત્ય અને ગીત જ્યારે ગીતનાં ઘેરથી ભાગી જાય છે એ પછી મનાલી જતી વખતે રસ્તામાં સફેદ પહાડો જોઈને ગીતનું દિલ ખુશ થઈ જાય છે, એ પળ એને સ્વર્ગ સમાન લાગે છે. ('યે ઇશ્ક હાયે' ગીતનાં શરૂઆતનાં શબ્દો) 'રોકસ્ટાર' ફિલ્મમાં પણ કાશ્મીરની ખૂબસુરત પહાડીઓ દર્શાવેલી છે, એ જગ્યાઓએ જોર્ડન (રણબીર કપૂર) અને હીર (નરગિસ ફખરી) સમય ગાળે છે. 'હાઈવે' ફિલ્મ ઘણા રાજ્યોની મુસાફરી દર્શાવે છે, ફિલ્મનાં ઘણા દ્રશ્યોમાં પહાડો છે. વીરા (આલિયા ભટ્ટ) મહાવીર (રણદીપ હુડા) સાથે એક દ્રશ્યમાં વાત કરે છે ત્યારે પૂછે છે કે એને પહાડ વધારે પસંદ છે કે સમુદ્ર! મહાવીર કહે છે કે સમુદ્ર એણે જોયો નથી. વીરા કહે છે કે એને પણ પહાડો જ વધારે પસંદ છે. વીરાની હમેંશાથી એક ઇચ્છા રહી હોય છે કે એવી કોઈક પહાડીઓમાં એનું ઘર હોય, એ મહાવીર સાથે ત્યાં પહાડો પર એક ઘરમાં રહે છે ત્યારે એનું સપનું પૂર્ણ થાય છે. 'કહા હૂં મૈં' ગીતમાં પણ હિમાચલ પ્રદેશનાં પહાડોમાંથી જ્યારે રાજ્ય પરિવહનની બસ પસાર થાય છે ત્યારે વીરા અચરજ પામીને પહાડોને જોઈ રહે છે અને ખૂબ જ ખુશી અનુભવે છે. 'તમાશા' ફિલ્મમાં બતાવેલ સ્થળ કોર્સિકા ફ્રાંસનો એક પહાડોની વચ્ચે ઘેરાયેલો ટાપુ છે. કોર્સિકામાં રહેલા પહાડો સુંદર રીતે ફિલ્મની અંદર દ્રશ્યમાન થાય છે. વેદ પોતાની જાત સાથે સમય પસાર કરે છે ત્યારે પહાડોને જોઈ રહે છે, તારા એની નોંધ લે છે, વર્ષો પછી ન ગમતી નોકરીમાં ફસાઈ ગયેલા વેદને તારા કહે છે કે વેદ એ વ્યક્તિ નથી જેને એ કોર્સિકામાં મળી હતી. તારા વેદને યાદ કરાવે છે કે એ તો પહાડો સાથે વાત કરતો હતો, નદીમાં મોં નાખીને પાણી પીતો હતો. વેદની પોતાની જાત સાથે મુલાકાત કરાવતી વખતે પણ તારા વેદને પહાડો અને ઝરણું યાદ અપાવે છે... ઓહ વ્હાલા ઈમ્તિયાઝ, તમે ખરેખર અલૌકિક છો! 


જબ વી મેટ અને રોકસ્ટાર

સોચા ન થા, તમાશા અને હાઈવે


બીજી પણ કેટલીક વસ્તુઓની પેટર્ન ઈમ્તિયાઝ અલીની ફિલ્મોમાં મળી છે, એ લખી રહ્યો છું, પૂર્ણ થશે એટલે મૂકીશ, ત્યાં સુધી કેટલીક જૂની પોસ્ટ્સ -   

ઈમ્તિયાઝ અને બીજા દિગ્દર્શકોની કેટલીક ફિલ્મોમાં વિદાય વેળાનાં દ્રશ્યો - છૂટા પડતી વખતે...

ઈમ્તિયાઝની 'લવ આજ કલ' ; 'તમાશા' અને 'રોકસ્ટાર' તેમજ બીજા કેટલાક દિગ્દર્શકોની ફિલ્મોમાં પુલના દ્રશ્યો - જોડાણ બનતો પુલ

ઈમ્તિયાઝ અને બીજા દિગ્દર્શકોની ફિલ્મોમાંથી આલિંગનનાં દ્રશ્યો વિશેની એક લાંબી પોસ્ટ - એપિક હગ સીન્સ - બોલીવુડ



દિગ્દર્શક વિશેનું મારા બ્લૉગ પરનું પેજ - ઈમ્તિયાઝ અલી

Monday 19 June 2017

માય 5 મિનિટ્સ વિથ ગોડ



આજે સવારે વોટ્સએપ ખોલ્યું અને મારા દોસ્ત જયદીપનો એક શોર્ટ ફિલ્મ વીડિયો સાથેનો મેસેજ મળ્યો. જયદીપ હાલ ઓસ્ટ્રેલિયામાં છે. ઘણીવાર મને એની સાથે ફરિયાદો હોય છે કે મારી એની સાથે સારી રીતે વાત થતી નથી,... (હા, હું એને કહેતો નથી કે મને એ પ્રકારે લાગે છે, બીજી અમુક વ્યક્તિઓને ચોક્કસ કહ્યું છે.) પણ પહેલી વાર અહીં આ રીતે બધાની સામે લખી રહ્યો છું, કારણ કે હું કોઈ નથી એના વિશે આ રીતે વિચારવા માટે, મારી સાથે સરખી રીતે એની વાત થતી નથી એ માટે કારણ કદાચ એ પ્રકારે હોઈ શકે જે મને ખ્યાલ જ ન હોય એમ પણ બને! કાલે સાંજે જ એની પત્ની હેનીને મળ્યો. (પત્ની શબ્દ જ ખૂબ અલગ લાગે છે, કારણ કે કૉલેજમાં અમે બધાં મિત્રો હતાં, એ પછી સંબંધોની અંદર આ રીતે આવતો બદલાવ પણ તરત સ્વીકારી શકાતો નથી!) હેની સાથે મારે કાલે સાંજે વાત થઈ, મને ધીમે ધીમે સમજણ પડી કે મને ખ્યાલ ન હોઈ શકે કે જયદીપની જિંદગી ત્યાં કેવી હોઈ શકે છે, તો એ મારી સાથે સરખી વાત ન કરે એમાં હું નિરાશ ન થઈ શકું! વાહ! અને જયદીપે મોકલેલો આ શોર્ટ ફિલ્મનો વીડિયો ધરાવતો મેસેજ, એણે મને કેટલી વસ્તુઓ યાદ અપાવી દીધી. આ બધુ પણ આ ફકરામાં મેં એટલા માટે લખ્યું છે કારણ કે ક્યારેક કોઈ વસ્તુ સમજાતી હોતી નથી અને આપણે આમ હશે અથવા આમ નહીં તો આમ હશે એમ માનીને દુ:ખી થઈ જઈએ છીએ... પણ એ વસ્તુ સમજવા માટે આપણે પ્રયત્ન કર્યો એ પણ એક મોટી વાત છે. આ શોર્ટ ફિલ્મ પણ એક એ પ્રકારનાં જ વિષય પર છે- ભગવાન. આપણને ખ્યાલ નથી કે ભગવાન કોણ છે, ક્યાં છે, ભગવાન છે પણ કે નહીં, છતાં દરેક વ્યક્તિનો પોતાનો ભગવાન પર જુદો જુદો મત છે અને જ્યાં સુધી એ મત પોતાની માટે કે બીજા કોઈ વ્યક્તિને માટે હાનિકારક નથી, ત્યાં સુધી એકદમ ઠીક છે. પંદર મિનિટ્સ ફાળવીને અહીં નીચે મૂકેલ શોર્ટ ફિલ્મ પહેલા જોઈ લો, પછી જ આગળ આ પોસ્ટ વાંચવા વિનંતી... ખૂબ ખૂબ આભાર જયદીપ.



