Friday 31 March 2017

મારા અનુભવોમાંથી કશુંક જ્ઞાન




જો તમે તમારી જિંદગીનો અડધોથી પોણો કલાક આ પોસ્ટને આપી શકવાનાં હો તો જ વાંચવા વિનંતી, વાંચતા ગમે ત્યારે હસવું આવે કે વધારે પડતું લાગે તો મહેરબાની કરીને બંધ જ કરી દેવું. આ બધી વાતો ક્યારેક આગળ પાછળ થશે અથવા નહીં સમજાય એમ પણ બને. પરંતુ કંઈક તો જરૂર મળશે આ પોસ્ટમાંથી. તમે કદાચ વિચારતાં હશો અત્યારે (અથવા મનમાં હસતાં પણ હશો) કે આ દરરોજ ફેસબુક પર ફિલ્મો કે પુસ્તકો કે સંબંધો વિશે કંઈકને કંઈક લખીને શેર કરતો છોકરો અમને જિંદગી વિશે શું સમજણ આપશે, પરંતુ તમે મારા વિશે નિર્ણય ન બાંધી શકો, મારા જૂતાની અંદર પગ નાખશો તો ખૂંચશે જ, મેં વિચાર્યુ કે મારે શું કામ કોઈને શિખામણ આપવી જોઈએ, એવી તો કોઈ જરૂરત પણ નથી. પરંતુ આ શિખામણ નથી. ફક્ત થોડીક વાતો છે જે મારે કહેવી છે જેનાથી કોઈ એક વ્યક્તિને પણ જો ફાયદો થશે તો હું ખૂબ ખુશ થઈશ. મારા મિત્રો મને ઘણીવાર કહેતા હોય છે કે હું એમને થોડુંક જ્ઞાન વહેંચુ, (અથવા એ લોકો મજાક કરતાં હોય તો મને ખ્યાલ નથી) તો આ રહ્યુ કંઈક. 

ક્યારેય કોઈની સરખામણી એમ કરીને ન કરવી કે આ તો આમ જ છે, આગળ ઉપર કહ્યુ એમ એ વ્યક્તિનાં પગની સાઈઝ તમારા જેવી નહીં જ હોય, તો એના જૂતા તમે પહેરશો તો ખૂંચશે જ, એણે કેવો રસ્તો કાપ્યો છે, શું મુશ્કેલીઓ વેઠી છે એ જાણ્યા વગર કોઈની જિંદગી વિશે મત ન બાંધી લેવો. આ દુનિયામાં એવા ઘણા લોકો છે જેમની સાથે એ પ્રકારની ઘટનાઓ ઘટી હોઈ શકે કે એ લોકો કોઈને કહી પણ ન શકે. ક્યારેક ઘણી એવી વાતો હોય છે જે વ્યક્તિ ફક્ત પોતે જ જાણતી હોય છે. રોજબરોજ જીવવા માટે સંઘર્ષ કરતાં ઘણા લોકોની જિંદગી એવી હોય છે કે એની આપણને કલ્પના પણ ન થઈ શકે. આપણે દરરોજ નિરાશ કે દુ:ખી થઈ જઈએ ત્યારે એમ વિચારી શકાય કે આપણા જેવી જિંદગી જીવવા માટે ઘણા લોકો તરસતાં હોઈ શકે. 


જિંદગીમાં ખૂબ લોકો તમારી મજાક બનાવશે, પછી એ જ લોકો તમે થોડાંક આગળ વધશો એટલે તમારુ કામ હશે, ત્યારે તમારી પાછળ આવશે, એવા લોકોથી ખૂબ ખૂબ દૂર જ રહેજો, એમની સાથેનો સંબંધ જિંદગીમાં તમને કંઈ જ નહીં આપે. એ જ રીતે તમારા સપનાઓની મજાક કરનારા અથવા તમે એમ કહો કે મારે આ કરવું છે એ વખતે તમારો ઉત્સાહ ભાંગી નાખનારા લોકોથી પણ દૂર જ રહેવું. 


ક્યારેય પણ ખરાબ સમય આવશે, એવું લાગશે કે આ મારી સાથે જ કેમ, એ પ્રકારનો વખત દરેકની જિંદગીમાં આવે છે, આવી ગયો હોય તો પણ ફરી આવી શકે, નહીં આવ્યો હોય તો પણ આવી શકે, એ સમયે ફક્ત એટલું જ યાદ રાખજો કે આ સૌથી ખરાબ થયું, આનાથી ખરાબ હવે થઈ જ ન શકે, એટલે હવે સારુ જ થશે. કારણ કે રાત પછી સવાર પડશે જ. 'હેરી પોટર સીરિઝ' લખનાર જે. કે. રોલિંગનો એક સરસ ક્વોટ છે, જે આલ્બસ ડમ્બલડોરનું પાત્ર કહે છે, જેનો અર્થ કંઈક એ પ્રમાણે છે કે ગમે તેટલા ખરાબ અંધકારમય સમયમાં પણ ખુશી શોધી શકાય જો તમે ખુદ દીવો પ્રગટાવશો કે પ્રકાશ ફેલાવશો. એ પ્રકાશ તમે ખુદ પોતે જ છો, તમારી સમસ્યાઓમાં લોકો તમારી સાથે રહી શકશે, પણ એનો સામનો તો ખુદ કરવો જ પડશે.





ખૂબ ઓછા લોકોને તમારા દિલની વાત કહેજો, જેમની પર ભરોસો કરી શકો એમને જ. પણ, તમને લાગે કે તમારા અનુભવમાંથી કોઈ વ્યક્તિ શીખશે તો એને જરૂર પોતાની વાત કરજો, કોઈનો ભરોસો ન તોડશો, કોઈ સામેવાળું એ સંબંધને નિભાવે છે, તમારી માટે કંઈક કરે છે, તો તમે પણ એની માટે કંઈક કરજો. એક અજાણ્યું બાળક ક્યારેક તમારી સામે મલકાઈને તમને જે ખુશી આપશે, એ તમે દુનિયાનાં કોઈ પૈસાથી નહીં ખરીદી શકો, અથવા ઋતુનો પહેલો વરસાદ કે પહેલું ફળ અને તમને ગમે છે એ પ્રકારની કોઈપણ નાની ચીજ. એ બધુ જ માણી લેજો. 

ક્યારેક એવું બનશે કે તમે સારુ રાખશો એ વ્યક્તિ તમને સારુ નહીં રાખે, તમે બધાનું દુ:ખ વહેંચી લેતાં હશો તો પણ તમને ખૂબ ઓછા દુ:ખ વહેંચનારા મળે એમ પણ બને, પણ, મળશે જરૂર. ક્યારેય કોઈ બે વ્યક્તિનાં સંબંધથી ઈર્ષ્યા ન પામશો. ક્યારેય કોઈ વ્યક્તિનો દેખાવ કે એણે પહેરેલાં કપડાંને આધારે એ વ્યક્તિ વિશે નિર્ણય ન બાંધી લેવો. જિંદગીમાં એવો સમય જરૂર આવશે જ્યારે તમને અહેસાસ થશે કે એ બધુ કંઈ જ મહત્વનું નથી. જિંદગીમાં થોડાંક એવા લોકો જરૂર મળશે જેમની પર તમે આંખ બંધ કરીને ભરોસો કરી શકશો, એ પ્રકારના લોકોને તમારી નજીક રાખજો અને પોતાને ભાગ્યશાળી સમજજો જો એ પ્રકારનાં લોકો તમારી જિંદગીમાં હોય, એમને ક્યારેય તમારી જિંદગીમાંથી દૂર ન થવા દેશો. આસપાસ કચરાટોપલી શોધીને કચરો કચરાપેટીમાં જ નાખવાનું શીખજો, કારણ કે તમે ગમે ત્યાં ફેંકેલો કચરો તમારાથી ઓછું શિક્ષણ ધરાવતી વ્યક્તિ ઉઠાવે છે, અને એ સાબિત કરે છે કે સમજણ શિક્ષણથી વધારે મહત્વની છે, જ્યાં ત્યાં કચરો ફેંકતા લોકોનાં શિક્ષણની તો કોઈ જ કિંમત નથી. 


જિંદગીમાં તમને જે ગમતું હોય તમે કરી જ લેજો, કંઈક તો એવું હશે જ જે તમે ફક્ત તમારે માટે કરશો, સંગીત, ચિત્રકળા, લેખન, ડાન્સ, સારુ સારુ જમવું, ફરવા જવું, જે પણ ઇચ્છા થાય એ. નહીં તો છેલ્લે ફક્ત પૈસા રહી જશે અને કદાચ સમય નહીં હોય. નજીક ગમતી વ્યક્તિ નહીં હોય કે એ સંબંધ નહીં હોય, ત્યારે નહીં ગમે. તો માફી માંગવાનું મન થાય તો પણ માંગી જ લેવી. એનાથી તમે નાના નહીં થઈ જાઓ. ક્યારેક રડી લેજો, આંસુ ન રોકશો, છોકરાઓ કે પુરુષો ન રડે એવું કોઈ જ પુસ્તકમાં લખ્યું નથી. આમ કરાય અને આમ ન કરી શકાય એવું કહેનારાઓ પાસે નિયમોની ચોપડી માંગજો, એમને ખુલ્લો પડકાર ફેંકજો અને તમારી જિંદગી તમારી મરજી પ્રમાણે આરામથી જીવજો, ભરપૂર જીવજો. 

વિક્સ - જનરેશન્સ ઓફ કેર - માનવતાની વ્યાખ્યા



આ દુનિયાની અંદર જાતિને આધારે કરાતો ભેદભાવ ખૂબ મોટા પ્રમાણમાં છે. કોઈ વ્યક્તિ જે પણ પ્રકારે જીવી રહ્યુ છે, ત્યાં સુધી પહોંચવા સંઘર્ષ એણે કર્યો જ હોય છે. એમાંથી ઘણા લોકોને આ દુનિયા અલિપ્ત જ રાખે છે, કારણ કે એ પ્રકારનાં લોકો એમના કહેવાતા સમાજની વ્યાખ્યામાં બંધબેસતા નથી. કોઈ પણ વ્યક્તિની જિંદગીને અને એની લાગણીઓ વિશે બોલવું ખૂબ સહેલું છે, કારણ કે એ વ્યક્તિનું જીવન તમે જીવ્યા હોતાં નથી, જો જીવવાનું આવે તો મોટાભાગનાં જીવી પણ ન શકે. ખૂબ સુંદર રીતે એક સંદેશ આપતી આ સાડા ત્રણ મિનિટની ફિલ્મ વિશે હું શું લખવું એ નક્કી કરી શકતો નથી, પણ, મારે એ પહોંચાડવી છે બીજા લોકો સુધી એટલે પ્રયત્ન કર્યો. 'મસાણ' ફિલ્મનાં ડિરેક્ટર નીરજ ઘાયવાન દ્વારા બનાવેલી આમ તો આ એક એડ છે વિક્સ માટેની, પણ એ માનવતાની વ્યાખ્યા કરે છે. આ વીડિયો જુઓ અને ખુદ જાણો. 





