Wednesday 24 May 2017

કૉલેજની કેટલીક યાદો...



મારી કૉલેજ, સરકારી ઈજનેરી કૉલેજ, ગાંધીનગર. જુલાઈ, ૨૦૧૦ થી મે, ૨૦૧૪ સુધી જ્યાં મેં મારી જિંદગીનાં અગત્યનાં ચાર વર્ષો ગાળ્યાં. અઢળક લોકો સાથે ઓળખાણ કરી, જિંદગી શું કહેવાય, શું શું મુશ્કેલીઓ હોઈ શકે, કેવી રીતે એ સામે લડવાની તાકાત મેળવવી, કેવી રીતે પોતાની જાતને જ સહારો આપીને આગળ વધી શકાશે, એ વસ્તુઓ જાણી. અમુક મિત્રો બનાવ્યા, જેમની સાથે સુખ દુ:ખમાં ઊભા રહીશું એ પ્રકારે વાયદાઓ કર્યા હતા, અમુક હજુ પણ એ જ રીતે જીવનમાં છે, અમુક થોડે દૂર થઈ ગયા છે, અમુક વધારે દૂર થઈ ગયા છે, હજુ પણ અમુક લોકો દૂર જઈ રહ્યા છે. સમય, સ્થળ બદલાયા જ કરે છે, ત્રણ વર્ષો વીતી ગયા એ ખ્યાલ જ આવતો નથી. આ જગ્યા, જ્યાં એટલી અઢળક યાદો જોડાયેલી છે કે ત્યાં છેલ્લી પરીક્ષાનું પેપર પૂર્ણ કર્યા પછી હું જવાનું વારંવાર ટાળ્યા જ કરતો હતો, લાગણીશીલ થઈ જવાને ડરે. એટલે સુધી કે મારુ 'પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ' પણ મને મારા દોસ્ત રજનીકાંતે લાવી આપેલું. આશરે પોણા ત્રણ વર્ષો પછી હું હમણાં બે મહિના પહેલા માર્ચ, ૨૦૧૭માં કૉલેજ ગયો, મારા દોસ્ત ઋતુરાજ સાથે, એ જઈ રહ્યો હતો, નવી જગ્યાએ નોકરી માટે, એ બધી જ જૂની યાદોને પોતાના દિલની અંદર ભરી લેવા માંગતો હતો, તો એની સાથે હું ગયો અને એ પછી હમણાં આશરે દસ દિવસ પહેલાં એક પરીક્ષામાં ત્યાં કેન્દ્ર આવેલું, તો ફરી જવું પડ્યું, બંને વખતે અલગ જ અનુભવો અને અલગ જ યાદો ઘેરી વળી.




ઋતુરાજ સાથે માર્ચમાં ગયો, બે મહિના પહેલાં, ત્યારે પહેલી જ નજરે લાગ્યુ કે ના, આ જગ્યા મારી પોતાની નથી, બિલકુલ જ ન હોઈ શકે. હું અહીં તો હતો જ નહીં! એક અંતર મહેસૂસ થતું હતું મને આ સ્થળથી. ઘણા બધા કારણો હતાં, અમુક નવા વૃક્ષો વાવી દેવામાં આવેલ હતાં, જેને કારણે જગ્યા સાંકડી લાગવા માંડી હતી, લાઈબ્રેરીની સામે કોઈ જ નહોતું અને અચાનક સામે રહેલ કોમ્પ્યૂટર અને આઇ.ટી ડિપાર્ટમેન્ટ જોયો, અનેક કારણોથી દિલ યાદોથી ભરાઈ આવેલું, જે જગ્યાએ લોકો ફક્ત એ ડિપાર્ટમેન્ટની છોકરીઓ જોવા માટે જતાં હતાં, ત્યાં કોઈ જ ઊભું નહોતું, તે છતાં એ જ હાસ્ય, એ જ જૂના અવાજો કાનની અંદર પડઘાતા હતાં જાણે! પાસે વર્કશોપ હતી, જ્યાં મારી ફિટિંગની જોબ પૂરી જ ન થઈ હોત, જો મારી ઋતુરાજ અને કુંતલ સાથે દોસ્તી ન થઈ હોત અને એ લોકોએ મને મદદ ન કરી હોત! કેન્ટીન પાસેનાં ગેટથી અમે અંદર ઘૂસ્યા હતાં, એ કેન્ટીન જ્યાં લોકો ખાવા માટે ઓછું અને વાતો માટે વધારે જતાં હતાં, એ કેન્ટીન જેના ટેબલ પર અને પાસેના ધાબે કેટલીય વાતો કરી હતી, ત્યાં પાસે જ એક વખત મારો જન્મદિવસ ઊજવ્યો હતો, કેકની ઉપર ફક્ત ડિઝાઈન માટે લગાવેલી નાની છત્રી પર મેં દોસ્તોનાં નામ લખ્યાં હતાં, એ છત્રી હજું છે મારી પાસે, એ દોસ્તોમાંથી અમુક લોકો દિવસે ને દિવસે વધારે દૂર ચાલ્યા જાય છે, બધા એકસાથે એક તાંતણે બંધાઈ રહેતાં નથી, એ હું જાણું છું, પરંતુ આ લખતી વખતે આંખો ભરાઈ આવી છે... એ કેન્ટીનની સામે કૃણાલ સાથે દોસ્તી થયેલી અને એને જાણીને નવાઈ લાગેલી કે છેક હિંમતનગરથી એ અપ-ડાઉન કરતો હતો. એ જ કેન્ટીન સામે જતીન સાથે ઓળખાણ થયેલી અને અઢળક વાતો, રજનીકાંત સાથે કૃણાલ દ્વારા ઓળખાણ થયેલી, જેણે મને આજ દિવસ સુધી કેટલીય વાતોમાં મદદ કરી છે, મેં સામે એને કોઈ જ મદદ કરી હોય એ મને યાદ નથી.