કેમ જીવીએ છીએ જીવન? શું ઉદ્દેશ છે આ જીવનનો? શું આ દુનિયામાં કોઈ ભગવાન છે? એ પ્રકારનાં ઘણા સવાલોનો જવાબ આપણને ઘણી વખત મળતો હોતો નથી. (સૌ પ્રથમ તો આ સવાલો થાય એ પણ ખૂબ મોટી વસ્તુ છે.) ક્યારેય વિચાર્યુ છે કે તમે જે જીવન જીવી રહ્યા છો એ પ્રકારનું જીવન તમે જીવવા માંગો છો? તમે કોઈ બીજી વ્યક્તિનાં વિચારોને લીધે જે પ્રકારનું જીવન તમને ગમતું જ નથી, એ પ્રકારે તો જીવી રહ્યા નથી ને? આ સમાજ અને દુનિયા હમેંશા તમને કહેશે, પણ એ કોઈ જ તમારુ જીવન જીવવા નહીં આવે. ક્યારેક લાગશે કે એ વ્યક્તિ મને કેમ સલાહ આપે છે, પણ મોટેભાગે લોકો એ કરશે જ. તમે બીજાની ઇચ્છા મુજબનું જીવીને તમારી જાતને છેતરશો અને અંતે તમને પોતાને જ એ નહીં ગમે, અને તમે અફસોસ કરશો ત્યારે કદાચ સમય જતો પણ રહ્યો હોય...

આ શોર્ટ ફિલ્મમાં નાયક પોતાના જીવનની છેલ્લી થોડીક ઘડીઓમાં ભગવાનને મળે છે અને આશ્વર્ય પામે છે. કારણ કે એણે જે પ્રકારે ભગવાન વિશે વિચાર કર્યો હતો, એવી કોઈ વ્યક્તિ એની સામે નથી. ભગવાનનું તો કોઈ ચોક્કસ સ્વરૂપ જ હોતું નથી. એ તો આપણે જ વિચારેલ એક મૂર્તિ, એક દેખાવ, એક ચહેરો કે પછી એક પથ્થર છે, જેને આપણે પૂજ્ય ગણીએ છીએ, સુખમાં કે ખુશીમાં ક્યારેક એની સામે આભાર માનતા થોડા શબ્દો કહીએ છીએ, દુ:ખમાં એની સામે રડીએ છીએ અને ફરિયાદ કરીએ છીએ અને જ્યારે જરૂર પડે ત્યારે તરત એની પાસે કંઈક માંગી લઈએ છીએ. ક્યારેય વિચાર્યુ છે કે જો કોઈ ભગવાન હશે તો એને ગમતી સૌથી મોટી વસ્તુ શું હશે? જ્યારે કોઈ માણસને મદદ કરીએ, જ્યારે કોઈને માટે કંઈક સારુ કરીએ ત્યારે એને ચોક્કસ જ ગમતું હશે. જો કોઈ ભગવાન હશે તો એ માનવે જ માનવ માટે પેદા કરેલી પ્રાણઘાતક વસ્તુઓ, એક મનુષ્ય દ્વારા બીજા મનુષ્યનું ખરાબ થાય એ પ્રકારની રખાતી ઇચ્છાઓ કે બીજી આ પ્રકારની નકારાત્મક ઊર્જાઓથી ચોક્ક્સ જ દુ:ખ પામતો હશે... ભગવાન તમારી અંદર છે, માનવતા જ સૌથી મોટો ધર્મ છે, આ બધી વાતો આપણે જાણીએ છીએ. પણ જ્યારે પાલન કરવાનું આવે છે ત્યારે તો આ શબ્દો ક્યાંક ખોવાઈ જાય છે! આ વાક્યોનું શું કોઈ મૂલ્ય જ નથી? એક મનુષ્ય બીજા મનુષ્ય માટે થઈને ખરાબ કે નુકશાનકારક વસ્તુઓ વિચારે એ માટે તો મનુષ્યને બુધ્ધિ મળેલ નથી... બુધ્ધિનો ઉપયોગ તો સારા કાર્યો માટે થવો જોઈને ને? કે પછી કોઈક વાત માટે ફાયદો થાય કે કોઈને મદદ થાય તેમાં, પરંતુ તમારો ફાયદો કોઈનું નુકશાન પણ તો ન બનવો જોઈએ ને? જો ક્યાંક કોઈ ભગવાન છે તો એ તમારી સારાઈમાં છે, બુરાઈ પર સારાઈનાં વિજયમાં છે, અસત્ય પર થતાં સત્યનાં વિજયમાં ભગવાન છે, કોઈ નિર્દોષ બાળકનાં હાસ્યમાં ભગવાન છે, કોઈ બીજી વ્યક્તિના ચહેરા પર લાવવામાં આવેલી ખુશીમાં ભગવાન છે, માનવ થઈને બીજા માણસને જ્યારે તમે પોતાની બરાબરીમાં ગણો છો એ પળમાં ભગવાન છે. શું તમે ક્યારેય એ ભગવાનને જોયો છે?

આ શોર્ટ ફિલ્મ પરથી મને બીજી બે ત્રણ વસ્તુઓ યાદ આવી ગઈ, વાર્તાનાયકની મુલાકાત ભગવાન સાથે થાય છે અને એ ભગવાનને પૂછે છે કે શું આ પળમાં જે થઈ રહ્યું છે એ ફક્ત એનાં દિમાગની અંદર છે કે એ સત્ય છે? જે. કે. રોલિંગની પ્રખ્યાત હેરી પોટર શ્રેણીનાં છેલ્લા ભાગમાં પણ હેરીનું પાત્ર ડમ્બલડોરને આ જ સવાલ પૂછે છે. આ શોર્ટ ફિલ્મમાં ભગવાનનું પાત્ર અને હેરી પોટરમાં ડમ્બલડોરનું પાત્ર બંને એક સરખો જ જવાબ આપે છે કે હા, જે થઈ રહ્યું છે તે દિમાગની અંદર જ છે, પણ એનો એ બિલકુલ જ અર્થ થતો નથી કે એ સાચું નથી! ઘણી બધી વખત આપણને પોતાની જ જાત પર, પોતાનાં જ વિચારો પર ભરોસો હોતો નથી અને આપણે વિચારી લઈએ છીએ કે એ તો માત્ર દિમાગની અંદર જ છે. પણ તમે જે પણ વિચાર કરો છો એ જ સત્ય છે, એ જ પ્રકારે થાય છે. પરંતુ એનો એ અર્થ બિલકુલ જ નથી કે તમે જેમ વિચારશો તેમ જ થશે અથવા જે ઇચ્છશો એ બધુ જ તમને મળશે. એનો અર્થ એ છે કે જે પણ તમે વિચારો છો એ પ્રકારનું થાય તે માટે તમારે એ દિશામાં મહેનત કરવી પડશે, જે ઇચ્છો છો એ વસ્તુને મેળવવી પડશે. જે સપનું પૂર્ણ થાય એમ તમે ઇચ્છો છો એ સપનું પૂર્ણ તમારે જ કરવું પડશે. 



વાર્તાનાયક ભગવાનને જુદા જુદા સવાલો પૂછે છે ત્યારે ભગવાન આશ્વર્ય પામે છે. ભગવાન કહે છે જે લોકો એની સાથે વાત કરે છે એમાંથી મોટાભાગનાં લોકો કંઈક ને કંઈક માંગે છે, ક્યારેય કોઈ આ પ્રકારનાં સવાલો પૂછતું નથી. વાર્તાનાયક એની સાથે જે થઈ રહ્યું છે તે વાત અને બીજી અમુક વસ્તુઓ જાણવાની ઇચ્છા રાખે છે. રિચર્ડ લીંકલેટરની પ્રખ્યાત ફિલ્મો 'બિફોર ટ્રિલોજી' મારી ખૂબ જ મનપસંદ ફિલ્મો છે. પ્રથમ ભાગ 'બિફોર સનરાઇઝ'માં સેલિનનું પાત્ર કહે છે કે જો કોઈ ભગવાન છે તો એ આપણી વચ્ચે રહેલી જગ્યામાં જ છે, આ દુનિયામાં જો કોઈ જાદુ છે તો એ કોઈ વસ્તુ કે વ્યક્તિને સમજવામાં છે, કદાચ અશક્ય લાગે કે જવાબ ન પણ મળે, પણ જવાબ પ્રયત્નની અંદર જ હોય છે, તમે એ સમજવાનો પ્રયત્ન કરો છો તે જ મહત્વનું છે! 