મેરી પ્યારી બિંદુ (ટીઝર) - યાદોની ટેપ



યાદો હમેંશાથી મારે માટે ખાસ રહી છે, એટલે જ તો મારા બ્લૉગનું નામ પણ 'યાદોની રોજનીશી' છે! 'મેરી પ્યારી બિંદુ' ફિલ્મનાં ત્રણ દિવસ પહેલા રજૂ થયેલ ગીતમાં પણ પરિણીતિ એક જૂની કેસેટ લઈને એને જોઈ રહેલી, આજે રજૂ થયેલ ટીઝરમાં ખ્યાલ આવ્યો કે એ જ કેસેટ/ટેપની અંદર અભિમન્યુ (આયુષ્માન ખુરાના) અને બિંદુ (પરિણીતિ ચોપરા) બંનેએ એમની જિંદગી સાથે જોડાયેલાં ગીતો રેકર્ડ કરેલ! અભિમન્યુ કહે છે કે એ ટેપની અંદર એમની યાદો કેદ થઈ ગઈ છે, એ ગીતોની અંદર. ક્યારેક સાચે જ અમુક ગીતો જૂની યાદો પાછી લઈ આવે છે, એ પ્રકારનું મેં કંઈક ફેસબુક પર અઢી વર્ષ પહેલા સ્ટેટસ મૂકેલ... આ ટીઝરમાં અભિમન્યુ ટાઇપરાઇટર પર લખે છે એ વખતે જૂની યાદો ધરાવતો બિંદુનો વીડિયો સામે જુએ છે. આ ફિલ્મની અંદર યાદો વિશે કંઈક જરૂર કનેક્શન હશે. બિંદુ હાવડા બ્રિજની નીચેથી ટેક્સીમાં પસાર થઈ રહી છે, ટેક્સીની બારીમાંથી બહાર જુએ છે ત્યારે બિંદુના ખુલ્લા વાળ હવામાં ઉડી રહ્યા છે, એ ગલૂડિયાં સાથે મસ્તી કરી રહી છે, કોલકાતાની ગલીઓમાંથી સાઈકલ લઈને પસાર થઈ રહી છે. એ બધુ જોઈને અભિમન્યુ બિંદુની જૂની યાદોમાં ખોવાઈ જાય છે. એ કહે છે કે પ્રેમ કરતાં સૌ કોઈ શીખવે છે, એ પ્રેમને ભૂલવો કેવી રીતે એ કોઈ શીખવાડતું નથી. અભિમન્યુ હાવડા બ્રિજ પાસેથી પસાર થતી વખતે અને દરિયાકિનારે દોડી રહ્યો છે, જાણે એ બધી યાદોથી દૂર ભાગી રહ્યો હોય! ટીઝર ખરા અર્થમાં ટીઝર રહ્યુ! (મને રિમિક્સ કરેલા ગીતો ગમતાં નથી, કારણ કે એમાં જૂના ગીતોની ટ્યૂન બદલીને એને ફાસ્ટ કરી નાખે છે, પણ ટીઝરમાં વપરાયેલ 'હમ દોનો' ફિલ્મનું 'અભી ના જાઓ છોડકર' પરિણીતિના અવાજમાં કેટલું સુંદર લાગે છે! આ પહેલા એ ગીત પંકજ કપૂરની 'મૌસમ' ફિલ્મમાં શ્રેયા ઘોષાલનાં અવાજમાં રિક્રિએટ કરવામાં આવેલું. 'મૌસમ' ફિલ્મ યાદ ન હોય તો એમાં શાહિદ કપૂર અને સોનમ કપૂર હતાં!)



યાદોને સંઘરવી
જિંદગી સાથે જોડાઈ ગયેલા ગીતોની યાદો

ફેસબુક પરનું મેં લખેલું એક જૂનું સ્ટેટસ


પીછો ન છોડતી પ્રેમની યાદો

પરિણીતિની કાજળ લગાવેલી આંખો




યાદો વિશે કંઈક -

બીજી પોસ્ટ - 

Thursday 30 March 2017

કાગળની હોડી - કુન્દનિકા કાપડીઆ




દરેક માણસને પોતાને ભાગે આવેલ જીવન જીવવું પડે છે, મોટાભાગનાં લોકો પોતાને શું જોઈએ છે, તે માટે કેવો રસ્તો પસંદ કરવો એ જાણતા જ હોય છે. પણ, જ્યારે સાચો રસ્તો પસંદ કરવાનો સમય આવે છે ત્યારે ખોટો રસ્તો પસંદ કરી ચૂક્યા હોય છે અને એ ખોટા રસ્તામાંથી સાચા રસ્તા તરફ દુનિયાનાં નિયમો અને બંધનો છોડીને ખૂબ ઓછા લોકો જઈ શકે છે. દરેક વ્યક્તિની સુખ વિશેની વ્યાખ્યા અલગ અલગ હોય છે. મારી પોતાની ધારણા એવી છે કે સુખી હોવું અને ખુશ હોવું એ બંને અલગ વસ્તુ છે, કેટલાક લોકો પાસે અપાર સંપત્તિ હોય છે, એ લોકો પોતાની જાતને સુખી ગણી શકે છે, પણ એમાંથી ઘણા લોકો ખુશ હોતાં નથી. કોઈની ઈર્ષ્યામાં બોલેલું જૂઠ અંતે દિલને ઠેસ પહોંચાડે જ છે, જે જોઈતું જ નથી, જે ગમતું જ નથી, એ બીજાને ખરાબ લગાડવા કે એ બીજી વ્યક્તિને ઈર્ષ્યાથી બાળવા માટે સ્વીકારી શકાય નહીં. લગ્નજીવનમાં જ્યારે કપરા ચઢાણ આવે છે ત્યારે એકબીજાનો હાથ પકડીને સફરને આગળ ધપાવવાનો હોય છે. ક્યારેક કોઈ એક વ્યક્તિ આપણા જેવી જ સ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યું છે, એ જાણીને દિલમાં કંઈક રાહતની લાગણી થાય છે, કારણ કે આપણે જે કહેવા માંગતા હોઈએ એ વાત એ વ્યક્તિ સમજે છે. કલ્પના મોટેભાગે વાસ્તવિકતાથી વધુ સુંદર હોય છે અને ક્યારેક આંખો ખોલવાની ઇચ્છા જ નથી થતી, બસ એમ થાય છે કે એમ જ રહે, પણ, સપનુ તો આખરે સપનુ હોય છે! એક સાંજ, એક યાદ ક્યારેક કોઈ ખૂણે રહી જાય છે, બસ એમ જ સચવાઈને પડી રહે છે એ સાંજ, એ યાદ, અને ક્યારેક અચાનક વર્ષો પછી યાદ આવી જાય છે. ક્યારેક માનવી કશુંક એવું શોધ્યા કરે છે, જે ક્યારેય મળવાનું જ નથી. જ્યારે એની આશા જ છોડી દીધી હોય ત્યારે એ પ્રાપ્ત થાય છે અને વિશ્વાસ જ આવતો નથી. ક્યારેક એમ થાય છે કે બંધન અને નિયમો તોડીને એવી કોઈક દુનિયા બનાવીએ અને એની અંદર કાયમ માટે રહીએ. બીજાનું રૂપ અને પૈસા જોઈને ઈર્ષ્યા કરીને દુ:ખી થનારી વ્યક્તિઓની આ દુનિયામાં કોઈ જ અછત નથી. એ પ્રકારનું ત્રાજવું લઈને સુખ અને દુ:ખ તોળનારાઓ ગુલામથી કમ નથી. કાગળની હોડી એટલે શું? એ થોડો સમય પાણીમાં તરે અને પછી ક્યારે ડૂબી જાય એ નક્કી નથી. આપણી જિંદગી પણ તો એવી જ છે!

કુન્દનિકા કાપડીઆનો આ વાર્તાસંગ્રહ મને એટલો ગમ્યો કે એની કોઈ હદ નથી. ઉપર લખેલાં વાક્યો આ વાર્તાસંગ્રહમાંથી મેં કાઢેલો નિષ્કર્ષ છે અથવા આ વાર્તાઓ કયા વિષયો પર છે એ જાણવા માટે પણ આ વાક્યો રાખી શકાય. હજુ ઘણી વાર્તાઓ વિશે ઉપર લખ્યું નથી. કારણ કે એમાં બરાબર રીતે સમજણ જ ન પડી! ટૂંકી વાર્તાઓ મને હમેંશાથી ગમી છે. આ વાર્તાસંગ્રહ મેં પુસ્તકાલયમાંથી વાંચ્યો, પણ મને ખૂબ જ ગમ્યો એટલે ખરીદવા માટે પ્રયત્ન કર્યો, જે દુકાનમાંથી હું ખરીદુ છું ત્યાં મને ન મળ્યું આ પુસ્તક, પણ, હું એમને કહીને આવ્યો છું કે એ જ્યારે નવો સ્ટોક લેવા જાય ત્યારે લઈ આવે, નહીં તો પછી મારે ઓનલાઈન ખરીદવી તો પડશે જ! 


કુન્દનિકા કાપડીઆ

હેપી બર્થડે જયદીપ



તને યાદ છે કોલેજનાં પહેલા સેમેસ્ટરમાં જ્યારે પહેલી વખત આપણી વાત થયેલી એ દિવસે તે કંઈક મજાક કરેલો કે તારી પાસે એવી કંઈક ટેક્નોલોજી છે કે તુ મારા મોબાઇલની અંદરની વસ્તુઓ જોઇ શકીશ અને પછી જ્યારે હું ઘરે જઈશ ત્યારે પણ તુ મારા મોબાઇલનો ડેટા જોઇ શકીશ, ભલે આપણે પાસે ન હોઈએ ત્યારે પણ! એ દિવસે મને ખૂબ ડર લાગેલો! કારણ કે તારી વાતોથી તુ એટલો ઇન્ટેલિજન્ટ લાગતો હતો કે મને વિશ્વાસ બેસી ગયેલો કે એવું કંઈક તુ કરી શકીશ! કાશ, એ સાચુ પડે અને અત્યારે મેલબોર્નથી તુ એ જ રીતે જાણી શકે કે મારી જિંદગીમાં શું ચાલે છે! એ દિવસે મળ્યાં એ પછી કેન્ટીન અને ક્લાસમાં ખૂબ ઓછી વાર પણ મળતાં રહ્યા અને એ પછી ફેસબુકનાં માધ્યમથી થોડી વાત થઈ અને પછી કુંતલ અને ઋતુરાજ દ્વારા ચોથા સેમેસ્ટરમાં ફરી સંપર્ક થયો. મને શરૂઆતમાં એ સમજણ નહોતી પડતી કે આ ત્રણેય જણ તારાથી આટલું નારાજ કેમ રહેતાં જ્યારે તુ તારો મોટાભાગનો સમય હેની સાથે પસાર કરતો, પણ, પછીથી ખ્યાલ આવ્યો કે તુ એવી વ્યક્તિ છે જેને દરેક પોતાની પાસે ઇચ્છે છે અને એ વ્યક્તિ તારી પાસેથી મોટાભાગનો સમય ઇચ્છે છે. જ્યારે તારો સમય વહેંચાઇ જતો હતો એ વાત એ લોકોને અને પાછળથી મને પણ ક્યારેક ખૂંચતી, પણ, તુ જાણે છે કે આપણે સમજી લેતાં હતાં એકબીજાને. 