એ જ રસ્તો જ્યાં અગણિત વખત ચાલ્યો હોઈશ હું, ત્યાંથી પસાર થઈને અમે અમારી બિલ્ડિંગ 'ઈ.સી.' તરફ જઈ રહ્યા હતા અને રસ્તાની એક બાજુએ ઘાસ હતું, જે સૂકાઈ ગયેલું ગરમીને કારણે. એ જ ઘાસ 'એડમિન ડિપાર્ટમેન્ટ' અને એની સામેનો વિસ્તાર, એ વિસ્તાર એકદમ સૂનો હતો, જ્યાં હમેંશા લોકોની ચહલ-પહલ રહેતી હતી, જ્યાં અમે સાથે બેસીને દરેક પરીક્ષાની પહેલાં તૈયારી ઓછી અને વાતો વધારે કરતાં હતાં, એકબીજાને પ્રશ્નોનાં જવાબ સમજાવતી વખતે થોડી થોડી વાર પછી ભૂખ લાગી જતી હતી, એકબીજાને પૂછી લેવામાં આવતું હતું કે ટિફિનમાં શું છે! ખાઈને પણ આરામ કરવાને બહાને લાંબો વિરામ લેવામાં આવતો અને ફરીથી વાતો વધારે કરવામાં આવતી. પેપર શરૂ થવાની થોડીક વાર પહેલાંનો બેલ વાગે અને મને હમેંશા બેચેની ઘેરી વળતી. પેપર ખરાબ જાય એ પછી પણ ઋતુરાજનો હમેંશા સહારો રહેતો કે એને પણ ખરાબ ગયું છે! ખબર નહીં, હું કંઈક વધારે અંગત લખી રહ્યો છું તે છતાં મને કોઈ જ શરમની લાગણી મહેસૂસ થતી નથી. એ જ ઘાસ જ્યાં ઉત્સવ મારા એક જન્મદિવસે મારી સામે જ દૂર બેઠેલો અને ફોન પર એણે બર્થડે વિશ કર્યો હતો અને વાત પૂરી કરે એ પહેલાં મને ખ્યાલ આવેલો કે એ મને દૂરથી જોઈ રહ્યો હતો, એ બધી વાતો યાદ કરીને હસવું આવે છે, અત્યારે. એ જ ઘાસ જ્યાં હું શ્રીકાંતની સાથે ઘણી બધી વખત બેસતો હતો, જ્યારે સવારમાં અમે કૉલેજ વહેલાં આવી જતાં હતાં, જ્યારે શ્રીકાંત હમેંશા મને કહેતો કે એને કૉલેજ ફાવતી નથી, એણે પોતાને માટે આ કૉલેજથી વધારે સારી કોઈ જગ્યા વિચારી હતી, હું ક્યારેક આશ્વાસન આપતો કે એક દિવસ એને બીજે ક્યાંક એડમિશન મળશે, (એ વાત છેક છેલ્લે સાચી પડી, કદાચ ફાઇનલ યર કે ફાઇનલ સેમ માટે જ્યારે શ્રીકી તુ વિજીઈસી, ચાંદખેડાના ભાગરૂપે રહેલી આઇ.આઇ.ટી.માં ગયો.) 




