Monday 28 November 2016

સરદાર સરોવર અને ઝરવાણી (૨૦૧૩)

દીવ અને સાસણગીર વાળી ટ્રીપ માટે લખેલી પોસ્ટ ગમી ઘણાંને; પણ સૌથી પહેલો ફીડબેક આપ્યો જયદીપે અને એણે કહ્યુ કે સરદાર સરોવર અને ઝરવાણી માટે પણ લખું. તો સ્પેશ્યલી ફોર હીમ! અમારું ફાઈનલ યર ચાલતું હતું અને જયદીપનો આ જગ્યાએ ફરવા જવાનો આઈડિયા ક્યારનોય હતો, કદાચ એ ગયેલો હતો પહેલાં કે એ યાદ નથી, પણ રસ્તો, ખર્ચ અને જગ્યા બધી માહિતી એકઠી એણે પહેલેથી જ કરી લીધેલી; એક દિવસ માટે જવાનું છે; એક સ્પેશ્યલ વાહન કરી લઈએ તો સારું રહેશે; તો બીજા થોડા લોકોને પણ પૂછી શકાય કે કોણ કોણ પ્રવાસમાં જોડાવા ઈચ્છે છે... અતથી ઈતિ, સર્વત્ર જયદીપનો જ વિચાર, ખાલી છેલ્લે અમે એ માટે નવા સચિવાલયમાંથી નર્મદા વિભાગની મંજૂરી પહેલેથી લઈ લીધેલી જેના માટે દર્શન(DD)નાં ખૂબ આભારી રહી શક્યાં... પૂછ્યુ ઘણાંને પણ છેલ્લે નક્કી થયાં ૧૩ મિત્રો... જયદીપ પટેલ, ઋતુરાજ ઝાલા, કુંતલ ટેલર, ધવલ થોરિયા, દર્શન ડોરિયા, અખિલ ગોસ્વામી, કેયુર મોદી, સંદીપ કાલરીયા, અંકિત માકડિયા, ધર્મેશ નાડોલા, યોગેશ પટેલ, મૌલિક દુદાણી અને હું સંજય દેસાઇ. તારીખ હતી ૩૧-૦૭-૨૦૧૩.

શાહરુખ ખાન છીએ અમે બધાં!



‘તૂફાન’ જીપ નક્કી થયેલી, જે સવારે વહેલા અમદાવાદથી નીકળવાની હતી. અને મારે જવાનું હતું ઋતુરાજને ત્યાં એક રાત પહેલાં પણ એને ત્યાં મહેમાન હતાં. એટલે રાત રોકાવાનું નક્કી થયું દર્શનને ઘેર. વેલ, દર્શન માટે ઘણાંને લાગે છે કે એ બસ મજાક-મસ્તી જ કરતો રહેતો હોય છે, સીરિયસ નથી અને આમ ને તેમ, પણ જ્યારે એને ત્યાં રોકાવાનું થયું ત્યારે એની વિશે વધારે જાણી શકાયું, એના ઘરનો ઉપરનો માળ આખો ‘અભિલાષા’ નામની એનજીઓને સમર્પિત છે, જે અમદાવાદમાં ગીતામંદિર આસપાસ કેટલાય સામાજિક કાર્યો કરે છે, બાબા આંબેડકરની પ્રેરણાથી. આ ઉપરનાં માળમાં આસપાસનાં ગરીબ છોકરા-છોકરીઓને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે અને એ સમયે દર્શન પણ એમને ભણાવતો. હેટ્સ ઓફ!