મને પાંચ વર્ષ પહેલાનાં તારા ચહેરા પરનાં 'શોક્ડ એક્સપ્રેસન્સ' યાદ છે જ્યારે તુ બર્થડે પર નયના આન્ટીને જોઈને રીતસર બઘવાઇ જ ગયેલો. તને સ્વપ્નમાં પણ ક્યાંથી ખ્યાલ હશે કે તારા મમ્મી બર્થડે પર છેક સુરતથી આવશે. વેલ, થેન્ક્સ ટુ હેની સરપ્રાઈઝના એ આઇડિયા માટે. એનાં બે દિવસ પછી 'ટેક સ્કાય 2012' માટે તારા રોબોટનું ક્વોલિફિકેશન યાદ છે, એ દિવસે 'ટ્રેઝર હન્ટ'માં આપણે સેકન્ડ આવેલાં એ યાદ છે. (તુ, હું, હેની અને ઋતુ) એ પછીનાં દિવસનાં ગ્રુપ ડે પર બધાએ પહેરેલ બ્લેક કપડાં યાદ છે, એ દિવસે તારા રોબોનું ટાયર તૂટી ગયા પછીનું તારુ ડિસક્વોલિફિકેશન યાદ છે. તારી સાથેની દીવની મસ્તી યાદ છે, અડધી રાતે એકબીજાના ઘરે બેસીને ધાબા પર કરેલી જિંદગી વિશેની વાતો યાદ છે. મારી મુશ્કેલીઓમાં તુ મારી સાથે જ રહેલો એ યાદ છે. તારી સાથે કરેલ ઝઘડા, તારાથી નારાજ રહેલો એ દિવસો યાદ છે. તારી અને હેનીની નાની નાની માથાકૂટથી માંડીને આપણાં ત્રણની મસ્તી, મજાક, એકબીજાને પડખે ઊભા રહેલા એ દિવસો યાદ છે. જેમાંથી મોટાભાગનું હું હેનીની બર્થડે પોસ્ટમાં લખી જ ચૂક્યો છે, અને અત્યારે શબ્દો ઓછા પડે છે. કેટલીક ફરિયાદો પણ છે હજુ તારી પાસેથી. પણ, એ આજે નહીં, ફરી ક્યારેક! તુ ખૂબ ખુશ રહે, હેનીને પણ ખૂબ ખુશ રાખે, એ પણ તને ખૂબ ખુશ રાખે અને જિંદગીનાં દરેક પડાવ પર એકબીજાનો હાથ પકડીને સાથે જ રહો એવી શુભેચ્છાઓ સાથે તુ પચીસ વર્ષનો થઈ રહ્યો છે! જન્મદિવસ ખૂબ મુબારક... 




Tuesday 28 March 2017

કપૂર એન્ડ સન્સ - હાથ પકડીને સહારો આપવો


આ પોસ્ટમાં ફિલ્મ સ્પોઈલર્સ છે, ફિલ્મ ન જોઈ હોય તો સ્પોઈલર્સ વિનાંની પોસ્ટ - કપૂર એન્ડ સન્સ (૨૦૧૬)

શકુન બત્રાની ફિલ્મ 'કપૂર એન્ડ સન્સ' કુટુંબનાં સભ્યો વચ્ચેની સમસ્યાઓ, ગેરસમજો, આક્ષેપો અને ન કહેવાયેલી વાતોને સમજદારીપૂર્વક રજૂ કરતી ખૂબ સુંદર ફિલ્મ છે. કોઈપણ પરિવારમાં ઝઘડાં થાય છે, પણ દરેક નજીકની વ્યક્તિનો હાથ પકડીને એને સહારો આપવાનો હોય છે, એ વિશે ફિલ્મની અંદર ખૂબ જ સુંદર થોડીક પળો છે.

પરિવારના બધા સભ્યો લાંબા સમય પછી ભેગાં થાય છે એ રાત્રે હર્ષ (રજત કપૂર) અને સુનીતા (રત્ના પાઠક શાહ) પોતાની જૂની યાદો તાજા કરે છે. એ પછી હર્ષ સુનીતાનો હાથ પકડીને માફી માંગે છે, પોતે કરેલી ભૂલો માટે. એ લોકો બધુ ભૂલીને ફરીથી ખુશ થવાનો પ્રયત્ન કરવા માંગે છે, ફરીથી એક મોકો આપવા માંગે છે. એ માટે એકબીજાનો સહારો ખૂબ જરૂરી છે.  



પતિના મૃત્યુનાં ચાર મહિના પછી સુનીતા પોતાના દીકરાઓને મળે છે. સુનીતા રાહુલ (ફવાદ ખાન) માટે પાણીની બોટલ અને ટોવેલ વગેરે સામાન લઈને એના રૂમમાં આવે છે. સુનીતા રાહુલથી નારાજ છે. પોતાના દીકરાની સાચી ઓળખ એ સ્વીકારી શકી નથી અને એમની વચ્ચે લાંબા સમયથી વાત થઈ નથી. એ લોકો એકબીજાનાં ખબર અંતર પૂછે છે અને કહે છે બધુ ઠીક છે. પણ, બંને જાણે છે કે એ ફક્ત ઇરાદાપૂર્વક બોલાયેલ જૂઠું છે. સુનીતા પોતાના દીકરાનાં હાથ પકડી લેવાં ઇચ્છે છે, પણ એ ખચકાય છે. એ પળને કેમેરામાં એટલી સુંદર કેદ કરવામાં આવી છે. રાહુલને ખ્યાલ આવી જાય છે કે એની મા એનો સહારો ઇચ્છે છે અને એ સુનીતાનો હાથ પકડીને એને અહેસાસ અપાવે છે કે એ એની સાથે જ છે. 




ફિલ્મનાં અંતમાં ફરી એક વખત ફેમિલી ફોટો પડાવવા માટે બધા ભેગા થાય છે એ વખતે પણ સુનીતા ખચકાય છે. ત્યારે નાનો દીકરો અર્જુન (સિધ્ધાર્થ મલ્હોત્રા) માનો હાથ પકડવા આગળ આવે છે અને માને પોતાનો હાથ પકડી લેવાનું સૂચન કરે છે. એની પછીની થોડીક પળો સુધી એ લોકો એકબીજાનો હાથ પકડીને નજીક આવે છે. એ એમની વચ્ચેની ગેરસમજો ઓછી થઈ ગયાનું સૂચન કરે છે. નાનપણમાં માતા-પિતા બાળકોને ચાલતાં શીખવે છે એ વખતે બાળકને હાથ પકડીને સહારો આપે છે. એ જ બાળકોએ મોટા થયાં પછી આ જ રીતે માતા-પિતાને સહારો આપવાનો હોય છે. રાહુલ પણ માની પાસે આવે છે અને બંને ભાઇઓ માને પોતાની સાથે હાથ પકડીને લઈ જાય છે અને મારા બધા આંસુઓ ધોવાઈ જાય છે. 






'મેરી પ્યારી બિંદુ' ફિલ્મનાં ટીઝર્સ અને નવું ગીત



આખરે એક વર્ષ પહેલાં યશરાજ દ્વારા યૂટ્યુબ પર વીડિયો શેર કરવામાં આવેલો, જેમાં પરિણીતિ ચોપરા એના અવાજમાં ગીત ગણગણતી હતી. એ સમયે જાહેરાત કરવામાં આવેલી કે એની આગામી ફિલ્મ 'મેરી પ્યારી બિંદુ' યશરાજ સ્ટુડિયોઝ તરફથી મનિષ શર્મા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે, જેને નવોદિત ડિરેક્ટર અક્ષય રોય ડિરેક્ટ કરશે. ત્યારથી મારા મનમાં ઉશ્કેરાટ વધી ગયેલો. એ સમયે પરિણીતિએ કહેલું કે એ આ ફિલ્મમાં ગીત ગાતી જોવા મળશે. એ વાતનાં ત્રણેક મહિના પછી આયુષ્માન ખુરાનાને પ્રેઝન્ટ કરતું ટીઝર રિલિઝ કરવામાં આવેલું, જેમાં કોલકાતાની વાર્તા હોવાનું જાણવા મળ્યું. આયુષ્માન લેખકનું પાત્ર ભજવશે! રસપ્રદ વાત છે કે પરિણીતિ અને આયુષ્માન બંને પંજાબી છે, જેઓ ફિલ્મમાં બંગાળી પાત્રો ભજવશે. 







આજે રિલિઝ થયેલ ગીત 'માના કે હમ યાર નહીં' પરિણીતિનાં અવાજમાં ખૂબ સુંદર લાગે છે. શબ્દો લખવામાં આવ્યા છે કૌસર મુનીર દ્વારા અને સંગીત સચિન-જિગર દ્વારા. આ ગીત મને એટલું ગમ્યું કે ઓફિસમાં પણ કમ્પ્યૂટર પર લૂપમાં ફરી રહ્યું છે. શબ્દો તો મને ખૂબ જ ગમ્યા.

માના કે હમ યાર નહીં

લો તય હૈ કી પ્યાર નહીં
ફિર ભી નઝરે ના તુમ મિલાના
દિલ કા એતબાર નહીં

સંબંધનો એ કેવો પડાવ છે કે એ લોકો મિત્રો તો નથી જ. પરંતુ એમની વચ્ચે પ્રેમ પણ નથી. કદાચ એમનો સંબંધ પૂરો થઈ ગયો છે કારણ કે બિંદુ (પરિણીતિ ચોપરા) પોતે જ્યાં બેઠી છે એની બાજુની ખુરશી ખાલી છે, એ ત્યાં જુએ છે, ત્યાં એક સમયે કોઈ બેઠેલ હશે. એ યાદ એને છોડતી નથી. એ પોતાની બાજુના ખાલી ઓશીકાં પર હાથ ફેરવે છે, જ્યાં એક સમયે કોઈ એની પાસે સૂતેલ હશે. એ યાદો દિમાગનો કબજો લઈ લે છે. એને ભરોસો નથી પોતાના દિલ પર કે એ બધી યાદો સાથે એ વ્યક્તિ તરફ ફરીથી લાગણી જાગી જશે. 







રાસ્તે મેં જો મિલો તો

હાથ મિલાને રુક જાના
સાથ મેં કોઈ હો તુમ્હારે 
દૂર સે હી તુમ મુસ્કાના
લેકિન મુસ્કાન હો ઐસી
કે જિસમેં ઇકરાર નહીં
નઝરો સે ના કરના તુમ બયાં
વો જિસસે ઇકરાર નહીં

આ શબ્દો પરથી એ વાતને વધારે પુષ્ટિ આપે છે કે એમનો સંબંધ ભૂતકાળ છે. એ ક્યારેક રસ્તામાં એમ જ મળી જવાય તો હાથ મિલાવવા માટે રોકાવાનું કહે છે. પરંતુ, સાથે કોઈ હોય તો ફક્ત દૂરથી જ એ પ્રકારે મોં મલકાવવાનું કહે છે જે પ્રકારે કોઈને ખ્યાલ ન આવે. એ આસપાસનાં લોકોને જણાવવા ઇચ્છતી નથી.





ફૂલ જો બંધ હૈ પન્નો મેં તો 
ઉસકો ધૂલ બના દેના
બાત છીડે જો મેરી કહીં
તુમ ઉસકો ભૂલ બતા દેના
લેકિન વો ભૂલ હો ઐસી
જિસસે બેઝાર નહીં
તુ જો સોયે તો મેરી તરહ
ઇક પલ કો ભી કરાર નહીં

કોઈ પુસ્તકનાં પાનાંઓની અંદર મૂકેલ ફૂલ મોટેભાગે કોઈની યાદગીરી માટે હોય છે, એ ફૂલ ને ધૂલ બનાવવાનો મતલબ છે એ ફૂલ ફેંકી દેવું અને એ યાદને જવા દેવી. કોઈ દિવસ એની વાત નીકળે તો પણ ભૂલ ગણી લેવાનું કહ્યુ છે. એ પ્રકારની ભૂલ કે એવું પણ ન લાગે કે એ વાતમાં રસ નથી.


પરિણીતિની આંખોનો ક્લોઝ અપ શોટ કેટલો સુંદર છે. તો એ છેલ્લા સ્ક્રીનશોટ સાથે ફિલ્મનાં રજૂ થયેલ બે ટીઝર્સ અને આજે રજૂ થયેલ ગીત... છેલ્લે પરિણીતિ પોતાની જાતને અરીસામાં જોઈને મલકાય છે, કદાચ એ યાદોને જવા દઈને આગળ વધવાના રૂપક સાથે એ રૂમની બહાર નીકળી જાય છે... 