ઈ.સી. ડિપાર્ટમેન્ટ પણ ખાલીખમ હતો, એ જ ક્લાસરૂમ્સ, લેબ્સ, કમ્પ્યૂટર રૂમ્સ, બારીઓ, દરવાજાઓ... એ જ કૉરિડૉર, નોટિસ બોર્ડ... નોટિસ બોર્ડ જ્યાં 'આઇ.સી.' અને તેનાં વિધાર્થીઓનાં માર્ક્સ અને ટાઇમટેબલ પણ લાગી ગયું હતું, એ પછી મને યાદ આવ્યું જે કોઈએ કહ્યું હતું કે થોડા સમયથી 'આઇ.સી.' પણ 'ઇ.સી.' ડિપાર્ટમેન્ટમાં સમાવી લીધું છે. એ જ નોટિસ બોર્ડની પાસેની દીવાલો પર અબ્દુલ કલામ અને રામાનુજમ જેવી વિવિધ હસ્તીઓનાં ક્વોટ્સ લગાવી દેવામાં આવ્યા હતાં, જે અમે ભણતાં હતાં ત્યારે નહોતું. એ જ દાદરો, લીલા રંગનો એ આરસ, ઓહ, કેટલું નજર સામે યાદ આવીને પસાર થઈ જતું હતું, એ જ આરસનાં ઈ.સી.ની બિલ્ડિંગની અંદર બનાવેલ બાંકડાઓ પર લોકો બેસવા માટે રીતસર ઝઘડતાં અને ચીડવતા, જ્યાં પાસે રહેલ પ્લગની અંદર હમેંશા કોઈક ને કોઈકનું લેપટોપ ચાર્જ થતું જ હોય, ત્યાં બેસીને ઋતુ અને શ્રુતિ સાથે કેટલીય સાહિત્ય અને સિનેમાને લગતી વાતો કરેલી, એવા જ એક ભોંયતળિયે રહેલ બાંકડા પાસે હેની સાથે પહેલી વાર વાત થયેલી. એ જ બાંકડા પાસે ડી.ડી. અને અખિલ હમેંશા મને ખુશ રાખવા માટે પ્રયત્નો કરતાં હતાં, કુંતલ મને હેરાન કરીને અકળાવી મૂકતો અને એ પછી પ્રોગામિંગ શીખવાડતો ક્યારેક, જે મને ક્યારેય દિમાગમાં નહોતું જતું! જયદીપ અને હેની સાથેની કેટલી પળો છે મારી ત્યાં વીતાવેલી! એ જ ક્લાસરૂમમાં હું અને ઋતુ ગયા જ્યાં અમે વાઇવાઇ વખતે લખતાં હતાં, જ્યાંથી ફટાફટ વાઇવાઇ વખતે નંબર આવે ત્યારે દોડાદોડ કરી મૂકતા, છેલ્લી ઘડીએ ફાઇલ ઠેકાણે ન હોય, કોઈને કોપી કરવા માટે આપેલ પેજીસ શોધવાનાં હોય, એ જ ક્લાસ જ્યાં એ દિવસે ગયો ત્યારે પણ ઈ.જી.ની કોઈક આકૃતિ દોરેલી હતી, હું ઋતુને ચીડવતો હતો, એની ઈ.જી.ની અઢળક એક આખું પાનું અલગથી લખવું પડે એ યાદો. આ જ ક્લાસમાં મેં કુંતલને એક વખત જોરદાર ચિડાઈને ભાગ્યશ્રી અને મેઘા સામે એટલી ગાળો બોલી હતી, જેની માટે મને પાછળથી કેટલો પસ્તાવો થયેલો, છોકરીઓની સામે આ રીતે વર્તવા માટે!! આ એ જ ક્લાસરૂમ હતો, જે બે-અઢી વર્ષ સુધી કદાચ મારો ક્લાસ રહ્યો હતો, અત્યારે ક્લાસનો નંબર ભૂલાઈ ગયો છે અને આ બધી જ વાતો હજુ ભૂલાઈ નથી! (હમણાં મેં દસ દિવસ પહેલાં પરીક્ષા આપી ત્યારે પણ એ જ ક્લાસમાં નંબર આવેલો.) કૉરિડૉરને પાર કરીએ એટલે પાસે જ પહેલે વર્ષે અમે જ્યાં બેસતા હતાં એ ક્લાસરૂમ્સ, જ્યાં ગાર્ગેય મને સી.પી.યુ.નાં પ્રોગ્રામ્સ વખતે મદદ કરતો, જ્યાં આકાશ એની યુ.પી.એસ.સી.ની તૈયારી વિશે મારી સાથે વાતો કરતો, જ્યાં જયદીપ સાથે પહેલી જ વખત ઓળખાણ થયેલી, જે ક્લાસમાં બેસીને ધવલ સાથે કેટલીય વાતો કરેલી મેં, દીપ જોશી અને સંકિત સાથે ઓળખાણ થયેલી અને મને લાગતું હતું કે એમની સરખામણીમાં મારુ અંગ્રેજી ક્યાંય નબળું છે! અરે કેટલું છે, શું લખું અને શું ન લખું!! એક પુસ્તક લખી શકાય મારાથી, આ યાદો પર, પણ, એ લખ્યાં પછી કોઈ છાપવા તૈયાર થાય એની કોઈ જ ગેરંટી નથી, ઉપરાંત ઘણા લોકોને એની સામે વાંધો પડે એ પણ નક્કી, એવી વાતો તો હજુ મેં કહી જ નથી, રાઝ કી બાતેં...!!




