Monday 10 July 2017

હેપી બર્થડે સતીષ

ચોવીસ! તૂટેલા રમકડાં અને અધૂરા સપનાઓ વચ્ચે આપણે આજે આ ઉંમરે પહોંચી ગયા છીએ! બચપણમાં એકબીજાની વસ્તુ જોઈને એમ થતું કે આની પાસે છે એ જ કપડાં કે એ જ રમકડું કે એવી જ સ્કૂલ બેગ મારે જોઈએ છે. આજે એ નિર્દોષતા અને બાળપણ જ ક્યાંક ગુમ થઈ ગયું છે, શોધવાથી માત્ર યાદો અને તસવીરોમાં ક્યારેક જૂનો સમય જડી આવે છે! તુ એકમાત્ર એવો કઝિન રહ્યો છે, જે મારી જ ઉંમરનો હોવાથી દોસ્ત વધારે અને ભાઈ ઓછો રહ્યો છે. મોટાભાગની બધી જ નાની નાની વાતો એકબીજાને કહીને, એકબીજાને ચીડવીને, મજાક કરીને, સલાહો આપીને, ઠપકો આપીને, રિસાઈને, મનાઈને ફરી પાછા ભેગા થઈને આપણે આટલે સુધી પહોંચ્યા છીએ. તારી સાથે પ્રાથમિક શાળાનું મેં દરેક વેકેશન પસાર કર્યુ છે, જ્યારે ઉનાળામાં કેરીનો રસ ખાવાનો કંઈક અલગ જ રોમાંચ હતો, જ્યારે નવી ફિલ્મ પહેલા જ શુક્રવારે જોવાની કોઈ અલગ જ મજા હતી, જ્યારે બપોરે ફરજિયાત સૂઈ જવાનું કહેવામાં આવતું ત્યારે ક્યારેક બધા સૂઈ જાય પછી છુપાઈને ઘરની બહાર સરકીને રમતો રમતાં હતાં, જ્યાં ખુલ્લા આકાશની નીચે ઉનાળાની રાતોમાં આપણે તારાઓ જોઈ રહેતા, જ્યારે કોઈક પાંચ રૂપિયાનો સિક્કો આપે ત્યારે કેટલો રોમાંચ થતો હતો, એ રોમાંચ બેંકમાં જમા થતાં પગારનાં આંકડા જોઈને પણ મને તો નથી જ થતો! એ આંબલીની નીચે કાતરા ખાવાની મજા, એક રૂપિયાની કાકડી, બે રૂપિયાનો બરફનો ગોળો કે પાંચ રૂપિયાની પાણીપુરી ખાઈને જે આનંદ થતો, એ મજા મને ક્યારેય બીજે ક્યાંય નહીં મળે! કોહિનૂર સિનેમા અને મિલન ટોકીઝ કે તારી સ્કૂલનો એ વ્યસ્ત રસ્તો મને ક્યારેક યાદ આવે છે, પણ ત્યાં જઈએ ત્યારે હવે પહેલા જેવી હૂંફ નથી આવતી. ક્યારેક આંખો ભરાઈ આવે છે આ બધું વિચારીને, પણ હું કોઈને કહેતો નથી. કારણ કે વર્ષો વીતી જાય છે, જગ્યાઓ બદલાઈ જાય છે, લોકો બદલાઈ જાય છે, અને સંબંધોમાં એક અંતર આવતું જાય છે... ટપાલનું સ્થાન ફોન અને ફોનનું સ્થાન વોટ્સએપ અને ફેસબુક દ્વારા લેવાઈ ગયું છે, આજે પણ ક્યારેક હું એ નિર્દોષતા શોધવાનો પ્રયત્ન કરું છું, પણ હવે મને એ નહીં જડે...