યાદોનો પટારો અને એ સાથેની ફરિયાદો


એક યાદોનું બૉક્સ પડ્યું છે, જેમાં ન જાણે કેટલીય વસ્તુઓ છે, જે મને ભૂતકાળ યાદ અપાવે છે. ક્યારેક મીઠી યાદો આપતો ભૂતકાળ, ક્યારેક સોયની અણીની જેમ ભોંકાતો ભૂતકાળ. એ યાદો બસ એમ જ છે સચવાયેલી અને ક્યારેક કેટલીય ફરિયાદો થઈ આવે છે તમારા બધાની સાથે, જેમણે એ યાદો આપી છે. ક્યારેક એ આખેઆખું બૉક્સ ક્યાંક ફેંકી દેવાનું મન થાય છે, જાણે લાગે છે એમ કરવાથી એ યાદોથી છૂટકારો મળશે, પણ, મને ખબર છે એમ નહીં થાય અને હું ફેંકતો નથી. કારણ કે હું જાણું છું કે એ યાદો ફક્ત વસ્તુઓ સાથેની તો નથી જ, વ્યક્તિઓ સાથેની છે. એમાંથી કેટલીક વ્યક્તિઓ તો જીવનમાંથી ક્યારનીય બહાર ફેંકાઈ ગઈ છે, એમાંથી કોઈકનો અફસોસ પણ છે, કોઈકનો નથી, તો પછી વસ્તુઓ ફેંકવાથી તો કશું જ મળવાનું નથી. એક જૂની ડાયરી પડી છે, કેટલીક સ્કેચપેન્સ, અલગ અલગ ડિઝાઈનની કી-ચેઇન્સ પડી છે, ખબર નહીં કયાંથી આવી છે એટલી કી-ચેઇન્સ! એક રીતે એ યાદ પણ છે પરંતુ ભૂલી જવાનું મન થઈ આવે છે! એક લાલ કપડાનો ટુકડો પડ્યો છે, એક સોનેરી રંગની પટ્ટી જેવું કંઈક, દરિયાકિનારેથી લાવીને કોઈએ આપેલાં શંખ અને છીપલાં, ન જાણે કેટલાય દિવાળી કાર્ડ્સ અને બર્થડે કાર્ડ્સ, શુભેચ્છાઓ તો ક્યાંક ખોવાઈ ગઈ છે આજે! કેટલાય ફ્રેન્ડશિપ બેલ્ટ્સ પડ્યાં છે, જે બચપણમાં કોઈ બાંધે તો ખુશી થતી અને એ હિસાબે મિત્રોની ગણતરી કરવામાં આવતી હતી! આજે મિત્રોની સંખ્યા આંગળીનાં વેઢે ગણાય એટલી થઈ ગઈ છે. અમુક પત્રો પડ્યા છે, જેને વાંચવાથી એ આખેઆખો સમય જાણે નજીક આવી જાય છે. એક પત્ર પડ્યો છે પાછો આવેલો, જેનો જવાબ ક્યારેય ન આવ્યો અને એ પત્ર જ પરત મોકલાવવામાં આવ્યો, ક્યારેક થાય છે દોસ્તીની કિંમત જ નહીં હોય એ વ્યક્તિને કે એણે એમ કર્યુ હશે, ક્યારેક એ બધા પત્રોને દિવાસળી ચાંપી દેવાનું મન થઈ આવે છે. એક કાર્ડમાં લગાવેલું ગુલાબ છે, જેમાંથી એક સમયે સુગંધ આવતી હતી, હવે ક્યારેય નહીં આવે. એક બર્થડે કેક પર લગાવેલી નાની સાઇઝની છત્રી પડી છે, કેટલી સરસ રીતે તમે લોકોએ ઊજવેલો મારો એ બર્થડે, હું ક્યારેય ભૂલી શકીશ નહીં. એ છત્રી પર આપણાં છ જણનાં નામ લખ્યાં છે, એ મિત્રો જે કદાચ હવે એકસાથે બધા છ જણ ભેગા થાય એ ખૂબ મુશ્કેલ છે.

મને આ દુનિયાનાં નિયમોની ચોપડી જોઈએ છે, જેમાં લખ્યું છે કે આમ કરાય ને આમ ન કરી શકાય. મારે આગ લગાવી દેવી છે એ સમાજને જેની આગળ મારે સાબિત કરવું પડે કે એ છોકરી મને રાખડી બાંધે છે જે મારી પાસે બેઠી છે. લોકોનાં ડરે એ મને મળતી નથી, ત્યારે લાગી આવે છે. અને એ સાથે યાદ આવી જાય છે એકબીજાની સમસ્યાઓમાં કરેલી તરફેણો. અઢળક વાતો, આસપાસનાં લોકોની કરેલી મજાક, અડધી રાતે એકબીજાને મેસેજ કરીને રડતાં રોકેલા એ દિવસો, એકબીજાને સ્ટડીઝમાં કરેલી હેલ્પ, એકબીજાને શીખવાડેલી જિંદગી વિશેની વાતો... અને આજે એ જ છોકરી દુનિયાનાં ડરે મને નહીં મળે.

ક્યારેક તારી ખૂબ યાદ આવી જાય છે, તારી પાસે આવવાની ઇચ્છા થઈ આવે છે. પણ, હું મેસેજ કરતો નથી. મને ખબર છે કે હજુ અમુક આગળની ચેટ જ અધૂરી છે કે તુ નવા જવાબો જ નહીં આપે. મેં કહ્યુ તુ તને કે તુ પાછો જાય એ પહેલા મને કહેજે, આપણે મળીશું અને તુ હમેંશની જેમ જ ભૂલી ગયો અને મેં તુ વ્યસ્ત હોઈશ એમ માનીને કહ્યુ જ નહીં, અને તારુ પ્લેન સમયસર નીકળી પણ ગયું અને બીજા લોકોનાં વોટ્સએપ પ્રોફાઇલ પરથી ખ્યાલ આવ્યો કે તુ જતો રહ્યો, એ દેશમાં જે મારાથી કેટલોય દૂર છે, ખબર નહીં ક્યારે મળીશ હવે! તારી ફરિયાદો પણ કોને કરુ? ક્યારેક કોઈ વખત કોઈ વાત ભયંકર રીતે ગૂંચવાઈ જાય છે, ત્યારે થાય છે તને ભેટીને રડ્યા જ કરુ અને યાદ આવે છે કે તુ પાસે જ નથી, કેટલાય જોજનો દૂર છે અને હવે ક્યારે મળીશ એ પણ ખબર નથી. તારી સાથે વાત કરવી હતી ધરાઈને, પણ, સરખી રીતે આવજો પણ ન કહ્યુ. તને ખબર છે ફોન પર વાત કરવી મને નથી ફાવતી. ક્યારેક તને ભાવતું ચાઇનીઝ મંચુરિયન ખાવાનું થાય કે સબ્વેમાં જવાનું થાય તો તારી યાદો ઘેરી વળે છે, પણ, તુ પાસે નથી. પણ, હું ખુશ છું કે તુ ખૂબ ખુશ છે અને તુ પણ ખુશ છે કે હું તને મારા સમાચાર આપતો રહીશ એટલે ક્યારેક બધુ ઠીક થઈ જાય છે, પણ, બસ એમ જ આજે ફરિયાદ કરવાનું મન થઈ ગયું...

તારી ક્યારેક બસ એમ જ યાદ આવે છે અને આખેઆખી સ્કૂલ લાઇફ જાણે સજીવ થઈ ઉઠે છે, તારા ચિત્રો, તારી આર્ટ, તારા ડેકોરેશનની નવી નવી ડિઝાઈન, તને તારી ડ્રીમ કરિયર આર્કિટેક્ચરમાં એડમિશન મળ્યું એ દિવસ. મને થાય છે કે તને મળું. પણ, તુ મળવા માટે સરખો સમય ક્યારેય કાઢતો નથી અને આ વ્યસ્ત જિંદગીમાં આપણે ઘડિયાળની અંદર પૂરાઈ ગયાં છીએ. ક્યારેક થાય છે કે વર્ષમાં એક વખત આપણે મળતાં એ પણ હવે કેમ નથી મળતાં જ્યારે ભૌગોલિક અંતર તો પહેલાં કરતાં ઘટી ગયું છે, તો પછી ભાવનાત્મક અંતર કેમ વધી ગયું છે! ક્યારેક તે આપેલાં પત્રો વાંચીને રાહત થાય છે કે આપણી દોસ્તી સ્કૂલમાં કેટલી ગાઢ હતી. પણ, પછી આજનો સમય પણ એ જ વિચારીને નીકળી જાય છે કે બધા હમેંશા સાથે નથી રહી શકતાં.

તને અમુક દિવસ પહેલાં જ ઑફિસથી છૂટતી વખતે જોયેલો, તારી એક્ટિવા પર આગળ હેલ્મેટ લટકતું હતું અને એ જ ચહેરો, જાણે હજુ તુ એવો જ છે, જેવો દસ વર્ષ પહેલાં સ્કૂલમાં હતો. મને જાણ છે કે તે તારુ સપનું પૂરુ કર્યુ છે ફેશન ડિઝાઇનર બનીને. પણ, મને એ જાણ નથી કે તને મારી સાથે વાંધો શું પડ્યો છે! તને એ દિવસે ટ્રાફિક સિગ્નલ પર એટલાં વાહનોની વચ્ચે ચીસો પાડી પાડીને રોકી લેવાનું મન થઈ ગયેલું, પણ, પછી યાદ આવી ગયાં તારા જવાબ ન અપાયેલા પત્રો, જવાબ ન અપાયેલ વોટ્સએપ મેસેજીસ, ન સ્વીકારાયેલી ફેસબુક રિક્વેસ્ટ,... અને તારી સાઇડનો ટ્રાફિક ક્લિયર થતાં તુ જતો પણ રહ્યો અને થોડી વાર પછી હું પણ. પરંતુ દિલનો એક ટુકડો એ જગ્યાએ છૂટી ગયો. અને યાદ આવી ગયાં એ બધા દિવસો જ્યારે સ્કૂલમાં લોકો આપણી મજાક ઉડાવતાં અને આપણે કોઈનું પણ ખરાબ લાગે તો એકબીજાને કહીને એ લોકોની જ મજાક ફરી ઉડાવતાં. સ્કૂલની રિસેસમાં આખા ગામની ગૉસિપ કરતાં. ઘણી વખત થાય છે કે તને ફોન કરુ, પણ, પછી ત્યાં બસ રિંગ જ વાગે છે. અને હવે મારુ સ્વમાન પણ ઘવાય છે. 

ક્યારેક એ બધા સ્કૂલનાં મિત્રોને એક થપ્પ્ડ ચોડી દેવાની ઇચ્છા થઈ આવે છે જે હજુ પણ આ જ શહેરમાં છે અને મળવા માટે બહાના કાઢે છે, પછી એમ થાય છે કે એમની મને મળવાની ઇચ્છા જ નથી. પણ, મારે તો મળવું છે એમને એટલે હું ફરી ક્યારેક બેશરમ થઈને એમને પૂછી બેસું છું ત્યારે મને ખ્યાલ આવે છે આખી દુનિયામાં સૌથી વ્યસ્ત લોકો મને જ મળ્યાં છે.

મને ફરિયાદો છે કે તે આપણો સંબંધ સાચવ્યો જ નહીં. તે કોઈ મજબૂરીઓ કે કોઈ વાત સમજવાનો પ્રયત્ન કર્યો જ નહીં અને મેં ખૂબ પીડાઈને અંતે એ સંબંધ જ તોડી નાખ્યો. ક્યારેક રવિવારે સવારે તારે ઘેર આવતો એ વખતે મોટેભાગે તારા વાળ શેમ્પૂથી ધોયેલાં રહેતાં, એ દિવસો ક્યારેક યાદ આવી જાય છે. એ શેમ્પૂની સુગંધ મને હવે ક્યારેય નહીં આવે, હવે ક્યારેય તુ મારી મજાક નહીં કરે, જે મને એ વખતે નહોતી ગમતી. ક્યારેય તુ મારી સાથે બેડમિન્ટન નહીં રમે કે ક્યારેય બસ એમ જ પાર્કમાં જઈને આપણે રમી નહીં શકીએ, કારણ કે હવે આપણે બાળકો રહ્યા નથી, આપણો સંબંધ પણ હવે રહ્યો નથી અને તુ તો કોઈની પત્ની પણ છે.