દર્શન, જયદીપ, ઋતુરાજ, કુંતલ, ધવલ, અખિલ, કેયુર અને છેલ્લે હું


સવારે વહેલા લગભગ છ વાગ્યા આસપાસ જ ‘તૂફાન’ આવીને ઊભી રહી ગયેલી. સંદીપ, ધર્મેશ, અંકિત, યોગેશ અને મૌલિક લગભગ એમના દોસ્તની હોસ્ટેલમાં રોકાયેલા રાતે. અને ધવલ અને કેયુર બંને જીપ સ્ટેન્ડથી આવેલા ડ્રાઈવર સાથે. મને ચોક્કસ યાદ નથી. જયદીપ, કુંતલ, ઋતુરાજ સવારે આવી ગયેલા દર્શનને ત્યાં. તો અમે લોકો પણ ચડ્યા, એ પછી ખાલી નેક્સ્ટ સ્ટેન્ડથી અખિલને લઈને અમારી સફર શરૂ થઈ... વહેલી સવારનાં પહોરમાં થોડી વાર તો પહેલાં લોકો શાંત રહ્યા. રેડિયો સાંભળ્યો, છાપું વાંચ્યુ અમુકે. (અથવા ખાલી નજર ફેરવી છાપામાં!) પણ થોડા સમય પછી ટપલી-દાવ અને બીજી મસ્તી શરૂ થઈ જ ગઈ! ‘ડમ સરાઝ’ પણ રમવાની મજા આવેલી. હાઈવે પર થોડો સમય જીપ રોકાયેલી ત્યારે પણ બધાંને ફોટોઝ પડાઈ જ લેવા’તાં! નર્મદા આવતાં જ વરસાદથી ધોવાયેલાં રોડની બંને બાજુએ વેરાયેલાં પીળા ફૂલો ખૂબસુરત લાગતાં હતાં!


યોગેશ, સંદીપ, અંકિત, મૌલિક અને ધર્મેશ

કુદરતને ખોળે


લગભગ સવારે ૧૦-૩૦ જેવાં ત્યાં પહોંચેલાં સરદાર સરોવર ડેમ, ત્યાં પહેલા એક સ્ટોપ હતું જ્યાંથી આગળ જવાનું હતું પણ નામ યાદ નથી રહ્યુ. બધા થોડી વાર આસપાસ પોતપોતાની રીતે ફરતા રહ્યા. પછી શરૂ થયું ફોટોગ્રાફી સેશન ત્યાં નીચે જ; ડેમ હજું ઉપર હતો. ઉપર થોડે ગયાં પછી છેક ઉપર જવા માટે એક મીની બસ હતી. અને પહોંચ્યા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાનાં ડેમ સરદાર સરોવરની છેક નજીક. શું નજારો હતો! ધુમ્મસ, લીલોતરી અને પાણી... મશીનોની મિકેનિકલ વસ્તુઓ અને ડેમની ટેક્નિકલ અને બાંધકામ રિલિટેડ વસ્તુઓ મને યાદ પણ નથી અને મારે લખવી પણ નથી! દોઢ કલાક જેવું લગભગ ત્યાં રોકાયેલાં અને નાસ્તો કરીને બસ કુદરતને મન ભરીને માણેલી, ત્યાંથી જવાનું હતું ઝરવાણી, પણ નજીકમાં એક જગ્યાએ પાણીનો ફ્લો હતો ત્યાં પણ જીપ રોકી, શું ધસમસતા પ્રવાહે વહેતું હતું પાણી! મકાઈ ખાધી બધાંએ ધરાઈને અને ત્યાં પણ થોડો સમય પસાર કર્યો.

મકાઈ અને પાણીનો ધસમસતો પ્રવાહ


હવે આખી ટ્રીપની સૌથી મજેદાર જગ્યા માટે નીકળ્યા, એક ધોધ છે, જગ્યાનું નામ ઝરવાણી. રસ્તો ખરાબ હતો. માંડ જીપ ચાલતી હતી, અને એક જગ્યાએ પહોંચ્યા પછી તો હવે પાણી હતું આગળ, સ્થાનિક ત્યાં ફરતાં અમુક લોકોએ કહ્યુ કે જીપ આગળ જઈ શકશે નહીં. જગ્યા થોડે પાસે જ છે. અને નક્કી થયું કે આગળ ચાલતાં જવાનું છે. લોકો કપડાં ચેન્જ કરવા લાગ્યા નહાવા માટે, આઈ વોઝ લાઈક હું તો અન્ડરવેરમાં જ જઈશ આગળ, શોર્ટ પણ નહીં! અને ધવલે પણ સાથ આપ્યો એ વાતમાં, ચાલવાનું ઘણું હતું એ પછીથી ખબર પડેલી, અને સામાન બધો જીપમાં મૂકીને કેમેરા સાથે નીકળ્યા બધાં, મોટાભાગનાં ચપ્પલ, સેન્ડલ કે જૂતા વગર, લગભગ ચારેક જણે પહેરેલાં. (એમને ફાયદો થયેલો!) રસ્તામાં રેતી, કાંકરા, ઘાસ, નાના નાના ગોળાકાર પથ્થર કેટલુંય એવું હતું જેને ફક્ત જોવાથી જ દિલ ખુશ થઈ જતું હતું! પગમાં એ કાંકરા વાગતાં હતાં અને અમુક લપસણી જગ્યાઓએ પડવાનો ડર પણ હતો, પણ બધાં એકબીજાને સહારે ચાલતાં હતાં... અને ફાઈનલી થોડીક જહેમતો બાદ સામે હતો ધોધ! કેયુરનું વાક્ય મને યાદ છે કે એના સેન્ડલનાં પૈસા એ દિવસે વસૂલ થયાં!