Sunday 18 June 2017

ફાધર્સ ડે (૨૦૧૭)




પિતા- જૂના જમાનામાં પોતાની મૂછો પર હાથ ફેરવીને ગર્વથી કહી શકતો એક પુરુષ કે એના બાળકો ક્યાં અને કેવી રીતે મોટા થઈ ગયા એ વાતનો એને ખ્યાલ પણ ન રહ્યો. પિતા- આજના જમાનામાં ક્લીન શેવથી માંડીને જુદી જુદી ફેશનની દાઢી ધરાવતો એક પુરુષ જે પોતાનાં સંતાન માટે ગમે તે કરી છૂટવા તૈયાર છે અને સંતાનની દરેક નાની બાબતનું ધ્યાન રાખવામાં એને કોઈ અહંકાર નડતો નથી. પિતા- એક પુરુષ જે મોટેભાગે ફરિયાદ કરતો નથી કે આ સમસ્યા છે માટે સંતાનનો આ શોખ પૂરો નહીં થાય. પિતા- એક પુરુષ જે પોતે પણ અંદરથી તો કોમળ જ છે, પણ બહારથી એકદમ કઠોર દેખાવાનો ડોળ કરે છે. પિતા- એક પુરુષ જે પોતાના દીકરા અને દીકરીને અનુક્રમે રાજકુમાર અને રાજકુમારી જ ગણે છે. પિતા- એક પુરુષ જે હમેંશા ઇચ્છે છે કે એને જે જિંદગી મળી છે એનાથી વધારે સારી જિંદગી એના સંતાનને મળે.

મોટેભાગે સંતાન માટે મા વધારે મહત્વની રહે છે અને પિતાની ઘણી નાની વાતો સંતાનને યાદ રહેતી નથી. તો મારા અનુભવો અને યાદોને આધારે કદાચ તમને થોડી વાતો યાદ આવી જશે એમ વિચારીને કેટલીક લાગણીઓ આ ફકરામાં લખી રહ્યો છું... ચાલતાં નહોતું આવડતું ત્યારે પિતા આંગળી પકડી જ રાખતા એ યાદ છે? વિવિધ ફૂલો અને પશુઓ કે પંખીઓ વિશે પૂછીને પિતાને નાનપણમાં હેરાન કરી મૂકતા એ યાદ છે? આ વસ્તુ આમ કેમ છે અને આમ કેમ ન થાય એ બધી જ વાતોનો જવાબ આપતા પિતા યાદ છે? શાળાનો પહેલો દિવસ યાદ છે જ્યારે પિતા આંગળી પકડીને મૂકવા આવેલા? (મને તો તેડીને મૂકવા આવેલા!!) દરરોજ શાળામાં આજે શું કર્યુથી માંડીને ગૃહકાર્ય વિશે પૂછતા પિતા યાદ છે? ઘણી બધી વખત એમને ખ્યાલ હોય કે સંતાનની ઊંચાઈ નહીં વધી હોય તો પણ ઊંચાઈ માપતાં પિતા યાદ છે? સાઇકલ શીખવાડતી વખતે પિતા સાઇકલ છોડી મૂકે ત્યારે લાગતો ડર યાદ છે? રવિવારની સવાર યાદ છે જ્યારે પિતા આપણી સાથે ગમતી રમતો રમતાં હતાં? ક્યારેય પિતાનાં ખોળામાં માથું મૂકીને કે ખભે માથું ઢાળીને સૂઈ ગયાનું સાંભરે છે? શાળા પછી કૉલેજનાં પ્રવેશ માટેની માથાકૂટ કરતાં પિતા યાદ છે? પિતાને જ્યારે પહેલી નોકરીનો પગાર કહ્યો ત્યારે એમની આંખોની ચમક કે ચહેરાનું હાસ્ય યાદ છે? તમે પિતાની આ પ્રકારની યાદોને આ પળમાં ઝળઝળિયાં ધરાવતી આંખો સાથે મહેસૂસ કરી શક્યા હશો તો મને ખૂબ જ આનંદ થશે.

પીઠ થાબડીને શાબાશી આપતો એક પુરુષ કે ગળે લગાડીને માફ કરી દેતો એક પુરુષ મોટેભાગે સંતાનની હાજરીમાં રડતો નથી. એ જ બાપ કન્યાવિદાય સમયે મન મૂકીને રડી લે છે. એક બાપ મોટેભાગે સંતાનની આગળ પોતાનું દુ:ખ, પોતાની તકલીફ કે સમસ્યા વિશે વાત કરતો નથી. કારણ કે એ ક્યારેય ઇચ્છતો નથી કે એની તકલીફથી સંતાન દુ:ખી થાય. મા વિશે હમેંશા સારુ સારુ લખવામાં આવે છે. બાપ વિશે કેમ શાળામાં કોઈ નિબંધ હોતો નથી, એ મને આજ સુધી ખ્યાલ આવ્યો નથી. પિતા ધીમે ધીમે વૃધ્ધ થાય છે એ સમયે જો આપણે એમને સહારો ન આપીએ તો તેઓનું કોઈ જ નથી. એ બાપ જે નાનપણમાં આપણી આંગળી પકડીને સહારો આપે છે, વૃધ્ધત્વમાં આપણે તે જ બાપની આંગળી પકડીને સહારો આપવામાં કોઈ જ શરમ ન રાખવી જોઈએ. 