મને ફરિયાદ નથી કે તે મારી લાગણી ન સ્વીકારી, કારણ કે હવે આપણે મિત્રો છીએ અને હું એ પ્રેમની લાગણીઓમાંથી બહાર આવી ગયો છું. પણ, તારી સાથે કરેલી એ સમયની સાહિત્ય અને સિનેમાની વાતો ફક્ત યાદો બનીને જ રહેશે. હા, હજુ પણ આપણે એ જ પ્રકારે વાતો કરીએ છીએ જે રીતે પહેલાં કરતાં હતાં, કદાચ જૂના સમય કરતાં વધારે નજીક છીએ આપણે. પરંતુ, તો પણ ક્યારેક એમ થાય છે કે એ યાદોની અંદર જઈને એ ડિલિટ કરી આવું કે મેં તને કહેલું કે તુ મને ગમે છે, મને થાય છે મારે ક્યારેય કહેવું જ નહોતું જોઈતું... ખબર નહીં કેમ હું આપણે આટલા નજીક છીએ એ છતાં આ વાત કાઢી શકતો નથી મારી અંદરથી... 

મને અફસોસ છે કે તને ક્યારેય ખબર જ નહીં પડે કે મેં તને કેટલો પ્રેમ કર્યો. કદાચ તને મારુ નામ પણ યાદ નહીં હોય. તને ક્યારેય ખબર જ નહીં પડે કે તારા સુધી મારી વાત પહોંચાડવા માટે કેટલો પ્રયત્ન કર્યો. પણ, તને કહી જ ન શક્યો. કારણ કે હું તો અજાણ્યો જ હતો તારી માટે. તુ ઓળખતી પણ નહોતી મને તો પછી મળવાનો તો કોઈ સવાલ જ નહોતો. ક્યારેક યાદ આવે છે એ દિવસો જ્યારે તારા પ્રેમમાં હું એવો તો પડેલો કે ઊભા થતાં કેટલી વાર લાગેલી એ ફક્ત હું જ જાણું છું! તારી સાથે જીવવાનાં જોયેલાં સપનાં અને એ ગાંડીઘેલી વાતો યાદ કરીને હું હવે પોતાની જાત પર જ હસી પડું છું. કારણ કે એ લાગણીઓમાંથી બહાર આવવાનાં મેં ખૂબ પ્રયત્નો કર્યા છે અને એ પછી પણ એક નિષ્ફળ સંબંધ બાંધી ચૂક્યો છું અને આજે ફરી એકલો છું. તુ હવે ત્યાં રહેતી નથી અને હું પણ હવે ઇરાદાપૂર્વક એ ગલીમાંથી ગુઝરતો નથી. 

ક્યારેક થાય છે કે તમને બધાને ભેગા કરીને ખૂબ ખૂબ ફરિયાદો કરુ અને પછી ખૂબ રડીને, માફ કરીને, તમને અને તમારી યાદોને જવા દઉં અને તમારામાંથી જેની સાથે શક્ય હોય એની સાથે દરિયાકિનારે એક ઘર બાંધીને રહું. પણ, હું જાણું છે કે એ ક્યારેય નહીં થાય. પરંતુ 'યે જવાની હૈ દીવાની' ફિલ્મમાં નૈના કહે છે એ રીતે મારી સાથે હમેંશા થયું છે કે યાદો મિઠાઈના ડબ્બા જેવી છે, એકવાર ખોલ્યા પછી ફક્ત એક ટુકડો નથી ખાઈ શકાતો. એટલે જ વખતોવખત જ્યારે પણ યાદ આવે છે ત્યારે મોટાભાગનું એકસામટું જ યાદ આવી જાય છે. 'નમસ્તે લંડન' ફિલ્મની શરૂઆત પણ 'મૈં જહા રહૂ' ગીતથી થાય છે, જે યાદો વિશે સુંદર ગીત છે. પરંતુ હું પણ હવે ટેવાઈ ગયો છું અને થોડીવાર પછી મારા દિલને મનાવી લેવામાં સફળ થાઉં છું કે સચ્ચાઈ શું છે એટલે હું કંઈ દુ:ખી નથી આ બધી યાદો સાથે. એટલે જ મને પણ 'કપૂર એન્ડ સન્સ' ફિલ્મનાં ડાયલોગ જેવી લાગણી થઈ આવે છે કે એ યાદોને હું કરોડો રૂપિયા માટે પણ ન વેચું! મને ખબર છે કે હું ખૂબ લખું છું. પણ, 'એ દિલ હૈ મુશ્કિલ' ફિલ્મમાં સબા કહે છે એ મારે માટે પણ સત્ય છે, "શબ્દો સિવાય મારી પાસે કશું જ નથી." 

યે જવાની હૈ દીવાની

નમસ્તે લંડન

કપૂર એન્ડ સન્સ

એ દિલ હૈ મુશ્કિલ

Thursday 23 March 2017

શહીદ દિવસ અને ભગત સિંઘ




ડિસેમ્બર ૧૯૨૮માં ભગત સિંઘ અને શિવરામ રાજગુરુ બંનેએ મળીને જોન સોન્ડર્સ નામનાં અંગ્રેજ પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા કરેલી. હકીકતમાં તેઓ મારવા માંગતા હતાં જેમ્સ સ્કોટ નામનાં સુપ્રિટેન્ડન્ટને, કારણ કે તેણે કરેલ લાઠી ચાર્જને કારણે લાલા લજપત રાય ગંભીર રીતે ઘાયલ થયેલાં અને પછીથી એમનું મૃત્યુ થયેલું. એ આરોપમાં એમની સાથે સુખદેવ થાપરનું પણ નામ હતું. એ આરોપસર તેમને ૨૪મી માર્ચ ૧૯૩૧નાં દિવસે ફાંસી આપવાની જાહેરાત કરવામાં આવેલી. પરંતુ વ્યાપક વિરોધને કારણે એક દિવસ પહેલાં ૨૩મી માર્ચની સાંજે ફાંસી આપીને સતલજ નદીને કિનારે અંતિમસંસ્કાર કરી દીધેલા. ભગત અને સુખદેવની ઉંમર હતી ૨૩ અને રાજગુરુની ઉંમર ૨૨. શિવરામ રાજગુરુનું જન્મસ્થળ પુણે જિલ્લાનું ખેદ હતું, જેને  એમનાં માનમાં રાજગુરુનગર નામ આપવામાં આવ્યું છે. તેઓ ત્રણેય હિન્દુસ્તાન સોશિઅલિસ્ટ રિપબ્લિક અસોસિએશનનાં સભ્ય હતાં. આઝાદી માટે તેમણે આપેલ બલિદાન હમેંશા યાદ રાખવામાં આવશે. 

આ ત્રણ સ્વતંત્રતા સેનાનીઓમાંથી આપણને સુખદેવ અને રાજગુરુ વિશે ખાસ માહિતી નથી. સૌથી વધારે માહિતી આપણને ભગત સિંઘ વિશે જ છે. જેમની પર ફિલ્મો પણ બની છે. પરંતુ આપણે ક્યારેય વિચારતાં નથી કે આ બધુ આપણે કેમ ઉજવીએ છીએ. આપણે અન્યાય સામે લડત કે અવાજ ઉઠાવી શકવા જાણે હવે સમર્થ જ ન હોઈએ એમ બેસી રહીએ છીએ અને બધુ સહન કરીએ છીએ. જો આ લોકો દેશમાંથી ગુલામી દૂર કરવા માટે મૃત્યુને વરી શકતાં હોય તો આપણે સામાન્ય નાની વાત માટે તો પડકાર ફેંકી શકીએ, જે વસ્તુથી આપણને વાંધો હોય એ વસ્તુ સામે તો આપણે પડકાર ફેંકી જ શકીએ. ભગત સિંઘ દ્વારા ૧૯૨૯માં સંસદ પર બોંબ ફેંકવામાં આવેલો, એ વખતે એમણે 'ઇંકિલાબ ઝિન્દાબાદ'નો નારો આપેલો, જેનો અર્થ થાય છે કે ક્રાંતિ સદા રહે અથવા બીજી રીતે કહીએ તો ક્રાંતિની જ્વાળા સદા ભડકતી રહે. એ ક્રાંતિ છે ખરાબ સામે અવાજ ઉઠાવવો. પોતે કેમ નાસ્તિક હતાં એ વિશે એમણે લખેલ નિબંધમાં પણ એમણે કહેલું કે જૂની માન્યતાઓને તમે તોડવા માંગો છો કે પડકાર ફેંકો છો ત્યારે તમે બીજાથી અલગ તરી આવો છો, કારણ કે અત્યાર સુધી એ કોઈએ કર્યુ નથી, પરંતુ એ જરૂરી છે કે તમે જૂની માન્યતાઓનો ત્યાગ કરો. એ કેટલી સરસ અને સાચી વાત છે જે ચાલ્યુ આવતું હોય એ ખરાબ હોય, એનાથી નુકશાન થતું હોય, તો પણ એ સામે કોઈને અવાજ ઉઠાવવો નથી, ઘેટાંશાહી અને ટોળાંશાહી ચલાવ્યે જ રાખવામાં આવે છે. એમણે એ પણ કહેલું કે અંગ્રેજો ભારતમાં એટલા માટે નથી કારણ કે આપણાં નસીબમાં લખ્યું હશે કે આ પ્રકારે થવાનું હશે, પરંતુ એટલા માટે છે કારણ કે શરૂઆતમાં કોઈએ વિરોધ કર્યો નથી. તમારી આસપાસમાં કે તમને જે વસ્તુ સામે વાંધો છે એની સામે અવાજ ઉઠાવો. રાકેશ ઓમપ્રકાશ મહેરાની ભગત સિંઘ સમયનાં સ્વતંત્રતા સેનાનીઓ અને મોડર્ન યુથ પરની વિચારધારાને રજૂ કરતી ફિલ્મ 'રંગ દે બસંતી'માં પણ કંઈક એ જ પ્રકારે કહ્યુ છે કે જે થઈ રહ્યુ છે એની સામે વાંધો હોય તો કાં તો ચૂપચાપ સહન કરો અથવા અવાજ ઉઠાવો. અંતમાં ભગત સિંઘ કેમ નાસ્તિક હતાં તે વિશે નાનો વિડિયો અને 'રંગ દે બસંતી' ફિલ્મનું ગીત 'ખૂન ચલા'...