હવનકુંડ મસ્તો કા ઝુંડ

ઝરવાણી તરફ ચાલતાં જતી વખતની મસ્તી



સામે હતો ઝરવાણીનો ધોધ અને જ્યાં બધાં મુક્ત હતાં કુદરતનાં ખોળે, સુખનાં સરનામે અને એ બધું! પબ્લિક શું નહાવા પડેલી! અમને બધાંને એમ કે જગ્યા બહું ફેમસ નથી અને ઓછા જ લોકો હશે પણ ધારણા ખોટી પડેલી. અને બસ પછી શું હતું પાણીની છોળો, મસ્તી, ફોટોઝ, એ પળો જીવી લેવાની મુક્ત રીતે અને એ યાદો સંઘરી લેવાની હતી. ઠંડક, વરસાદ, કેટલીય બૂમો પાડતાં અમે, વાદળ, અને એ બપોર! જ્યાં એવું લાગતું હતું કે દુનિયામાં બપોરે તડકો હોતો નથી; દુનિયામાં ૧૧-૬ની જોબ નથી, આ દુનિયામાં કંટાળો નામની વસ્તુ છે જ નહીં જાણે, એ જ છે જે બસ આપણને જોઈએ છે, જે સામે છે, હેપીનેસ! અમે ગીતો ગાતાં હતાં, બોલ વડે કેચિંગ રમતાં હતાં પાણીમાં, ફિલ્મી ગીતો ગાઈ ગાઈને ગળામાં બળતરા થતી હતી મને, ‘ભાગ મિલ્ખા ભાગ’નાં ‘હવનકુંડ મસ્તો કા ઝુંડ’ ગીત પર ફરજીયાત બધાંએ ડાન્સ કરવાનો હતો! બીજા ત્યાં આવેલાં લોકો સાથે વાતો થઈ શકતી હતી કે ‘અલ્યા! તમે પણ અમદાવાદનાં? અમે પણ અમદાવાદનાં!’ બધાનાં મોબાઈલ ટાવર બંધ હતાં એમ છતાં થોડે દૂર ફેમિલીમાં એક છોકરી એની છત્રીની નીચે એનાં મોબાઈલમાં મશગૂલ હતી, એનું આખું કુટુંબ નહાતું હતું એના સિવાય, અને અમે એ અજાણી છોકરીની દયા પણ ખાઈ શકતાં હતાં અને એની મજાક પણ ઉડાવી શકતાં હતાં! બધાં ખુશ હતા, હું ખુશ હતો. 