વેલ, જોક્સ અપાર્ટ, એ પછી હું અને ઋતુ ટેરેસ તરફ ગયા અને સારા નસીબે એને લોક નહોતું, એક પળમાં કેટલી વાતો યાદ આવી ગઈ, જે અહીં લખી શકાય એમ નથી. બપોરની એ હવા જાણે ઉદાસ લાગતી હતી, એમાં પણ લૂ ભળતી હતી, ધાબે જઈને મને લાગ્યું કે આ જગ્યાએ હું પહેલી જ વખત આવ્યો છું, આ કૉલેજ, આ સ્થળ સાથે જાણે મારે કોઈ સંબંધ જ નથી, એવી લાગણી મને ફરી થવા લાગી. પણ, આ એ જ ટેરેસ હતું જ્યાં કેટલી અંગત વાતો કરી હતી, કોઈને ખ્યાલ નહોતો લગભગ એ વખતે કે એ ટેરેસ છેલ્લા વર્ષમાં ખુલ્લુ રહેતું હતું, કદાચ અમુક લોકોને આ વાંચીને પણ ખબર પડે. એ બધી જ યાદોને એક પળ માટે ખસેડી દેવી હતી, પણ નજર સામે એ જ બધી વાતો ફરી ફરીને આવતી હતી. ધાબેથી આવીને અમે નીચે બેઠા, જસ્ટ ફ્લોર પર એમ જ. જે મારી મનપસંદ જગ્યા હતી, એચ.ઓ.ડી.ની કેબિનની સામે નીચે, હું ઘણીવાર એકલો ત્યાં બેસીને લખતો રહેતો, જો મારા મિત્રો લેબ્સ કે લેક્ચર્સમાં હોય અને મારે એમની રાહ જોવાની હોય તો એ સમયે હું ત્યાં બેસી રહેતો. થોડે દૂર દરેક ટીચર્સ ડે અને વિવિધ દિવસોની ઉજવણી થતી એ ફ્લોર હતો, ફેરવેલ પાર્ટી, ગરબા, ગીતો, કેટલી બધી વસ્તુઓ એમ જ બસ જોડાઈ જતી હતી. જ્યાં જનક અને હેનીએ એક પ્રોગ્રામમાં ગીતો પરફોર્મ કર્યા હતાં અને ધવલે ગિટાર. ઋતુરાજ, કુંતલ અને જયદીપ દ્વારા બીજા લોકોની સાથે કરવામાં આવેલ જી.ટી.યુ.ની ઠેકડી કરતું નાટક,...  થોડે દૂર ટેક્નિકલ ફેસ્ટિવલ્સની યાદો મને બોલાવતી હતી, જ્યાં જયદીપનાં રોબોનું ટાયર તૂટી ગયું હતું અને એ ડિસ્ક્વોલિફાય થયો હતો. શું શું હતું અહીં અને એમાંથી શું મારુ હતું અને શું નહોતું, આ યાદોમાંથી બધી જ યાદો તો મારી એકલાની નથી, તેમ છતાં લાગે છે જાણે આ બધુ ફક્ત મારુ જ છે, કોઈને હું ન આપી શકું, તેમ છતાં ખબર નહીં કેમ અહીં લખી રહ્યો છું. દરેક વાઇવાઇ વખતે જે લેબમાં જવાનું હોય એ લેબ પાસે હતી, ઘણીવાર દિલીપ મને મદદ કરતો, જ્યારે મને ખબર જ ન હોય કે શું પૂછશે વાઇવાઇમાં. દિલીપ અને કુંતલ એકબીજાને મસ્ત મજાક કરતાં... આ બધુ હવે ક્યારેય ફરી નહીં બને!!