હેપી બર્થડે કંગના રણૌત



હિમાચલ પ્રદેશનાં એક નાના શહેરમાં ધોરણ ૧૨ સાયન્સની કેમિસ્ટ્રીની એક યુનિટ ટેસ્ટમાં નાપાસ થયેલી છોકરી આગળ પ્રિ-મેડિકલ ટેસ્ટની તૈયારી છોડીને ૧૬ વર્ષની ઉંમરે ઘેરથી ભાગી ગયેલી. એ છોકરી આજે હિન્દી સિનેમાની ટોચની એક્ટ્રેસ ગણાય છે. કંગનાએ કહેલું કે એવું નહોતું કે એ ભણવામાં હોશિયાર નહોતી, એ હમેંશા સારા ગ્રેડ્સ સાથે પાસ થતી, અને "કહેવાતા ભણેશરી" પ્રકારનાં લોકો જેવી હતી. પેરેન્ટ્સની ઇચ્છા પ્રમાણે એ પણ ડૉક્ટર બનવા માંગતી હતી. પણ, એ એક ટેસ્ટનાં કારણે એણે વિચાર્યુ અને દિલ્હી ભાગી ગઈ. શરૂમાં એલાઇટ મોડેલ એજન્સીમાં મોડેલિંગ કર્યુ, પણ એમાં પણ એને સર્જનાત્મકતા ન લાગી. અસ્મિતા થિયેટર ગ્રુપમાં એ પછી એ નાટકોમાં કામ કરવા લાગી. એક દિવસે કોઈ મેલ એક્ટર હાજર ન રહેવાના કારણે એણે એ રોલ પોતાનાં સ્ત્રીનાં રોલની સાથે સાથે ભજવ્યો. એ વખતે એને ઓડિયન્સની ખૂબ વાહવાહી મળી. એ પછી ઘણા લોકોની સલાહથી એ મુંબઈ શિફ્ટ થઈ. કોઈ એક એડલ્ટ પ્રકારની ફિલ્મમાં એણે ઓફર સ્વીકારી જ લીધેલી એ વખતે એણે ભટ્ટ કેમ્પમાં અનુરાગ બાસુની ફિલ્મ 'ગેંગસ્ટર' માટે ઑડિશન આપ્યું. મહેશ ભટ્ટને લાગ્યું કે એની ઉંમર ખૂબ નાની છે અને એમનું એ મેચ્યોર પાત્ર એ ભજવી નહીં શકે. એ પાત્ર માટે ચિત્રાંગદા સિંઘની પસંદગી થઈ. પણ, ફિલ્મ શરૂ થયા પછી ચિત્રાંગદાએ કોઈ કારણોસર રોલ ન કર્યો, અને એ રોલ કંગનાને મળ્યો, જેનાથી એની જિંદગી બદલાઈ ગઈ. એક ગેંગસ્ટરનાં પ્રેમમાં પાગલ દારૂની લતવાળી સિમરનનાં પાત્રમાં કંગનાની ખૂબ પ્રશંસા થઈ. કંગનાએ કહેલું શરૂઆતની સ્ટ્રગલિંગ દરમિયાન એ બ્રેડ અને અથાણું ખાઈને દિવસો કાઢતી હતી. એના કુટુંબનો એને હજુ સાથ નહોતો. એની બીજી ફિલ્મ આવી મોહિત સુરીની 'વો લમ્હે', જે મહેશ ભટ્ટ અને પરવીન બાબીનાં સંબંધો પર આધારિત હોવાનું કહેવાય છે. કંગનાએ કહ્યુ હતું કે એ પાત્ર ભજવતી વખતે એને પોતાની ઉદાસી અને એકલતા વધારે મહેસૂસ થયેલી. સુભાષ ઝા નામનાં ફિલ્મ ક્રિટિકે એ ફિલ્મમાં એની તારીફ કરતી વખતી એને શબાના આઝમી અને સ્મિતા પાટિલ સાથે સરખાવેલી. એ રોલ વિશે મારુ પણ માનવું છે કે જો ૨૦૦૧-૨૦૧૦નાં દસકાની વાત થાય તો કંગનાનું એ રોલ માટે નામ જરૂર રાખવું જોઈએ. 

અનુરાગ બાસુની 'લાઇફ ઇન અ મેટ્રો' માટે પણ એના પાત્રનાં ખૂબ વખાણ થયેલાં. પણ, ફરી એની કારકિર્દી બદલાઈ મધુર ભંડારકરની 'ફેશન' સાથે. સુપરમોડેલ શોનાલી ગુજરાલનાં પાત્ર માટે વખાણ અને પ્રશંસાની સાથે સાથે એને પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો, સહાયક અભિનેત્રી તરીકે આ ફિલ્મ માટે. વચ્ચે એ પછી એને ઘણી નિષ્ફળતા પણ મળી. જેમાં 'શાકાલાકા બૂમ બૂમ' (જે 'વો લમ્હે' પછી આવેલી), 'રાઝ - ધ મિસ્ટ્રી કન્ટિન્યૂસ' અને 'કાઇટ્સ' સમાવી શકાય. 'કાઇટ્સ' ફિલ્મ જોયાં પછી એને લાગેલું કે એના પાત્ર પર કાતર ફરી ગયેલી, કદાચ એટલે જ અનુરાગ બાસુ સાથે ફરી કામ ન કર્યુ. આ બધી પ્રક્રિયા દરમિયાન એ પોતાનાં અંગત જીવનની અંદર પણ ઘણી ચડ-ઉતરમાંથી પસાર થઇ. ઝરીના વહાબ અને એના પતિ આદિત્ય પંચોલી સાથે એને સારુ બનતું, એણે કહેલું કે એ લોકો માટે 'ઘરથી દૂર એક ઘર' જેવી લાગણી એને થતી. પણ, એ પછી આદિત્ય પંચોલી સાથે એના અફેરની વાત પણ ચગી. કંગનાએ આદિત્ય પંચોલી પર અસૉલ્ટની ફરિયાદ કરી. કંગના ઘણી બધી વખત માનસિક રીતે ભાંગી પડેલી. એની બહેન રંગોલી પર એસિડ એટેક થયેલો. 'લાઇફ ઇન અ મેટ્રો' પછી એના પરિવાર સાથે ફરી એના સંબંધો સારા થઈ ગયાં. પણ, આખી એ પ્રક્રિયાને ઘણી વખત એણે માનસિક રીતે થકવી નાખનર ગણાવી છે.

મિલન લુથરિયાની ફિલ્મ 'વન્સ અપન અ ટાઇમ ઇન મુંબઈ' માટે તેણે રેહાનાનું પાત્ર ભજવ્યું, જે એક ફિક્શનલ એક્ટ્રેસનું પાત્ર હતું અને તેણે એ સમયની અભિનેત્રીઓ જેવી કે ઝીનત અમાન અને પરવીન બાબીનાં કામને બારીકાઈથી નિહાળેલું. એ ફિલ્મ પછી પણ એણે ઘણી નિષ્ફળતાનો સામનો કર્યો. (નોક આઉટ, નો પ્રોબ્લેમ, ગેમ, ડબલ ધમાલ, રાસ્કલ્સ, તેઝ) એ બધા વચ્ચે આનંદ એલ. રાયની ફિલ્મ 'તનુ વેડ્સ મનુ' માટે એની ખૂબ ખૂબ પ્રશંસા પણ થઈ. એ પાત્ર એણે ત્યાર સુધી ભજવેલાં પાત્રોથી ઘણું અલગ હતું. એ પછી 'ક્રિશ ૩' વખતે એના અને રિતિક રોશન વચ્ચે જે પણ થયું હોય એ માટે પણ એને ઘણી બધી વસ્તુઓનો સામનો કરવો પડ્યો, છેક હમણાં થોડા સમય પહેલા સુધી. સંજય ગુપ્તાની 'શૂટઆઉટ એટ વડાલા' ફિલ્મમાં એના નાના પાત્ર માટે પણ એ વખાણને પાત્ર ઠરી. 

પરંતુ એની કારકિર્દી ફરી એક વખત કાયમ માટે બદલાઈ ગઈ, વિકાસ બહલની ફિલ્મ 'ક્વીન' દ્વારા. લગ્નનાં એક દિવસ પહેલાં મંગેતર દ્વારા ત્યજાયેલી રાનીનો રોલ ભજવીને ફરી એક વખત તેણે પોતાની જાતને સાબિત કરી. દર્શકો, ફિલ્મ ક્રિટિક્સ, બોક્સ ઓફિસ, એવોર્ડ્સ સૌ કોઈ એની પર ઓવારી ગયાં. એ પાત્ર માટે ફરી વખત રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો, પણ આ વખતે મુખ્ય અભિનેત્રી માટે. એના પછીનાં વર્ષે આનંદ એલ. રાયની 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ' માટે ફરી વખત રાષ્ટ્રીય પુરસ્કાર મેળવીને તેણે સૌને ચૂપ કરી દીધા. આગળની ફિલ્મથી ચાલ્યું આવતું તનુજા ત્રિવેદી અને આ વખતે ઉમેરાયેલ કુસુમ સાંગવાન ઉર્ફે દત્તો, બંને એકદમ જ અલગ અલગ પાત્રો એણે કાબિલ-એ-તારીફ ભજવ્યાં એમ ન કહેવું જોઈએ પણ કહેવું જોઈએ કે જીવી બતાવ્યાં. એ પછી પણ એને 'કટ્ટી બટ્ટી' અને 'આઇ લવ એનવાય' માટે નિષ્ફળતા મળી. પરંતુ હમણાં મહિના પહેલા રજૂ થયેલી વિશાલ ભારદ્વાજની અફલાતૂન ફિલ્મ 'રંગૂન' બોક્સ ઓફિસ પર ન ચાલી, એ છતાં એના પાત્રનાં ભરપૂર વખાણ થયાં. કંગના આજે ત્રીસ વર્ષની થઈ રહી છે. એની હંસલ મહેતાની ફિલ્મ 'સિમરન' આ વર્ષે રજૂ થશે. એના પ્રોડક્શનની શોર્ટ ફિલ્મ 'ધ ટચ' માટે કામ ચાલી રહ્યું છે, જેમાં એણે સ્ક્રીનપ્લે લખવામાં પણ ભાગ ભજવ્યો છે. ('ક્વીન'માં પણ કંગનાએ થોડાક ડાયલોગ્સ લખેલાં...) કદાચ આજે એણે કેતન મહેતાની આવનારી ફિલ્મ જેનું હાલ ટાઇટલ 'મણિકર્ણિકા' છે, તેનું શૂટિંગ શરૂ કર્યુ છે. તે આ ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવશે. કંગનાની શરૂઆતમાં અંગ્રેજી સરખી રીતે ન આવડવા અને એના એક્સન્ટને કારણે બોલીવુડમાં ખૂબ મજાક બનાવવામાં આવતી. એ ખાન એક્ટર્સ સાથે કામ નથી કરવા માંગતી એ માટે પણ એણે રાજીવ મસંદનાં લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં કહેલું કે એ એક એવા મુકામ પર પહોંચી છે, જ્યાં એના ફેન્સ એને મુખ્ય અને મજબૂત પાત્રમાં જ જોવા ઇચ્છશે અને એ ખાન એક્ટર્સની ફિલ્મમાં એના પાત્ર માટે જગ્યા નહીં હોય. હું એની એ વાત સાથે એકદમ સહમત છું. કંગનાએ ઘણી વખત મને ખૂબ પ્રેરણા આપી છે પોતાનાં સપનાઓ પૂરા કરવા વિશે. એ બધી જ સફળતા અને ખુશી માટે હકદાર છે. રિસ્પેક્ટ યુ કંગના. જન્મદિન મુબારક! 

આભાર મૃગેશ અને વિકિપીડિયા!

બીજી કેટલીક પોસ્ટ્સ - 








Tuesday 21 March 2017

યે જવાની હૈ દીવાની - વક્ત કો ગુઝરતે...



અયાન મુખર્જીની ફિલ્મ 'યે જવાની હૈ દીવાની' જિંદગી વિશે કેટલીય વાતો શીખવાડે છે. આ ફિલ્મ વિશે મને લખવાની ખૂબ ઇચ્છા હતી, અને મારી ફ્રેન્ડ ભૂમિની આ ખૂબ મનપસંદ ફિલ્મ. એટલે એ વારંવાર મને કહેતી રહેતી આ ફિલ્મ વિશે લખવા માટે, હું હવે આ પોસ્ટ પૂરી કરી શક્યો છું. ફિલ્મ વિશે હજુ ઘણી પોસ્ટ્સ હું મૂકીશ. પણ, અત્યારે આ પોસ્ટ. ફિલ્મની અંદર બની (રણબીર કપૂર) પેરિસમાં પોતાની ફ્રેન્ડ રિયાના (પૂર્ણા જગન્નાથન) જ્યારે પૂછે છે કે એ શું જોઈ રહ્યો છે, ત્યારે જવાબ આપે છે કે એ સમયને પસાર થતાં જોઇ રહ્યો છે. ("વક્ત કો ગુઝરતે") સમય આપણને દેખાતો નથી, એ છતાં આપણી સાથે ને સાથે જ હોય છે. આખી ફિલ્મની અંદર સમય વિશે ખૂબ સુંદર વાતો કહેવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે સમય રોકાતો નથી, સતત જિંદગી ચાલતી રહે છે, આપણને ખ્યાલ બધી વસ્તુઓ વિશે હોય છે, પણ ક્યારેક વાત એ પ્રકારે બને છે કે સરળ રીતે સમજાવવામાં આવેલી વસ્તુ તરત જ સમજાય છે. વાત કેવી રીતે મૂકવી એ પણ ખૂબ જરૂરી છે. આખી ફિલ્મની અંદર વપરાયેલ સમયનાં સંદર્ભ અને ઉલ્લેખમાં એવી કોઇ જ વાત નથી જે વિશે આપણે અજાણ છીએ, તેમ છતાં સ્ક્રીન પર જ્યારે વાત મૂકાય છે, ત્યારે એ વાત બે ઘડી વિચાર કરવા માટે મજબૂર કરે છે. તો ફિલ્મની અંદર રહેલી સમયનાં સંદર્ભ વિશેની વાતો કરતી આ પોસ્ટ ખાસ ભૂમિ માટે, થેન્ક યુ ભૂમિ, મારા ખરાબ સમયમાં હમેંશા મને સૌથી પહેલા સાથ આપવા માટે... 