સાહિત્ય અને સિનેમાની અંદર પિતાને માટે માન છે જ. ઈતિહાસમાં પણ નંદ, વસુદેવ, દશરથ, જોસેફ જેવા પુરુષો મહાન વ્યક્તિઓનાં પિતા તરીકે જાણીતા છે. સાહિત્ય અને સિનેમાની અંદર પિતા વિશેનો ઉલ્લેખ અથવા પિતાનાં પાત્રો વિશે મને જેટલો ખ્યાલ છે, તેટલી કૃતિઓ/ફિલ્મો વિશે ટૂંકાણમાં લખી રહ્યો છું. ચંદ્રકાંત બક્ષીની નવલકથા 'પ્રિય નીકી' પિતા અને પુત્રી વિશે વાત કરતી ખૂબ જ સુંદર વાર્તા છે. કાજલ ઓઝા વૈધનું પુસ્તક 'વ્હાલી આસ્થા' પિતા તરફથી પુત્રીને લખવામાં આવેલા સુંદર પત્રો છે, જે દીકરીને દરેક પળમાં જિંદગી વિશે કંઈક શીખવાડનાર ભેટ બની રહે તેમ છે. (પ્રિય નીકી અને વ્હાલી આસ્થા બંને પુસ્તકો વિશે મેં લખેલી બ્લૉગ પોસ્ટ્સની લીંક આ પોસ્ટને અંતે મૂકી છે.) ખાલિદ હુસૈનીની નવલકથા 'ધ કાઇટ રનર' પણ પિતા અને પુત્ર વચ્ચેનો સંવાદ અને એકબીજા પ્રત્યેની કાળજી સંવેદનશીલ રીતે રજૂ કરે છે. દિગ્દર્શક કે. આસિફની મહાન હિન્દી ફિલ્મ 'મુઘલ-એ-આઝમ' ઈતિહાસનાં પ્રખ્યાત પાત્રો અકબર અને સલીમનો સંબંધ રજૂ કરે છે. શેખર કપૂરની ફિલ્મ 'માસૂમ' મજબૂર પિતાની લાગણીઓ દર્શાવે છે. આર. બાલ્કિની ફિલ્મ 'પા' મેં જોઈ નથી, પરંતુ હું ખાતરીપૂર્વક લખી રહ્યો છું કે એ પણ એક પિતા અને પુત્રનાં સંબંધ પરની સુંદર ફિલ્મ હશે. રવિ ચોપરાની ફિલ્મ 'બાગબાન' સંતાનો અને માતા-પિતા પરની કદાચ સૌથી લાગણીશીલ ફિલ્મ છે, જે ફિલ્મમાં જ્યારે સગા દીકરાઓ મા-બાપને પોતાની પાસે રાખવા તૈયાર થતા નથી, ત્યારે દત્તકપુત્ર તેમની કાળજી લે છે. રવિ ચોપરાની જ બીજી એક ફિલ્મ 'બાબુલ' સસરાને બાપથી પણ વિશેષ દરજ્જો આપે છે. 'બાબુલ' ફિલ્મમાં એક પિતા પોતાના પુત્રનાં મૃત્યુ પછી પુત્રવધૂનાં બીજા લગ્ન કરાવતી વખતે પોતે કન્યાદાન કરે છે. આદિત્ય ચોપરાની ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' પિતા-પુત્ર વચ્ચેનો એક નવો જ અંદાજ રજૂ કરે છે, જે એ સમય કરતાં થોડોક આગળ પડતો જરૂર કહી શકાય. કરણ જોહરની 'કુછ કુછ હોતા હૈ' ફિલ્મમાં એક પિતા દીકરીને મા વિના ઉછેરીને મોટી કરે છે. કરણ જોહરની જ 'કભી ખુશી કભી ગમ' પિતાનો અહંકાર રજૂ કરે છે, તો કરણ જોહરની જ 'કભી અલવિદા ના કહેના' ફિલ્મમાં એક 'કૂલ ડેડ' તરીકે અમિતાભ બચ્ચન પણ છે અને એક હમેંશા ગુસ્સે રહેતા પિતા તરીકે શાહરુખ ખાન પણ. વિક્રમાદિત્ય મોટવાણેની પ્રથમ ફિલ્મ 'ઉડાન' એક બાપ જે પોતાના સંતાનને કોઈ જ આઝાદી આપતો નથી અને સંતાનની કોઈ જ સંભાળ રાખતો નથી તેની વાત માંડે છે, તેમની બીજી ફિલ્મ 'લૂટેરા'માં તેનાથી એકદમ વિપરીત એક બાપ માટે પુત્રીની ખુશી સૌથી મહત્વની છે. કબીર ખાનની 'બજરંગી ભાઈજાન' પિતા વિશે ઉલ્લેખ કરતી નથી, પરંતુ એક મૂંગી દીકરીને પોતાના દેશ સુધી પહોંચાડતું સલમાન ખાનનું પાત્ર તે દીકરીને માટે પિતાતુલ્ય બની રહે છે. શકુન બત્રાની ફિલ્મ 'કપૂર એન્ડ સન્સ' જે પરિવાર વિશે વાત કરે છે, તેમાં પિતા અને પુત્રનો સંબંધ ખૂબ તણાવભર્યો છે. વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ 'નમસ્તે લંડન' એક દીકરી જે પોતાની જાતને બ્રિટિશર જ ગણાવે છે, જે પોતાની જાતને ભારતીય ગણવા તૈયાર નથી, તેના પિતા સાથેના સંબંધો તેમજ બાપ પોતાની દીકરીને ભારતીય મૂળ તરફ પરત લઈ જાય છે તેની વાર્તા માંડે છે. શૂજિત સિરકારની ફિલ્મ 'પિકુ' આધુનિક પિતા પુત્રીનો સંબંધ રજૂ કરે છે, જ્યાં દીકરી આર્કિટેક્ટ છે, અપરિણીત છે, પોતાના પિતાની સંભાળ રાખવા માટે. નિતેશ તિવારીની ફિલ્મ 'દંગલ' કુસ્તીબાજ પિતા મહાવીર અને દીકરીઓ ગીતા અને બબિતા વિશે વાત કરે છે, જેમાં એક બાપ સમાજનાં જૂના નિયમો સામે જંગ છેડીને પોતાની દીકરીઓને કુસ્તીમાં જીતતી જોવા માંગે છે. અયાન મુખર્જીની બંને ફિલ્મો 'વેક અપ સિડ' અને 'યે જવાની હૈ દીવાની' પણ થોડેક અંશે સંતાનની ખૂબ કાળજી રાખતા પિતા વિશે વાત કરે છે. બંને ફિલ્મો અનુક્રમે 'વેક અપ સિડ' અને 'યે જવાની હૈ દીવાની'માં રણબીરનાં મુખ્ય પાત્રો- સિડ પોતાનો પહેલો પગાર પિતાનાં હાથમાં આપે છે તે દ્રશ્ય અને બની પોતાનાં સ્વપ્ન માટે વિદેશ જઈ રહ્યો છે ત્યારે પિતા સાથેની વાતચીત ખૂબ જ લાગણીશીલ છે. ઝોયા અખ્તરની 'દિલ ધડકને દો'માં અનિલ કપૂરનું પાત્ર બહારથી કડક દેખાતો પિતા, પરંતુ અંદરથી કોમળ પુરુષ છે, જે પોતાના અહંકાર માટે સંતાનોને મજબૂર પણ કરી શકે છે અને સંતાનોની ખુશી માટે પોતાની આબરૂ પણ એક બાજુ મૂકી શકે છે. 'દિલ ધડકને દો' ફિલ્મમાં પુત્ર તરીકે રણવીર સિંઘ જ્યારે પિતા અનિલ કપૂરને પૂછે છે કે શું પોતે એમની પર ભરોસો કરી શકે? કારણ કે પિતા જ એની જિંદગીની હોડીને ડૂબતી બચાવી શકે તેમ છે. ("ક્યા મૈં આપ પે ભરોસા કર શકતા હૂં પાપા? ક્યૂંકિ આપ હી મેરી લાઇફબોટ હો.") પિતા જે આપણને દરેક ડૂબતી પરિસ્થિતિમાં બચાવીને કિનારે લઈ આવે છે, હમેંશા વિચારે છે કે મારુ સંતાન જીવનમાં મારાથી પણ આગળ વધે, તેવા પિતાને સલામ. લવ યુ ડેડી!  





સંબંધિત કેટલીક બીજી પોસ્ટ્સ -










Friday 16 June 2017

Get to know me


My friend Pankaj tried this on Twitter. I tried this on Facebook. Putting those screenshots...

Will add some few confessions which I didn't put on FB. Enjoy... I hope you'll get to know something new about me which you didn't before reading this...





આરતી વ્યાસ પટેલ










36. I'm good at keeping secrets... If one has told me not to tell something to any particular person, I won't tell it.

37. I have been mistreated so many times by so many people. I strongly believe everyone should be equal.

38. Sometimes people borrow money from me and I forget to ask for money back. Some of them think that I am stupid... But I don't know sometimes I feel bad to ask about my money too. So I don't let them borrow very often.

39. Some people have taunted me that I read books to show off. Trust me, I am big fan of reading. I never do it for show off.

40. I don't like if someone borrow my book/DVD or any particular thing and don't return it or misplace it, I mean how could they?

41. Sometimes I preserve small things like cards, gifts and so much, because so many memories are attached with some particular things.

So that's it for now, if I'll add I'll put it here...Thanks.

Thursday 15 June 2017

કેવી રીતે જઈશ - ગુજરાતી સિનેમાની નવી દિશા, અમેરિકાનું પાગલપન, ફિલ્મ વિશેની નાજુકાઈ, નિર્દોષતા અને યાદો



અમુક વર્ષો પૂર્વે એક ગુજરાતી ફિલ્મ રજૂ થયેલી, શૈલેન્દ્ર ઠાકોરની 'હાલ ભેરુ અમેરિકા'. મને વર્ષ યાદ નથી પરંતુ મને એ યાદ છે કે જે પણ હિન્દી ફિલ્મો એ વખતે થિયેટરમાં ચાલતી હતી, એ ફિલ્મોની ટિકિટ નહોતી મળી એટલે હું અને મારો કઝિન બ્રધર 'હાલ ભેરુ અમેરિકા' ફિલ્મ જોવા ગયેલા, મારે કોઈનું નામ લેવુ નથી, પરંતુ ખૂબ જ દિગજ્જ કલાકારો સાથેની એ ફિલ્મ એટલી નબળી હતી કે એ ઉંમરે પણ મને ખ્યાલ આવી ગયેલો કે આ ફિલ્મ સારી નથી જ નથી. 