ઝરવાણી


પણ, થોડી વાર એમ જ બેઠેલો પાણી પાસે અને એક વિચાર દિમાગમાંથી ખસતો નહોતો કે આટલી બધી ખુશી, આટલાં બધાં હસતાં ચહેરાં ખબર નહીં હવે ક્યારે જોવા મળશે! આ બધાં કોલેજ પૂરી થયાં પછી પોતપોતાની દુનિયામાં ખોવાઈ જશે, કોઈ વાર વાત થશે, કોઈ વાર યાદ આવશે. પણ બસ એ ક્ષણ ત્યાં જાણે થીજી ગયેલી, થોડીક લગભગ ૧૦% ઉદાસી આવી ગયેલી મને, હું હટાવવાં માંગતો હતો એ વિચારને પણ નહોતો જતો એ વિચાર અને એ સ્થિતિમાં એક ફોટો પણ કોઈએ પાડી લીધેલો મારો, કોઈને ખબર નહોતી, કોઈને આજ સુધી એ કહ્યુ નથી. પણ એ કેમ થયું એની સાઈકોલોજી પણ સાતેક મહિના પછી ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘હાઈવે’ જોઈને સમજાઈ ગયેલી, મારી સ્થિતિ એ વખતે એવી થઈ ગયેલી જે ફિલ્મની અંત તરફ જતી વખતે આલિયાનું પાત્ર વીરા અનુભવે છે, પાણીનાં ઘણાં પ્રવાહની વચ્ચે એ બસ બેઠી છે એક પથ્થર પર, ખુશ છે, હસે છે અને એક આંખમાં આંસુ આવી જાય છે. એક પણ ડાયલોગ વગરનો એ અદ્વિતીય સીન જોયેલો ત્યારે મને આ દિવસની મારી લાગણી સમજાઈ ગયેલી! સાચે જ ઈમ્તિયાઝ અલીની ફિલ્મોએ મને જિંદગી વિશે ઘણું શીખવાડ્યું છે...

મારી ૧૦% ઉદાસી
'હાઈવે'માં વીરાની ઝરણા પાસેની લાગણીઓ




અમે હતાં એ પળમાં જિંદગીનો આનંદ લેતાં બધાં મસ્તીમાં ડૂબેલાં કોઈ જાતની ચિંતા વિનાનાં, અને એ જગ્યાએ જ રહેવું હતું મને તો, બીજાની ખબર નથી! પાછા જીપ પાસે આવતી વખતે હું વળી વળીને પાછળ જોતો હતો, વહી જતાં સમયને કેદ કરવો શક્ય નહોતો તો પણ! જીપ પાસે આવીને ચેન્જ કર્યુ બધાએ. અને હવે પ્લાન હતો પાછા ફરતી વખતે વડોદરા ‘કમાટી બાગ ઝૂ’ થઈને જવાનો! અને જીપમાં બધાં ફરી ‘ડમ સરાઝ’ રમતાં હતાં, મારો વિચાર હતો વધેલા મમરા, સેવ અને ડુંગળી, ટામેટા વડે ભેળ બનાવવાનો અને અંકિત અને કેયુરે સમારવામાં ખાસ્સી મદદ કરેલી. ધરાઈને ખાધી ભેળ, પણ વડોદરા આવ્યું ત્યારે ‘કમાટી બાગ ઝૂ’ બંધ હતું, બુધવારને કારણે કે એ દિવસે બંધ હતું એ ખ્યાલ નથી, અને હવે અમદાવાદ બોલાવતું હતું, પાછા ફરીને સંદીપ, અંકિત, યોગેશ, ધર્મેશ, મૌલિક છૂટા પડતાં હતાં કાંકરિયાની નજીક. એટલે અમે બાકીનાં લોકોએ ત્યાં ડીનર લેવાનું નક્કી કરેલું અને બધા પાછા આવ્યા પોતપોતાની જિંદગીમાં...

કાંકરિયા ખાતે ડીનર


P.S. : જ્યારે આ પોસ્ટ લખવાની શરૂ કરી ત્યારે હતું કે મજા આવશે. પણ, બહું ખરાબ લખાઈ છે આ પોસ્ટ, તો એ માટે માફી! જ્યારે ડાયરીમાં આ દિવસ વિશે લખેલું એ અડધું જ પેજ લખેલું. ઉપરાંત ૧૩ મિત્રો હોવાથી બધાંના નાના નાના અલગ ગ્રુપ વહેંચાઈ ગયેલાં, તો મને ખાસ યાદો પણ યાદ નથી, તો પણ એ દિવસને સેલ્યૂટ! 

2 comments:

  1. I understand sanju... Real adventure hard to describe. And especially ema apna jewa pagal loko hoy....
    .
    .
    Ek j diwas ma atli badhi masti kari lewi
    Heaps of funny moments, Thanks to all college fellas.

    Thanks sanju to remind us those amazing moments again.

    ReplyDelete
    Replies
    1. Agreed to you, as I've mentioned in last paragraph why it was hard to describe! Thanks to you for your support throughout college years.

      Delete