ફિલ્મની શરૂઆતમાં નૈના (દીપિકા પાદુકોણ) જૂની યાદો અને જૂનો સમય તાજા કરે છે. અદિતિ (કલ્કિ કોચલીન) લગ્ન કરી રહી છે, અને એની કંકોત્રી આવી છે ત્યારે નૈનાને એમની સ્કૂલની એ સમયની વાતો યાદ આવી જાય છે. પોતાની પાસે રહેલી બધી જૂની વસ્તુઓ પાથરીને નૈના બેઠી છે અને યાદોને મિઠાઇનાં ડબ્બા સાથે સરખાવે છે. એ સમય જે હવે પાછો નહીં આવે, પરંતુ એની ફક્ત યાદો રહેશે પાસે હમેંશા. નૈના પણ એ જ કહે છે કે વીતેલા સમયનાં નાના નાના ટુકડા યાદોમાં હમેંશા સલામત રહે છે, જૂના વીતેલા સમયની ઝંખનાની લાગણીને અંગ્રેજીમાં 'નોસ્ટેલ્જિયા' કહેવામાં આવે છે. વ્યક્તિ પોતાની પાસે રહેલી જૂના સમયની સારી યાદો યાદ કરીને ખુશ રહે છે. (મારી પાસે પણ 'યાદોનું એક બોક્સ' છે, નૈનાની જેમ. નૈનાની પાસે એની સ્કૂલની ડાયરીની સાથે બીજી નાની નાની વસ્તુઓ રહેલી છે, એ જ રીતે મારી પાસે પણ જૂના મિત્રોનાં પત્રો, કાર્ડ્સ, ગિફ્ટ્સ, કી-ચેન અને બીજી કેટલીય વસ્તુઓ પડી છે, એ બોક્સને હું ક્યારેક ખોલીને જૂની યાદો તાજા કરી લઉ છું.) નૈના જ્યારે બની (રણબીર કપૂર) સાથે પોતાના દિલની વાત કરી શકતી નથી અને એની મનાલીની મુસાફરી પૂરી થાય છે ત્યારે થોડી ઉદાસ છે. પણ નૈનાને એ વાતની ખુશી પણ છે કે એ પોતાની સાથે સારો સમય લઇ જઇ રહી છે, એ કહે છે કે 'વો દિન, વો રાતે, વો મસ્તી, વો બની'... એ યાદો અને સારા સમયને સથવારે સહારો મળી જાય છે ક્યારેક નાની નાની તકલીફોનો સામનો કરવા માટે. નૈના મનાલી જાય છે ત્યારે ખૂબ ખુશ રહેવા લાગે છે, કારણ કે એણે એ પ્રકારનો સમય ક્યારેય માણ્યો નથી, એટલે 'સુભાનલ્લાહ' ગીતની અંદર એ પ્રકારનાં શબ્દો પણ છે કે જે થઈ રહ્યુ છે એ પ્રથમ વખત જ છે. 'બલમ પિચકારી' ગીત પછી જ્યારે બની અને નૈના સાથે હોય છે ત્યારે બની કહે છે કે એ રાતની સવાર જ ન પડવી જોઇએ. ક્યારેક જિંદગીમાં એટલો સારો સમય આવે છે કે બસ એ સમયને, એ પળને, એ ક્ષણને ત્યાં જ રોકી લેવાની ઇચ્છા આપણને સૌને થાય છે. બની નૈનાની સાથે એ પળની અંદર ખુશ છે, એ સમયને એ બસ ત્યાં જ રોકી દેવા માંગે છે. જ્યારે નૈના પોતાની યાદો અને આઠ વર્ષ પહેલાની સફર વિશે ફિલ્મની અંદર વાત પૂરી કરે છે, એ પછી કહે છે કે બની એનાં સપનાઓ તરફ એટલી ઝડપથી ભાગ્યો કે આંખના પલકારામાં ગાયબ થઇ ગયો. કોઈ એટલાં નાના સમયની અંદર ગાયબ થઇ જતું નથી, પણ, આપણને લાગ્યા કરે છે કે સારો સમય ખૂબ ઝડપથી પસાર થઇ ગયો. નૈના બનીની રાહ જોતી નથી, પણ, એ બસ એ સમયને યાદ કરીને ખુશ છે, એ કહે છે કે આઠ વર્ષ વીતી ચૂક્યા છે એ વાતને અને બનીએ ક્યારેય પાછળ ફરીને જોયું નથી કે ન એણે ક્યારેય એની રાહ જોઈ છે. સમય ચાલતો રહે છે, અને આપણે નવી વસ્તુઓ સાથે ટેવાઈ જઈએ છીએ. 





પેરિસમાં પોતાની ફ્રેન્ડ રિયાના (પૂર્ણા જગન્નાથન) સાથે વાત કરતી વખતે બની કહે છે કે કોઈ જગ્યાએ પહોંચવા માટે જૂની જગ્યાએથી નીકળવું ખૂબ જરૂરી છે, ખરા સમયે વિદાય લેવી જોઈએ, નહીં તો ફરિયાદો વધવા લાગે છે. બની 'મૂવ ઓન' થિયરીમાં માને છે. શ્રીમદ ભાગવતમમાં પણ કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે જે રીતે માણસ જૂના વસ્ત્રો ત્યાગ કરી નવા વસ્ત્રો ધારણ કરે છે તે જ રીતે આત્મા પણ જૂનું શરીર ત્યાગ કરી નવા શરીરની અંદર પ્રવેશ કરે છે. 




અદિતિ (કલ્કિ કોચલીન) લગ્ન કરી રહી છે, એ વખતે બનીની ઘણા લાંબા સમય પછી એના મિત્રો અદિતિ અને અવિ (આદિત્ય રોય કપૂર) સાથે મુલાકાત થાય છે. અદિતિ ઇચ્છે છે કે એ ત્રણ ઘણા સમય પછી મળ્યા છે તો પહેલાની જેમ કંઈક કરીએ, પરંતુ અવિ જવાબ આપે છે કે કશું જ પહેલાની જેમ નથી. અદિતિ પોતાની જિંદગીથી ખુશ છે, એ આટલા વર્ષ સુધી બનીને મળી નથી તો એ એની ફરિયાદો લઇને નથી બેઠી, જ્યારે અવિ કહે છે કે ઘણી બધી વાતોમાં ફેરફાર આવ્યો છે, અવિ આડકતરી રીતે બનીને મહેણું પણ મારે છે કે બની એટલું ફરે છે કે એ ભૂલી ગયો કે એ કઈ જગ્યાએ રહે છે. અવિ સમયની સાથે આવેલા પરિવર્તન સાથે ટેવાયો નથી, એની અપેક્ષા પૂરી થઈ નથી કે બની એની સાથે અત્યાર સુધી ન રહ્યો. દરેક ગમતી વ્યક્તિ કાયમ તમારી સાથે રહેતી નથી, દરેકને પોતાની જિંદગીમાં આગળ વધવાનું હોય છે, એ માટે ક્યારેક કોઈ એક તો નારાજ થાય જ છે, પણ, એનો મતલબ એ નથી કે દોસ્તી પૂરી થઈ ગઈ અથવા એ સંબંધ પૂરો થઈ ગયો. પરંતુ અવિ એ વાત સમજવા તૈયાર નથી. જ્યારે બની એમ કહે છે કે મિત્રોની વચ્ચે ક્યારેય કોઈ વસ્તુ બદલાતી નથી, ત્યારે અવિ કહે છે કે બની હવે એનો મિત્ર નથી. સમય સાથે આવતું પરિવર્તન આપણે સ્વીકારવું પડે છે, સામેની વ્યક્તિ જેને જાણ પણ નથી કે આપણને એની પાસેથી આટલી અપેક્ષાઓ હતી, એ વ્યક્તિને હમેંશા ફરિયાદો કરતાં રહેવાથી તો કશું જ મળવાનું નથી. અને મિત્રો વચ્ચે ગમે તેટલો ખરાબ સમય હોય પણ ક્યારેય કંઈ જ બદલાતું નથી, એ વસ્તુ આપણી ઉપર નિર્ભર કરે છે કે કેવી રીતે વાતને સમજવી અને કેવી રીતે એનો અર્થ કરવો. 





ઉદયપુરમાં ફરતી વખતે જ્યારે નૈનાને થાક લાગે છે ત્યારે એ બેસી જાય છે. પણ, બની એને ત્યાંથી ફટાફટ નીકળવા માટે કહે છે. નૈના કહે છે કે એ થાકી ગઈ છે અને ત્યાં બેસીને એને સારુ લાગે છે. બની જવાબ આપે છે કે બધુ જોઈ લઈશું પછી વધારે સારુ લાગશે. નૈના કહે છે બધી વસ્તુઓ એક દિવસમાં શક્ય ન બને ત્યારે બની એનું લિસ્ટ બતાવે છે કે ફક્ત આટલું બાકી છે, એ લિસ્ટ નૈના ફેંકી દે છે. ત્યારે પણ બની ફરિયાદ કરે છે કે જો એ લોકોને પાછળથી ખ્યાલ આવશે કે 'લાઇટ એન્ડ સાઉન્ડ શો' ખૂબ સારો હતો તો? ત્યારે નૈના કહે છે કે એ તો સારો જ હશે પણ, એ લોકો ત્યાંથી જતાં રહેશે તો એ સુંદર સૂર્યાસ્ત ચૂકી જવાશે. નૈના બનીને સમજાવે છે કે ગમે તેટલો પ્રયત્ન કરીએ, પણ, જીવનમાં કંઈક તો છૂટી જ જાય છે, તો જ્યાં હોઈએ ત્યાંનો જ આનંદ લેવો જોઈએ ને! આપણે બધા ભાગદોડમાં આપણી સામે જે છે એ વસ્તુ ભૂલી જઈએ છીએ, આપણી સામેની એ સુંદર વસ્તુ છે આપણો વર્તમાનકાળ, પ્રત્યેક પળે જિવાતી જિંદગી. ભવિષ્યકાળ સુધારવા માટે વર્તમાનકાળ જીવવાનું ભૂલી જઈએ છીએ. આ પળે ભૂલી જઈએ છીએ કે અત્યારે સામે છે એ પળ કેટલી સુંદર છે, આ સમય જશે પછી પાછો નહીં આવે, અને જે સમય હજુ આવ્યો પણ નથી એની ચિંતામાં આ ક્ષણની ખુશી મહેસૂસ કરવાનું ભૂલી જઈએ છીએ. બની નૈનાની સાથે એ પળની અંદર એ સુંદર સૂર્યાસ્ત જોઈને જીવનની અંદર નાની નાની ખુશીઓ અને વર્તમાનની ક્ષણને માણતાં શીખે છે. 