મારા માનીતા લેખક શ્રી ચંદ્રકાંત બક્ષીનો એક જૂનો લેખ ઇન્ટરનેટ પર વાંચવા મળ્યો હતો, જે આર્ટિકલની અંદર તેઓએ ફિલ્મો વિશે સુંદર લખ્યું હતું. ચંદ્રકાંત બક્ષી હમેંશા પોતાની કલમની ધારદાર સચ્ચાઈ માટે જાણીતા હતા, મૃત્યુપર્યંત પણ એમની પ્રામાણિકતા તેઓની સૌથી મોટી ખૂબી ગણાય છે. તેમણે એ લેખમાં ગુજરાતી ફિલ્મો વિશે લખ્યું હતું કે, "ગુજરાતી ફિલ્મો પણ આવી ગઈ જેમાંની ઘણીખરી ગંધાતી હતી. ગુજરાતી ફિલ્મો વિકલાંગ જ રહી, પચ્ચીસ વર્ષો થયાં, પચાસ વર્ષો થયાં પણ સરકારી બોટલમાંથી ડબલ ટોન્ડ દૂધ દિવસમાં ચાર વાર પીવાની એની આદત છૂટી જ નહીં. આટલા ગમાર હીરો અને આટલી ગંદી હીરોઈનોને વર્ષો સુધી જોયા કરનારી પ્રજા કેવી હશે? જગતના જાડિયા હીરો લોકો જોવા હોય તો ગુજરાતી ફિલ્મો જોવી જોઈએ. ગુજરાતી ફિલ્મો એના વજનથી, સરકારી ઈનામોના વજનથી, હીરો લોકોના ડેડ-વેઈટથી ડૂબી ગઈ. પણ પ્રજાના મનની જલસપાટીમાં ગ્લાનિ કે વેદનાનું એક પણ સ્પંદન આવ્યું નહીં."  (લેખ વિશેની લીંક - અછૂત કન્યાથી અમેરિકા 1997: ધૂપ મિલ ગઈ રાત મેં...)

ઘણા સમય સુધી ગુજરાતી સિનેમા એટલે એક જ પ્રકારની વેશભૂષા કે એક જ પ્રકારની ગામડાંની પૃષ્ઠભૂમિની વાર્તા હોય એ પ્રકારે મોટાભાગનાં દર્શકોનો મત રહેતો અને ખૂબ જ ઓછા અપવાદોને બાદ કરીએ તો મોટાભાગની ફિલ્મો પણ એ જ પ્રકારે બનતી હતી. વાત એમ નથી કે ગામડાની વાર્તા ધરાવતી ફિલ્મ ખરાબ હોય. પરંતુ તમે ક્યાં સુધી ગુજરાતી સિનેમા એટલે એ જ પ્રકારની બીબાંઢાળ વાર્તા ધરાવતી ફિલ્મો એમ માનીને ચૂપ બેસી રહી શકો? આજથી પાંચ વર્ષ પૂર્વે શ્રી અભિષેક જૈન નામે ગુજરાતી યુવાનની ફિલ્મ 'કેવી રીતે જઈશ' રજૂ થઈ. દર્શકોએ આ ફિલ્મને ખૂબ જ આવકારી. કારણ કે આ એક પ્રમાણિત અને દિલથી બનાવેલી ફિલ્મ છે, જેની અંદર મહેનત દેખાય છે. પાત્રોની અંદર ઊંડાણ છે. વાર્તા સહેજ પણ ખેંચાતી નથી. ફિલ્મ સહેજ પણ લાંબી નથી. બધુ જ જાણે સરખી માત્રામાં પીરસાઈને એક ગુજરાતી થાળી બને એ રીતની આ ફિલ્મ છે! દિલથી પ્રસ્તુત છે ફિલ્મ 'કેવી રીતે જઈશ'ની સફળતાનાં પાંચ વર્ષ નિમિત્તે ફિલ્મની સુંદરતા વિશેની મારી સમજણની અંદર મેં લખેલી આ બ્લૉગ પોસ્ટ, આ પોસ્ટમાં ફિલ્મ સ્પોઈલર્સ છે.

વાર્તા છે હરીશ પટેલ (દિવ્યાંગ ઠક્કર) નામના એક યુવાન અને પટેલ પરિવારની. જેમનું એક જ લક્ષ્ય છે હરીશને અમેરિકા મોકલવો. હરીશનું સ્વપ્ન છે ત્યાં જઈને મોટેલ ખોલવી. હરીશનાં પિતા બચુ પટેલ (કેનેથ દેસાઇ) અને ઈશ્વર પટેલ (અનંગ દેસાઇ) બંને ગાઢ મિત્રોએ પોતાની યુવાનીમાં અમેરિકા જવા માટેનું સ્વપ્ન જોયેલ. પરંતુ બચુ પૈસાની વ્યવસ્થા કરી શકે એ પૂર્વે ઈશ્વર ગેરકાયદેસર રીતે અમેરિકા ચાલ્યો ગયો. અમેરિકાથી ઈશ્વર બચુને ફોન કરે છે ત્યારે એ દ્રશ્યની શરૂઆત દીવાની જ્યોતથી થાય છે, એ પછી બચુ પોતાની પત્નીનું નામ બોલે છે, જ્યોત્સના (દીપ્તિ જોશી). જ્યોત્સનાનો અર્થ થાય છે ચંદ્રનું અજવાળું. જ્યોત્સનાનું પાત્ર ભજવનાર અભિનેત્રીનું નામ દીપ્તિ જોશી છે. દીપ્તિનો અર્થ પણ અજવાળું થાય છે. વાહ! ભૂતકાળની વાતોને દર્શાવતી પુષ્કર સિંઘની બ્લેક એન્ડ વ્હાઇટ સિનેમટોગ્રાફી ફિલ્મની અંદર ખૂબ જ અસર ઉપજાવે છે. આ પ્રકારની નાની નાની વાતો ફિલ્મની અંદર ખૂબ જ રસપૂર્વક આલેખાયેલી છે. સમય વીતતો જાય છે. મિત્રતામાં દગો મળ્યો એમ માનતો બચુ વર્ષો પછી પણ ઈશ્વરને માફ કરી શકતો નથી. બચુ અને મોટો દીકરો જીગ્નેશ (જય ઉપાધ્યાય) અમેરિકા જઈ શકતાં નથી. હવે, સમય છે કે પરિવારનો નાનો દીકરો હરીશ અમેરિકા જવાની તૈયારી કરે! હરીશની હવે અમેરિકા જવા માટેની ચોક્કસ રીતે તૈયારી શરૂ થાય છે. એ વખતે ઈશ્વર પોતાની દીકરી આયુષી (વેરોનિકા ગૌતમ) સાથે ભારત પરત આવે છે. છૂટક અણગમો દર્શાવીને બચુ ઈશ્વરને આવકારે છે, આયુષી અને હરીશની દોસ્તી થાય છે. હરીશનું પેપરવર્ક શરૂ થાય છે, આયુષી સાથેની ઓળખાણ વધે છે અને પૈસા ભેગા કરવાની માથાકૂટ સાથે વાર્તા આગળ વધીને એક નાજુક વળાંક પર આવીને ઊભી રહે છે. એ પછી હરીશ અમેરિકા જાય છે કે નહીં તે વિશેની આખી વાત એટલે અભિષેક જૈનની ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર રજૂ થયેલી આ ફિલ્મ.



બ્લેક એન્ડ વ્હાઇટ સિનેમટોગ્રાફી
જ્યોત્સના અને દીવાની જ્યોત


ફિલ્મની અંદર અમેરિકા માટેનું પાગલપન ઘણા દ્રશ્યોમાં ઝીલવામાં આવ્યું છે. હરીશનાં રૂમમાં ઓબામાનું પોસ્ટર છે, જેની પર 'હોપ' લખ્યું છે, જાણે અમેરિકા જ તેની માટે એક આશા સમાન છે, એ પોસ્ટરની પૂજા પણ કરવામાં આવે છે! હરીશનાં રૂમમાં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીનું પોસ્ટર પણ છે. હરીશનું સ્વપ્ન છે અમેરિકા જઈને પોતાની 'પટેલ મોટેલ' ખોલવી. હરીશની મા જ્યોત્સના અને ભાભી ભાવના (તેજલ પંચાસરા) હરીશનાં લગ્ન માટે કન્યાનાં ફોટોગ્રાફ્સ મંગાવે છે ત્યારે પણ બધા જ આલ્બમ્સ અમેરિકાનાં શહેરોમાં રહેતી છોકરીઓનાં જ છે જેમ કે ન્યૂ યોર્ક, શિકાગો, ડેટ્રોઇટ, લોસ એન્જેલસ. પટેલ પરિવાર માટે જાણે અમેરિકા જ સર્વસ્વ હોય તેમ ઘરની નેમપ્લેટ પણ અમેરિકન ફ્લેગની ડિઝાઇન ધરાવે છે. અમેરિકા માટેનું પાગલપન હરીશને અંધશ્રધ્ધા તરફ પણ દોરી જાય છે, એ કોઈ બાબા કે તાંત્રિકને પણ મળે છે. હરીશની ટી શર્ટ પર પણ ન્યૂ યોર્ક લખેલ છે. 