હું અને ઋતુ છેલ્લે જતી વખતે એડમિન સામેનાં ઘાસ પર બેઠાં. અમારી પછીની બેચનાં અમુક સ્ટુડન્ટ્સ એમનાં છેલ્લા લેક્ચરમાંથી છૂટી રહ્યા હતા, હું અને ઋતુ ઢળતા સૂર્યની સાક્ષીએ ત્યાં ઘાસમાં આરામથી બેઠા હતાં, જ્યાં કેટલીય વખત કેટલા લોકો પર હું ગુસ્સે થયો હોઈશ, કેટલી વખત કેટલા લોકો ત્યાં ઝઘડ્યા હશે, કેટલી વખત પરીક્ષા પૂરી થયા પછી લોકો ત્યાં જ વાતો કરતાં ઊભા રહી ગયા હશે, અને એમને પાણી પીવાનું પણ યાદ આવ્યું નહીં હોય, કેટલી વખત ખરાબ પેપર જાય પછી સારી રીતે તૈયારી કરીને પરીક્ષા આપવાનાં વચનો લોકોએ પોતાની જાતને આપીને ફરી આગળની પરીક્ષા વખતે એ જ નફ્ફટાઈ કરી કરીને મારી જેમ માંડ માંડ બધી પરીક્ષાઓ પાસ કરી હશે...! એ બધી જ યાદો અને એ દિવસો આપણે ગમે તેટલા રૂપિયાથી પણ ફરીથી ખરીદી નહીં શકીએ...