ઉદયપુર ફરીને પાછા વળતી વખતે બની નૈનાને પોતાના પિતાના મૃત્યુ વખતની વાત કરે છે. બનીને અફસોસ છે કે છેલ્લી વખતે એ પિતાને સરખી રીતે મળી ન શક્યો. એ નૈનાને કહે છે કે એને રંજ છે કે એના પિતા એને કહેતા હતા કે મળવા આવી જા, નૈનાની પાસે એ પોતાનાં દિલની વાત હલકી કરે છે કે એ વખતે બની કહે છે કે એના પિતાની વાત એણે સાંભળી લેવી જોઈતી હતી. અદિતિનાં લગ્ન પત્યાં પછી પાછા પેરિસ જતી વખતે બની એરપોર્ટ પર પોતે આઠ વર્ષ પહેલા શિકાગો જઈ રહ્યો હતો એ સમય યાદ કરે છે. બની એરપોર્ટ પરથી પોતાના ઘેર જાય છે. દીવાલ પર બનીની માતાની તસવીરની બાજુમાં એના પિતાની તસવીર લાગી ગઈ છે. એ ઘર જ્યાં બનીએ કેટલાય સમયથી પગ નથી મૂક્યો ત્યાં આટલા સમય પછી આવે છે ત્યારે યાદો ઘેરી વળે છે. જ્યારે શિકાગો જતી વખતે પિતાએ કહેલું પોતાની જિંદગી પોતાની શરતો મુજબ જીવવા વિશે. બની યાદ કરે છે કે એના પિતા ખુશ નહોતા કારણ કે એ દૂર જઈ રહ્યો હતો, તેમ છતાં પિતાએ એને પ્રોત્સાહન આપેલું કે જિંદગીમાં એક વાત યાદ રાખજે કે એ હમેંશા એની સાથે રહેશે. બની યાદ કરે છે એ સમય, પરંતુ બની એ સમયને પાછો લાવી શકે એમ નથી. બનીએ એનું સપનું પૂરુ કર્યુ છે, પણ, એના પિતા એની પાસે નથી અને એની સાવકી માને કહે છે કે એ થાકી ગયો છે ભાગીને, એણે સમયની કદર ન કરી અને એના પિતા આ દુનિયામાં નથી. સમય કોઈને માટે રોકાતો નથી. માણસ પોતાની સફર પૂરી થતાં વિદાય લે છે. રહી જાય છે ફક્ત યાદો અને દીવાલ પર તસવીરો. માણસ જીવતું રહેતું નથી ને દીવાલ પર એની તસવીર લાગી જાય છે, જેની પર ગમે તેટલાં સુખડનાં હાર ચડાવવાથી પણ એ વ્યક્તિ પાછી આવતી નથી. સમય સાથે દીવાલો અને તસવીરોનો રંગ ઝાંખો પડતો જાય છે અને એ યાદ કરીને આંખો ભીંજાઈ જાય છે. પરંતુ, દરેક વસ્તુનો યોગ્ય સમયે અંત આવે છે. આખરે અવિને પણ એ વાત સમજાયા બાદ એ પોતાનો ન ચાલતો બાર બંધ કરે છે, એ વખતે કહે છે કે એક આખુ વર્ષ પૂરુ થઈ રહ્યુ છે એ સાથે આ બારનો પણ બંધ થવાનો વખત આવ્યો છે.





અવિ જ્યારે બનીને કહે છે કે એ લોકો હવે મિત્રો નથી એ પછી બની નારાજ થાય છે. ત્યારે એ નૈનાને જુએ છે જેને પણ એ કેટલાંય વર્ષો પછી મળી રહ્યો છે. નૈના ઠંડા પાણીની અંદર પગ રાખીને બેઠી છે એ વખતે બની એ પાણીની અંદર પગ મૂકતાં ડરે છે. નૈના એને સમજાવે છે કે થોડો સમય આપવાથી બધુ સરખું થઈ જશે. થોડી વાતો કર્યા પછી નૈના પૂછે છે કે પાણી કેવું લાગે છે. એ વખતે બનીને પાણી બરાબર લાગે છે. નૈના ફરી યાદ દેવડાવે છે કે થોડો સમય આપવાથી બધુ સરખુ થઈ જશે. એ જિંદગી વિશેની શિખામણ આપે છે જ્યારે આપણે ક્યારેક હાર માની લઈએ છીએ. પણ, જરૂરત હોય છે થોડા સમયની. સમય ક્યારેય એકસરખો રહેતો નથી. ગમે તેટલો ઊંડો ઘા પણ રુઝાઈ જાય છે, ફક્ત એ માટે સમય લાગે છે. બની જ્યારે અદિતિ (કલ્કિ કોચલીન) સાથે વાત કરે છે કે એ તરણ (કુણાલ રોય કપૂર) સાથે લગ્ન કરવા જઈ રહી છે તો એ ખુશ છે કે નહીં. ત્યારે અદિતિ જવાબ આપે છે કે તરણ જીવનમાં આવ્યો એ પહેલાં એ ઠીક જ હતી. પરંતુ તરણને મળ્યા પછી એને અહેસાસ થયો કે ખુશ પણ રહી શકાય. અદિતિ કહે છે કે એકદમ સરળ વાત છે કે અમુક લોકોની સાથે ફક્ત સમય પસાર કરવાથી બધુ ઠીક થઈ જાય છે. એ વખતે બનીને અહેસાસ થાય છે કે એ પોતાનો સમય નૈનાની સાથે પસાર કરવા માંગે છે. બની જ્યારે પોતાના પિતા અને એનાં જિંદગીનાં અફસોસ વિશે એની સાવકી મા સાથે વાત કરે છે ત્યારે એની સાવકી મા પણ એમ કહે છે કે એને જે ગમતો હોય એ નિર્ણય લે, એ પછી બધુ ઠીક થઈ જશે. એ વખતે ફરી બનીને અહેસાસ થાય છે કે એ નૈના સાથે પોતાનો સમય વીતાવવા ઇચ્છે છે, અને એ પોતાની ડ્રીમ જોબની ઓફર છોડી નૈનાને પ્રપોઝ કરે છે એમ કહીને કે આ એ માટેનો યોગ્ય સમય છે, સમય કોઈને માટે રોકાતો નથી. સમય વીતતો જાય છે અને આપણે ખર્ચ થતાં જઈએ છીએ, એ પોતે ખર્ચ થઈ જાય એ પહેલાં નૈના સાથે સમય વીતાવવા ઇચ્છે છે. ફિલ્મની અંદર રહેલી બીજી આ પ્રકારની નાની સુંદર વસ્તુઓ યાદ દેવડાવવાં માટે ડિરેક્ટર અયાન મુખર્જીનો ખૂબ ખૂબ આભાર. 


  




નોસ્ટેલ્જિયા સંબંધિત પોસ્ટ્સ - 
આસમાની
અને
મિડનાઈટ ઈન પેરિસ (૨૦૧૧)

કેટલીક બીજી પોસ્ટ્સ - 

એપિક હગ સીન્સ - બોલીવુડ

બલમની પિચકારી અને જીવનનાં વિવિધ રંગો સાથે લેટ્સ પ્લે હોલી!

રાહ ન જુઓ - લતા હિરાણી

Monday 20 March 2017

મનપસંદ હિન્દી મૂવિઝ

ટ્વિટર પર મારા ફ્રેન્ડ પંકજ દ્વારા આ પ્રકારનું લિસ્ટ મૂકવામાં આવ્યું, 
જે વર્ષે તમારો જન્મ થયો હોય ત્યારથી અત્યાર સુધીની 
મનપસંદ હિન્દી ફિલ્મો, તો મેં પણ મારુ લિસ્ટ બનાવ્યું... 


સર્ટિફાઇડ કોપી (૨૦૧૦)



દરેક વ્યક્તિની કોઈપણ વસ્તુ કે બીજી વ્યક્તિને નિહાળવાની શક્તિ અને ક્ષમતા અલગ અલગ હોય છે. એક જ પ્યાલો કોઈને અડધો ભરેલો લાગે, કોઈને અડધો ખાલી લાગી શકે. કળા અને એમાં પણ ખાસ કરીને ચિત્રો કે મૂર્તિમાં ખાસ એ રીતે મતભેદ થતાં હોય છે. ઘણી વખત કલાકાર જે કહેવા માંગે એ વાત એકદમ જ સરળ હોય એવું પણ બને, અને ક્યારેક ખ્યાલ જ ન આવે. એક જ ચિત્ર કે પ્રતિમાને કોઈ એક વ્યક્તિ અલગ રીતે જુએ, કોઈ બીજી વ્યક્તિ એથી પણ અલગ રીતે જુએ એ પણ બની શકે. ઘણી વખત કળાની અંદર એવું થતું હોય છે કે આ વસ્તુ અસલી કે મૂળ કૃતિ છે અને બીજી વસ્તુઓ એની નકલ છે. પણ, એ પણ બની શકે કે જેને મૂળ કૃતિ માનવામાં આવતી હોય એ પણ નકલ હોઈ શકે! કળાનું યથાર્થ અર્થઘટન કરવું ક્યારેક ખૂબ મુશ્કેલ બની જાય છે. આ પ્રકારની સમજશક્તિમાં થોડો પણ રસ ધરાવતા લોકો આ ફિલ્મ નિહાળી અથવા માણી શકશે! 

અંગ્રેજ લેખક જેમ્સ (વિલિયમ શિમેલ) પોતાની લખેલી પુસ્તકનાં ઇટાલિયન અનુવાદનાં વિમોચન વખતે ઇટાલી આવે છે ત્યારે મુલાકાત થાય છે એક સ્ત્રી (જુલિયેટ બિનોચે) સાથે, જેના પાત્રનું ફિલ્મનાં કોઈ જ ડાયલોગ્સમાં નામ જ નથી! બંને નજીકમાં ફરે છે, વાતો કરે છે, મ્યુઝિયમની મુલાકાત લે છે. કળા વિશે અલગ અલગ મત ધરાવે છે, અને એક આખો દિવસ બંને એકબીજાની સાથે પસાર કરે છે એ વિષય પર છે આ ફિલ્મ, એ સિવાયનું કહેવું 'ફિલ્મ સ્પોઈલર્સ' ગણાશે, તો રસ હોય તો ફિલ્મ જોવી.  

ઇરાનિયન ડિરેક્ટર અબ્બાસ કિયારોસ્તામીની આ ફિલ્મનું મૂળ ટાઇટલ 'કોપીએ કન્ફોર્મે' છે. ફિલ્મનાં ડાયલોગ્સ ક્યારેક ફ્રેન્ચ, ક્યારેક ઇટાલિયન અને ક્યારેક અંગ્રેજીમાં છે. ૨૦૧૦માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જુલિયેટ બિનોચેને આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળેલો. એનું પાત્ર એણે ખૂબ ઝીણવટપૂર્વક ભજવ્યું છે, નાનામાં નાની વસ્તુનું ખાસ ધ્યાન રાખીને. બીજી ખાસ વસ્તુ એ છે કે વિલિયમ શિમેલ પણ એક્ટર નથી, એ ઓપેરા સિંગર છે. ડિરેક્ટર દ્વારા એ બધી વસ્તુઓ ખાસ રીતે કાળજી રાખીને આ સુંદર અને ઉત્તમ ફિલ્મ બનાવી છે. ફિલ્મની અંદર અમુક વસ્તુઓ ખ્યાલ નહીં આવે, જે રીતે આગળ કહ્યુ એ રીતે જ. દરેક માણસનો મત અલગ રહેશે કે આમ નહીં ને આમ છે, કારણ કે આ એ પ્રકારની ફિલ્મ છે, જેની અંદર ખૂબ સમજવું પડશે. ફક્ત વર્લ્ડ સિનેમાની અંદર રસ ધરાવતા લોકોને જ ફિલ્મ જોવા માટે ભલામણ... 


Wikipedia Page -