ઓબામાનું પોસ્ટર, નેમપ્લેટ, સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી
પટેલ મોટેલ, અંધશ્રધ્ધા

ફિલ્મની અંદર કેટરિના કૈફ વિશે પણ ત્રણેક વખત ઉલ્લેખ છે. પ્રથમ દ્રશ્યમાં જ જ્યારે મિત્રો વાત કરી રહ્યા હોય છે ત્યારે એક વ્યક્તિ પોતાની કેટની એક્ઝામ વિશે વાત કરે છે. એ છે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (કેટ). દરેક મિત્રવર્તુળમાં કોઈક ને કોઈક મિત્ર હથોડાછાપ જોક્સ સતત કર્યા જ કરે છે. હરીશનો આ મિત્ર જ્યારે પોતાની કેટની એક્ઝામ વિશે વાત કરે છે ત્યારે બીજો એક મિત્ર કેટ એટલે કેટરિના કૈફ એમ કહે છે અને વાતને કોઈક ભળતી જ દિશામાં વાળીને છેક રણબીર કપૂર અને સલમાન ખાન સુધી લઈ જાય છે! હરીશનો એક મિત્ર કેટ પાસ ન કરી શક્યો અને બીજો મિત્ર કહે છે કે કેટરિના પણ રણબીર અને સલમાન કોઈને ન મળી, એ પ્રકારની બે વાતોનો સરવાળો જોરદાર હાસ્ય પેદા કરે છે! હરીશનાં પિતા વિઝા ઇન્ટરવ્યૂ માટે હરીશને કાલુપુર રેલવે સ્ટેશનથી મુંબઈની ટ્રેનમાં મૂકીને રિક્ષામાં વળતા ઘેર આવે છે ત્યારે જૂના મિત્ર ઈશ્વર સાથે ફોન પર વાત કરે છે એ વખતે રિક્ષામાં ડાબી તરફ કેટરિના કૈફનું પોસ્ટર છે! હરીશની મા અને ભાભી જ્યારે એની માટે કન્યાઓ જુએ છે ત્યારે હરીશ પોતાની પર્સમાં રાખેલ કેટરિના કૈફનો ફોટો બતાવે છે અને કહે છે કે એને કેટરિના જેવી કન્યા જોઈએ છે!

કેટરિના કૈફ

આજે ગુજરાતી સિનેમાનો સ્ટાર ગણાય છે તે એક્ટર મલ્હાર ઠાકર 'કેવી રીતે જઈશ' ફિલ્મનાં એક દ્રશ્યમાં પણ પોતાના અભિનયની છાપ મૂકી ગયેલ, ન વિશ્વાસ હોય તો જોઈ લો નીચે મૂકેલ આ સ્ક્રીનશોટ્સ... મુંબઈની વિઝા ઑફિસમાં એની મુલાકાત હરીશ સાથે થાય છે. મલ્હાર ઠાકરનું પાત્ર અમેરિકાની વાસ્તવિકતા વિશે વાત કરે છે. રીટા ભાદુરીનાં પાત્રનો વિઝા રિજેક્ટ થાય છે. (રીટા ભાદુરીનો પણ ફિલ્મમાં સુંદર કેમિઓ છે.) રીટા ભાદુરીએ ભજવેલ પાત્રના પતિની તબિયત સારી નથી. એમનો દીકરો અમેરિકા છે, ત્યાં જવા માટે એ વૃધ્ધ યુગલને વિઝા મળતા નથી. મલ્હારનું પાત્ર કહે છે કે એક વખત દીકરો અમેરિકા જાય પછી આ જ થાય છે. હરીશ એક પળની અંદર હચમચી જાય છે અને પોતાની જાતને જ વિશ્વાસ અપાવતો હોય તેમ કહે છે કે એ પોતાના પરિવાર સાથે એમ નહીં થવા દે, એ પોતાની સાથે પરિવારને પણ લઈ જશે. ડૉલરની મોહમાયામાં જકડાયેલો સમાજનો અમુક વર્ગ લાગણીઓ અને સંબંધો ભૂલી જાય છે. સુધા મૂર્તિની નવલકથા 'ડૉલર બહુ' પણ એ જ પ્રકારની વાર્તા માંડે છે.


મલ્હાર ઠાકર

ફિલ્મની અંદર જ્યારે હરીશ પોતાના દોસ્ત રાહિલ સાથે કેવિનને મળવા માટે જાય છે, ત્યારે કેવિન કહે છે કે હરીશમાં 'પેશન' નથી. હરીશને 'પેશન' શબ્દ સમજાતો નથી. રાહિલ એને ભાષાંતર કરી આપે છે કે પેશન એટલે જુસ્સો. (અમિતાભ બચ્ચન પોતાની કારકિર્દી માટે 'પેશનેટ' હતા, તે જ વાત પછીથી હરીશ રેડિયો પર પણ સાંભળે છે, એ પણ ફિલ્મ ડિરેક્ટર અભિષેકનાં જ અવાજમાં. એ વાત મેં આ બ્લૉગમાં લખી છે, હવે પછીના ફકરાઓમાં ક્યાંક એનો ઉલ્લેખ આવશે.) કેવિન હરીશને સલાહ આપે છે કે આત્મવિશ્વાસ કેળવવા માટે દરરોજ અરીસામાં જોઈને પોતાની જાતને કહેવું જોઈએ કે પોતે અમેરિકા જશે. અરીસો મારે માટે હમેંશા પોતાની અંદર ઝાંખવા માટે રૂપક રહ્યો છે. જ્યારે પણ કોઈ ફિલ્મમાં કોઈ પાત્ર અરીસા સામે આવે છે ત્યારે એ ખૂબ જ રસપ્રદ હોય છે. પોતાના મનની અંદર શું ચાલે છે, પોતાને શું જોઈએ છે જેવી વાતોનો અરીસો જવાબ આપે છે. તે સાથે જ આત્મવિશ્વાસ કેળવવા માટે અરીસો હમેંશા સાથ આપે છે. ફિલ્મમાં કેવિનની આપેલી સલાહ હરીશ ધીમે ધીમે અપનાવે છે. પહેરવેશ, બોલી અને પાત્રમાં આવતો બદલાવ જાતને આગળ વધારવાનું સૂચન છે.

અરીસો

હરીશનું અમેરિકા માટેનું પાગલપન એ હદે છે કે એને ખરાબ સ્વપ્નો આવે છે કે વિઝા ઑફિસર એના વિઝા રિજેક્ટ જ કરશે. જ્યારે પણ એ ઊંઘમાંથી જાગવાની તૈયારીમાં હોય છે ત્યારે જ એને એ પ્રકારનું કોઈ ખરાબ સ્વપ્ન આવે છે. કદાચ એક સંકેત પણ છે કે અમેરિકા એની માટે નથી, એ પ્રકારનો એક સંકેત કે હરીશ એક લાંબી ઊંઘમાં છે અને આંખો ખોલીને સચ્ચાઈને જાણે અને ઓળખે. મોહ અને માયામાં ફસાયેલ એક વ્યક્તિની જેમ અમેરિકાનો મોહ હરીશ અને પટેલ પરિવારથી છૂટતો જ નથી, જે પણ એક રીતે એક ખરાબ સ્વપ્ન સમાન જ છે.