હું તને હમેંશાની જેમ આજે પણ કહીશ કે તારા જેટલી હિંમત મારામાં નથી, કદાચ આવડત મારામાં વધારે હશે અમુક વાતોમાં, પણ તે છતાં તુ ક્યારેય જીવનમાં આજ સુધી પાછો પડ્યો નથી અને મને એનો તારી પર ખૂબ જ ખૂબ જ ગર્વ છે. હું હજુ પણ કહીશ કે હું ઘણીવાર એક વખત હારીને ફરીથી મેદાનમાં નથી આવતો, પણ તે હમેંશા દરેક પરિસ્થિતિમાં જિંદગીનો સામનો કર્યો છે, એ બધી જ પરિસ્થિતિઓને હરાવીને આજે તુ જિંદગીમાં જે મુકામ પર પહોંચ્યો છે એ જગ્યાને તુ લાયક છે. મને ખૂબ જ ગમે છે જ્યારે તુ કોઈ નવો ધંધો શરૂ કરવાની વાત કરે છે, ભલે તુ સફળ ન થાય તો પણ તુ બીજું કંઈક વિચારે છે, નવો દિવસ, નવી સવાર, નવી આશાઓ. હું ઘણી વખત આ વાત તારી પાસેથી શીખ્યો છું,... કારણ કે તે મારા કરતાં ઘણી વધારે વખત હાર-જીતનો સામનો કર્યો છે. કોઈ તને મળે ત્યારે એને લાગશે કે બહારથી એકદમ જ ખુશ દેખાતો, લોકોની મજાક કરતો હોય એ પ્રકારનો આ છોકરો છે, પણ હું તને ઓળખું છું કે તુ કેવી વ્યક્તિ છે. એક એવી વ્યક્તિ જે મોટેભાગે મજાકની સાથે જ જ્ઞાન પીરસી દે છે અને એ વાતનો એને ખ્યાલ પણ નથી, એ વ્યક્તિ તુ છે. તે હમેંશા મને ઘણી વાતોમાં સાથ આપ્યો છે, સમાજનાં લોકો સામે કઈ રીતે વર્તન કરવું (જે મને આજે પણ નથી ગમતું!) કે પછી આ માણસ તો આવો જ છે, એની પાસેથી આશા નહીં રાખવાની, જેવી વાતો પણ અમુક સંજોગોમાં તે જ મને શીખવાડી છે, અને બદલામાં હું તારી માટે ક્યારેય એટલું કરી શક્યો નથી.

છેલ્લા અમુક વર્ષોમાં જાણે આપણે અચાનક મોટા થઈ ગયા છીએ, પોતપોતાની અલગ જિંદગીમાં વ્યસ્ત છીએ, તને પણ ક્યારેક ફરિયાદો હશે કે હું તને સરખી રીતે મળતો નથી અથવા પહેલાની જેમ વાતો થતી નથી. પણ હવે ઘણી બધી વાતો મને નથી ગમતી તો હું એ સ્વીકારી શકતો નથી. કદાચ એ જ સૌથી મુખ્ય કારણ છે કે હું જે જગ્યાએ બચપણમાં આવવા માટે રડતો અને વેકેશન પૂર્ણ થાય ત્યારે પાછો જતી વખતે પણ રડતો, એ જગ્યા હવે સંપૂર્ણ બદલાઈ ગઈ છે. ફોન પર વાત હું મોટેભાગે કોઈની સાથે લાંબા સમય માટે કરતો નથી, એ તુ પણ જાણે છે અને મેસેજીસનાં જવાબ હું મોટેભાગે તરત આપું છું એ પણ તુ જાણે છે, એ છતાં ક્યારેક લાગે છે કે તુ મારી પાસે જ છે, કારણ કે તુ છે મારી યાદોમાં, એ યાદો, મારા બચપણનો તુ પણ એક ખૂબ મોટો ભાગ છે! તને ખબર છે કે મેં તને હમેંશા પરિમલથી પણ વધારે ગણ્યો છે, મેં ક્યારેય એમ નથી વિચાર્યુ કે તારી સાથે ખરાબ રીતે વર્તન કરીશ અથવા ગમે તે હોય, પણ છેલ્લા અમુક વર્ષોમાં તારી સલાહો અને જિંદગી વિશેનાં અભિગમોને મેં અવગણ્યા જ છે, કારણ કે મને એ વાતો મારી માટે સ્વીકારવા લાયક લાગી નથી. તારા વિચારોની કદર છે મને, પણ હું હવે એ સ્વીકારી શકતો નથી, માટે તારી અમુક સલાહો માનતો નથી અને અમુક વાતો પણ હું અમલમાં મૂકતો નથી, તને ખબર જ છે એ, હું અહીં લખવાનો નથી! તે છતાં પણ તને જિંદગીમાં જ્યારે જરૂર પડશે ત્યારે હું તારી પાસે જ છું, એ તુ જાણે જ છે, અને હું હમેંશા તારી પડખે જ છું. કારણ કે તુ જેવો છે એવો જ મેં તને સ્વીકારી લીધો છે તો આશા રાખીશ કે તુ પણ મને સ્વીકારી લઈશ, કારણ કે હું આવો જ છું! જિંદગીની નવી ખુશીઓ અને અમુક નવી શરૂઆતો સાથે હું તને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું... તારો આ ચોવીસમો જન્મદિન તારી માટે ખૂબ ખુશીઓ લાવે, જિંદગીમાં તુ ખૂબ આગળ જાય અને કંઈક કરે એવી પ્રાર્થના સાથે હું તારા સૌથી ખરાબ ફોટોગ્રાફ્સ અહીં મૂકી રહ્યો છું! (હા હા હા!! મજાક કરી રહ્યો છું!) મને ખબર છે તને નહીં ગમે પણ તે છતાં એક બે ફોટોગ્રાફ્સ તો મારે મૂકવા જ પડશે!! હેપી હેપી બર્થ ડે... સપનાઓ, ભાઈચારો અને જિંદગીને નામ, હિપ હિપ હૂરે...


No comments:

Post a Comment