હમણાં દસ દિવસ પહેલાં પરીક્ષા હતી એ દિવસે હું ગયો ત્યારે હું એકલો હતો, બીજા પરીક્ષા આપવા આવેલા લોકોને હું ક્યાંથી ઓળખું! એટલે એ વખતે મને આનાથી વિપરીત અને ભયંકર એકલતા લાગી આવેલી, એમ થઈ ગયેલું કે બધા જ મોટાભાગનાં લોકો આ શહેર કે આસપાસનાં શહેરો છોડીને પોતાને રસ્તે નવી દુનિયા બનાવવા, ચાલ્યા ગયા છે અને હું ફરી પાછો એ જ જગ્યાએ આવીને ઊભો છું. (એક રીતે એ સાચું પણ છે, કારણ કે મોટાભાગનાં જેમને હું ઓળખું છું એ લોકો ગુજરાત અને ભારતની બહાર જ છે, અત્યારે. ફક્ત હું ગાંધીનગરમાં!) પરીક્ષા હોય એટલે વહેલા જઈને રાહ જોવાની, એન્ટ્રી પણ કોઈ આપવાનું નહોતું સમયની પહેલાં, અને આ દિવસે તો લખેલ સમયથી પણ મોડી એન્ટ્રી આપી એ લોકોએ, કૉલેજનાં ગેટની પણ અંદર જવાની મનાઈ હોય, મારે કહેવું હતું એમને કે આ મારી જ કૉલેજ છે, મને અંદર જવા દો, પણ એ પાગલપન એ સમયે હું કરી શકુ એમ નહોતો!! ગેટ પાસે મારો ક્યાં નંબર છે, એ જોતો હતો એ વખતે મને એક સિક્યોરિટી ગાર્ડે બૂમ મારી મારા નામની, એક સેકન્ડ માટે લાગ્યું કે કોણ મને ઓળખી શકે, પણ પછી જોયું તો એ ભાઈ હતો સિક્યોરિટી ગાર્ડ, જેની સાથે મારે ઓળખણ થયેલી છેલ્લા વર્ષે, કારણ કે વાતવાતમાં ખ્યાલ આવેલો કે એ પણ મારા સમાજનો છે, મેં પણ એમને નામથી બોલાવ્યા, થોડીક વાતો કરી. મારે એમને કહેવું હતું કે મને અંદર જવા દો, પણ હું કહી શકું એ પહેલાં એ ગેટ પાસેથી અંદર જતા રહ્યા, એમની ચાલુ નોકરી હતી, અંદર કામ હશે કોઈ અને હું બહાર બીજા અજાણ્યા લોકો સાથે ઉનાળાની કાળઝાળ ગરમીમાં કલાક સુધી મારી એક્ટિવા પર બેસી રહ્યો. એ કલાક મને કેટલી નિરાશા આપી ગયો, એ કાળઝાળ ગરમી મને રિક્ષાની એ મુસાફરીઓ યાદ અપાવી ગઈ, જ્યારે એક રિક્ષામાં સાતથી નવ વ્યક્તિઓ બેસીને છેક પથિકા સુધી જવાનું... ક્યારેક રિક્ષા ન મળે તો છેક જી.ઈ.બી ચોકડી સુધી ચાલવાનું... એ વખતે ગરમી નહીં લાગતી હોય એમ લાગે છે કારણ કે હાલ તો આ લખતી વખતે ઉપર પંખો છે તેમ છતાં રીતસર પરસેવો થઈ રહ્યો છે! એક વખત ઋતુને પગમાં કંઈક વાગ્યું હતું અને અમને રિક્ષા નહોતી મળી, મારી ભૂમિ સાથે ઓળખાણ નહોતી થઈ, એ છતાં હું, ઋતુ, કુંતલ અને ભૂમિ છેક જી.ઈ.બી ચોકડી સુધી ઋતુનાં એ પગનાં દુ:ખાવા સાથે ચાલીને ગયેલા, મને તારીખ પણ યાદ છે, હું લખીશ તો લોકો નક્કી ગાળો જ કાઢશે, એટલે જેને ઇચ્છા થાય એ પર્સનલી જ પૂછી લેજો. પરીક્ષામાં હું અંદર જાઉં એ પહેલાં ત્યાં પાસે રહેલા ગરમાળાનાં વૃક્ષ અને એનાં પીળા ફૂલો જોઈ રહેલો, પીળો રંગ, દોસ્તી માટેનો રંગ, જાણે એ બધાની દોસ્તીની સાબિતીરૂપ દરેક મૌસમમાં નવા નવા ફૂલો ખીલ્યાં જ કરશે! એ ગરમાળાની શીંગોનો ડી.ડી. બધાને ફટકારવા માટે ઉપયોગ કરતો, મને એ યાદ કરીને જોરદાર હસવું આવે છે અત્યારે...! એક્ઝામ શરૂ થવાની થોડી મિનિટ્સ પહેલાં ઈ.સી. પાસે સૂચનાઓ આપતા હતા અને હું મારા મનની અંદર હસતો હતો કે આ એ જ તો ઈ.સી. ડિપાર્ટમેન્ટ છે, જ્યાં મેં ચાર વર્ષ કાઢ્યા છે એ આ લોકોને ક્યાં ખબર છે! એ લોકો પરીક્ષામાં જતાં પહેલા બેગ્સ અને બીજી વસ્તુઓ બહાર મૂકવાનું કહેતાં હતાં અને મારે એમને કહેવું હતું કે મારી આ જગ્યાની ખરાબ યાદો પણ તમે રાખી લો ને! એ લોકોએ પરીક્ષામાં ચંપલ કે શૂઝ નહીં પહેરી શકો એમ કહીને છેક ઈ.સી.ની બહાર જૂતા કઢાવેલા, મારી બૂરી કિસ્મત પણ એ લોકો જૂતાની સાથે કેમ નહીં રાખી લેતા હોય?! એક રીતે હું થોડા સમય પછી ખૂબ ખુશ થયેલો કારણ કે મારુ પેપર હાથમાં આવ્યું ત્યારે જ લાગ્યું કે સરસ પેપર છે, અને ખૂબ જ સરસ પરીક્ષા ગઈ મારે. એ પછી હાથ વડે પરબ પાસે ઠંડુ પાણી પીધું, ખુલ્લા પગે હું જ્યારે ચાલું છું ત્યારે મને કોઈ જ ચિંતા રહેતી નથી, પેપર આપીને લીલા આરસની એ દાદર ઉપર ચાલતી વખતે મને લાગ્યું જાણે ઘાસ છે, મને એટલી ગરમીમાં પણ ઠંડક થઈ રહી હતી એ પળે. એ પળ જેમાં વિચાર્યુ કે ગમે તેટલી ખરાબ કે સારી યાદો છે, પણ એ મારી છે, ગમે તેટલી ખરાબ કે તૂટેલી કે જોડાયેલી કે સંધાયેલી કે એક પણ તિરાડ વગરની જેટલી દોસ્તી છે, એ બધી જ મારી છે, ફક્ત મારી જ, તેમ છતાં એ તમારા બધાની છે જેમણે મારી સાથે ભણ્યું છે, તો આ બધી જ યાદોનાં ભારથી હું લચી પડુ કે કચડાઈ જવાય એ પહેલાં થોડીક યાદો તમે સંભાળશો, આમાંથી કંઈક તો તમે દિલમાં સંઘરશો એની મને ખાતરી છે, ફરી મળીએ ત્યાં સુધી, આ બધી યાદોને વાગોળજો અને સારી લાગે તો મને કહેજો... હું કોઈને આ પોસ્ટમાં ટેગ કરતો નથી, ગમે તો બીજા મિત્રોને કહેજો કે એ લોકો પણ વાંચે, ચિયર્સ ટુ મેમરિઝ! 