ખરાબ સ્વપ્ન


ફિલ્મની અંદર ખોરાક અને રસોઈ પણ મહત્વનો ભાગ ભજવે છે. આમ પણ આપણા ગુજરાતીઓ માટે હમેંશા ખોરાક પ્રથમ હરોળમાં જ રહેશે! હિન્દીમાં પણ એક કહેવત છે - 'આદમી કે દિલ કા રસ્તા પેટ સે હો કે જાતા હૈ'. હરીશની યોજના છે કે અમેરિકા જઈને જે મોટેલ બનાવશે, એ મોટેલમાં માતા અને ભાભી બંને થેપલા અને ખાખરા બનાવશે અને એ લોકો વેચાણ કરશે. ફિલ્મની અંદર મા હરીશને ખોરાક પીરસે છે એ પ્રકારનાં તેમજ ડીનર ટેબલ પરનાં પણ ઘણા દ્રશ્યો છે. ઈશ્વર ઘણા વર્ષે બચુને ત્યાં આવે છે ત્યારે હરીશની માતા જ્યોત્સનાને કહે છે કે ખૂબ લાંબા સમય પછી ગુજરાતી ભોજન જમીને આનંદ થયો. આયુષી અને હરીશ પણ 'આ સફર' ગીતની અંદર પાવભાજીનો સ્વાદ માણે  છે તે દર્શાવેલ છે... (આ ગીત મને ખૂબ જ પસંદ છે, કોઈક દિવસ એ ગીત પર હું પોસ્ટ લખીશ!) હરીશ જ્યારે એરપોર્ટ પર પોતાના પ્લેનની રાહ જુએ છે ત્યારે કંઈક ફાસ્ટ ફૂડ ખાતો દર્શાવવામાં આવ્યો છે, પોતાના પરિવારથી દૂર જતી વખતે પરિવારની યાદો ઘેરી વળે છે એ સમયે એ ખોરાકનો એ સહેજ પણ આનંદ લઈ શકતો નથી. આ રીતે ખોરાક આ ફિલ્મ માટે માતૃપ્રેમ છે. 

ખોરાક

હરીશ ગેરકાયદેસર રીતે નકલી પાસપોર્ટ પર અમેરિકા જવા માટે રવાના થાય છે. ત્યારે રીટા ભાદુરીનાં પાત્ર સાથે એરપોર્ટ પર મુલાકાત થાય છે. તેણી હરીશને ફોર્મની અંદરની એક નાની વિગત માટે પૂછે છે. હરીશ તેઓને ફોર્મની એ વિગત ભરી આપે છે અને તેમના પતિ વિશે પૂછે છે, જે બંનેને તેણે મુંબઈની વિઝા ઑફિસમાં જોયેલા હતા. રીટા ભાદુરીનું પાત્ર જવાબ આપે છે કે પતિનું મૃત્યુ થયેલ છે. પોતાની પાસે રહેલ અસ્થિ વિસર્જનનો કળશ તેઓ હરીશને બતાવે છે. કેટલીક વખત ઘણી વસ્તુઓ આપણા કાબૂની બહાર હોય છે. મૃત્યુ એ મનુષ્યની સમજશક્તિની બહાર છે. કોઈ વ્યક્તિનું મૃત્યુ ક્યારે થશે એ નક્કી નથી. હરીશ નકલી પાસપોર્ટ પર અમેરિકા જઈ રહ્યો છે, એ પ્રકારની વ્યક્તિઓ પોતાના દેશમાં પાછી ફરી શકતી નથી. એક વખત પ્રસ્થાન થઈ ગયેલું વિમાન કોઈને માટે રોકાતું નથી, જિંદગીની કેટલીક બેકાબૂ વસ્તુઓની જેમ જ. રીટા ભાદુરીનું પાત્ર હરીશને પૂછે છે કે એ તો સમજી વિચારીને અમેરિકા જઈ રહ્યો છે ને? હરીશને કદાચ તેમને મળીને અહેસાસ થાય છે કે એની જિંદગી તો અહીં જ છે. જે રીતે આયુષી તેને પાર્ટીમાં કહે છે કે બધું જ તો અહીંયા છે, ત્યાં અમેરિકામાં શું છે? એક રીતે હરીશને બધાની યાદો અને લાગણીઓ પણ બાંધે છે. ફિલ્મનું એક પોસ્ટર પણ એ જ રીતે હતું જેમાં બીજા પાત્રો હરીશને રસ્સી વડે પોતાની તરફ ખેંચે છે. ટાઈટલ સોંગમાં પણ એ જ વાત વ્યક્ત થઈ છે કે બધી જ વસ્તુઓ અહીં છોડીને હું કેવી રીતે જઈશ?

રીટા ભાદુરી

મૃત્યુ, બેકાબૂ વસ્તુઓ અને પાછો ન લાવી શકાતો સમય

બંધન

ફિલ્મની અંદર અમેરિકા જવાનું સ્વપ્ન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એક રીતે એ સ્વપ્ન હરીશનું પણ નથી. એ સ્વપ્ન એના પિતા બચુ પટેલનું છે. કારણ કે તેમનો મિત્ર ઈશ્વર પટેલ અમેરિકા ગયો અને પોતે અહીં રહી ગયા એ લાગણી સતત તેમની સાથે રહી છે. પરિવારનો મોટો દીકરો જીગ્નેશ પોતાના નાના ભાઈ હરીશ માટે દરેક પળે કંઈક કરી છૂટવાની ઇચ્છા રાખે છે. એ હરીશનાં અમેરિકા જવા માટે પૈસાની વ્યવસ્થા પણ કરે છે. પરંતુ એક નાની ભૂલને કારણે હમેંશની જેમ જ તેને ડોબા કે ડફોળ જેવા બિરુદો આપી દેવામાં આવે છે. એ વખતે જીગ્નેશ પોતાના પિતાને સમજાવે છે કે એક રીતે તો એ પોતાનું જ સ્વપ્ન પોતાનાં સંતાનો પર થોપી રહ્યા છે. નારાજગીમાં પરિવાર છોડીને ચાલ્યો ગયેલ જીગ્નેશ અને અચાનક નકલી પાસપોર્ટ પર અમેરિકા જવા તૈયાર થયેલ હરીશ, આ બંને ભાઈઓની સરખી રીતે છેલ્લી વખત મુલાકાત પણ થતી નથી. પરંતુ અંતે બધુ જ ઠીક થાય છે અને પરિવાર ભેગો થાય છે.  

છૂટો પડેલો અને ભેગો થયેલો પરિવાર


ગુજરાતીમાં એક શબ્દસમૂહ છે- તારામૈત્રક, જેનો અર્થ છે પહેલી નજરનો પ્રેમ. હરીશ અને આયુષીની પ્રથમ વખત એકબીજા સાથે નજર મળે છે તે દ્રશ્ય ખૂબ જ સુંદર છે. એ દ્રશ્યની અંદર મને લાગે છે જાણે તેઓ એકબીજાને માટે જ સર્જાયેલ છે અને અહીં મેં નીચે મૂકેલ સ્ક્રીનશોટ્સ તરફ હું એ રીતે જોઈ રહ્યો છું જાણે હું બંનેને સારી રીતે ઓળખું છું! આયુષી પોતાના પિતા સાથે જ્યારે હરીશને ત્યાં આવે છે ત્યારે પ્રથમ વખત એ બંનેની વાત થાય છે. હરીશને જે ખરાબ સ્વપ્નો આવતા હતાં એ સ્વપ્નમાં એ જ ક્ષણે પરિવર્તન આવે છે. હરીશને લાગે છે કે આયુષી એન.આર.આઇ. છે, જેની સાથે લગ્ન કરીને પોતાનું યુ.એસ.એ. જવાનું સ્વપ્ન પૂર્ણ થશે. આયુષી અને હરીશ બંને પાત્રો ભજવેલ કલાકારો વેરોનિકા ગૌતમ અને દિવ્યાંગ ઠક્કર અસલી જિંદગીમાં પણ એ પછી લગ્નનાં તાંતણે બંધાઈ ચૂક્યા છે. હાઉ સ્વીટ ઇઝ ધેટ! 