બીજી કેટલીક યાદો -

દીવ, તુલસીશ્યામ, સાસણગીર અને ગિરનાર (૨૦૧૨)

સરદાર સરોવર અને ઝરવાણી (૨૦૧૩)

*****************************


કૉલેજના દોસ્તો, જૂનાં ફિલ્મી ગીતોના શબ્દોની જેમ કોઈ કોઈ વાર યાદ આવી જાય છે. કોઈ કોઈ વાર મળી જાય છે અને થોડીઘણી વાતો કરીને અદ્રશ્ય થઈ જાય છે. કોઈ કોઈ કૉલેજના દિવસો પછી દેખાયા જ નથી. કોઈ કોઈ દેખાયા છે અને ઓળખાય એવા રહ્યા નથી. કોઈ દેખાય છે અને ઓળખાય છે અને એ ઓળખાણોને આગળ વધારવા માગતા નથી.
(પૃષ્ઠ - ૧૮)

'કૉલેજનાં દિવસો એ દરેકના જીવનના સુખીમાં સુખી દિવસો માનવામાં આવે છે. જવાબદારી વિનાના, ચિંતા વિનાના, બેફામ મસ્તીના એ દિવસો છે, હું એમ નથી માનતો. હું ધારું છું, એ માણસના જીવનના સૌથી અંધકારમય દિવસો છે, જ્યારે માણસ પાસે દિશા નથી હોતી અને ધ્યેય બહુ ધૂંધળું હોય છે. ભવિષ્યનો એ વખતે વિશ્વાસ નથી હોતો અને નિરાશા એટલી બધી ઘેરાયેલી હોય છે કે એને સિગારેટના ધુમાડાઓથી ઢાંકવાની કોશિશ કરવી પડે છે.'

(પૃષ્ઠ - ૨૩)

નવલકથા - એકલતાના કિનારા (લીંક)
લેખક - ચંદ્રકાંત બક્ષી  

2 comments:

  1. wahh Sanju....
    yad apawi didhi clg na diwso ni
    exam time ma EC ma j pdya rewa ni.
    hahaha
    exam time a su
    me to CE EC mathi j kryu 6 m kau to pn chale
    hahaha
    amazing

    ReplyDelete
    Replies
    1. Ha Ha Ha! Thank you... Ane taari waat ekdum saachi; hu amuk wastuo lakhwano hto but bau personal thai jtu tu ...

      P.S. - aapne chaalta gaya Ritu na page waagyu tu e diwas taro birthday hato;05/09/2011 :-)

      Delete