આયુષી અને હરીશ - તારામૈત્રક

ફિલ્મી પડદે

જિંદગીને પડદે

વેરોનિકા ગૌતમ - ઇન્સ્ટાગ્રામ


ફિલ્મની અંદર દરેક કલાકારનો ઉત્તમ અભિનય છે. ઈશ્વરનું પાત્ર ભજવતાં અનંગ દેસાઇ પોતે ગુજરાતી હોવા છતાં પ્રથમ વખત તેમણે ગુજરાતી ફિલ્મમાં અભિનય કર્યો. હરીશનું એક સરળ દેખાતા ગુજરાતી યુવાનથી અમેરિકા જવાના મોહ માટેનું પરિવર્તન દિવ્યાંગ ઠક્કરનાં અભિનયમાં જોરદાર રીતે ઝીલવામાં આવેલ છે, અફલાતૂન! ડિરેક્ટર અભિષેક જૈન આયુષીનાં પાત્રને પ્રથમ વખત પડદા પર રજૂ કરે છે ત્યારે અમેરિકન ડિરેક્ટર માર્ટિન સ્કોરસેસીનાં સ્ત્રી પાત્રોની જેમ સ્લો મોશન શોટ્સમાં દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યું છે. જે માર્ટિન સ્કોરસેસીની પણ બીજા એક મહાન દિગ્દર્શક આલ્ફ્રેડ હીચકોકને ટ્રિબ્યૂટ છે. અભિષેક જૈન પોતે પણ આલ્ફ્રેડ હિચકોકને ખૂબ જ માન આપે છે, એ વાત મેં હમેંશાથી નોંધેલ છે. દીપ્તિ જોશીનો મા તરીકેનો અભિનય એટલો જ સાચો લાગે છે જે પ્રકારની એક ગુજરાતી મા મોટેભાગે હોય છે, જે ક્યારેક મારી આંખો પણ ભીંજવી ગયેલો. ફિલ્મનાં એક દ્રશ્યમાં દારૂની બોટલ્સ દર્શાવવા માટે પણ ટીમ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી. જે અહીં મૂકેલ વિકિપીડિયા પેજની લીંકમાં રસ હોય તો વાંચી શકો છો. (આ ફકરાની અંદર લખેલી કેટલીક માહિતી માટે આધારભૂત વિકિપીડિયા પેજની લીંક)

પ્રથમ વખત ફિલ્મી પડદે સ્લો મોશન - માર્ટિન સ્કોરસેસી અને આલ્ફ્રેડ હિચકોકને ટ્રિબ્યૂટ

આયુષી તેમજ આલ્ફ્રેડ હિચકોકનાં સ્ત્રી પાત્રો
(ફિલ્મ અનુક્રમે સાયકો અને રીઅર વિન્ડો)

આલ્ફ્રેડ હિચકોક વિશેનું પુસ્તક (અભિષેક જૈન - ઇન્સ્ટાગ્રામ)


અભિષેક જૈન પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરે તે પૂર્વે તેમણે રેડિયો મિર્ચીનાં 'પુરાની જીન્સ' પ્રોગ્રામમાં આરજે તરીકે કામ કર્યુ છે. એ પૂર્વે તેઓ સુભાષ ઘાઈની 'વિસલિંગ વૂડ્સ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ'માં વિદ્યાર્થી રહી ચૂકેલ છે. અભિષેક સુભાષ ઘાઈની 'યુવરાજ' તેમજ સંજય લીલા ભણસાલીની 'સાવરિયા', આ બંને ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર પણ રહી ચૂકેલ છે. (સંજય લીલા ભણસાલીનાં ફિલ્મ સેટ પર હોવું એ મોકો જ એક ખૂબ જ મોટી વાત છે!) સુભાષ ઘાઈની એક આદત છે કે મોટાભાગની પોતાની ફિલ્મોમાં તેઓ એક કેમિઓ રોલ કરે છે. અભિષેક દ્વારા પોતાની ફિલ્મ 'કેવી રીતે જઈશ'નાં પાર્ટી સીનમાં કેમિઓ કરીને સુભાષ ઘાઈને ટ્રિબ્યૂટ આપવામાં આવી છે? સંજય લીલા ભણસાલી પોતાના સેટની ભવ્યતા તેમજ લાઇટિંગ્સ માટે જાણીતા છે. ભણસાલીની ફિલ્મમાં દીવાઓ પણ મહત્વનો ભાગ ભજવે જ છે. શું પાર્ટી સીનની અંદર દીવાઓ તેમજ આછી રોશની ભણસાલીને ટ્રિબ્યૂટ છે? અને હા, અભિષેક જ્યારે આરજે અભિષેક હતા, મને યાદ છે તેઓનો એ પ્રોગ્રામ 'પુરાની જીન્સ' હું ઘણી વખત રાત્રે સૂતા પહેલા સાંભળતો. જૂના ફિલ્મી ગીતો વિશેની ઘણી માહિતી મને એમની પાસેથી મળી છે કારણ કે ત્યારે ગૂગલ પર સર્ચ થઈ શકે એ પ્રકારનો મને ખ્યાલ નહોતો. આરજે અભિષેકનું એક ફેસબુક પેજ હતું, જે કદાચ હાલ અસ્તિત્વમાં નથી, કારણ કે મને ન મળ્યું. એ પેજ પર તેઓ બધા જ મારા પૂછેલા પ્રશ્નોનાં જવાબો આપતા, મને ખૂબ જ સારી રીતે યાદ છે. મોટેભાગે દરેક શ્રોતાની કમેન્ટ્સનો તેઓ જવાબ આપતા. હું તો આરજે અભિષેકનો ફેન હતો મને બરાબર રીતે યાદ છે! એમની ગીતોની સાથે માહિતી પીરસવાની અદા તેમજ તેઓનો અવાજ મને ખૂબ જ ગમતો. ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર હું ખૂબ જ સક્રિય થયો એ પછી ખ્યાલ આવ્યો કે આ ફિલ્મનાં દિગ્દર્શક અભિષેક જૈન એટલે જ આરજે અભિષેક અને મેં મૂર્ખની જેમ તેમને ટ્વિટર પર સવાલ પણ કર્યો હતો, જેનો તેઓએ જવાબ પણ આપેલો. ફિલ્મની અંદર હરીશ રેડિયો સાંભળે છે એ દ્રશ્યમાં તેઓનો પોતાનો જ અવાજ છે. વર્ષ ૨૦૧૬નાં 'ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ' વખતે શ્રીરામ રાઘવનનાં સેશનમાં અભિષેક જૈનને રૂબરૂ જોઈ શક્યાનો અવસર મળ્યો. કોઈ ફોટોગ્રાફ કે ઓટોગ્રાફ એ દિવસે લીધો નથી, કારણ કે બંને મહાનુભાવો ઉતાવળમાં હતાં, અને કદાચ હું એ મોહની અંદર જ હતો કે આ સત્ય જ નથી કે એ લોકો મારી સામે રૂબરૂ સાક્ષાત વાતો કરી રહ્યા છે! એ સેશનમાંથી મને સિનેમા વિશે ઘણી જાણકારી મળી છે. આરજે દેવકીએ એ સેશનમાં કહ્યુ હતું કે 'કેવી રીતે જઈશ' ગુજરાતી સિનેમા માટે 'શોલે' છે! યાદો જ યાદો! કેટલાક જૂના ફોટોગ્રાફ્સ તેમજ આ ફકરા સંબંધિત સ્ક્રીનશોટ્સ સાથે આ પોસ્ટ પૂર્ણ કરી રહ્યો છું, ત્રણેક દિવસ પહેલાં જ મને યાદ આવ્યું કે આ ફિલ્મને પાંચ વર્ષ પૂર્ણ થશે, એટલે એક વખત ફરી આ ફિલ્મ જોઈ. એ પછી ઉતાવળમાં લખેલી આ પોસ્ટ સારી રીતે લખી શક્યો નથી, ક્યાંક જોડણીની કે બીજી કોઈ ભૂલો હોય તો પણ માફ કરશો. મારા દિલની વાત તમારા દિલ સુધી જરૂર પહોંચશે એ મને વિશ્વાસ છે. અભિષેક, તમારી ત્રીજી ફિલ્મની હું જરૂરથી રાહ જોઈ રહ્યો છું!! (અને મારા જેવા બીજા ઘણા પ્રશંસકો પણ!)  

સંજય લીલા ભણસાલીની જેમ દીવા અને રોશની

રેડિયો મિર્ચી પર પુરાની જીન્સ
અને
અભિષેકનો ફિલ્મી પડદે કેમિઓ



પુરાની જીન્સ

આરજે અભિષેક

આરજે અભિષેક અને આરજે ધ્વનિત


ટ્વિટર પર મારી વાત


ફિલ્મ ક્રેડિટ્સ